કેસીઆરે કાઢ્યું ચૂંટણીનું મૂરત,પંચે માર્યો પંચ

ભારતની પ્રજાનો મોટો હિસ્સો 21 સદીમાં પ્રવેશી ગયો છે, પણ ભારતના નેતાઓ હજી 19મી સદીમાં જીવે છે અને મધ્યયુગની માનસિકતા ધરાવે છે. નેતાઓ આપણે આગળ લઈ જવાના બદલે પછાત બનાવવા માગે છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે જ્યોતિષ જોયા અને પછી નક્કી કરી નાખ્યું કે વહેલા ચૂંટણી યોજાય તો જીતી શકાય છે. હવે કમ સે કમ આવી બેવકૂફી કરનારા મુખ્યપ્રધાનને તેમની અંધશ્રદ્ધા ખાતર પણ પ્રજાએ હરાવે તેવી ઘણાની લાગણી હોય તો નવાઈ નહીં.
કેસીઆરે અચાનક ચૂંટણીની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. ચૂંટણી પંચને ચીડવ્યું છે, કેમ કે મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવતે સ્પષ્ટપણે કહ્યું કે ચૂંટણીની તારીખો જ્યોતિષ જોઈને નક્કી ન થાય. ચૂંટણી માટેની તૈયારીઓ શું છે અને સ્થિતિ શું છે તે જોઈને ચૂંટણીની તારીખો નક્કી થશે એમ તેમણે કહ્યું.
જોકે જૂનવાણી અને અંધશ્રદ્ધા ફેલાવીને બંધારણનો ભંગ કરનારા કેસીઆરને ચૂંટણી પંચે મારેલો ટોણો કે સમજદાર લોકોએ તેમની ઉડાવેલી મજાકની બહુ પરવા નથી. કેમ કે તેઓ જાણે છે કે મોટા ભાગે નવેમ્બર ડિસેમ્બરમાં બાકીના ચાર રાજ્યો સાથે જ તેલંગાણાની ચૂંટણી યોજાઈ જશે. ચૂંટણી પંચે બંધારણ પ્રમાણે કામ કરવાનું છે અને પોતાની શક્તિઓ પર નહીં, પણ જ્યોતિષ પર શ્રદ્ધા રાખનારા નબળાં મુખ્યપ્રધાનને ફાયદો થાય તો પણ સમયસર ચૂંટણીઓ યોજવાની છે. બંધારણની જોગવાઈ પ્રમાણે અને આ મામલામાં વિખવાદો થયાં ત્યારે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા પ્રમાણે કોઈ પણ રાજ્યની વિધાનસભાનો ભંગ થાય ત્યારે શક્ય એટલી ઝડપથી અને મોડામાં છ મહિના પહેલાં નવા ગૃહની રચના કરી લેવી જરૂરી છે. વહેલામાં વહેલી તકે એટલે નવેમ્બર-ડિસેમ્બરમાં થઈ શકે છે. વિધાનસભાનો ભંગ થઈ ગયો હોવાથી હવે પંચની કામગીરી શરૂ થઈ છે. પંચની ટીમ તેલંગાણાની મુલાકાત લેશે. રાજ્યના ચૂંટણી પંચને પણ તૈયારીઓ અંગેનો અહેવાલ આપવાનું કહેવાશે. લાંબા સમયથી જ્યોતિષ જોઈને બેઠેલા કેસીઆરે તંત્ર પાસે તૈયારીઓ કરાવી જ લીધી હોય, તેથી સાનુકૂળ અહેવાલના કારણે ચાર રાજ્યા સાથે જ આ વર્ષના અંતે તેલંગાણાની ચૂંટણી પણ યોજાશે તેમ માની શકાય.
પણ શા માટે છ મહિના વહેલી ચૂંટણી થાય તેવું કેસીઆરે કર્યું તે ગ્રહો નહીં, પણ પૃથ્વી પરના, જમીન પરની વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને કર્યું છે તેમાં શંકાને સ્થાન નથી. લોકસભા માટે ગઠબંધન ગોઠવાઈ રહ્યું છે તે ગઠબંધન કેસીઆરને પોતાના રાજ્યમાં પણ નડી શકે તેમ હતું, તેથી તેમણે પાણી પહેલા પાળ બાંધી લીધી છે. લોકસભાની ચૂંટણી સાથે જ તેલંગાણાની ચૂંટણી યોજાવાની હતી. અનુમાન કરી શકાય તેવું છે કે ત્યાં સુધીમાં કોંગ્રેસ અને તેલુગુ દેસમ વચ્ચે પણ સમજૂતી થઈ શકે છે. કોંગ્રેસ અને તેલુગુ દેસમ વચ્ચેની સમજૂતી આંધ્ર પ્રદેશ માટે, પણ તેની અસર તેલંગાણામાં પણ ખરી. તેલુગુ દેસમ પક્ષે પોતાની હાજરી તેલંગાણામાંથી દૂર કરી નથી. ગત ચૂંટણીમાં પણ તેને ત્રણ બેઠકો મળી હતી. હૈદરાબાદના શહેરી વિસ્તાર ઉપરાંત સરહદના જિલ્લાઓમાં તેલુગુ દેસમનું સંગઠન ઊભું જ છે. કેસીઆરની પાર્ટીનું નામ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ છે, એટલે તેનું સંગઠન આંધ્ર પ્રદેશમાં નથી.
કોંગ્રેસથી અલગ થયેલા અને કોંગ્રેસને નુકસાન કરી રહેલા જગન મોહન રેડ્ડી ભાજપ નજીક સરકી ગયા છે. તે સંજોગોમાં કોંગ્રેસે જૂનું ભૂલીને તેલુગુ દેસમ સાથે દોસ્તી કરવી જરૂરી બની શકે છે. તેલુગુ દેસમનું વલણ પણ સ્પષ્ટ છે કે તે હવે ભાજપ સાથે કમ સે કમ 2019ની ચૂંટણીમાં નહીં રહે. તેથી આ બે પક્ષોનું ગઠબંધન બને અને તેની સાથે રાષ્ટ્રીય રાજકારણને ધ્યાનમાં રાખીને અસદુદ્દીન ઔવેસીનો પક્ષ પણ જોડાઈ જાય તો કેસીઆરના મુસ્લિમ મતોમાં ગાબડું પડે. ઔવેસી સાથે ગઠબંધન કરવાની ગણતરી કેસીઆરની પણ છે, પણ લોકસભા ચૂંટણી વખતે તેની તૂતી ભાજપ સાથે વાગવાની હોય ત્યારે ઔવૈસી સાથે વિધાનસભા માટે સમજૂતી થઈ શકે નહીં.
અત્યારે ભાજપનો સાથ લેવાની જરૂર નથી અને ભાજપને બે ગાળો દઈને ઔવેસીની સાથે સમજૂતી કરવાની તક ઊભી રહે છે. ઔવેસી પણ સત્તાધીશ પક્ષની સાથે રહેવામાં શાણપણ સમજી શકે છે. તેથી જ કેસીઆરે વહેલી ચૂંટણી કરવાનું નક્કી કર્યું છે. કેસીઆરે બીજા પક્ષોને એ રીતે પણ ચોંકાવ્યા છે કે તેમણે વિધાનસભાને વિખેરી નાખવાની ગુરુવારે જાહેરાત કર્યા બાદ તરત જ 105 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. ચૂંટણી માટેની તેમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમની વિશાળ સભાઓનું આયોજન થઈ ગયું છે. રાજીનામું આપ્યાના બીજા દિવસે શુક્રવારે હુસ્નાબાદમાં ‘પ્રજા આર્શીવાદ સભા’નું આયોજન કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે.
ગત ચૂંટણીમાં ટીઆરએસને 63 બેઠકો મળી હતી. 119 બેઠકોની વિધાનસભામાં એકલા હાથે બહુમતી મળી ગઈ હતી. તે પછીય તેમણે નાના નાના પક્ષોને પોતાનામાં ભેળવીને ધારાસભ્યોની સંખ્યા વધારીને 82 પર પહોંચાડી હતી. તેની સામે વિપક્ષ પાસે સિંગલ ફિગરમાં જ બેઠકો છે. વધ્યા ઘટ્યા વિપક્ષી નેતાઓને પણ પાડી દેવાનું ચાલુ છે. એક ધારાસભ્ય એ. રેવંત રેડ્ડીને અલગથી રાજીનામું આપી દીધું છે. હજી છ મહિના પહેલાં જ તેઓ તેલુગુ દેસમ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. તેમણે નાયડુને રાજીનામું મોકલ્યું હતું, પણ મામલો લટકતો હતો. હવે તેમણે સ્પીકરને જ રાજીનામું દીધું, જેથી પક્ષપલટાની કાનૂની ગૂંચ ન ઊભી થાય. બીજી બાજુ કોંગ્રેસના ચાર વખત જીતેલા ધારાસભ્ય કેઆર સુરેશ રેડ્ડીએ પણ પક્ષ છોડીને કેસીઆર સાથે જોડાવાનું નક્કી કર્યું છે.
તેલુગુ દેસમ અને કોંગ્રેસ પોતાની રીતે હજી તૈયારીઓ કરવાનું વિચારતા હતા, ત્યાં જ કેસીઆરે ઘા મારી દીધો છે એટલે બંને પક્ષે હવે નવેસરથી વિચારવું પડશે. કેસીઆરે સિફતપૂર્વક એવો પ્રચાર પણ કરાવ્યો છે કે બે રાજ્યો જુદા પડ્યાં તે પછી આંધ્રની સરખામણીએ તેલંગાણાનો વિકાસ ઝડપથી થયો છે. છેલ્લે સંસદમાં પોતાના ભાષણમાં પણ નરેન્દ્ર મોદીએ કેસીઆરના વખાણ કર્યાં હતાં, કે તેમણે નવા રાજ્યની રચના પછી, જૂની કડવાશ ભૂલીને વિકાસના કામમાં જ ધ્યાન આપ્યું છે. આ પ્રચારનો સામનો ચંદ્રબાબુ નાયડુએ તેલંગાણા ઉપરાંત પોતાના રાજ્યમાં પણ કરવો પડશે.
હૈદરાબાદ તેલંગાણાને મળ્યું હોવાથી તેનો ફાયદો મળ્યો છે. કેસીઆરનો પુત્ર કેટી રામા રાવ આઈટી, ઉદ્યોગ અને શહેરી વિકાસ મંત્રાલાય સંભાળે છે. હૈદરાબાદ આઈટીમાં આગળ છે તેનો પૂરતો લાભ લેવાયો છે. સાથે જ ગ્રામીણ વિસ્તાર પર ધ્યાન આપવા માટે ખેડૂતોને વીજળી મળે તેના પર ધ્યાન અપાયું હતું. છેલ્લા ચાર વર્ષમાં વીજળી ઉત્પાદન વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી ગામડામાં હવે પૂરતી વીજળી મળે છે. રાયડુ બંધુ એવા નામે ખેડૂતોને સીધી રોકડ સહાય મળે તે યોજનાનો પણ બહુ પ્રચાર કરવામાં આવે છે. જ્ઞાતિવાદી ગણતરી ધ્યાનમાં રાખવી પણ કેસીઆર માટે જરૂરી બની હતી. કેસીઆર પોતે વેલમ્મા જ્ઞાતિના છે. વેલમ્મા રાજવી હતા, પણ તેમની વસતિ ઘણી ઓછી છે. તેની સામે તેલુગુ દેસમના રેડ્ડી અને કોંગ્રેસના કમ્મા ટેકેદારોની વસતિ વધારે છે. સત્તા ખાતર રેડ્ડી અને કમ્મા ભેગા થાય તેવી કોશિશો કેસીઆરના ધ્યાનમાં આવી હતી, તેથી જ્ઞાતિવાદના બદલે રાજ્યના વિકાસની થીમ, ભાજપની સ્ટાઇલમાં ચલાવવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. સીધી રીતે સમજૂતી ન થાય તો પણ ખાનગીમાં ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસને ફાયદો થાય તેવું પણ કરાવી શકે છે.
વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિવાદને બદલે વિકાસની વાત ચાલી જાય અને સારી બહુમતી મળી જાય તો તે પછી કેસીઆરની ગણતરી લોકસભામાં વધુમાં વધુ બેઠકો જીતવાની છે. ભાજપ સાથે ત્યારે સમજૂતી પણ કરી શકાય અને ઓછી બેઠકો ભાજપને ફાળવીને 17 બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો જીતીને દિલ્હીમાં અગત્યની ભૂમિકા ભજવવાના સપનાં પણ જોઈ શકાય તેમ છે. અત્યારની દ્રષ્ટિએ વિચારીએ તો દિલ્હીમાં 2019માં જેમણે પણ સરકાર બનાવવી હશે, તેમને એકાદ ડઝન માથાં ખૂટવાના છે. કેસીઆર પોતાના એક ડઝન સાંસદોના સહારે દિલ્હીમાં પણ સોદાબાજી કરવાના સપનાં જોવા લાગ્યાં હશે. તે સપનું દૂરનું છે, અત્યારે વાસ્તવિકતા વિધાનસભાની છે. કુંડળીઓ માંડીને તેમણે ચૂંટણીનો સમય નક્કી કર્યો છે ખરો, પણ મતદાનની તારીખ ચૂંટણી પંચ ચોઘડિયા જોયા વિના નક્કી કરવાનું છે.