જમ્મુ અને કાશ્મીરમાં પાંચ પ્રયોગો, પાંચમો બાકી છે

ભાજપ અને પીડીપીએ જમ્મુ અને કાશ્મીરમાં જોડાણ કર્યું હતું તે કજોડું હતું. આ વાત પહેલેથી જ બધાં જાણતાં હતાં. કજોડું હોવું આપણે ત્યાં બહુ નવું નથી. પડ્યું પાનું નિભાવી લેવાનું હોય છે. આઝાદી પહેલાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે ભેગા મળીને પ્રાંતોમાં સરકારો બનાવી હતીં. કજોડા કર્યા સિવાય છૂટકો હોતો નથી. કાશ્મીરમાં પણ એવી જ સ્થિતિ હતી, કેમ કે કોઈને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. 89ની વિધાનસભામાં પીડીપીના 28, ભાજપના 25, કોંગ્રેસ અને એનસીના બંનેના મળીને 25 થતાં હતાં.બે મોટા પક્ષમાંથી કોઇ એક સરકાર રચે તો બે જણે ટેકો આપવો પડે. ભાજપને ટેકો મળે નહીં તે સ્પષ્ટ હતું અને કોંગ્રેસ અને એનસીને પણ રસ નહોતો કે પીડીપી સરકાર બનાવે. યુપીમાં એસપી – બીએસપી જેવી સ્પર્ધા પીડીપી અને એનસી વચ્ચે રહી છે. તે સંજોગોમાં કજોડું રચવાનું ભાજપના સંઘમાંથી આવેલા રામ માધવે નક્કી કર્યું હતું. એ જ રામ માધવે તેમાંથી તલાકની જાહેરાત કરી ત્યારે રાંડ્યા પછીના ડહાપણ જેવું લાગતું હતું. ત્રાસવાદ વધી પડ્યો છે, ભાગવાવાદી તત્ત્વોને જોર આવ્યું છે, તંત્ર ભાંગી પડ્યું છે એવું તેમણે કહ્યું ત્યારે તે બધી જ ભાજપની પણ નિષ્ફળતા હતી તે તેઓ સ્વીકારી રહ્યાં હતાં. આમ છતાં વિચાર્યા વિના પીડીપી સાથે ગઠબંધન થયું નહોતું અને કેટલાક પ્રયોગો કરવા માટે થયું હતું. ગુજરાતમાં ભાજપે કેટલાક પ્રયોગો કર્યા હતાં તે તેને લાંબો સમય કામ આવ્યાં છે. દક્ષિણ ભારતમાં પણ ભાજપ કેટલાક પ્રયોગો કરી રહ્યું છે. કર્ણાટકમાં ફળ્યાં છે, કેરળ અને તામિલનાડુમાં ફળવાના બાકી છે. ઇશાન ભારતમાં ફળ મળી ચૂક્યું છે અને પશ્ચિમ બંગમાં પણ ભાજપ બીજા નંબરનો પક્ષ બની રહ્યો છે.

આ પ્રયોગો ક્યારેય નિષ્ફળ પણ જાય, પણ વિજ્ઞાન કહે છે કે પ્રયોગો કરવા પડે. રાજકીય વિજ્ઞાન કહે છે કે સત્તા માટે પ્રયત્નો કરવા પડે. મળે કે ના મળે, આબરૂ રહે કે જાય, સત્તા મળે છે કે કેમ તે અગત્યની છે. આબરૂ અગત્યની નથી. રાજકારણ આબરૂનો ખેલ નથી, પાસા ગોઠવીને બાજી જીતવાનો ખેલ છે. આવા પાંચ પ્રયાગો કાશ્મીરમાં કરવાની ગણતરી હતી, તેમાંથી પાંચમો પ્રયોગ કરવાનો હજી બાકી છે. પાંચમો પ્રયોગ સૌથી અગત્યનો સાબિત થશે, પણ તેની વાત છેલ્લે.

પ્રથમ પ્રયોગઃ જમ્મુના લોકોને સત્તામાં ભાગીદારી
જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ખીણના ભાગનું પલ્લું કાયમ ભારે રહે છે. 46 બેઠકો કાશ્મીરમાં આવેલી છે. જમ્મુ અને લડાખ બંનેની થઈને 41 બેઠકો થાય છે. તેથી કોંગ્રેસ જમ્મુમાં જીતતી હતી ત્યાં સુધી જમ્મુનું પ્રતિનિધિત્વ દેખાતું હતું, પણ નેતાગીરી હંમેશા કાશ્મીરની અને મુસ્લિમ રહેતી હતી. જમ્મુના હિન્દુઓને સત્તામાં ભાગીદારી લાગે તેવું મોટા ભાગે થતું નહોતું.


2015ની ચૂંટણીમાં પ્રથમવાર એવા પરિણામ આવ્યા કે જમ્મુના હિન્દુઓને સત્તામાં ભાગીદારીનો અહેસાસ થાય. કોંગ્રેસને જમ્મુમાંથી સાફ કરી નાખવામાં ભાજપને સફળતા મળી. લડાખમાં પણ ભાજપને સફળતા મળી. ભાજપને જમ્મુની બે અને લડાખની એમ ત્રણ લોકસભાની બેઠકો પણ મળી હતી. તે પણ પ્રયોગનો એક ભાગ હતો, પણ તે 2019માં કામમાં આવશે. જમ્મુમાંથી વધુમાં વધુ બેઠકો મેળવીને ભાજપે એવી સ્થિતિ ઊભી કરી જેના કારણે સત્તામાં ભાગીદારી મળે. ભાજપની ગણતરી કાશ્મીર ખીણમાં પણ કેટલાક અપક્ષોને ઊભા કરીને સત્તામાં મુખ્ય હોય અને સાથી કાશ્મીર ખીણની પાર્ટીએ બનવું પડે તેવી કોશિશ કરી હતી. પણ તે શક્ય ના બન્યું ત્યારે જુનિયર પાર્ટનર તરીકે પણ સત્તામાં ભાગીદાર થવાનો પ્રયોગ કરી લીધો હતો.

દ્વિતીય પ્રયોગઃ પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા
કોંગ્રેસ એક માત્ર અગત્યનો રાજકીય પક્ષ હતો, જ્યારે આઝાદી મળી. હિન્દુ મહાસભા કે સીપીઆઇ હજી પ્રાદેશિક ગણાય તેવી પણ સ્થિતિ આવી નહોતી. પ્રથમ ડાબેરી ફાવ્યા અને કેરળમાં સત્તામાં આવી શક્યા. જમણેરીએ વધુ રાહ જોવી પડી અને કટોકટી પછી જનતા મોરચો બન્યો ત્યારે તેમાં જનસંઘને પ્રથમવાર સત્તામાં ભાગીદારી મળી. દરમિયાન કોંગ્રેસ તૂટતી ગઈ અને પ્રાદેશિક પક્ષો બનતા ગયા.
ભાજપને તે સ્થિતિ માફક આવે તેમ હતી, કેમ કે નબળી પડતી કોંગ્રેસ સામે ભાજપ રાષ્ટ્રીય પક્ષ તરીકે ઉપસવા લાગ્યો. પરંતુ પ્રાદેશિક પક્ષો વધારે મજબૂત થવા લાગ્યા અને હિન્દી બેલ્ટ પણ ભાજપના હાથમાંથી સરકી ગયો. રામમંદિર જેવો રાષ્ટ્રીય મુદ્દો પણ યુપી, બિહારમાં પ્રાદેશિક પક્ષોને અટકાવી શક્યો નહિ. તેથી ભાજપે હવે પ્રાદેશિક પક્ષોનો સાથ લેવાનું શરૂ કર્યું. શિવસેના તેના માટે સહજ સાથી હતો, પણ પીડીપી જેવું જ ઉત્તર-દક્ષિણનું કજોડું માયાવતી સાથે પણ ભાજપ કરી ચૂક્યું છે. પ્રાદેશિક પક્ષોના જોરે સત્તામાં આવ્યા પછી, ધીમે ધીમે પોતાનો વિસ્તાર કરવાનો અને કોંગ્રેસનું સ્થાન લેવાની ભાજપની ગણતરી રહી છે. સાથોસાથ એ પણ ખ્યાલ આવ્યો કે કોંગ્રેસમુક્ત ભારત એટલું સહેલું પણ નથી. તેથી હવે કોંગ્રેસમુક્ત ભારત સાથે પ્રાદેશિક પક્ષોને પણ નબળા પાડવાનો પ્રયોગ ભાજપે શરૂ કર્યો છે. ખુદ શિવસેનાને નબળી પાડી દેવાની ચાલ બરાબર કામ કરી રહી છે.

એ જ પ્રયોગ જમ્મુ અને કાશ્મીરમાં પણ થયો. કાશ્મીર ખીણમાં કોંગ્રેસ રહેવાની અને એનસી તથા અન્ય એકાદ પક્ષ રહેવાનો. તેમાં કોઈ પણ પક્ષ મજબૂત ના બને તો જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપની સરકાર બની શકે. પીડીપી મજબૂત પક્ષ બન્યો હતો. તેથી તેને જ તોડવો જરૂરી હતો. મુફ્તિ બાપ-બેટી ત્રાસવાદીઓના પલ્લે બેઠેલા છે, તે જાણવા છતાં ભાજપે તેમને લલચાવ્યા. મુફ્તિ બાપ-બેટી સત્તાની લાલચે વટલાઇ ગયા. જમ્મુમાં ભાજપના ટેકેદારો રાજી થયા હતા કે તેમના પ્રતિનિધિઓ શ્રીનગરમાં સરકારમાં બેસશે, પણ પીડીપીના ખીણના ટેકેદારો ઘા ખાઇ ગયા. પીડીપી ભાજપ સાથે બેઠી તે સાથે જ તેનું નામું નખાઇ ગયું હતું, પણ તેનું ભાન બેટી મુફ્તિને હવે છેક થયું છે.તૃતીય પ્રયોગઃ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને બદનામ કરવું
કાશ્મીરમાં પાકિસ્તાન કેવી રીતે ભાંગફોડ કરે છે તે દુનિયાને દેખાડવું જરૂરી હતું. ભૂતકાળમાં પણ પાકિસ્તાન કેવી રીતે ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે તે દુનિયાને ભારતે દેખાડ્યું હતું. પરંતુ પીડીપ સાથેની ભાગીદારીમાં રાજ્ય સરકારમાં હિસ્સેદારી પછી ભાજપ આ વાતનો વધારે પ્રચાર કરી શક્યું છે. સરહદની નજીક આવેલી પાકિસ્તાની ત્રાસવાદી છાવણીઓ, પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત તોપમારો આ બધી બાબતોને હાઇલાઇટ કરીને પાકિસ્તાને બદનામ કરાયું છે.
આ પ્રયોગોનો બીજો હિસ્સો હતો, સંયમ સાથે કામ લેવું. ત્રાસવાદી વિરોધી ઓપરેશન્સ થતા રહ્યા, પણ તેમાં સંયમ સાથે કામ લેવાયું હતું. સેના તથા અર્ધલશ્કરી દળોએ સંયમ સાથે કામ લીધું હતું. તેની નોંધ વિશ્વના દેશોએ લેવી પડી છે. ભારતીય સેના ત્રાસ નથી આપતી, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે અને માત્ર કાશ્મીર પોલીસને મદદ કરે છે તે વાત જગતને જણાવી શકાય છે.
ભાજપ સત્તામાં ભાગીદાર હોય ત્યારે ત્રાસવાદીઓ અને ઉદ્દામવાદીઓ સામે વધુ કડક પગલાં લેવાશે તેવી સૌને ગણતરી હતી. તેવા અર્થમાં કડક પગલાં લેવાયા નહોતા. ઉલટાનું પથ્થરમારો વધી ગયો. યુવતીઓ પણ ડર છોડીને રસ્તા પર ઉતરી આવીને વારેવારે પથ્થરમારો કરતી હતી. સેના સામે પથ્થરમારો, પોલીસ સામે પથ્થરમારો, ત્રાસવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી થતી હોય ત્યાં પણ તેમની તરફેણમાં અર્ધ લશ્કરી દળો પર પથ્થરમારો. દુનિયાએ આ બધું જોયું છે. દુનિયાને ખ્યાલ આવ્યો કે ભારત સરકાર અને ભાજપ જેવો પક્ષ પણ વિરોધીઓને બિનલોકતાંત્રિક ઢબે કચડી નાખવા માગતો નથી. ભાજપે સતત એવો દેખાવ કર્યો કે તે ડાયલોગ માટે તૈયાર છે. પાકિસ્તાન તેમાં રોડા નાખે છે તે વાત દેખાડી શકાય.
દુનિયાને દેખાડવા સાથે કાશ્મીરીઓને પણ પાકિસ્તાનનું રૂપ અલગ રીતે દેખાડી શકાયું. પાકિસ્તાન જ તમને થાળે પડવા દેતું નથી, પાકિસ્તાનની ગતણરી રાજ્યમાં અસ્થિરતાની છે તે વાત સ્થાનિક લોકોને પણ સમજાવી શકાય. ભાજપ સત્તામાં ભાગીદાર છે અને ભાજપ સ્થિતિ થાળે પાડવા કોશિશ કરે છે તેવો દેખાવ કરી શકાય. તેની સામે પાકિસ્તાન ભાંગફોડ કરે છે તેવું દેખાડી શકાયું.

ચતુર્થ પ્રયોગઃ મૂળ એજન્ડાને વિકાસના એજન્ડાના વાઘા પહેરાવવા
આ પ્રયોગ દેશભરમાં ચાલી રહ્યો છે, પણ કાશ્મીરમાં તે વધારે સારી રીતે પ્રગટ થયો. ભાજપને માત્ર વિકાસમાં જ રસ છે. ભાજપ સુશાસન અને વહીવટ આપનારો રાજકીય પક્ષ છે. તેના સરકારી વહીવટ ચલાવવા સિવાયના અન્ય કોઈ એજન્ડા નથી તેનો પ્રચાર કાશ્મીરમાં કરી શકાયો. પૂર પછી કાશ્મીરમાં ઝડપથી રાહત કાર્યો કરાયા. અગાઉની માફક જ કેન્દ્રમાંથી કાશ્મીર માટે સહાય સતત વહેતી રહી. રેલવે લાઇન નાખવાનું કામ ઝડપી બનાવાયું. આ પ્રકારના કાર્યો કરીને ભાજપના અન્ય એજન્ડાને ઢાંકી શકાયા. ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો, જેનો અર્થ થાય છે પ્રાચીનતાને પ્રાધાન્ય આપવું અને આધુનિકતાના વહેણને અટકાવવું. રાજકારણમાં ધર્મનું મહત્ત્વ વધારવું, ધર્મના નામે સ્થાપિત હિતોને થનારા ફાયદા મેળવવા, આધુનિક પ્રકારની વર્ણ વ્યવસ્થા લાવવી, જ્ઞાતિ ઓળખ પ્રબળ થાય તેવું કરવું, જ્ઞાતિઓ વચ્ચે સ્પર્ધા કરાવવી, અનામતની ધાર બુઢ્ઢી કરી નાખવી વગેરે એજન્ડાના બદલે માત્ર વિકાસમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના, મૂડીરોકાણના મુદ્દામાં રસ છે તેવો દેખાવ કરવો કાશ્મીરમાં સરળ બન્યો. કાશ્મીરમાં ભાજપ સટાકો બોલાવી દેશે તેવી ધારણા ખોટી પાડીને આ વાઘા પહેરીને ફોટા પડાવી લેવાનો પ્રયોગ પણ હતો.

પંચમ પ્રયોગઃ સટાકા બોલાવાના હજી બાકી છે
સટાકા બોલાવી દેવાનો પ્રયોગ હજી બાકી છે. એ પ્રયોગ હવે કરવાનો છે. પણ એ પ્રયોગ કરવા માટે પીડીપીનો સાથ જરૂરી નહોતો રહ્યો. સાથોસાથે પીડીપીનો સાથે હવે નડતરરૂપ થાય તેમ પણ હતો. બીજું પીડીપીને આપેલા સાથને કારણે થતી ટીકાનો સામનો અને તેના માટે સતત જવાબો આપવા પડે તે સ્થિતિ લોકસભાની ચૂંટણી પહેલાં યોગ્ય નહોતી.
તેથી પાંચમો પ્રયોગ હવે ગર્વનર શાસન લગાવીને કાશ્મીરમાં ભારતને મજબૂત બનાવતી નીતિનો અમલ કરવાનો છે. પથ્થરબાજો બેફામ બન્યા હતા તેને શેરીમાંથી ડરાવી ઘરમાં પૂરી દેવાના છે. તે હવે શક્ય બની શકે છે. પીડીપીએ ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું હતું. પોલીસ પીડીપીના કબજામાં હતી તેના કારણે કડક પગલાં લેવાતા નહોતા. મહેબુબાની સરકારે પથ્થરમારો કરનારા બિચારા છોકરાઓ છે એમ કહીને તેમની સામે પગલાં લેવાનો પણ ઇનકાર કર્યો હતોભાજપને ટેકેદારો માટે આ સ્વીકાર્ય નહોતું. ભાજપના ટેકેદારોની લાગણી અને માગણી કાશ્મીરમાં સટાકા બોલાવાની છે. બેફામ પથ્થરમારો કરનારાને ચલાવી લેવાય નહિ. સેનાના હાથ બાંધી રાખવામાં આવે અને ત્રાસવાદીઓ સામે લડવાનું કહેવામાં આવે તે ચલાવી લેવાય નહિ. ત્રાસવાદીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય ત્યારે તેની સામેનો ઓપરેશન પાર પાડવામાં અત્યંત કાળજી લેવી પડે. નાગરિકોને અને નાગરિક સંપત્તિને નુકસાન ના થાય તેની કાળજી લેવા જતા જવાનોનો ભોગ લેવાતો હતો.
આ સ્થિતિ નિવારી શકાય તેવી શક્યતા છે. ગર્વનર તરીકે વોરા દસેક વર્ષથી ત્યાં છે. તેમને કાશ્મીરનો સારો એવો અનુભવ છે. તેમના હાલ પૂરતું એક્સટેન્શન અપાયું છે, પણ તેમને જ રખાશે કે અન્યને મૂકાશે તે જોવાનું રહ્યું. અજિત દોવલની સલાહ અનુસાર અન્ય ગર્વનર મૂકાય છે કે કેમ તેના આધારે પાંચમો પ્રયોગ કેવી રીતે થાય છે તે જોવાનું રહે છે.
પાંચમાં પ્રયોગોમાં પથ્થરમારો બંધ કરાવાશે. ત્રાસવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી વધારે પ્રોફેશનલ રીતે કરાશે. સરહદે ઘૂસણખોરી રોકવા માટે વધારે ચુસ્તી રખાશે. શંકાસ્પદ ઉદ્દામવાદીને શંકાનો લાભ આપવાની નીતિ બદલાશે, તેના બદલે શંકા હોય ત્યાં શાર્પશૂટની નીતિ ચાલશે. આ પાંચમો પ્રયોગ લોકસભાની ચૂંટણીમાં પણ ફળી શકે છે.