ખાણીપીણી, શોખ અને ટુરિઝમ – આ ત્રણેને શું સંબંધ છે?

ન્ન અને આહાર એ શરીરના પોષણ અને તંદુરસ્તી માટે છે. ખાણીપીણી એ સ્વાદ અને શોખની વાત છે. આ બંનેમાં ક્યાંય સમાજકારણ કે રાજકારણનો મુદ્દો આવતો નથી, પણ આપણે લાવીએ છીએ. ખાસ તો ખાવાપીવાની બાબતમાં અને શોખની વાતમાં. શું ખાવું અને શું ના ખાવું તે પરિવારની પરંપરાથી નક્કી થતું હોય છે અને મિત્રોની સોબતથી તેમાં સુધારા થતા હોય છે. શોખ મિત્રો અને સહાધ્યાયીઓ સાથેના સંપર્કમાંથી વિકસતા હોય છે અને તેના પર પરિવારની મર્યાદાઓ લાગતી હોય છે.આ બધાની ચર્ચા એટલે નીતિની ચર્ચા. આ નીતિવિષયક ચર્ચામાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તે વળી એક મુદ્દો છેડ્યો એટલે વાત નીકળી છે. નીતિ આયોગ એ આયોજન પંચનું નવું નામ છે. નામ રૂપ ઝૂઝવાં અંતે તો ઠેરનું ઠેર હોય. નામ બદલ્યા પછી નીતિ આયોગે કંઈ ઉકાળ્યું નથી અને તેના વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયા રાજીનામું આપીને અમેરિકા જતાં રહ્યાં છે. પણ ચર્ચા એ નથી, ચર્ચા એ છે કે નીતિ ઘડવાનું આયોજન થઈ શકે નહીં. નીતિ અનુભવોના આધારે આપોઆપ ઘડાતી હોય છે. ખાણીપીણી બચપણથી કેળવાતી હોય છે અને મોટા થયા પછી વિકસતી હોય છે. શોખ પણ એવી જ રીતે વિકસતો હોય છે.

આથી આ બાબતોનું જો આયોજન કરવામાં આવે તો ઉલટાની મુશ્કેલી થાય – એવી જ કંઈક વાત અમિતાભ કાન્તે કરી છે. અમિતાભ કાન્તે કહ્યું કે લોકોએ શું ખાવું અને શું પીવું તે નક્કી કરવાની કોશિશ કરીશું તો તેનાથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે. તો આ છે સંબંધ ખાણીપીણી અને શોખનો ટુરિઝમ સાથે. શોખની વાત આગળ પણ કરીશું, પણ અમિતાભે ઉપાડેલી ખાણીપીણીની વાતને જોઈ લઈએ.

ખાણીપીણીની બાબતે છેલ્લા થોડા વર્ષોથી ચર્ચા ઉગ્ર બની છે, કેમ કે તેમાં રાજકારણ ભળ્યું છે. આ રાજકારણ પણ વળી પાછું ધર્મકારણના ભેળસેળવાળું છે. એટલે કોકટેલ કીક આપે તેવું થયું છે. પરંતુ નીતિ આયોગના સીઈઓ તરફથી ફરી એક વાર નિવેદન આવ્યું એટલે ધ્યાન ખેંચાયું છે. પણ તેમણે કોઈ વિવાદ માટે નિવેદન આપ્યું નથી. તેમણે આખી વાતને ટુરિઝમ સાથે જોડી છે.

ઇન્ડિયા ઇકોનોમિક સમીટમાં ટુરિઝમ વિશેનું સેશન હતું તેમાં સંબોધન કરતી વખતે તેમણે આ વાત કરી. તેમણે કહ્યું કે ભારતે સ્વચ્છતાને પણ મહત્ત્વ આપવું પડશે, કેમ કે તેના કારણે જ એક આગવો અનુભવ ટુરિસ્ટને પ્રાપ્ત થાય. તે પછી તેમણે ઉમેર્યું કે સાંજ પડે તે પછી પ્રવાસીને થાક ઉતારવા, રિલેક્સ થવા અને ચીલ આઉટ થવાનું જોઈએ. તેથી સાંજે ભારતીય સંસ્કૃત્તિને ધ્યાનમાં રાખીને ટુરિસ્ટ એક અનુભવ પ્રાપ્ત કરી શકે તેવી અનોખી સાંજનો માહોલ ઊભો કરવો પડે એમ તેમનું કહેવું હતું.હવે તેમણે આ ભારતીય સંસ્કૃત્તિ પ્રમાણે સાંજની મોજની વાત કરી એ સાંજની મોજ એટલે શું એવો સવાલ થવાનો. જોકે તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય લોકોને એવું કહી શકે નહીં કે શું ખાવું અને શું પીવું. એ વિષય ટુરિસ્ટનો છે, રાજ્યનો નથી.

હવે સવાલ એ થવાનો કે રાજ્ય જો ટુરિસ્ટ માટે શું ખાવું અને શું ના પીવું એ નક્કી રાજ્યે ના કરવાનું હોય અને સાથોસાથ ભારતીય માહોલવાળી સાંજની મોજનો માહોલ ક્રિએટ કરવાનો હોય તો કરવું શું? હાલમાં જ વડાપ્રધાને પણ કહ્યું કે યુવાનોને નશાથી અને ડ્રગ્સથી દૂર રાખવા જોઈએ. નશાખોરી બૂરી વાત છે, પણ સાંજે રિલેક્સ થવા માટે ડ્રિન્ક એ યુરોપના દેશમાં કલ્ચર છે. એ કલ્ચર અને ભારતીય કલ્ચર બંનેને ધ્યાનમાં લઈને સાંજની ઉજવણી કરવાની રહે, ટૂંકમાં.

દરમિયાન પૂણેથી એક બીજા સમાચાર મળ્યા કે પૂણે નજીક યોજાનારા એક સંગીત કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે. પિમ્પરી ચિંચવડ પાસે મોશીમાં ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિકનો કાર્યક્રમ યોજાવાનો છે. તેનું નામ રખાયું છે સનબર્ન ફેસ્ટિવલ. યુવાનો માટે મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિક પણ એક શોખનો વિષય હોઈ શકે છે. પણ વિદેશી મ્યુઝિક અને ડાન્સ સાથે એવું કંઈક જોડાઈ જતું હોય છે, જે અન્ય લોકો માટે નાકનું ટીચકું ચડાવવાનું કારણ બને.

આ કિસ્સામાં પણ એવું જ થયું છે. સનબર્ન ફેસ્ટિવલમાં નગ્નતા, અશ્લીલતા, દારૂ અને ડ્રગ્સની રેલમછેલ થશે એવો ડર વ્યક્ત કરીને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. એકતરફ ગામડું અને ગામડાની નજીક આવો ફેસ્ટિવલ યોજાય તે વિરોધાભાસ ઊભો કરે છે. સામાજિક કાર્યકરો અને હિન્દુત્વતરફી સંસ્થાઓએ પણ તેનો વિરોધ શરૂ કર્યો છે.

સંગીત એ શોખની વસ્તુ છે, પણ કયું સંગીત એ ખાણીપીણીની જેમ સવાલમાં આવી જાય છે. ખાણીપીણીનો પણ શોખ હોઈ શકે, પણ શું ખાવું તે સવાલ આવે. ગીતસંગીતનો શોખ ખરો, પણ કેવા ગીતસંગીત એનો સવાલ વળી ઊભો થાય. કાન્તે કહ્યું કે સાંજનો અનેરો અનુભવ ઊભો કરવો પડે. ભારતીય સંસ્કૃત્તિના સંદર્ભમાં સાંજે મહેફિલ જામે તેમાં ગીત સંગીત હોય, પણ તે શાસ્ત્રીય હોય કે સુગમ હોય.

હવે જો ટુરિસ્ટ માટે ખાણીપીણીમાં સરકારે આગ્રહ ના રાખવો જોઈએ એમ કાન્ત કહેતા હોય, તો કેવા પ્રકારના સંગીત કાર્યક્રમો અને ફેસ્ટિવલ વગેરે યોજવા જોઈએ તેમાં પણ સરકારે આગ્રહો અને દુરાગ્રહો ન રાખવા જોઈએ એમ કહેનારા કહેશે. આગવા ફેસ્ટિવલ પણ ફેમસ બને તો વિદેશી ટુરિસ્ટોને આકર્ષી શકાતા હોય છે. એટલે એકતરફ ટુરિઝમ દ્વારા ભારતની આવક રળવાની ઇચ્છા, એક ડેસ્ટિનેશન તરીકે ઇન્ડિયાને પોપ્યુલર બનાવવાની ઈચ્છા અને તેની સામે ભારતીય સંસ્કૃતિ, ખાણીપીણીના આગ્રહો અને શોખની મર્યાદાઓ … આ ત્રણેય બાબતોનું કોકટેલ થયું છે એમ કહી શકાય.