આરટીઆઈમાં સુધારો તેના આત્માને મારી નાખશે?

0
6885

ભારતના લોકતંત્રના વખાણ દુનિયાભરમાં થતા રહે છે. સૌથી મોટી લોકશાહી, 100 કરોડને પણ વળોટી ગયેલી વસતિ અને આઝાદી મેળવ્યા પછી કટોકટીના થોડા વર્ષોને બાદ કરતાં સતત લોકતાંત્રિક પ્રણાલીઓ પ્રમાણે ચાલતું રહેલું શાસન. કોઈ પણ જાતની વ્યાપક હિંસા વિના ચૂંટણી પછી બદલાઇ જતી સત્તા. આ બધા વખાણ કરવા લાયક પાસા છે. કેમ કે દુનિયા આટલું પણ કરી શકતી નથી.પરંતુ ભારતે હજી ઘણું બધું કરવાનું બાકી છે. લોકપાલની નિમણૂંક હજી થઈ શકી નથી અને ચૂંટણી જીતવા માટે અપનાવાતી રીતો માત્ર કાયદાની રીતે, શબ્દોમાં કાયદેસર છે, તેની ભાવનાને અનુરૂપ નૈતિક અને નીતિમત્તાથી ભરપુર નથી. એકવાર કોઈ પક્ષ જીતી ગયો અને સત્તા પર બેસી ગયો પછી પાંચ વર્ષ સુધી તેને પ્રજાની જરાય પરવા કરવાની જરૂર નથી. પ્રજાને પૂછીને નહિ, પણ પછી પોતાની મરજી પ્રમાણે શાસન ચાલે છે. મરજી પડે તેવા બંધારણીય સુધારા આવે છે અને એવા કાયદા બની જાય છે જે કદાચ નાગરિકોની બહુ મોટી બહુમતીને પસંદ ના હોય.
આવો એક કાયદો એટલે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ. ભારતે તેને 2005માં પસાર કર્યો ત્યારે તેના બહુ વખાણ થયા હતા. દુનિયાના ઘણા બધા વિકસિત દેશોમાં પણ આટલો વ્યાપક અને નાગરિકોને ઉપયોગી માહિતીનો અધિકાર આપતો કાયદો નથી. રશિયા અને ચીન અને સરખુખ્યતારી ધરાવતા અમુક અરબ અને આફ્રિકન દેશો કરતાંય ક્યાંય આગળનો આ કાયદો છે. પરંતુ આ કાયદામાં હવે સુધારા માટેનો ખરડો આવ્યો છે, તેના કારણે એક્ટિવિસ્ટ્સ ચિંતામાં પડ્યા છે.
વર્તમાન સત્રમાં જ સરકારે સુધારા માટેનો ખરડો દાખલ પણ કરી દીધો છે. પણ શું સુધારા આવશે અને તેનાથી શું અસર થશે તે વિશે ભાગ્યે જ નાગરિકોને કશી ખબર છે. માહિતીના અધિકારના કાયદાના કારણે નાના ગામનો, ઓછું ભણેલો, ગરીબ અને પછાત સામાન્ય માનવી પણ સત્તાધીશોને ચિંતા કરાવતો થઈ ગયો હતો. સરપંચથી માંડીને, તાલુકા – જિલ્લા પંચાયતના પ્રમુખો અને ધારાસભ્યો પણ આવા આમ આદમીની માહિતીની અરજીથી ફફડવા લાગ્યા હતા. લાંબા ચાલેલા આંદોલન બાદ સરકારે 2005માં આ કાયદો પસાર કર્યો હતો. તે વખતે તેના વિશે ખાસી જાગૃત્તિ હતી, લાંબી ચર્ચાઓ પણ થયેલી અને અનેક સૂચનો પછી કાયદો તૈયાર થયો હતો. તેમાં નાની મોટી ખામીઓ રહી ગઈ હતી, પણ મોટા ભાગે તેનાથી ફાયદો દેખાવા લાગ્યો હતો. રાજકીય પક્ષો સહિતની કેટલીક સંસ્થાઓ તેમાંથી બાકાત રહી ગઈ છે, પણ તે સિવાય મોટા ભાગના સરકારી તંત્રને તેમાં આવરી લેવાયું હતું.પણ હવે કોઈ સૂચનો કે ચર્ચા વિના સુધારા રજૂ થયા છે, ત્યારે કાયદા પાછળનો આત્મા મરી જશે તેવી ચિંતા સ્વંયસેવકોને પેઠી છે.
માહિતી કમિશનર તરીકે થનારી નિમણૂકમાં એવી રીતે ફેરફારો થઈ રહ્યા છે કે તે સ્વતંત્રપણે કામ કરી શકશે નહિ. આ ચિંતાનો વિષય છે, કેમ કે હાલમાં પણ ઘણી બધી માહિતી ઉપલબ્ધ નથી કે આપી શકાય તેમ નથી કે અત્રે ઉપસ્થિત નથી એવા બહાના કાઢીને અપાતી નથી. તેમાં બહુ મોડું કરાય છે. તમે અપિલ પર અપિલ કરો અને માહિતી કમિશનર સુધી પહોંચે ત્યાં સુધીમાં પાંચ વર્ષ નીકળી જાય અને સરકાર પણ બદલાઈ જાય. તે સંજોગોમાં અપિલમાં છેલ્લો આશરો માહિતી કમિશનરનો હોય છે, હવે નિમણૂક માટે જો તેને સરકારની દયા પર રહેવાનું હોય તો તે સરકારને ના ગમે તેવી માહિતીને બહાર આવતી રોકવા બધા જ પ્રયાસો કરશે.
માહિતી કમિશનરની નિમણૂક પાંચ વર્ષ માટે થતી હતી અને 65 વર્ષની ઉંમરે નિવૃત્તિ હતી. તેમના પગાર, ભથ્થાં અને નોકરીની શરતો મુખ્ય ચૂંટણી કમિશનર જેવા જ નક્કી કરાયેલા છે. તેમના પગાર વળી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન હોય છે.
તેની જગ્યાએ કાયદામાં ફેરફાર કરીને કેન્દ્ર સરકાર દેશભરમાં માહિતી કમિશનરની નિમણૂક, તેમનો કાર્યકાળ, પગાર અને ભથ્થાં તથા નોકરીની શરતો નક્કી કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લેવા માગે છે. તેના કારણે માહિતી કમિશનર સ્વતંત્ર રીતે કામ કરનાર વ્યક્તિ હશે તેવી સંભાવના ઓછી થઈ જશે.
માહિતી કમિશનરને ચૂંટણી કમિશનર સમાન ગણી લેવામાં ભૂલ થયેલી છે, કેમ કે ચૂંટણી કમિશનર એ બંધારણીય હોદ્દો છે એમ સરકારનું કહેવું છે. જ્યારે માહિતી પંચ એ કાનૂની, કાયદાથી સ્થપાયેલી સંસ્થા છે. આ દલીલમાં એટલા માટે વજૂદ નથી કે બંધારણીય સંસ્થા જેવા જ અધિકાર અને શરતો કાનૂની સંસ્થામાં ના હોઈ શકે તેવી કોઈ મર્યાદા બંધારણમાં નથી. ચીફ વિજિલન્સ કમિશનર, લોકપાલ સહિતની કાયદાથી સ્થાપિત સંસ્થાઓને પણ બંધારણીય સંસ્થાઓ જેટલો જ દરજ્જો આપેલો જ છે. પાંચ વર્ષ માટે નિમણૂક મળી હોય અને નોકરીની શરતો નક્કી હોય ત્યારે માહિતી કમિશનર ધારે તો કોઈની પણ સાડી બાર રાખ્યા વિના કામ કરી શકે છે.આ સામાન્યા લાગતો કાયદો સામાન્ય માનવીને બહુ ઉપયોગી થવા લાગ્યો છે. કેટલાક લોકો પોતાને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાવીને નિયમિત રીતે જાતભાતની માહિતી માગીને સરકારી તંત્રને કામ કરવા માટે મજબૂર કરતા રહે છે. સામાન્ય કોન્ટ્રેક્ટ આપવાથી માંડીને મોટા કૌભાંડ કરવા માટે નેતાઓ અને અમલદારો ફાઇલમાં ગોટાળા કરી નાખતા હતા. આ ફાઇલ કદી બહાર આવવાની ના હોય તેથી કેવી રીતે કોન્ટ્રેક્ટ અપાયો કે કેટલું મોટું કૌભાંડ થયું છે તે કદી જાણી શકાતું નથી. હવે માહિતી આપવા ફાઇલ ખોલવી પડે ત્યારે કૌભાંડીઓ પકડાઇ જવાના.
આ કાયદો નાગરિકોન કેટલો ગમી ગયો છે, તેનો અંદાજ એ વાત પરથી આવી જશે કે દર વર્ષે 50 લાખથી પણ વધુ માહિતી માટેની અરજીઓ થાય છે તેવો અંદાજ છે. તેનો અર્થ એ થયો કે લગભગ દરેક કચેરીમાં થતી કામનો હિસાબ હવે નાગરિકો માગતા થયા છે.
હવે એવું પણ થવા લાગ્યું છે કે કોઈ એક વ્યક્તિએ અરજી કરી હોય, પણ તેનો ફાયદો બીજા અનેકને મળે છે. દાખલા તરીકે સસ્તા અનાજની દુકાનમાંથી વસ્તુ ના મળે ત્યારે ગરીબ રેશન કાર્ડ ધારક અરજી કરી શકે છે. અત્યાર સુધી દુકાનદાર એવો જવાબ આપી દેતા હતા કે ઉપરથી માલ આવતો નથી એટલે વસ્તુઓ મળશે નહિ. પરંતુ હવે એક જ અરજદાર અરજી કરીને માહિતી માગી શકે કે આ દુકાનદારને કેટલો પુરવઠો આપવામાં આવે છે. મામલતદાર કચેરીના પુરવઠા અધિકારીએ જવાબ આપવો પડે કે દુકાનદારને દર મહિને કેટલો પુરવઠો આપવામાં આવે છે. આ માહિતી હવે જાહેરમાં આવી ગયા પછી દુકાનદાર તેને ત્યાં નોંધાયેલા કોઈને એવું ના કહી શકે કે ઉપરથી પુરવઠો આવતો નથી.
મહારાષ્ટ્રની ભાજપ સરકારનું વ્યાપમ કૌભાંડ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારનું આદર્શ કૌભાંડ બંને આરટીઆઇને કારણે જ બહાર આવ્યા હતા. તેના કારણે જ સત્તાધીશો ડરતા રહે છે કે કોઈ એકાદ નાનકડી માહિતી અરજી કરીને માગી લેવાશે તો પોતાનો ભાંડો ફૂટી જશે. હવે એવી કોશિશ થઈ રહી છે કે કૌભાંડ ખુલ્લું પડી જાય તેવી માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે. અધિકારીઓ વાત ટાળે છે. એકથી બીજી અને બીજીથી ત્રીજી કચેરીએ ધક્કા ખવરાવાય છે. ટેક્નિકલ ખામી કાઢીને અધુરી કે ખોટી માહિતી આપી દેવાય છે. શક્ય એટલું મોડું કરવામાં આવે. મોડું કરવા સામે અરજી કરો તેમાં પણ મોડું થાય. મોડામાં મોડું થાય તે સામે અપિલ કરો અને માહિતી કમિશનરની કચેરી સુધી પહોંચો ત્યાં પણ વિલંબ થાય છે.અરજીઓની સંખ્યામાં લાખોમાં પહોંચી ગઈ હોવાથી હવે માહિતી પંચમાં પણ માહિતી ના મળી હોવાની ફરિયાદો કરતી અરજીઓનો પણ ઢગલો થવા લાગ્યો છે. આવી ફરિયાદોનો નિકાલ કરવામાં રાબેતા મુજબ વિલંબ થવા લાગ્યો છે. ભારતીય ન્યાયતંત્ર પર દરેક નાગરિકને વિશ્વાસ છે, પણ તેમાં ન્યાય મેળવવામાં અસહ્ય વિલંબ થાય છે. તેમાં પણ પૈસાદાર અને હોશિયાર વકીલો સામે સામાન્ય અસીલ અને નબળા વકીલોને ન્યાય મળતો નથી. ન્યાય મળે ત્યારે એટલો વિલંબ થયો હોય કે અર્થહિન સાબિત થાય.
આવી જ હાલત ક્યાંય માહિતી પંચની થવા લાગી છે. માહિતી પંચ આખરે ગમે તેવી ગંભીર માહિતી હશે, પણ સરકારને આપવા ફરજ પાડશે તેવી ધિરજવાન નાગરિકને આશા રહેશે, પણ તેમાં વર્ષોનું મોડું થશે. વર્ષો પછી માહિતી કદાચ મળે ત્યાં સુધીમાં ખરેખર મોડું થઈ ગયું હશે અને માહિતી અર્થહિન કે બિનઅસરકાર થઈ ગઈ હશે. આવી સ્થિતિ છે ત્યારે માહિતી કમિશનરની કામગીરી વધારે સારી, વધારે ચુસ્ત, વધારે ઝડપી, વધારે ભરોસાપાત્ર બને તેના બદલે કમિશનર બીજા કોઈ પણ અમલદારની જેવો ઓશિયાળો થઈને રહે તેવું કાયદામાં સુધારો કરીને કરાઈ રહ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની માહિતી તમે ક્યાંથી માગશો? કોને અરજી કરશો અને કોણ તમને માહિતી આપશે? નાખી દો એક અરજી.