ચૂંટણી ઢંઢેરા આવ્યા ચર્ચામાં, ગરીબોને 72000, સામે દુકાનદારોને પેન્શન

ચૂંટણી ઢંઢેરા બહાર પડતા રહે છે. યાદ આવે તેટલા વચનો તેમાં અપાતા રહે છે. રોટી, કપડા ઓર મકાન જેવા વચનો આજે 70 વર્ષે પણ આપવા પડે તેવી દેશની સ્થિતિ છે. વારંવાર એના એ જ વચનો આપીને રાજકીય પક્ષો એ પણ સ્વીકાર કરી રહ્યા છે કે તેઓ સાત દાયકામાં દેશને બહુ ધીમી ગતિએ આગળ લઈ જવા માટે જવાબદાર છે. વર્તમાન સ્થિતિ બહુ કપરી છે અને પોતે જ આગામી પાંચ વર્ષમાં સ્વર્ગ ખડું કરી દેશે, તેમ વારંવાર કહીને ખરાબ સ્થિતિનો સ્વીકાર પણ કરતા રહે છે.
પરંતુ આ વખતે ચૂંટણી ઢંઢેરા ચર્ચામાં આવ્યા છે ખરા. અચ્છે દિન અને 15 લાખ રૂપિયા ભારતીય જનતા પક્ષના ગત ચૂંટણી ઢંઢેરામાં નહોતા, પણ તેની વાતો એટલી બધી થઈ હતી કે છેલ્લા ત્રણ વર્ષ, ખાસ કરીને નોટબંધી પછી સતત તેની યાદ અપાવાતી રહી હતી. લાવો અમારા 15 લાખ રૂપિયા એ તકિયાકલામ બની ગયું છે. અચ્છે દિન મજાકનું સૌથી મોટું કારણ બન્યું છે.
આ સ્થિતિમાં કોંગ્રેસ તરફથી પાંચ કરોડ પરિવારોને 72,000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત થઈ. ચૂંટણી ઢંઢેરા પહેલાં બેઝિક મિનિમમ ઇન્કમને મળતી આવતી કોઈ સ્કીમ આપીશું એવું રાહુલ ગાંધીએ કહ્યું હતું. ત્યારબાદ તેના માટે વિશેષ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરાઈ હતી કે દર મહિને મહત્તમ 6,000 રૂપિયા આપવા માટેની ન્યાય (ન્યૂનતમ આય યોજના) યોજના તૈયાર કરી લેવામાં આવી છે. તેના કારણે જ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની રાહ જોવાઈ રહી હતી. આ યોજનાની વિગતો આપવામાં આવશે તેવી અપેક્ષા હતી, પણ ખાસ કોઈ વિગતો અપાઈ નથી. તેના કારણે ભવિષ્યમાં લાવો 72,000 એવો તકિયાકલમ બને તેવી શક્યતા ઊભી થઈ છે.
ચૂંટણી વચનોને ગંભીરતાથી લેવાતા નથી તે જાણ હોવાના કારણે જ કોંગ્રેસે વળી પોતાના ચૂંટણી ઢંઢેરાનું શિર્ષક રાખ્યું – વી વિલ ડિલિવર્ડ, હમ નિભાયેંગે. અમે ઝુમલાબાજી નહિ કરીએ પણ વચન પાળી બતાવીશું. અમે ત્રણ રાજ્યોમાં સત્તામાં આવ્યા અને તરત ખેડૂતોના દેવાં માફ કર્યા તે વાત વારંવાર કોંગ્રેસ કહી રહી છે. કોંગ્રેસ સાથે જ મનરેગાના દિવસો 100માંથી વધારીને 150 કરવાનું, શિક્ષણ અને આરોગ્ય માટેનું બજેટ બમણું કરવાનું અને ખેડૂતો માટે વિશેષ બજેટ લાવવાનું વચન પણ આપી દીધું છે.
કોંગ્રેસે ગરીબોની વાત કરી તેની સામે હવે ભાજપ શું વાત મૂકે છે તેની હવે રાહ હતી. ગુજરાતમાં 2012માં ઘરનું ઘર આપવાનું કોંગ્રેસનું વચન હિટ ગયું હતું. પણ રાતોરાત ભાજપે તે વચન હાઇજેક કરી લીધું. નરેન્દ્ર મોદીએ 50 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી દીધી. બનાવ્યા હશે માંડ પાંચેક લાખ, પણ કોંગ્રેસનું લોકપ્રિય વચન બિન્ધાસ્ત પડાવી લીધું હતું.
તેવી જ રીતે લઘુતમ આવકનું વચન પણ ભાજપ પડાવી લેશે તેવી ધારણા વચ્ચે ભાજપે આ વખતે ચૂંટણી ઢંઢેરાને ઢીલો રાખવાનું કર્યું. માત્ર ખેડૂતો અને ખાસ કરીને દુકાનદારોને પેન્શન આપવાની જાહેરાત કરી. કેટલું પેન્શન આપવામાં આવશે તેનો આંકડો પાડ્યો નથી, એટલે લાવો 15 લાખ રૂપિયાવાળી ના થાય તેની સાવચેતી હતી. પણ અહીં ધ્યાન ખેંચે છે નાના દુકાનદારોને પેન્શન આપવાનું વચન. કોંગ્રેસે ગરીબોની વાત કરી છે, ત્યારે ભાજપે દુકાનદારોની વાત કરી છે. ભારતમાં ગરીબો હવે 20થી 25 ટકા રહી ગયા છે ત્યારે મતદારો તરીકે એટલા અગત્યના નથી રહ્યા તે કડવી વાસ્તવિકતા છે. મધ્યમવર્ગ મતદાર તરીકે વધારે મહત્ત્વના બન્યા છે. 20 ટકા ગરીબો અને 20 ટકા ધનીકોને બાદ કરી તો 60 ટકા મધ્યમવર્ગ નિર્ણાયક બન્યો છે. વેપારી માટેનું આયોગ બનાવવાની જાહેરાત પણ ભાજપે કરી નાખી.
આ સિવાય રાબેતા મુજબના હજી સુધી ના પળાયેલા વચનો હતા જ. સમાન નાગરિક ધારો, રામ મંદિર, કલમ 370 વગેરે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ રાષ્ટ્રવાદની વાત જ થઈ. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ઉપરાંત હાલના સમયમાં ચર્ચામાં રહેલા નાગરિક ધારામાં સુધારો અવશ્ય કરાશે તેની ખાતરી અપાઈ હતી.
આ પ્રકારના ચૂંટણી ઢંઢેરામાં બહુ થોડી બાબતો પર સ્પેસિફિક વચનો અપાતા હોય છે. મોટા ભાગે સારું કામ કરીશું તેવા વચનો અપાતા હોય છે. કેટલાક પાળી ના શકાય તેવા વચનો પણ અપાતા હોય છે, જેમ કે ભાજપે કહ્યું છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું. આવક બમણી કરવી અશક્ય છે તે સૌ જાણે છે. સાથે જ કેટલાક સ્પેસિફિક વચનો પણ અપાતા હોય છે. કોંગ્રેસે 72,000, 150 દિવસ મનરેગામાં રોજગાર, શિક્ષણ અને આરોગ્ય પાછળ ફાળવણી ખર્ચ, ગામડામાં મકાન બનાવવા પ્લોટના સ્પેસિફિક વચન આપ્યા છે. તેની સામે ભાજપે ખેડૂતો અને નાના દુકાનદારોને પેન્શન, કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સુધી 0 ટકા વ્યાજ દરે લોન, ઘરનું ઘર, બધા ઘરને વીજળી, બધાને ગેસના બાટલા, ગ્રામીણ વિસ્તારો માટેનું બજેટ 25 લાખ કરોડનું કરવાના વચન આપ્યા છે.
હકીકતમાં આવા સ્પેસિફિક વચનો પર જ વધારે ધ્યાન અપાવું જોઈએ. તેની જ વધારે ચર્ચા થવી જોઈએ. આ વચનો પાળી શકાય તેવા છે કે કેમ તેની ચર્ચા થવી જોઈએ. રામમંદિર ક્યારે બનશે તે નક્કી નથી હોતું. ક્યારેય બનવાનું ખરું એટલું જ. એ જ રીતે સમાન નાગરિક ધારો અને મહિલાઓને ધારાસભ્ય અને સંસદમાં અનામતના મુદ્દે એકથી વધુ પક્ષો વારંવાર વચન આપે છે, પણ તેના માટે ક્યારે સર્વસંમિત ઊભી થશે તે કહેવું મુશ્કેલ હોય છે. આવા વચનો સારા દેખાવા માટેના હોય છે. આ સિવાયના કેટલાક વચનો વારંવાર અપાતા હોય છે તે પણ મુખ્યત્વે પાળવા માટે નહિ, પણ પક્ષની વિચારસરણી શું છે તે દર્શાવવા માટે હોય છે.