આવતા વર્ષના એપ્રિલમાં આવશે ૧૦૦ રૂપિયાની નવી નોટ

૫૦૦ રૂપિયાની ચલણી નોટોને નવી ડિઝાઈન સાથે ચલણમાં મૂક્યા બાદ ભારતીય રીઝર્વ બેન્ક હવે ૧૦૦ રૂપિયાની નવી કરન્સી નોટ ઈસ્યૂ કરવાની છે.

દેશની મધ્યસ્થ બેન્ક ૧૦૦ રૂપિયાની નવી નોટની છપામણીની પ્રક્રિયા આવતા વર્ષના એપ્રિલની આસપાસ શરૂ કરે એવી ધારણા છે.

આરબીઆઈ હાલ ૨૦૦ રૂપિયાની બેન્ક નોટ્સનું પ્રિન્ટિંગ કરી રહી છે. એ પૂરું થયા બાદ ૧૦૦ રૂપિયાની નોટ્સનું પ્રિન્ટિંગ શરૂ કરાશે.

હાલની ૧૦૦ રૂપિયાની નોટનું શું થશે

રીઝર્વ બેન્કના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ૧૦૦ રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ આવતા વર્ષે ચલણમાં મૂકાયા બાદ જૂની નોટ પણ ચલણમાં જ રહેશે. એને ધીમે ધીમે ચલણમાંથી હટાવી લેવામાં આવશે. ૧૦૦ની નવી નોટને સર્ક્યૂલેશનમાં મૂકાયા બાદ કેશ ફ્લોને કોઈ માઠી અસર નહીં પડે એવો તેમનો દાવો છે.

નવી નોટની સાઈઝ બદલાશે નહીં

નોટબંધી નિર્ણય લાગુ થયા બાદ એના કથિત ફિયાસ્કોમાંથી ભારતીય રીઝર્વ બેન્કે બોધપાઠ લીધો હોય એવું લાગે છે. એણે નક્કી કર્યું છે કે તે ૧૦૦ની નવી નોટની સાઈઝમાં કોઈ ફેરફાર નહીં કરે. તેથી એટીએમ મશીનો યૂઝર્સને શરૂઆતથી નવી ડિઝાઈનવાળી ૧૦૦ની નોટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકશે.

ગયા વર્ષની ૧૬ ડિસેંબરે રીઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે તે દેશની તમામ ચલણી નોટોની ડિઝાઈનમાં ફેરફાર કરશે.

ત્યારથી એણે ૫૦૦ અને ૫૦ની નોટોની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે અને ૨૦૦ તથા ૨૦૦૦ના નવા મૂલ્યવાળી નોટ બહાર પાડી છે.

દેશો શા માટે કરન્સી નોટ્સની ડિઝાઈન બદલે છે

ચલણી નોટોની સંઘરાખોરી, ભ્રષ્ટાચાર રોકવા અને કરચોરોની પહેચાન કરવા માટે દેશો કરન્સી નોટોની ડિઝાઈન બદલે છે.

ભારત સરકારે ગયા વર્ષના નવેંબરમાં સીમાચિન્હરૂપ નિર્ણય લઈને ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટોને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી હતી. એમ કરવા પાછળનો સરકારનો હેતુ કાળા નાણાંનો તાગ મેળવવાનો હતો. એ વખતે આ બે મૂલ્યની ૮૬ ટકા નોટો વ્યવહારમાં હતી.

રીઝર્વ બેન્કનો દાવો છે કે નોટબંધી લાગુ કરાયા બાદ ૧૦૦૦ના મૂલ્યની ૯૯ ટકા પ્રતિબંધિત નોટ્સ બેન્કોમાં પરત થઈ ચૂકી હતી.