લાભનું પદ – આમ આદમી પાર્ટીને ફાયદો થઈ જશે?

મ આદમી પાર્ટી છે નવી પણ બહુ રીઢી હોય તેવું લાગે. કેજરીવાલ પાક્કાં ખેલાડી છે. તેમની ચાલ શરુ હશે તેનાથી હરીફો ગભરાતા હોય છે. નફાની કચેરીમાં પક્ષના ધારાસભ્યોને બેસાડવાના મુદ્દે કેજરીવાલે કેમ જોખમ લીધું તે ઘણાંને સમજાતું નથી. નફાનું કાર્યાલય એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ કોઈ ચૂંટાયેલા સભ્ય પાસે ન હોવું જોઈએ. સત્તામાં તમે આવો એટલે નફો જ નફો છે. તેમાં વળી લાભકારક પદ શું અને બિનલાભકારક પદ એટલે શું!આમ છતાં નિયમો હંમેશા આદર્શને ધ્યાનમાં રાખીને ઘડાતાં હોય છે. આદર્શ સ્થિતિ એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો કોઈ લાભના પદ પર ન બેસે. સરકારી સંસ્થાઓમાં ફાયદો થવાનો હોય, પગાર મળવાનો હોય કે વગ ઊભી થવાની હોય તેવા હોદ્દા પર નિમણૂક ન થાય તે માટે કાયદા બનેલાં છે. રાજકારણી જીતીને ધારાગૃહોમાં પ્રવેશ ત્યારે તેની પાસેથી અપેક્ષા હોય છે તે નાગરિકોના હિતમાં કામ કરે. તેના પર દબાણ પણ ન હોવું જોઈએ અને લાલચ પણ ન હોવી જોઈએ. સરકાર ધારાસભ્યને ઊંચા વળતરવાળો કે બહુ ફાયદાવાળો સરકારી તંત્રનો હોદ્દો આપે તો તે લાલચમાં પણ આવી શકે.

જોકે તેમાં અપવાદ કરવા પડે. પ્રધાનોને બંગલાં, ગાડી, નોકરચાકર અને ખર્ચ કરવાની સત્તા આપવી પડે. તેથી પ્રધાન જેવા ઘણાં બધા હોદ્દાને લાભના હોદ્દા ગણાતા નથી. આવા પદને કે કાર્યાલયને નફાનું કાર્યાલય ગણવામાં ન આવે. તેથી એક જમાનામાં જે પણ દબાણ કરે તેને પ્રધાન બનાવી દેવાતા હતાં. જંગી પ્રધાનમંડળો બનવા લાગ્યાં ત્યારે કાયદો કરવો પડ્યો. હવે માત્ર ધારાગૃહના 15 ટકા સભ્યોને જ પ્રધાન બનાવી શકાય. તેથી પ્રધાન જેવા લાભો આપવા, બંગલા અને ગાડી આપવા તથા વટ પાડવા માટે સંસદીય સચીવો નીમવામાં આવે છે.

મુખ્યપ્રધાનને તથા પ્રધાનોને વહીવટમાં મદદરૂપ થવાના ‘ઉમદા’ હેતુથી સંસદીય સચીવ – અંગ્રેજીમાં પાર્લામેન્ટરી સેક્રેટરી – નીમવામાં આવે છે. ગુજરાતમાં રૂપાણી સરકારે છેલ્લે છેલ્લે કેટલાક ધારાસભ્યોને સંસદીય સચિવો બનાવ્યાં હતાં તે યાદ હશે.

દેશના બીજા રાજ્યોથી દિલ્હીનું રાજ્ય અલગ પડે છે. તે સંપૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. દિલ્હી રાજધાની હોવાથી દિલ્હીની પોલીસનો કબજો પણ રાજ્ય સરકાર પાસે નથી. નિગમો બનાવવા કે તેમાં નિમણૂકો કરવી તેવા અધિકાર પણ દિલ્હીની રાજ્ય સરકાર પાસે નથી. મર્યાદિત અધિકારો હોવાથી કેજરીવાલ અને તેના પ્રધાનો વારંવાર દિલ્હીની કેન્દ્ર સરકાર સાથે બાખડે છે. કેન્દ્ર સરકાર અમને કામ કરવા દેતી નથી એ તેમનો કાયમી સૂર છે.

અમને કામ કરવા દેવાતું નથી અને સૌ અમારી પાછળ પડી ગયા છે તેવી ભોગ બનેલાના રોદણાં રોવાનું આમ આદમીને ફાવે છે. સૌ મારી પાછળ પડી ગયાં છે તેવું મોટા નેતાઓ પણ કહેતા હોય છે. જો તમે સિફતપૂર્વક આવી સ્થિતિ ગોઠવી દો કે તમે બહુ સારું કામ કરો છો એટલે કોઈને ગમતા નથી. ઓફિસમાં પણ આવી સિફતપૂર્વકની ગોઠવણ કામ આવતી હોય છે. રાજકારણમાં વધારે કામ આવે.

આમ આદમી પાર્ટીએ અત્યારે આ જ વલણ લીધું છે. દિલ્હીમાં આપને મળેલી બહુમતી ઐતિહાસિક હતી. 70માંથી માત્ર 3 બેઠકો ભાજપને મળી. બાકીની 95 ટકાથી વધુ બેઠકો આપને મળી હતી. પરંતુ તે પછી આવેલી લોકસભાની ચૂંટણીમાં ગજા કરતાં વધારે જોર કરેલું અને તેમાં સફળતા મળી નહોતી. ખુદ દિલ્હીની લોકસભાની સાતેસાત બેઠકો ભાજપને મળી ગઈ હતી. તે પછી આપનું ભવિષ્ય શું તે સવાલ ભાજપ અને કોંગ્રેસ બંનેએ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિકલ્પ પ્રજા શોધતી રહી છે. તે માટે પ્રાદેશિક પક્ષો ઊભા થતા રહ્યાં છે, પણ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ વિકલ્પ બને તો દેશના રાજકારણમાં મોટા પલટા આવે.

રાજકારણમાં આટલા મોટા પલટા માટે સ્થાપિત હિતો તૈયાર હોતાં નથી. પરિવર્તન ધીમી ગતિએ આવે તે સૌને માફક આવે છે. તે સંજોગોમાં પાંચ રાજ્યોની ચૂંટણી આવી તેમાંથી માત્ર પંજાબમાં કંઇક નોંધ લેવી પડે સ્થિતિએ આપ પહોંચ્યો હતો. ગોવા જેવા રાજ્યમાં પણ ધાર્યું નિશાન પાર પડ્યું નહીં તે પછી આમ આદમી પાર્ટી માટે ફરી કોઈ મુદ્દે જોરદાર ઝૂંબેશ ચલાવવી જરૂરી છે.

આવી તક તેને મળી ગઈ છે એમ કહી શકાય? પક્ષના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચે ગેરલાયક ઠરાવ્યાં. રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. હવે શું?જે કંઇ છે તે હવે જ છે. કેમ કે આવું કંઈક થશે તેવો અણસાર, અણસાર નહીં, ખાતરી આમ આદમી પાર્ટીને હતી. 2016માં દિલ્હી હાઇકોર્ટમાં આ મામલો ગયો હતો. તે વખતે જ કોર્ટે ચૂકાદો આપી દીધો હતો કે 21 ધારાસભ્યોને અયોગ્ય રીતે સંસદીય સચીવપદ આપીને લાભનું પદ અપાયું છે. તે પછી આટલો સમય આમ આદમી પાર્ટી રાહ જોઈને બેઠી હતી કે હવે આગળ શું થાય છે. હકીકતમાં સરકાર બની અને મોટી સંખ્યામાં પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવાયા ત્યારે જ કેટલાકે ચેતવણી આપી હતી. પૂર્ણ કક્ષાનું રાજ્ય નહીં હોવાથી આવી કોઈ જોગવાઈ દિલ્હી સરકારમાં નહોતી. છતાં ચેતવણી અવગણીને કેજરીવાલે નિમણૂક કરી હતી. અમુક પદને ઓફિસ ઓફ પ્રોફિટની વ્યાખ્યામાંથી બાદ રાખી શકાય છે. તે માટેનો કાયદો તૈયાર કર્યો ત્યારે રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢ્યો. તે વખતે જ પક્ષે આ મામલો પડતો મૂક્યો હોત તો ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા સુધી મામલો કદાચ પહોંચ્યો ના હોત.

પણ કદાચ આમ આદમી પક્ષ ઇચ્છે છે કે તેમને વિક્ટિમહૂડ મળે. સૌ અમારી પાછળ પડી ગયાં છે એવી છાપ ઊભી થાય તેનો ફાયદો થઈ પણ શકે છે. દિલ્હીમાં આપની છાપ નબળી પડી છે ત્યારે કેવું કામ કર્યું છે તેવા મુદ્દે ફરી ચૂંટણી લડવી અનુકૂળ ના પડે. તેના બદલે ભળતાં જ મુદ્દે ચૂંટણી લડવાનો વ્યૂહ કામ આવતો હોય છે. આપણે ભળતા જ મુદ્દે ચૂંટણી લડાતી જોતાં આવ્યાં છીએ. ભળતા જ મુદ્દે, ભળતા જ પરિણામો આવતાં રહ્યાં છે. વિકાસ કરીને કોઈ સરકાર કદી જીતતી નથી અને ભ્રષ્ટાચાર કર્યા પછીય હારનો ડર હોતો નથી. સરકારોને લોકો બદલી નાખે ત્યારે ભળતાં જ મુદ્દે બદલી હોય તેમ લાગતું હોય છે. આમ આદમી પક્ષ છે નવો, પણ ભારતીય રાજકારણની આ જૂનો દાવ શીખીને જ આવ્યો છે. જોઈએ આ દાવ તેને કેવી રીતે કામ આવે છે.