શેખની દીકરીના બદલામાં મળ્યાં છે ક્રિસ્ટીયન મિશેલ?

દુબઈના શેખની એક દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. દીકરી ભાગી જાય ત્યારે બાપની આબરૂનો સવાલ ઊભો થાય. દીકરીને ગમે તેમ કરીને પાછી લાવવા અને તેના માટે ખૂનખરાબા કરવાની વાત ભારતમાં પણ નવી નથી. દુબઈના શેખે પણ દીકરીને પાછી લાવવા માટે ભારત સાથે ખાનગીમાં સોદો કરી લીધો અને ભારતની વર્તમાન એનડીએ સરકારની જેની બહુ જરૂર હતી તે ક્રિસ્ટીયન મિશેલને ભારતને સોંપી દેવાની તૈયારી બતાવી હતી તેવી ગુપસુપ દિલ્હીના જાણકાર વર્તુળોમાં ચાલી રહી છે.

સમગ્ર ઓપરેશનમાં એનડીએ સરકારના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે (અંગ્રેજી સ્પેલિંગમાં દોવલ) સૌથી અગત્યની ભૂમિકા ભજવી હતી તેવું કહેવાય છે. અજિત ડોભાલનું વર્ચસ્વ સરકારમાં વધી રહ્યું છે અને વડાપ્રધાન મહત્ત્વના ઓપરેશન્સ પાર પાડવા માટે અમિત શાહના બદલે અજિત ડોભાલ પર આધાર રાખતા થયા છે એવી ગોસીપ પણ દિલ્હી દરબારમાં ચાલે છે. શેખની દીકરીની યાચને ગોવા નજીકના દરિયામાંથી પકડી લેવા જેવા ખાનગી ઓપરેશન્સ માટે અજિત ડોભાલનો આધાર સમજી શકાય છે, પણ રાષ્ટ્રીય નીતિ વિષયક નિર્ણયોમાં પણ તેમનું વજન વધી રહ્યાનું કહેવાય છે. રફાલ વિમાન અંગેના સોદામાં પણ તેમની સલાહ લેવાઈ હતી તેવી ચર્ચા પણ અસ્થાને નથી. પાકિસ્તાન સાથે ખાનગીમાં મંત્રણા કરવાની હોય કે માલદિવ અને લંકામાં ઓપરેશન્સ પાર પાડવાના હોય, ડોભાલ વિના વડાપ્રધાનને ચાલતું નથી.

પરંતુ તેમની સલાહને કારણે દુબઈની દીકરીને પકડી લેવાઈ અને તેના જલ્લાદ જેવા બાપને ફરી સોંપી દેવાઈ તેના કારણે દુનિયાના ચોરામાં ભારતની હાય હાય થઈ રહી છે. આ મામલો બહુ ચર્ચાયો નથી, પણ તે એટલો ખાનગીય રહ્યો નથી. ભારતના કોસ્ટ ગાર્ડે દુબઈના શેખની દીકરી લતીફાને પકડી લીધી હતી અને દુબઈને ફરી સોંપી દીધી હતી તે વાત ખાનગી રહી નથી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સુધી વાત પહોંચી છે. લતીફાના વકીલ ટોબી કેડમેને જુલાઈ 2018માં જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચ સમક્ષ ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે.
લતીફાનો એક વિડિયા અત્યારે પણ ઇન્ટરનેટ પર ઉપબલ્ધ છે, જેમાં તે કહી રહી છે કે તેને પકડી લેવાઈ છે અને હવે પોતે જીવતી રહેશે કે કેમ તેવું કહી રહી છે. હું ફરી દોજખમાં ધકેલાઈ જવાની છું એવો અફસોસ તે વ્યક્ત કરી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે તેમની યાટને આંતરી લીધી અને તેની સાથે રહેલા તેમના વિદેશી સહાયકોને પકડી લેવાયા હતા. તેમને પણ દુબઈના શેખની તાનાશાહીને સોંપી દેવાયા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જોકે ભારત સરકાર કે દુબઈની શેખશાહીએ આ વિશે કોઈને કશો જવાબ આપ્યો નથી.

ઘટના માર્ચ મહિનાની છે. 32 વર્ષની લતીફા દુબઈથી ભાગી નીકળવામાં સફળ રહી. તેના જુદા જુદા વિડિયોમાં તેની વિતક કથા વર્ણવાઈ છે. દુબઈના શેખની છ પત્નીઓ છે અને ત્રણ ડઝન સંતાનો છે. તેમાંની એક લતીફા આધુનિક વિચારોની અને મુક્ત રીતે જીવવા માગનારી યુવતી હતી. પરંતુ શેખની તાનાશાહીમાં યુવતીઓએ પરદામાં જ રહેવું પડે. લતીફાને છેલ્લા સાતેક વર્ષથી કેદ જેવી સ્થિતિમાં રખાઈ હતી. તે ભાગી ના જાય તે માટે ચોકીપહેરો મૂકાયો હતો.

આખરે ફ્રેન્ચ જાસૂસની મદદથી લતીફાને ભાગવામાં સફળતા મળી હતી. વાહનમાં તેને ઓમાન સુધી પહોંચાડાઈ હતી. ઓમાનના દરિયા કિનારેથી તે સ્કીજેટમાં દરિયામાં નીકળી અને સંયુક્ત આરબ અમિરાતની સરહદથી બહાર નીકળી ગઈ. આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેને લઈ જવા માટે ફ્રેન્ચ જાસૂસે યાટની વ્યવસ્થા કરી હતી. આ યાટ ભારતની જળસીમામાં પહોંચ હતી. ગોવાના કિનારેથી લગભગ 50 કિમી દૂર દરિયામાં યાટ હતી ત્યારે તેને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોએ ઘેરી લીધી હોવાનું કહેવાય છે. લતીફાને આશા હતી કે ભારત જેવા ઉદાર અને લોકશાહી દેશમાં એક નિસહાય દીકરીને આશરો મળશે. તે ભારતમાં આશરો લઈને અમેરિકામાં કે યુરોપના દેશમાં રાજ્યાશ્રય લેવા માગતી હતી. તેના બદલે ભારતીય કોસ્ટ ગાર્ડના કબજામાં લતીફા આવી જાય અને તેને પરત દુબઈ શેખને સોંપી દેવાય તેવી ગોઠવણ અજિત ડોભાલે કરી હોવાની ગુસપુસ ચાલી રહી છે.

આ રીતે દુબઈના શેખ અને લતીફાના પિતા મોહમ્મદ બિન રશિદ અલ-મખ્તૂમને રાજી કરી લેવાયા. તેના બદલામાં દુબઈમાં રહેલા ક્રિશ્ચિયન મિશેલને ભારતને સોંપી દેવાનો સોદો પાર પાડી લેવાયો હોવાનું કહેવાય છે. ભારતે અગાઉ પણ પ્રયત્નો કર્યા હતા, પણ કાનૂની રીતે મિશેલને ભારતને પ્રત્યાર્પણ કરી દેવામાં આવે તે શક્ય બન્યું નહોતું. મિશેલના વકીલોએ આક્ષેપો કર્યા હતા કે મિશેલ પર દબાણ થઈ રહ્યું છે. મિશેલ અગસ્ટા વેસ્ટલેન્ડ વીઆઈપી હેલિકૉપ્ટરના 3600 કરોડ રૂપિયાના સોદામાં ગાંધી પરિવારનું નામ લે તેવું દબાણ થઈ રહ્યું હતું એવો આક્ષેપ તેના વકીલે કર્યો હતો. જાણકારો ગોસીપના અંદાજમાં કહે છે કે દુબઈના શેખની દીકરી ભાગી છે અને ગોવા નજીક પહોંચી છે તેવી ખબર મળી તે સાથે જ અજિત ડોભાલને જોરદાર લાગ મળી ગયો હતો. તેમણે યાટને કબજે કરાવી લીધી અને દુબઈના શેખને જાણ કરી. સોદાબાજી થઈ અને તેના કારણે જ કાનૂની કાર્યવાહીમાં દિશા બદલાઈ અને થોડા મહિના પછી અને લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં મિશેલને આખરે ભારતને સોંપી દેવાનો નિર્ણય દુબઈની અદાલતમાંથી પણ આવી ગયો.

માર્ચમાં લતીફાને દુબઈના શેખને સોંપી દેવાઈ તેના આગલા મહિને જ ભારતીય વડાપ્રધાન ત્યાંની મુલાકાતે ગયા હતા. તે વખતે પણ બંને દેશો વચ્ચા સારા સંબંધોની વાતો થઈ જ હતી. પરંતુ માર્ચમાં દુબઈના શેખ ખુશ થાય તેવું અજિત ડોભાલે કરી આપ્યું તે પછી બંને દેશોના સંબંધો વધારે સારા બન્યા એમ પણ જાણકારો ગુસપુસમાં કહે છે. ત્રણ મહિના પછી બંને દેશોના સંબંધો ગાઢ બને તેવી જાહેરાત પણ થઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘના વિદેશ પ્રધાને જાહેરાત કરી હતી કે આગામી વર્ષોમાં ભારતમાં 75 અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે.

જોકે વેપાર કરતાંય એનડીએની સરકારને સૌથી મોટો ફાયદો થયો છે ક્રિસ્ટીયન મિશેલનું પ્રત્યાર્પણ કરાવી શકાયું તેના કારણે. ભારતને આજ સુધી ભાગેડુઓને કે ભારતમાં ચાલતા ભ્રષ્ટાચારના કેસમાં આરોપી હોય તેવા વિદેશીઓને પકડીને લાવવામાં ભાગ્યે જ સફળતા મળી છે. અબુ સાલેમ જેવા ગુંડાઓના કેસમાં ભારતને સોંપણી થઈ હતી, પણ ત્યારેય ફાંસી ના આપવી સહિતની શરતો ભારતે માનવી પડી હતી. આ સંજોગોમાં ભારતનો રાજદ્વારી વિજય ગણાયો હતો અને રાજકીય રીતે પણ મિશેલને પકડી લાવીને કોંગ્રેસના રફાલના ભ્રષ્ટાચારના આરોપોમાંથી હવા કાઢી નાખવાનું સરળ થયું છે. અનેક કૌભાંડાનો આરોપોમાં ઘેરાયેલી કોંગ્રેસ માટે મિશેલની કબૂલાતો મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. વીઆઈપી નેતાઓના ઉપયોગ માટે અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટરનો સોદો થયો ત્યારથી જ તેમાં પણ કટકીના આરોપો લાગતા રહ્યા છે. ક્રિસ્ટીયન મિશેલને વચેટિયાઓ સાથે વહિવટનું કામ સોંપાયું હતું તેવા આરોપો છે. આ ઉપરાંત ક્રિસ્ટીયન મિશેલ અને સોનિયા ગાંધીના પરિવાર વચ્ચે સ્નહભર્યા સંબંધો હોવાનો આક્ષેપ પણ ભાજપના નેતાઓ કરતાં આવ્યા છે.

લતીફા કેવી રીતે દુબઈના શેખના મહેલમાંથી નાસી ગઈ, તેને કેવી રીતે ગોંધાઈને રહેવું પડતું હતું, હજી પણ અરબ દેશોમાં સ્ત્રીઓ અને દીકરીઓની કેવી કઠણાઈ હોય છે તેની સ્ટોરીઝ અને વિડિયોઝ નેટ પર ફરતા રહે છે. લતીફાની વિતક કથા દુનિયાભરમાં ચર્ચાતી રહી છે. ભારત જેવા લોકતાંત્રિક દેશ પાસેથી આવા પગલાંની અપેક્ષા નહોતી તેવી ટીકાઓ પણ માનવઅધિકાર મંડળો કરી રહ્યા છે. યુએનના માનવ અધિકાર પંચમાં લતીફાના વકીલે ફરિયાદ કરી છે, તેમાં પણ ભારતનું નામ લેવાયું છે. લતીફાને સાથ આપનારા બે કે ત્રણ વિદેશીઓને પણ ભારતે પકડી લીધા. આ બધાને દુબઈ જેવા તાનાશાહી અને અત્યાચારી અરબી શાસકોને ભારતે સોંપી દીધા, કોઈ જાતની કાનૂની કાર્યવાહી વિના, તેની પણ વિશ્વમાં માનવ અધિકાર વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. પણ ભારત કે દુબઈ સરકારે આવી ગોસીપ તરફ હાલ ધ્યાન આપ્યું નથી. પણ જે રીતે મિશેલનો મામલો ચૂંટણી નજીક આવવા સાથે ગાજતો રહેશે તે જોતા ભારતમાં પણ આ મુદ્દો ઉછળે તો નવાઈ નહિ. જોકે કોંગ્રેસને આ મામલો બહુ ના ઉછળે તેમાં પણ રસ હોઈ શકે છે, પણ અન્ય વિપક્ષી નેતાઓ મોકો જોઈને વિવાદ ઊભો કરવા કોશિશ કરી શકે છે. બીજી બાજુ, મિશેલની પૂછપરછ ચાલી રહી છે, પણ સીબીઆઈના વર્તુળોના જણાવ્યા અનુસાર હજી સુધી તેણે કોઈ એવી કોઈ કબૂલાત કરી નથી તે એનડીએ સરકારને કામ આવી શકે. મિશેલ પાસે સીબીઆઈ કેવી કબૂલાતો કરાવી શકે છે અને તેની સામે કેટલો મજબૂત કેસ ઊભો કરી શકે છે તેના પર પણ નજર રહેશે, પણ ખાનગીમાં લતીફાને સોંપીને મિશેલ મેળવાયો છે તે ગોસીપ ચાલતી જ રહેવાની છે.