અનામતના નામે કોણ ચરી ગયું?

મે એક વ્યક્તિને અનેકવાર મૂર્ખ બનાવી શકો છો. ઘણા બધાને એક વાર મૂર્ખ બનાવી શકો છો. પણ બધા લોકોને વારંવાર મૂર્ખ ના બનાવી શકો. આ પંક્તિમાં વિશ્વાસ ના બેસે તેવી ઘટના ભારતમાં બની છે. ભારત એટલે જ અનોખો દેશ છે. અહીં એવું બની શકે જેની કલ્પના ના થાય. ફેક્ટ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. કલ્પના કરતાંય વાસ્તવિકતા વિચિત્ર હોય છે. કલ્પનામાં તમારી કલ્પનાશક્તિની મર્યાદા આવી જાય છે, વાસ્તવિકતામાં ભૌતિક અને કુદરતી નિયમોની પણ મર્યાદા ક્યારેક રહેતી નથી. રેતી જેવા પદાર્થ સાથેની પાણીની ધાર આરસને કાપી નાખે છે – એક્સપર્ટને પૂછી જોજો.અનામત હટાવવાની માગણી સાથે અજાણ્યા લોકોએ આપેલા ભારત બંધના આંદોલનમાં કંઈક એવું જ થયું છે. રહસ્ય ઊભું થયું છે કે આ માટેનો મેસેજ કોણે ફરતો કર્યો અને તેની પાછળનો ઇરાદો શું હતો. સરકારે એલર્ટ જાહેર કરીને બંધ ન રહે તે માટે રાજ્યોને સાવધ કર્યાં હતાં. તેના કારણે મોટા ભાગના રાજ્યોમાં બંધની અસર થઈ નહોતી, પણ કેટલાક રાજ્યોમાં થઈ. બીજી બાજુ સરકારે એલર્ટ શા માટે જાહેર કરી તે પણ જરાક શંકા જાય તેવું છે. એલર્ટ જાહેર કરવાને કારણે મેઇનસ્ટ્રીમ મીડિયાએ સોશિઅલ મીડિયામાં ફરતા મેસેજની નોંધ લેવી પડી. આડકતરી રીતે તેને અનુમોદન મળી ગયું. જેમના સુધી મેસેજ નહોતો પહોંચ્યા તેમના સુધી પણ પહોંચ્યો.

ગણેશને દૂધ પીતાં કરવામાં કોને રસ હતો તેનું રહસ્ય કદી જાહેર નહીં થાય, તેમ સોશિઅલ મીડિયામાં બંધ રાખવાનો છે એવી મીસચીફ કોણે ફેલાવી હતી તેનું રહસ્ય જાણવા પણ કોશિશ નહીં થાય. અથવા તો આ પણ એક કોરી કલ્પના જ હોય અને અનાયાસે કોઈએ કરેલી મસ્તી વ્યાપક થઈ અને થોડું નુકસાન કરી ગઈ તેવું પણ બની શકે.કોઈએ ઇરાદાપૂર્વક સોશિઅલ મીડિયાનો ઉપયોગ દૂધ પીતાં ગણેશ જેવી ઘટનાનું પુનરાવર્તન કરવા માટે કર્યો; અથવા તો સોશિઅલ મીડિયામાં મોકળું મેદાન જોઈને રખડવા આવી ચડેલા નાદાન લોકોનું અટકચાળું આખા દેશમાં ફેલાઈ ગયું. આ બેમાંથી કોઈ એક સાચી વાત હશે તેવી કલ્પના છે. કે પછી કલ્પના કરતાંય જુદી કંઈક વાસ્તવિકતા હશે. બે ધારેલી અને એક અણધારી ત્રણેયમાંથી જે પણ સ્થિતિ હોય, ત્રણેયમાં વિચાર કરવા જેવો છે.

સોશિઅલ મીડિયાની આ એક એવી ધાર છે, જે અસ્ત્રાની જેમ વાગી જાય અને થોડી વાર પછી ખબર પડે કે લોહી નીકળ્યું છે. કોઈ પણ બંધનું એલાન આપવામાં આવે ત્યારે તેની પાછળ કોઈ સંસ્થા, સંગઠન, જૂથ, પક્ષ કે વ્યક્તિ હોય છે. હોવી જોઈએ. કોઈને જવાબદાર ઠેરવી શકાય, જેમની પાસે કારણો અને જવાબ માગી શકાય કે બંધ શા માટે તેવું એક સ્થાન હોવું જોઈએ. અનામતનો વિરોધ કરવા માટે અપાયેલું એલાન કોનું હતું? તેમાં જોડાયેલા ઓબીસી એટલે કોણ? ગુજરાતમાં ઓબીસી મંચ છે – અલ્પેશ ઠાકોરનું પણ છે અને એકાદ બીજા પણ હશે – તેમાંથી કયા ઓબીસી મંચે અનામત બંધ કરવાની વાતને સમર્થન આપ્યું છે?

જૂના જમાનામાં દાંડી પીટીને જનતાને સંદેશ આપવાની એક રીત હતી. આ જાહેર રીત હતી. ખાનગી રીત ગામેગામ ફરીને કથા કહેનારાની હતી. દરેક ગામના ચોરે એક વાત પહોંચાડો એટલે ચોરેથી તે ઘરે ઘરે પહોંચે. તેમાં મર્યાદા એ હતી કે બહુ સમય લાગતો હતો અને મર્યાદિત વિસ્તારમાં જ તેને વ્યાપક કરી શકાય. લાઉટ સ્પીકર આવ્યા ત્યારે નગરપાલિકાઓ ચાર રસ્તા પર ભૂંગળાં મૂકતી હતી. પણ તેમાં સત્તાવાર જાહેરાતો થઈ શકે. રેડિયો પર પણ સરકારી સત્તાવાર જાહેરાતો જ થઈ શકે. પરંતુ ફોન આવ્યો અને ફોન આવ્યા પછી એસટીડી બૂથ આવ્યા ત્યારે મોટું જાળું તૈયાર થઈ ગયું હતું. કરોળિયો હવે ગમે ત્યાં ફરી શકે તેમ હતો.

ભારતમાં એસટીડી બૂથ વ્યાપક થયાં ત્યારે દૂધ પીતાં ગણેશનો પ્રયોગ થયો હતો. માસ હિસ્ટિરિયા આખા દેશમાં ફેલાવી દેવાયો હતો. લોકો ભાન ભૂલીને, ભલભલા લોકો ભાન ભૂલીને હાથમાં ટબૂડી લઈને દોડ્યા હતાં. હૈસોહૈસોમાં મોટા ભાગને દેખાવા લાગ્યું હતું કે ટબૂડીમાંથી દૂધ જતું રહે છે. માસ હિસ્ટિરિયામાં મોટા ભાગના લોકોને આ ના દેખાયું કે મંદિરોની બહાર દૂધના ખાબોચિયા ભરાયા હતા.

સોશિઅલ મીડિયા એસટીડી બૂથ કરતાંય વ્યાપક બન્યું છે. સૌના હાથમાં સ્માર્ટફોન છે. પાંચેક હજાર રૂપિયામાં મળતો થયેલો સ્માર્ટફોન અને તેમાં લગભગ દોઢસો રૂપિયા મળી જતું ઇન્ટરનેટ. કાનમાં ભરાવેલું ઇયર ફોન. કલ્પના કરો તો એવું લાગે કે આખી પ્રજાના ગળે ગાળિયો નાખીને તંત્ર તૈયાર રખાયું છે. કાનમાં ભરાવેલા એ વાયરો પશુઓને પહેરાવેલા રાશ જેવા લાગે છે. અને બધી જ રાશ કોઈ એકના હાથમાં આવી અને રાશ તાણીને આ પ્રજાને દોરવી હોય ત્યાં દોરી શકે!

આ કલ્પના વાસ્તવિકતા કરતાંય ચોંકાવનારી લાગી? ના, એવું ના વિચારશો, કેમ કે જગતનો ઇતિહાસ કહે છે કે કલ્પના કરતાં વાસ્તવિકતા જ વધુ વિકરાળ હોય છે.

એની વે, બહુ પદ્ધતિસર 10 એપ્રિલે બંધ રાખવાનો છે તે મેસેજ ફેલાવાયો, તે મેસેજ માટે એલર્ટ જાહેર કરીને સરકારે પણ બળતાંમાં ઘી હોમ્યું અને ઘી હોમતાં દેખાયેલી ધૂમ્રસેર જોઈને અખબારોને તેમના સ્વભાવ મુજબ ધૂમાડો છે એટલે ક્યાંક આગ લાગી હશે તેમ માનીને તેના સમાચાર બનાવ્યાં.

આગ એટલી ફેલાઈ નહીં અને વાત ટૂંકમાં પૂરી થઈ ગઈ, પણ દૂધ પીતાં ગણેશનો એક પ્રયોગ સોશિઅલ મીડિયામાં થઈ ગયો છે એટલું નક્કી. અથવા આ એક કરવા જેવો પ્રયોગ છે એવો બોધપાઠ કેટલાકે લીધો હશે તે એકદમ નક્કી છે. બોધપાઠ આપણે ડાહ્યા નાગરિકોએ લેવાનો છે કે સોશિઅલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાય તેનાથી માત્ર ચીડ અને વાંચીને ભૂલી જવાનું, ત્યાં વાત અટકતી નથી. સોશિઅલ મીડિયામાં કશુંક સળગતું મૂકવામાં આવે તો તે મોબાઇલ ફોનમાંથી બહાર આવીને તમારા ઘરમાં પડે તેવું પણ કાલે બને. માટે સાવધાન.

સાવધાન. તમે જુદા જુદા વોટ્સઅપ ગ્રૂપના મેમ્બર બન્યા હો તો વિશેષ સાવધાન. રોજ તમને તે ગ્રૂપમાં કાંક પીવરાવવામાં આવે છે. તમને ખબર નથી અને તમે પી રહ્યાં છો. તમને ખબર નથી અને રોજ એકની એક વાત જુદી જુદી રીતે કહીને તમારા મનમાં કશુંક ઘૂસાડવામાં આવી રહ્યું છે. માટે સાવધાન. સ્માર્ટ ફોન તમારો છે, ઇન્ટરનેટ કનેક્શન તમારું છે, બિલ તમે ભરો છો, મગજ તમારું છે, તો તેમાં બીજાને કેમ ઘૂસવા દો છો? મીઠાઈ મફતની હોય અને મધમઠી હોય, પણ પેટ તો તમારું છેને. તો પછી…