વર્ષો પછી પૂર્વ વડાપ્રધાનના ભાવ વધ્યાં, કારણ કર્ણાટક ચૂંટણી

ર્ણાટકની ચૂંટણીમાં દેવે ગોવડાના ભાવ અચાનક વધી ગયાં છે. દેવે ગોવડા એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન. ભારતના નસીબના બળિયા ચાર નેતાઓમાંના એક, જેઓ અચાનક વડાપ્રધાન બની ગયાં. રાજીવ ગાંધીની હત્યા પછી પમૂલાપર્તિ વેન્કટ નરસિંહ રાવના નસીબ ખૂલ્યાં અને તેઓ વડાપ્રધાન બની ગયાં. તેઓ બિસ્તરા પોટલા બાંધીને વતન આંધ્ર પ્રદેશ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. લોકસભાની ચૂંટણીનું અડધું મતદાન પૂરું થઈ ગયું હતું અને અડધું બાકી હતું, પણ રાજીવ ગાંધીની હત્યા થઈ અને સિનારિયો પલટાઈ ગયો. કોંગ્રેસ હારી રહી હતી, તેમાંથી જીતી ગઈ અને સત્તા પર આવી શકી. હવે કોણ વડાપ્રધાન બને તેની દોડમાં નરસિંહ રાવ નહોતા અને એટલે જ તેમનો નંબર લાગી ગયો.તેમણે પાંચ વર્ષ કાઢી નાખ્યા અને આજે આર્થિક ઉદારીકરણ માટે તેમને યાદ કરવામાં આવે છે. તે પછી 1996માં ચૂંટણી આવી ત્યારે કોઈને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. સૌથી વધુ બેઠકો હોવાથી ભાજપને આમંત્રણ અપાયું હતું, પણ વાજપેયીની સરકાર 13 દિવસ જ ચાલી. હવે કોઈ સરકાર બનાવે તે સવાલ હતો. જનતા દળના નેતાઓમાં સ્પર્ધા જામી અને જે રીતે નરસિંહ રાવ ફાવી ગયા હતા તે રીતે અજાણ્યા અને કર્ણાટકમાં મુખ્યપ્રધાન રહેલા હરદનહલ્લી હરદનહલ્લી ડોડેગોવડા દેવે ગોવડાનો નંબર લાગી ગયો. હું નહિ તો તું નહિ એ ન્યાયે સૌએ દેવે ગોવડાને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા.

સંસદમાં છેલ્લી પાટલીએ ઊંઘી જવા માટે જાણીતા દેવે ગોવડા વડાપ્રધાન તરીકે ખાસ કંઈ કાઠું શક્યા નહિ. કાઠું કાઢ્યું હોત તો પણ તેઓ લાંબું ખેંચી શક્યા ના હોત, કેમ કે તેમને એક પ્યાદા તરીકે જ હરિફ જૂથોએ મૂક્યા હતા. એક વર્ષ પણ તેઓ પૂરું કરી શક્યા નહિ અને તેમની જગ્યાએ તેમના જેવા જ લકી રાજકારણી આઇ. કે. ગુજરાલ વડાપ્રધાન બની ગયા. નરસિંહ રાવ અને દેવે ગોવડા તો ચૂંટણી મેદાનના ખેરખાં હતા, પણ ગુજરાત રાજ્યસભા ટાઇન નેતા હતા, છતાં ફાવી ગયા. તેમની જેમ ફાવી ગયેલા રાજ્યસભા ટાઇપ ચોથા નસીબવાન એટલે મનમોહનસિંહ.

જોકે અહીં મુદ્દો એ નથી કે નસીબદાર કેવી રીતે પીએમ બને. મુદ્દો એ છે કે કર્ણાટકની ચૂંટણીમાં અચાનક દેવે ગોવડા માટે ભાજપને પ્રેમ કેમ ઊભરાઈ આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધા વખાણ ના કર્યા પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ટોણો માર્યો કે તમે તો હજી ઊગીને ઊભા થાવ છો. તમે રાજકારણમાં નવાનવા છો. તમારે હજી ઘણું શીખવાનું છે. તેના બદલે તમે ભૂતપૂર્વ વડાપ્રધાન, આપણા સૌથી પીઢ અને અનુભવી રાજકારણીનું અપમાન કરો છો.
ભૂતપૂર્વ વડાપ્રધાનને વર્તમાન વડાપ્રધાને માન આપ્યું તેમ જાણીને ઘણા રાજી થયા. ઘણાએ વખાણ પણ કર્યા કે ભારતના રાજકારણમાં ઉજળી પરંપરા છે અને વડીલોનું માન રખાય છે, ભલે તે વિપક્ષમાં હોય. પણ આ કર્ણાટકની સ્થિતિ ના જાણનારા ડાહ્યા લોકો માટે હતું. રાજ્યની સ્થિતિ જાણનારા, અથવા એમ કહો કે સ્થિતિ જાણી શકાઈ તેવી નથી તેવું જાણનારા લોકો સમજી ગયા હતા કે કેમ અચાનક દેવે ગોવડા માટે પ્રેમ ઊભરાઈ આવ્યો છે. પરંપરાની જ વાત હોય તો મનમોહનસિંહનું વારંવાર ભાજપે અપમાન કર્યું છે તે ના કર્યું હોત.દેવે ગોવડાના નસીબનું ચક્ર 1996 પછી ફરી એકવાર ફરી રહ્યું હોય તેમ લાગે છે. કર્ણાટકમાં ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ ચિત્ર અસ્પષ્ટ થતું જાય છે. ભાજપે જબરી ફાઈટ આપી છે અને સિદ્ધરમૈયાને હતું કે આસાનીથી જીતી જવાશે તેવું નથી. ગુજરાતમાં કોંગ્રેસને દોડતી કરી દેનારા રાહુલ ગાંધીને લાગ્યું હતું કે ગુજરાતમાં થોડા માટે ચૂકી ગયા, તે તક, પક્ષને વિજય અપાવવાનો શ્રેય લેવાની તક કર્ણાટકમાં છે. પરંતુ કર્ણાટકમાં ભાજપની સ્થિતિ સુધરી રહી છે તેવું મોટા ભાગના લોકો માને છે.

તેની સામે જનતા દળની સ્થિતિ પણ સુધરી રહી છે તેવું કેટલાક સર્વેમાં આવ્યા પછી સ્થિતિ અસ્પષ્ટ થઈ છે. કોંગ્રેસને મામુલી જ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જનતા દળને ફાયદો થવાનો હોય તો પછી નુકસાન કોને થશે તે સમજવું કર્ણાટકમાં મુશ્કેલ બન્યું છે. તેના કારણે મોટા ભાગના નિરીક્ષકો સેફ રહેવા માટે વચ્ચેનો રસ્તો કાઢી રહ્યા છે. ત્રિશંકુ સ્થિતિની કલ્પના સૌ કરવા લાગ્યા છે. કોંગ્રેસ એકસોનો આંકડો પાર નહિ કરી શકે, ભાજપ નેવુંથી આગળ નહિ વધી શકે અને આ બંને વચ્ચે જનતા દળ (એસ) 40 જેટલી બેઠકો લઈ જાય તો દેવે ગોવડા કિંગમેકર બની શકે છે.
ભાજપ સાથે જેડી-યુનું સત્તાવાર ગઠબંધન બિહારમાં થયું, પણ જેડી-એસનું સત્તાવાર ગઠબંધન કર્ણાટકમાં થયું નથી. પરંતુ શરદ પવારની એનસીપીની જેમ જેડી-એસ ભાજપની બી ટીમ તરીકે કામ કરવા માટે તૈયાર છે એમ કોંગ્રેસના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા કહે છે.

જોકે સિદ્ધરમૈયાની ટીકા પાછળ એક બીજી પણ ગણતરી છે. બાબરી મસ્જિદની ઘટના પછી કોંગ્રેસથી નારાજ મુસ્લિમ મતો જેડી-એસ તરફ વળી ગયા હતા. પરંતુ દેવે ગોવડા અને તેમનો દીકરો હરદનહલ્લી દેવેગોવડા કુમારસ્વામી ભાજપની સરકારને જ ટેકો આપશે તેવી વાત ફેલાવીને સિદ્ધરમૈયા મુસ્લિમ મતોને ફરી કોંગ્રેસ તરફ વાળવા માગે છે. જેડી પાછળ લાગતો એસ એ સેક્યુલરનો ટૂંકાક્ષર છે, પણ ગોવડા એટલા સેક્યુલર રહ્યા નથી એવો ઇશારો સિદ્ધરમૈયાનો છે.

આ સંજોગોમાં ભાજપ અને ભાજપના શાહ અને મોદી સહિતના સિનિયર નેતાઓ પણ એવો ઈશારો કરે કે ગોવડા બાપદીકરાની પાર્ટી જેડી-એસ ભાજપને ટેકો આપવાની છે ત્યારે કોંગ્રેસને ફાવતું જડે તેમ છે. આમ છતાં શા માટે ગોવડાની તરફેણ કરવામાં આવી? ભાજપની પણ બેવડી ગણતરી છે. કોંગ્રેસ ગમે તેટલો સારો દેખાવ કરે, સરકાર ભાજપની જ બનવાની છે તેવો ઈશારો કરીને ભાજપ વાડ પર બેઠેલા મતદારોને આકર્ષવા માગે છે. કોઈ એક પક્ષનો ચૂસ્ત ટેકેદાર નહિ એવો આ વર્ગ મોટા ભાગે સત્તા સાથે રહેવામાં માનતો હોય છે. બીજી ગણતરી લિંગાયત સામે વોક્કાલિગા મતો આકર્ષવાની પણ છે. લિંગાયતને મનાવવા માટે કોંગ્રેસે તેમને લઘુમતી દરજ્જાની તરફેણ કરી છે, ત્યારે બીજો મોટો વર્ગ વોક્કાલિગા છે. ગોવડા પોતે વોક્કાલિગા છે અને તેના નેતા છે, પણ વોક્કાલિગાને ઈશારો છે કે જેડી-એસ કરતાં ભાજપને ટેકો આપો, જેથી તમારા હરિફ લિંગાયતની તરફેણ કરનારી કોંગ્રેસને હરાવી શકાય.જેડી-એસને ભાજપની બી ટીમ તરીકે પ્રોજેક્ટ કરીને ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય લાભો લેવાની ગણતરી કરી રહ્યા છે ત્યારે જેડી-એસની ગણતરી શું હશે તે મહત્ત્વનું બની જાય છે. જોકે કેટલાક સર્વેમાં એવું પણ જોવા મળ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને મતોની ટકાવારીમાં ફાયદો થઈ રહ્યો છે, જ્યારે નુકસાન માત્ર જેડી-એસને છે. આ નુકસાનનો ફાયદો જો કોંગ્રેસને થવાનો હોય તો ગોવડા પિતાપુત્ર વિચાર કરે પણ ખરા, કેમ કે તેમને સિદ્ધરમૈયા સામે અંગત દુશ્મનાવટ છે. સિદ્ધરમૈયા દેવે ગોવડાના શિષ્ય હતા અને જેડી-એસમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. જેડી-એસ છોડીને તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા. તેથી ચૂંટણી પહેલાં ગોવડાને પણ ભાજપનો ઈશારો છે કે સિદ્ધરમૈયાને હરાવવા હોય તો સ્ટ્રેટેજિક રીતે વિચારો. ભાજપને જીતવા દો.

આ કારણોસર વર્ષો પછી ફરી એકવાર ગોવડા પરિવારના ભાવ વધ્યા છે.

જોકે રાહુલ ગાંધી એવું પણ દેખાડવા નથી માગતા કે તેમને ગોવડા સામે કોઈ દુશ્મનાવટ હોય. સિદ્ધરમૈયાને વ્યક્તિગત વાંધો હોઈ શકે છે, પણ વોક્કાલિગા મતોની સાવ અવગણના કોંગ્રેસ ના કરી શકે. લિંગાયતની ખુશામત કર્યા પછી કોંગ્રેસ આ બાબતમાં વધારે સાવધ રહેવા માગે છે. તેથી જ નરેન્દ્ર મોદીએ ટીકા કરી તે પછી તરત જ રાહુલ ગાંધીએ દક્ષિણમાં વગદાર ગણાતા ડેક્કન હેરલ્ડને મુલાકાત આપી. ગુજરાત ચૂંટણીને કારણે ગુજરાતી ચેનલોને તેમણે મુલાકાતો આપી હતી, પણ પ્રમુખ બન્યા પછી તેમણે કોઈ રાષ્ટ્રીય અખબારને મુલાકાત આપી નથી. પરંતુ આ મુલાકાત આપી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી કે તેમના માટે ગોવડા પરિવારનું અપમાન નથી કરી રહ્યા. તેઓ ફક્ત એટલી સ્પષ્ટતા જ માગી રહ્યા છે કે તેઓ રેખાની આ પાર છે કે પેલે પાર તે સ્પષ્ટતા કરે. આ રીતે ફરી એકવાર જેડી-એસના ટેકેદાર મુસ્લિમ મતો માટે તેમણે મેસેજ આપ્યો હતો.

ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ દરેક ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈને સોફ્ટ હિન્દુત્વની યાત્રા રાહુલ ગાંધીએ ચાલુ રાખી છે. તે સંજોગમાં મુસ્લિમ મતદારોને પણ આકર્ષવા જરૂરી છે. તેના માટે જેડી-એસ સેક્યુલર જનતા દળનો મુદ્દો તેમને હાથવગો થયો છે. જો જેડી-એસ પણ સેક્યુલર ના રહેવાનો હોય અને ભાજપની સાથે જ જઈને બેસવાનો હોય તો શા માટે તમારા મત વેડફો છો. તમારા માટે બેસ્ટ બેટ કોંગ્રેસ જ છે. ગુજરાતમાં કોઈ ત્રીજું પરિબળના હોવાથી મુસ્લિમોએ ના છૂટકે કોંગ્રેસ સાથે રહેવું પડે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી સ્થિતિ કર્ણાટકમાં પણ ઊભી થાય અને ધાર્મિક હિન્દુઓના મતો સાથે મુસ્લિમ મતોને પણ કોંગ્રેસ માટે રાખી શકાય તે સ્ટ્રેટેજીનો ટેસ્ટ કોંગ્રેસ કર્ણાટકમાં કરી રહી છે.

ભાજપ પણ તેથી સાવધ છે. તે જેડી-એસના ટેકેદારોને બે વિકલ્પ આપી રહ્યો છે. કાંતો ભાજપને જ સીધો જીતાડો. ભાજપ નહિ તો પછી જેડી-એસને જીતાડો, જેથી સત્તામાં ભાગીદારી થઈ શકે, પણ કોંગ્રેસને તો ના જ જીતવા દેશો. આટલા કારણે ગોવડાના માનસન્માન વધ્યા છે.