કશ્મીર મુદ્દે રાજકારણ વચ્ચે રાજકીય ગઠબંધનો

રાજકીય મજબૂરી હતી એટલે કશ્મીરના મુદ્દે એક અઠવાડિયા સુધી બધા જ રાજકીય પક્ષોએ સહમતી રાખી. એકબીજાની ટીકા સંયમિત શબ્દોમાં કરી, પણ આખરે ‘ટીકાવિરામ’ તૂટી પડ્યો અને આક્ષેપબાજી શરૂ થઈ ગઈ. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર ત્રાસવાદી હુમલો થયો તે પછી કલાકો સુધી વડાપ્રધાનને કાંતો જાણ નહોતી કરાઈ અથવા જાણ કરાઈ તે પછીય તેઓ ફિલ્મનું શુટિંગ કરતાં રહ્યા તેનો વિવાદ કોંગ્રેસે જગાવ્યો છે. હુમલા પછી ભાજપના નેતાઓએ તેમની સભાઓ ચાલુ રાખી હતી. વડાપ્રધાને નવી ટ્રેનનું ઉદ્ધાટન પણ કર્યું. આગામી દિવસોમાં આ મુદ્દે પણ ભારે ટીકાનો મારો ચાલવાનો છે તે નક્કી.
આ રાજકીય મજબૂરી છે – કાશ્મીરના મુદ્દે કોણ વધારે છાતી ઠોકી શકે છે તેની હરિફાઇ ચાલે છે. પાકિસ્તાનને પાઠ ભણાવવામાં પોતે એક્કા છે એવું છાતી ઠોકી ઠોકીને જુદા જુદા પક્ષના નેતાઓ કરી રહ્યા છે ત્યારે પ્રજા મોં વકાસીને સાંભળી રહી છે. પ્રજાને અચરજ થાય છે કે આજ સુધીમાં પાકિસ્તાનને ભાગ્યે જ કશો પાઠ ભણાવી શકાયો છે, ત્યારે આ નેતાઓ શેની વાતો કરી રહ્યા છે? પાકિસ્તાનના બે ટુકડા કરી નખાયા અને બે યુદ્ધોમાં તેને હરાવાયું તે વાત સાચી છે, પણ પાકિસ્તાન આજેય કાંટો બનીને પગમાં ખૂંચી રહ્યો છે. પાકિસ્તાનનો એ કાંટો હવે કપાસી બની ગઈ છે અને ભારતના ડગ કાયમ આ મામલે થોડા ખોડંગાતા રહે છે.
કાશ્મીર અને પાકિસ્તાન, ત્રાસવાદનો સામનો અને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સાથે સંબંધો અને પડોશી દેશો સાથે સંબંધો, મૂળભૂત આર્થિક નીતિ, નાગરિક નીતિ અને ચૂંટણી પ્રક્રિયાની સ્વચ્છતા વગેરે જેવા મુદ્દે સર્વસંમતિ હોવી જોઈએ. સર્વસંમતિ સધાઈ નથી અને તેના કારણે કાશ્મીર અને પાકિસ્તાન મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા ચાલે છે. માથે ચૂંટણી છે અને પુલવામા બનાવનો ફાયદો કેવી રીતે ભાજપને મળી જશે તેની ચિંતા વિપક્ષને પેઠી છે. કશું નહિ કરીએ તો કેવી રીતે નુકસાન થશે તેનો ફફડાટ ભાજપના નેતાઓમાં પણ છે.
એવી જ સ્પર્ધા ગઠબંધનો કરવા માટેની પણ છે, કેમ કે રાજકીય મજબૂરી છે. એકલે હાથે ચૂંટણી લડી શકાય તેવો જમાનો જતો રહ્યો છે. એકબીજા સાથે ફાવતું હોય કે ના ફાવતું હોય નેતાઓએ હાથ જોડીને હાથ મેળવવા પડી રહ્યા છે. પુલવામા બનાવના પડછાયા નીચે ગયા અઠવાડિયે બે રાજ્યોમાં બે મહત્ત્વના ગઠબંધનોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ.
સૌથી ધ્યાન ખેંચનારી જાહેરાત મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની થઈ.  બે દોસ્તો વચ્ચે આટલી ગાળાગાળી ભાગ્યે જ ક્યારેય જોવા મળી હશે. આખરે બંને પક્ષોને રાજકીય મજબૂરી સમજાય ગઈ અને લોકસભાની સાથે જ વિધાનસભાની આગામી ચૂંટણી માટે સમજૂતિની જાહેરાત કરી દેવામાં આવી. મામલો હકીકતમાં પાછળથી આવનારી વિધાનસભા ચૂંટણીનો જ હતો. 1995માં ભાજપ અને શિવસેના સાથે લડ્યા ત્યારે સેના મોટો પક્ષ હતો. 222માંથી સેના 167 બેઠકો પર અને ભાજપ 116 બેઠકો પર લડ્યો હતો. બે દાયકા પછી સ્થિતિ બદલાઈ ગઈ. ભાજપ હવે વધુ બેઠકો માગતો હતો. શિવસેના સમાધાન કરીને ફિફ્ટી ફિફ્ટી પર આવવા તૈયાર હતો, પણ સમાધાન થઈ શક્યું નહોતું. તેથી 2014માં લોકસભા સાથે લડ્યા પછી 2016ના પ્રારંભની વિધાનસભા ચૂંટણીમાં બંને અલગ લડ્યા. ભાજપ તેમાં સદી ફટકારી શક્યો હતો, પરંતુ સરકાર બનાવવા માટે 62 બેઠકો સાથે બીજા નંબરે રહેલા સેનાનો સાથ લેવો જરૂરી હતો. શિવસેનાને અફસોસ રહી ગયો કે તેને સમાન ભાગીદારી ના મળી, નાયબ મુખ્ય પ્રધાનપદ ના મળ્યું, કેન્દ્રમાં પણ જોઈએ તેવા ખાતાં ના મળ્યાં.
તેથી ચાર વર્ષ સતત સેનાએ ભાજપની આકરી ટીકા કરવાનું ચાલુ રાખ્યું. આ વખતે લોકસભાની 23 બેઠકો સેના લડશે, જ્યારે 25 ભાજપ લડશે. એ જ રીતે દોઢેક વર્ષ પછી આવનારી વિધાનસભાની બેઠકમાં બંને સમાન બેઠકો પર લડશે એટલે કે ફિફ્ટી ફિફ્ટી. 2014 અને 2016માં ભાજપ ફાવ્યો હતો, કેમ કે કોંગ્રેસ અને એનસીપી પણ અલગ અલગ લડ્યા હતા. સેનાની જેમ શરદ પવારની મહત્ત્વાકાંક્ષા પણ વધી હતી. તેમને લાગતું હતું કે નબળી પડી ગયેલી કોંગ્રેસનું સ્થાન પોતે લઈ શકશે. તેવું થયું નથી. એનસીપી પણ 50થી ઓછી બેઠકો સાથે નાના પ્રાદેશિક પક્ષ જેવો જ રહી ગયો હતો. એનસીપીએ રાજકીય મજબૂરી ખાતર કોંગ્રેસનો સાથ આપવાનું નક્કી કર્યું હતું. તેથી ભાજપ અને સેનાએ પણ હવે દોસ્તી કરી લેવી જરૂરી બની હતી.
મજાની વાત એ છે કે સેનામાં હવે ત્રીજી પેઢી શક્ય બની છે. બાલ ઠાકરેનો વારસો પુત્ર ઉદ્ધવ ઠાકરે બરાબર સંભાળી શકશે નહિ એમ ઘણાને હતું. તેના બદલે ભત્રીજા રાજ ઠાકરે વધારે તેજતર્રાર મનાતા હતા. જોકે આજે રાજ ઠાકરે એટલા મજબૂત રહ્યા નથી. બીજી બાજુ ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેને હવે આગળ કરવામાં આવી રહ્યા છે. ભાજપ સાથે આખરે સમજૂતિ કરી લેવામાં આદિત્ય ઠાકરેની ભૂમિકા સૌના ધ્યાને ચડી છે. દરેક બેઠકમાં તેમને હાજર રખાયા હતા. પ્રશાંત કિશોર થોડા વખત પહેલાં માતોશ્રીની મુલાકાતે આવ્યા હતા. તે વખતે તેમણે ભાજપ અને સેનાને ગણિત સમજાવ્યું હશે. બંને જુદા લડશે તો બંને ખતમ થઈ જશે એવા આંકડાં તેમણે દર્શાવ્યા હોવાનું માનવામાં આવે છે.

આદિત્ય ઠાકરે

પ્રશાંત કિશોરે પણ આદિત્ય ઠાકરે સાથે ચર્ચાઓ કરી હોવાનું મનાય છે. સમજૂતિ પછી પત્રકાર પરિષદ થઈ ત્યારે પણ આદિત્યની હાજરી સ્ટેજ પર સૌનું ધ્યાન ખેંચતી હતી. 28 વર્ષના આદિત્ય હવે તેમના પિતા માટે મુખ્ય સલાહકારની ભૂમિકામાં હોય તેમ સૌને લાગી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે રસ લઈને વાતચીત કરી રહ્યા હતા. તેનો અર્થ એ કે પિતા કરતાં પુત્ર આદિત્ય સાથે મુખ્ય પ્રધાને સંપર્કો જાળવી રાખ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેની આકરી વાણી પછીય સમાધાન થઈ શક્યું છે.
દરમિયાન આદિત્ય ઠાકરેએ હાલમાં જ સોશ્યલ મીડિયામાં મૂકેલો મેસેજ પણ બહુ ધ્યાન ખેંચી રહ્યો છે. પુલવામા બનાવ પછી જુદા જુદા રાજ્યોમાં ભણી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવાનોને માર પડી રહ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ ખોટું છે. તેમણે પોતાના જ પક્ષના કાર્યકરોને પણ ઠપકો આપ્યો અને કહ્યું કે કોઈ જાતની દાદાગીરી કરવામાં નહિ આવે. દાદાગીરીની ભાષા માટે જાણીતા સેનાના નવી પેઢીના નેતાની આ વાણી ઘણાને ચોંકાવનારી લાગી છે. રાજ ઠાકરે મુંબઈમાં થતાં ઉત્તર ભારતીયોના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા છે તેના જેટલી જ આ ચોંકાવનારી વાત ઘણાને લાગી છે.
પણ રાજકીય મજબૂરી નેતાઓ પાસે શું ના કરાવે તે સવાલ હોય છે. તામિલનાડુમાં પણ ભાજપે એઆઇએડીએમકે સાથે સત્તાવાર સમજૂતિની જાહેરાત કરી દીધી. ભાજપને પાંચ બેઠકો ફાળવવામાં આવી છે. કેટલાક નાના પક્ષો પણ છે, પણ સૌથી વધારે બેઠકો પર જયલલિતાનો પક્ષ જયલલિતાની ગેરહાજરીમાં લડશે. જયલલિતાએ વાજપેયી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લઈને તેને પાડી દીધી હતી. 1999ની એ વાત છે. 1998માં ભાજપ અને જયલલિતા વચ્ચે સમજૂતિ થઈ હતી, જે સુબ્રમણિયમ સ્વામીએ તોડાવી નાખી હતી. તેના કારણે 1999માં ચૂંટણી આવી હતી. તેમાં ભાજપે ડીએમકે સાથે સમજૂતિ કરવાનો પ્રયોગ કર્યો હતો. તે પ્રયોગ ચાલ્યો નહોતો અને જયલલિતા એકલે હાથે જીતી ગયા હતા.
1999 પછી ડીએમકેને પણ લાગ્યું કે ભાજપ કરતાં કોંગ્રેસ સાથે જ તેને વધારે ફાવશે. તેથી 2004 આવતા સુધીમાં ડીએમકે અને કોંગ્રેસ સાથે થયા, જ્યારે ભાજપ હવે એકલો પડી ગયો. દસ વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી, પણ સાથી પક્ષ ડીએમકેના પ્રધાનોના કૌભાંડોને કારણે ભારે બદનામી વહોરવી પડી. તેથી 2014માં ચિત્ર ફરી બદલાયું અને ડીએમકે તથા કોંગ્રેસ અલગ લડ્યા. ફરી એકવાર જયલલિતા અને મોદીની આગેવાની હેઠળના ભાજપ વચ્ચે દોસ્તી થઈ. ભાજપને 1 અને જયલલિતાના પક્ષને 37 બેઠકો મળી ગઈ. મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપ મોટો ભા થઈ ગયો હતો, તેવી સ્થિતિ હવે તામિલનાડુમાં છે. જયલલિતાની ગેરહાજરીમાં તેમનો પક્ષ વામણો લાગે છે અને ભાજપ મોટો ભા લાગે છે. જોકે બેઠકોની ફાળવણીમાં જમીન પરની વાસ્તવિકતાને ધ્યાનમાં રખાઈ છે અને ભાજપને પાંચ જ બેઠકો અપાઈ છે, પણ આ વખતે મજબૂરી ભાજપની નહિ, પણ જયલલિતાના પક્ષની હતી તે સ્પષ્ટ છે.
સાથે જ કરુણાનિધિની ગેરહાજરીમાં તેમના પક્ષે પણ રાજકીય મજબૂરી સમજીને ફરીથી કોંગ્રેસનો સાથે લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસની રાજકીય મજબૂરી તો સ્વંય સ્પષ્ટ છે. જે પક્ષના કારણે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને 2014માં સત્તા ગુમાવવી પડી, તેનો જ હાથ ફરીથી પકડવો કોંગ્રેસની મજબૂરી છે. જોકે કોંગ્રેસ કહી શકે છે કે 2જી સ્કેમ અદાલતમાં સાબિત થયું નથી અને કનીમોઝી અને એ. રાજા નિર્દોષ છુટ્યા છે. ના છુટ્યા હોત તો પણ રાજકીય મજબૂરીમાં બંને પક્ષોએ સાથે મળીને જ ચૂંટણી લડી હોત તેમ લાગે છે.
તામિલનાડુમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ગઠબંધનોની જાહેરાત થઈ તે સાથે જ રજનીકાંતની પણ જાહેરાત આવી કે તેઓ ચૂંટણી લડવાના નથી. બીજી બાજુ કમલ હાસને સ્વતંત્ર રહીને બધી બેઠકો લડવાનું નક્કી કર્યું છે. જોકે બે મજબૂત રાષ્ટ્રીય અને બે મજબૂત પ્રાદેશિક પક્ષો વચ્ચે ગઠબંધન પછી બે સુપરસ્ટાર ફિલ્મસ્ટારો કેટલી રાજકીય તાકાત દેખાડી શક્યા હોત તે પણ સવાલ છે. હવે બેમાંથી એકનું પાણી મપાશે, કેમ કે એક પ્રથમથી જ પાણીમાં બેસી ગયા.
હવે સવાલ એ છે કે ચૂંટણી સુધી કશ્મીર, પાકિસ્તાન અને ત્રાસવાદનો જ મુદ્દો ચાલ્યા કરશે કે ફરી ગઠબંધનો મહત્ત્વના બનશે? જય જવાન, જય કિસાનમાં કિસાન ફરી ભૂલાઈ જશે અને માત્ર જવાનના નામે રાજકારણ થયા કરશે? એકાદ અઠવાડિયું રાહ જુઓ, પશ્ચિમ બંગાળ, આંધ્ર, તેલંગાણા, ઓડિશા, અને દિલ્હી-પંજાબ-હરિયાણામાં કોણ કોની સાથે ગઠબંધન કરે છે તે પછી હવાની દિશા કદાચ થોડી બદલાય પણ ખરી…