આંચકાજનકઃ એલફિન્સ્ટન બ્રિજ દુર્ઘટના અંગે આગોતરી ચેતવણી હતી

0
12501

સમગ્ર મુંબઈના લોકો શનિવારે દશેરા તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે શહેરના 22 પરિવારોનાં ઘરોમાં શોક છવાઈ ગયો છે. કારણ કે એ 22 પરિવારનાં સ્વજનોને આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવે વિભાગના લોકલ સ્ટેશન એલફિન્સ્ટન પરના ફૂટઓવર બ્રિજ પર થયેલી ધક્કામુક્કીમાં મોત ભરખી ગયું હતું.

આજે જે પરેલ-એલફિન્સ્ટન બ્રિજ પર 22 જણનાં મૃત્યુ નિપજ્યા ત્યાં કશુંક અજુગતું બનવા વિશે એક પત્ર, ઘણી ટ્વીટ્સ મારફત
બે દિવસ પહેલા ચેતવણી અપાઈ હતી.

આ દુર્ઘટનાથી આખું મુંબઈ શોકગ્રસ્ત અને સ્તબ્ધ થઈ ગયું છે. આ દુર્ઘટનાનું ખરું કારણ હજી જાણવા મળ્યું નથી. કોઈક કહે છે કે વરસાદનું ઝાપટું પડવાથી એલફિન્સ્ટન અને પડોશના મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફુટઓવર બ્રિજ પર એલફિન્સ્ટન રોડ સ્ટેશન તરફના ભાગ પર લોકોની અપાર ભીડ જમા થઈ હતી. એમાં ધક્કામુક્કી થઈ હતી. તો કોઈકનો દાવો છે કે અપાર ભીડ વખતે કોઈએ પૂલ પર શોર્ટ સર્કિટ થયાની અફવા ફેલાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પરિણામે નાસભાગ થઈ હતી.

આ બધાયમાં એક હકીકતને નોંધમાં લેવી જરૂરી છે કે અમુક જણને એવી શંકા હતી કે સવાર-સાંજે ધસારાના સમયે પૂલ પર ખૂબ ગીરદી થતી હોવાને કારણે કંઈક ભયાનક ઘટના બની શકે છે. એમણે અનિચ્છનીય બનાવ બનતો રોકવા માટે જરૂરી પગલાં લેવા સત્તાવાળાઓને એલર્ટ કર્યા હતા. તે છતાં એમની વિનંતીઓ બહેરા કાને અથડાઈ હતી.

આમાંની ટેરેસા ફર્નાન્ડિસ નામની મહિલા પરેલમાં રહેતી હતી. શુક્રવારે ઓફિસમાં તેનો છેલ્લો દિવસ હતો, પરંતુ કમનસીબે એની જિંદગીનો અંતિમ દિવસ બની ગયો હતો. ટેરેસા હંમેશની જેમ પરેલસ્થિત તેનાં ઘેરથી ઓફિસે જવા નીકળી હતી. એની ઓફિસ લોઅર પરેલમાં આવી છે. સોમવારથી એની ઓફિસ અંધેરી (ઈસ્ટ)ના સાકીનાકા ખાતે શિફ્ટ થવાની હતી. ટેરેસાને ત્રણ સંતાન છે. એમાંનો સૌથી નાનો પુત્ર આઠ મહિનાનો જ છે. તે લોઅર પરેલની એક જાણીતી એડ એજન્સીમાં કામ કરતી હતી. તેની ઓફિસનાં મોટા ભાગનાં કર્મચારીઓ સાકીનાકા ઓફિસમાં શિફ્ટ થઈ ચૂક્યાં છે, પરંતુ ટેરેસા સહિત અમુક કર્મચારીઓ જ શિફ્ટ થવાના બાકી હતા, જેઓ આવતા સોમવારથી ત્યાં શિફ્ટ થવાના હતા. આજે સવારે ઓફિસે જવા માટે તે એલફિન્સ્ટનના પૂલ પર પહોંચી હતી અને ત્યાં ધક્કામુક્કી થતાં એણે જાન ગુમાવ્યો હતો.

હજી બે જ દિવસ પહેલાં, સંતોષ અંધાળે નામના એક સિનિયર પત્રકારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને ટ્વીટ કરીને વિનંતી કરી હતી કે એલફિન્સ્ટન બ્રિજ પર થતી ભીડની સમસ્યા રોકવા તેઓ પગલાં લે.

mymedicalmantra.com નામની એક વેબસાઈટના સિનિયર તંત્રી અંધાળે અગાઉ ડીએનએ તથા મુંબઈ મિરર અખબારોમાં કામ કરી ચૂક્યા છે. એમણે ગઈ 27 સપ્ટેંબરે એલફિન્સ્ટનના ભારે ગીરદીવાળી એક તસવીર સાથે ટ્વીટ કર્યું હતું. અંધાળેએ એ ટ્વીટમાં પીયૂષ ગોયલને ટેગ કર્યા હતા અને ઉપાયકારી પગલાં લેવાની એમને વિનંતી કરી હતી. એમણે એ ટ્વીટમાં પશ્ચિમ રેલવેને પણ ટેગ કર્યું હતું.

પશ્ચિમ રેલવેએ અંધાળેની એ ટ્વીટને પ્રતિસાદ આપ્યો હતો અને ચોક્કસ લોકેશન જણાવવા કહ્યું હતું. અંધાળેએ ચોક્કસ લોકેશન બતાવ્યું હતું. ત્યારબાદ પશ્ચિમ રેલવેએ અંધાળેને જાણકારી આપી હતી કે આ બાબત મધ્ય રેલવેને ફોરવર્ડ કરવામાં આવી છે.

(આ છે, સંતોષ અંધાળેએ કરેલું ટ્વીટ)

https://twitter.com/DharmeshBajpai/status/913683218544549888

(દુખદ ઘટના)

એલફિન્સ્ટન અને પરેલ સ્ટેશનોને જોડતો આ બ્રિજ બ્રિટિશ શાસન વખત જેટલો જૂનો છે. આજે થઈ એવી ધક્કામુક્કી થવા વિશેની આગાહી કરતું એક ટ્વીટ એક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને એમાં ભૂતપૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરવામાં આવ્યા હતા.