જગન્નાથપુરીમાં મહાત્મા ગાંધીજીને પણ પ્રવેશ અપાયો નહોતો…

સોમનાથ મંદિરમાં પ્રવેશ વખતે હવે બિનહિન્દુઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવે છે. જૂન 2015માં જ આ નિયમ આવ્યો છે. દેશમાં અન્ય પણ ઘણા ધર્મસ્થાનો છે, જ્યાં કોને પ્રવેશ આપવો, કોને ના આપવો તેના નિયમો છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત અને રજિસ્ટરમાં તેમનું નામ કોણે લખી નાખ્યો તેનો વિવાદ થયો. પણ આ પ્રકારના વિવાદો વધુ તો પ્રસિદ્ધ જગન્નાથ પુરીના મંદિરમાં થયેલા છે, કેમ કે સદીઓથી અહીં બિનહિન્દુઓ સામે પ્રતિબંધ રહ્યો છે.

ઓડિશામાં આવેલું જગન્નાથ પુરીનું મંદિર પ્રસિદ્ધ છે. તેની રથયાત્રા વિશે ગુજરાતીઓ વધુ જાણે છે, કેમ કે તેના જેમ જ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ મંદિરનું સંકુલ મોટું છે. સંકુલમાં સર્વધર્મના લોકોને પ્રવશે મળે છે, પણ સમગ્ર મંદિરનો કેન્દ્રસ્થ હિસ્સો, જેને ગર્ભગૃહ કહી શકાય ત્યાં ચૂસ્ત રીતે બિનહિન્દુઓને પ્રવેશ મળતો નથી. તેને શ્રીમંદિર પણ કહે છે. શ્રીમંદિરમાં પ્રવેશ માટેના નિયમોનું કડક રીતે પાલન થાય છે અને તેના કારણે ભૂતકાળમાં પણ વિવાદો થતા રહ્યા છે.આ વિવાદમાં લાંબું લચક કરવાના બદલે ભૂતકાળમાં કયા કયા મહાનુભાવોને જગન્નાથ પુરીના મંદિરમાં પ્રવેશ નહોતો અપાયો અથવા તો પ્રવેશના મુદ્દે કયા કયા મહાનુભાવે નારાજી બતાવીને જાતે પ્રવેશ ના કરવાનો નિર્ણય લીધો. તેમાં ઇન્દિરા ગાંધીનું નામ વધારે ચર્ચામાં રહ્યું છે, કેમ કે તેઓ વડા પ્રધાન હોવા છતાં તેમને પ્રવેશ અપાયો નહોતો. પરંતુ એ વાત ઓછી જાણીતી છે કે મહાત્મા ગાંધીએ પોતાના સાથીઓને પ્રવેશ ના મળ્યો એટલે જાતે જ પ્રવેશ ના કરવાનો નિર્ણય કર્યો હતો.

શરૂઆત મહાત્મા ગાંધીથી જ કરીએ. ગાંધીજીએ 1934માં જગન્નાથ પુરીની મુલાકાત લીધી હતી. તેઓ પોતાના સાથીઓ કે જેમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતો હતા તેમની સાથે દર્શને ગયા હતા. પણ મંદિરના પંડાઓએ તેમને આ બધા સાથે પ્રવેશ આપવાની મનાઇ કરી. તેના કારણે ગાંધીજીએ વિરોધમાં પ્રવેશ ના કર્યો. વિરોધ દર્શાવવા માટે તેમણે મંદિરના સિંહદ્વાર પાસેથી જ હરિજન પદયાત્રા કાઢી હતી. ગાંધીજીના સાથીઓમાં વિનોબા ભાવે પણ હતા. સર્વોદય કાર્યકર વિનોબા ભાવેને પણ આ રીતે પ્રવેશ મળ્યો નહોતો.

ઇન્દિરા ગાંધીની વાત આવશે જ પણ મહાત્મા ગાંધીની જેમ રવિન્દ્રનામ ઠાકુર જેવી હસ્તીને પણ પ્રવેશ નહોતો મળ્યો તે ઓછું જાણીતું છે. ઠાકુર આમ જમીનદાર હતા, પણ બ્રાહ્મણ. બ્રાહ્મણ ખરા, પણ આપણે ત્યાંતો ભઇ પેટાજ્ઞાતિને ગોળ પણ જોવા પડેને… એટલે બંગાળી પીરાલી બ્રાહ્મણ હોવાથી તેમને પણ પુરીના મંદિરમાં પ્રવેશ મળ્યો નહોતો.

હવે ઇન્દિરા ગાંધીની વાત કરી લઈએ. 1984માં તેમની હત્યા થઈ તેના થોડા વખત પહેલાં જ તેઓ પુરી દર્શને ગયા હતા. પણ તેઓ પારસી છે એમ ગણીને તેમને પ્રવેશ આપવા માટે પૂજારીઓએ ના પાડી હતી. ઇન્દિરા ગાંધીએ અમૃતસરમાં શીખોના પવિત્ર મંદિર સુવર્ણમંદિરમાં સેનાને મોકલી તેનો વિવાદ હતો જ, તેથી તેમણે આ ધાર્મિક બાબતમાં વધારે વિવાદ ના થાય તે માટે કોશિશ કરેલી.

ઓડિશાના મુખ્ય પ્રધાન તરીકે 1971-72માં વિશ્વનાથ દાસ હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી રહી ચૂક્યા હતા અને જાણતા હતા કે મંદિરમાં ભેદભાવ થાય છે. તેથી તેમણે જાતે જ કદી મંદિરમાં દર્શને ના જવાનું નક્કી કર્યું હતું.
2005માં થાઇલેન્ડના રાણી મહાચક્રી સિરિધરન પણ દર્શને આવ્યા હતા, પણ તેમને પ્રવેશ અપાયો નહિ. આપણી દૃષ્ટિએ બૌદ્ધ પરંપરા હિન્દુ પરંપરાનો ભાગ ગણાય, પણ પુરીની પરંપરા પ્રમાણે તેઓ બૌદ્ધ એટલે અલગ ધર્મના થયા, માટે પ્રવેશ ના મળે.

ધર્મની સાથે સંપ્રદાયો પણ હોય. વૈષ્ણવ પરંપરામાં પણ ફાંટા છે. તેમાંથી એક ફાંટો ભક્તિ વેદાન્ત પ્રભુપાદનો છે. ઇસ્કોન તરીકે તે વધુ જાણીતો છે. પ્રભુપાદ સ્વામીને અને તેમના અનુયાયીઓને પણ પ્રવેશ અપાયો નહોતો.
એ જ રીતે કબીર જેના નામથી બાદમાં પંથ બન્યો તેમને પણ પ્રવેશ અપાયો નહોતો. જોકે કબીર સાથે બહુ રસપ્રદ દંતકથા જોડાયેલી છે. કબીર ધર્મના વાડામાં માનતા નહોતા અને તેમણે માથે મુસ્લિમ પઘડી પહેરેલી હતી. મુસ્લિમ પઘડી સાથે તેમને પ્રવેશની મનાઇ કરી દેવાઇ. તે પછી કથા અનુસાર પૂજારીઓને રાત્રે જગન્નાથ ભગવાન સપનામાં આપ્યા. ભગવાને કહ્યું કે તમારે કબીરને માન આપવું પડે. તેથી બીજા દિવસે પૂજારીઓ દોડ્યા અને કબીરને જાતે દર્શન માટે તેડી આવ્યા હતા.

ગુરુ નાનક પણ ધર્મના વાડામાંથી બહાર નીકળીને અધ્યાત્મના માર્ગે હતા. તેમની સાથે તેમનો સૌથી પ્રિય શિષ્ય મર્દાના હતા. મર્દાના મુસ્લિમ હતો એટલે પંડાઓએ તેમને અને નાનકને પ્રવેશ આપવાની ના પાડી. જોકે પુરીના રાજાને ખબર પડી કે ગુરુ નાનકને મનાઇ કરાઇ છે એટલે જાતે દોડ્યા હતા અને તેમને ભગવાનના દર્શને લઇ ગયા હતા. કબીર અને ગુરુ નાનકના આ બે અપવાદો છે કે જેમાં બાદમાં તેમને દર્શન અપાયા હતા. આ દંતકથાઓ છે અને તેમાં સત્ય છે કે કેમ તેની ખાતરી નથી. પણ પ્રવેશ માટે મનાઇ કરી હતી તે તથ્ય છે.

જો આવા સંપ્રદાયોના ધાર્મિક વડાઓને પ્રવેશ ના અપાયો હોય તો સમજી શકાય છે કે બી. આર. આંબેડકરને પણ પ્રવેશ ના મળે. જુલાઇ 1945માં તેમણે પુરીની મુલાકાત લીધી હતી, પણ તેમને શ્રીમંદિરમાં પ્રવેશવા દેવાયા નહોતા.
ભારતમાં બ્રિટીશરોની સત્તા જામી ગઈ અને બ્રિટીશ કાળમાં જ પુરીમાં પ્રવેશ અંગે સત્તાવાર નિયમો બન્યા હતા, પણ બ્રિટીશના સર્વસત્તાધીશ અધિકારી લોર્ડ કર્ઝનને પણ 1900માં પ્રવેશ આપવા મનાઈ કરાઇ હતી. લોર્ડ કર્ઝન માત્ર વાઇસરોય નહોતા, તેઓ એક સારા ઇતિહાસકાર અને ભારતીય સ્થાપત્ય અને કલામાં રસ લેનારા પણ હતા.
બ્રિટીશ શાસકને પ્રવેશ ના મળે તો સૌથી મોટું દાન આપનારને પણ પ્રવેશ ના મળે. આ વાત હાલની જ છે. 2006માં એલિઝાબેથ જિગલરે 1.78 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. દાન મોટું આપ્યું, પણ એલિઝાબેથ ખ્રિસ્તી એટલે તેમને પણ ટ્રસ્ટીઓએ શ્રીમંદિરમાં પ્રવેશ આપ્યો નહોતો.

આ કેટલાક મહાનુભાવોના કિસ્સા છે, જેમને પુરીમાં પ્રવેશ અપાયો નહોતો. સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ માટે પુરીના પ્રવેશદ્વારે જ બોર્ડ મારેલું છે. સોમનાથ મંદિરમાં પણ બોર્ડ મારેલું છે, પણ ફરક એટલો છે કે કોઇ પણ વ્યક્તિ ચોપડામાં પોતે બિનહિન્દુ છે, પણ સોમનાથ દાદામાં આસ્થા ધરાવે છે તેથી દર્શન માટે મંજૂરી માગી શકે છે.