કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર કેટલો સમય ટકી શકશે?

0
3088

ર્ણાટકની કોંગ્રેસ-જેડીએસની સરકાર ટકી જશે કે કેમ તેવો સવાલ હવે કોઈ પૂછતું નથી. કેટલો સમય ટકી શકશે એની જ ગણતરી થઈ રહી છે. મંગળવારે કર્ણાટક વિધાનસભાના (મૂળ કોંગ્રેસી) સ્પીકરે 13 રાજીનામાંમાંથી 8 રાજીનામાં બરાબર નથી એમ કહીને વાતને લંબાવી છે. ગત શનિવારે કર્ણાટકમાં ભાજપના દિગ્દર્શનમાં નવેસરથી નાટક શરૂ થયું અને કોંગ્રેસ અને જેડીએસના રાજીનામાં પડ્યાં. સોમવારે નાગેશ નામના અપક્ષ, જેમને જૂનમાં જ પ્રધાન બનાવ્યાં હતાં તે પણ યેદીયુરપ્પાના પીએની સાથે ખાનગી વિમાનમાં મુંબઈ પહોંચ્યા. આર. શંકર નામના બીજા અપક્ષ અને પ્રધાનપદું ખાટી ગયેલા નેતાએ પણ રાજીનામું આપીને ભાજપ દિગ્દર્શિત નાટિકામાં પોતાનું પાત્ર લઈ લીધું છે.

જોકે સ્પીકરે કહ્યું કે પોતે રજા પર છે અને મંગળવારે જ પરત ફરશે. હવે તેમણે 8 રાજીનામાં યોગ્ય ફોર્મેટમાં ના હોવાથી નકાર્યા છે. આ ધારાસભ્યોએ મળવાનો સમય લઈને મને રૂબરૂમાં મળવું રહ્યું એમ તેમનું કહેવું છે. નાસીને મુંબઈ પહોંચેલા ધારાસભ્યોને મનાવી લેવા માટે કોંગ્રેસને સમય મળે તે માટે જ આ થઈ રહ્યું છે. ભારતમાં ક્યારેય સ્પીકર તટસ્થ હોતા નથી અને આપણે આદર્શની વાતો કરીએ છીએ. ગુજરાતમાં મૂળ ભાજપના અને સ્પીકર બનેલા ત્રિવેદીએ તાલાળાના ધારાસભ્યની સામે કાર્યવાહી કરવાની આવી ત્યારે ભારે ત્વરા દાખવેલી. અલ્પેશ અને ધવલના કિસ્સામાં ભારે સુસ્તી પણ દાખવી અને ભારતના સ્પીકરોની પરંપરા જાળવી રાખી હતી.

જોકે આવા રાજકીય ખાંડાં ખખડાવાં ક્યારેય અર્થહિન હોય છે. કોંગ્રેસ રાજરમત કરતાં જાણે ભૂલી ગઈ હોય તેમ પણ લાગે છે. પોતાના બે ધારાસભ્ય પક્ષપલટો કરવાના છે અને ક્રોસવોટિંગ કરવાના છે તેની જાણ હોવા છતાં રાજકીય રીતે મજબૂત લાગે તેવી કોઈ લડત દેખાતી નહોતી. ઉલટાનું બધા ધારાસભ્યોને ભેગા કરીને બાલારામ રિસોર્ટમાં ગયા તેની બદનામી થઈ.

કર્ણાટકમાં પણ કોંગ્રેસને બદનામી સિવાય કંઈ મળવાનું નથી. સવા વર્ષ પહેલાં કોંગ્રેસે આ પગલું લીધું ત્યારે તેના ભારે વખાણ થયા હતા. વખાણ અસ્થાને હતા તેનો ખ્યાલ હવે આવે છે. ભાજપને સરકાર બનાવતા રોકવા માટે 39 બેઠકો મેળવનારા નાના પક્ષ જનતા દળ (સેક્યુલર)ને ટેકો આપી દેવાની જાહેરાત થઈ હતી. 78 બેઠકો સાથેનો મોટો પક્ષ કોંગ્રેસ ટેકો આપે તેવું કજોડું લાંબું ચાલવાનું નહોતું. કોંગ્રેસની જૂથબંધી એકબીજા જૂથના નેતાઓને ફાવવા ના દે, ત્યારે જોડાણ કર્યું હોય તે પક્ષના નેતાને ક્યાંથી ફાવવા દે!

કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં હતી અને તેના મુખ્ય પ્રધાન હતા સિદ્ધરમૈયા. સિદ્ધરમૈયા એક જમાનામાં જેડીએસના અગત્યના નેતા હતા. જોકે દેવે ગોવડા પછી વારસદાર કોણ તે નક્કી કરવાનું આવ્યું ત્યારે કુમારસ્વામી જ ભૂતકાળમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. ભારતના રાજકીય પક્ષોમાં પરંપરા પ્રમાણે વંશવારસાને કારણે સિદ્ધરમૈયાએ આખરે ગોવડા પરિવાર સાથે નાતો તોડીને કોંગ્રેસ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. ગોવડા સામે ત્યારથી તેમને વાંધો હતો.

કર્ણાટક વિધાનસભામાં પણ ગુજરાતની જેમ જ કોંગ્રેસનો પનો થોડો ટૂંકો પડ્યો. સત્તા મળી નહિ, પણ 105 બેઠકો પર આવીને ભાજપ પણ અટકી ગયો. 116 બહુમતી માટે જોઈએ. તેથી આખરે કોંગ્રેસે ભાજપને અયોગ્ય રીતે સત્તા પર આવતા રોક્યો હતો. ભાજપે જેડીએસનો ટેકો લઈને સરકાર બનાવી હોત, તે વધારે સ્થિર હોત કેમ કે નાનો પક્ષ ટેકો આપવાનો હતો. થોડા સમાધાનો કરવા પડ્યા હોત, પણ જેડીએસ સત્તામાં ભાગીદારીની લાલસા રોકી શક્યો ના હોત.

અહીં સત્તામાં ભાગીદારી હોવા છતાં આખો લાડવો પોતાના હાથમાં નથી આવતો તેનો કકળાટ કોંગ્રેસના કર્ણાટકી નેતાઓમાં છે. સિદ્ધરમૈયા સતત ખાનગીમાં પોતાના ટેકદારોને ઉશ્કેરતા રહ્યા છે, જેતી કુમારસ્વામીની સરકાર બરાબર કામ ના કરી શકે. કુમારસ્વામી પણ નબળા નેતા સાબિત થયા છે. જાહેરમાં એકથી વધુ વાર બાળકની જેમ રડી પડેલા નેતા રાજકારણમાં ચાલે નહિ. નસીબજોગે મળી ગયેલી સત્તા જાળવવાની જવાબદારી કુમારસ્વામીની પણ હતી.

કોંગ્રેસમાંથી ડી. કે. શિવકુમારે આ સરકારને ટકાવી રાખવા મહેનત કરી છે. લાંબા ગાળે તેમની મહત્ત્વાકાંક્ષા કોંગ્રેસના મોટા નેતા બનવાની છે. તેથી પક્ષને તોડવાની સિદ્ધરમૈયાની પ્રવૃત્તિને શિવકુમાર અત્યાર સુધી રોકતા આવ્યા છે. છેલ્લે ત્રણેકવાર આવી કટોકટી આવી ત્યારે શિવકુમારે જ મધ્યસ્થી કરીને કોંગ્રેસના નેતાઓને પાછા બોલાવ્યા હતા.

આ વખતે જોકે ભાજપે પાકું ગણિત કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં પણ કર્ણાટકમાં ભાજપે સફાયો બોલાવ્યો. દેવે ગોવડા પોતે હારી ગયા. કુમારસ્વામીનો પુત્ર પણ હારી ગયો. કોંગ્રેસના ગત લોકસભાની નેતા ખડગે પણ હારી ગયા. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ જીતવાના બદલે એકબીજાને હરાવવાનું કામ વધારે કર્યું હતું તેવું લાગ્યું હતું. આ સંજોગોમાં કર્ણાટકની સરકાર બચી શકે તેવી કોઈ શક્યતા નહોતી.

તેથી ભાજપ હવે ક્યારે સોગઠી મારે છે તેની જ રાહ જોવાતી હતી. ગયા મહિને પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને બે અપક્ષોને પણ પ્રધાનો બનાવી દેવાયા હતા. તે બંને અપક્ષો પણ ભાજપના ટેકામાં જતા રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં છે. તેથી હવે ભાજપ માટે માર્ગ મોકળો થયો છે. ભાજપના 105 અને બે અપક્ષ ધારાસભ્યો સાથે 107 સભ્યસંખ્યા થાય છે. 224 ધારાસભ્યો હાલ છે તેમાં 113ની બહુમતી જોઈએ. બે અપક્ષો નીકળી ગયા પછી કાગળ પર કોંગ્રેસ 78 વત્તા જેડીએસ 37 અને બીએસપી એક એમ 116 અને સ્પીકર પણ છે. પરંતુ તેમાંથી 13 બાદ થઈ જાય એટલે સ્પીકર સહિત 104 જ થાય છે. તેથી હવે ભાજપની વ્યૂહરચના ઝડપથી 8 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લેવામાં આવે તે માટેની છે. ભાજપના સંરક્ષણમાં મુંબઈમાં આ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતાઓ તેમને મળે નહીં તેની કાળજી લેવામાં આવી રહી છે. બસમાં ભરીને તેમને સતારા સુધી લઈ જવાયા હતાં, ત્યાંથી મંગળવારે રાત્રે ફરી મુંબઈ લવાયા છે. શિવકુમાર અને જેડીએસના નેતા તેમને મળવા બુધવારે મુંબઈ જવાના છે. જોકે મુલાકાત થાય તેવું લાગતું નથી. મુલાકાત થાય તો પણ મનામણાં થશે કે કેમ તે પણ સવાલ છે. નાટકનો ત્રીજો અંક બાકી છે, કેવી રીતે ભજવાશે તેનું સસ્પેન્સ છે, પણ અંત શું આવશે તે નક્કી છે – કોંગ્રેસ-જેડીએસની આ સરકારનો અંત નક્કી છે.