પ્રવાસનને કારણે સ્થાનિક જીવનધોરણ કથળે છે?

ટુરિઝમને એક ઇન્ડસ્ટ્રી ગણવામાં આવે છે. ગુજરાતીઓને આ બંનેમાં રસ પડે – પ્રવાસમાં અને ઉદ્યોગમાં. ગુજરાતમાં પ્રવાસન ઉદ્યો ખીલી શક્યો નથી. ના, ના, એ દાવાને બાજુએ રાખો. સરખામણી કરવા બેસીશું તો મેળ બેસશે નહીં. અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે, પણ વિચારો કે કોઈ અમદાવાદ ફરવા આવે ખરું? દિલ્હી એક વાર જોવું પડે અને મુંબઈ તો છે જ માયા નગરી. તે પછી ફરવા માટે કેરળ, ગોવા અને હિમાલય.
ગુજરાતીઓનું સૌથી મોટું પ્રદાન છે ટુરિઝમમાં અને ટુરિઝમ ઉદ્યોગમાં તેમ જ ઉદ્યોગમાં પણ. આમ છતાં ટુરિઝમને કારણે સ્થાનિક ધોરણે નુકસાન થઈ શકે છે તે બાબતની આપણે ભાગ્યે જ ચર્ચા કરીએ છીએ. એવું કોઈ નુકસાન ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને કારણે ગુજરાતે જોયું નથી. ગુજરાતી કલ્ચર ફરવાના સ્થળે ફેલાયું છે અને તેના કારણે થયેલી હાનિ ગુજરાતીની ગેરહાજરીમાં અન્ય પ્રાંતના ફરવા આવેલા લોકો ચર્ચા કરતા હોય છે. પણ તે વાત જુદી છે. મુદ્દો એ છે કે પ્રવાસીઓનો ધસારો હોય ત્યારે સ્થાનિક ધોરણે ફાયદા કરતાં વધારે નુકસાન થાય કે કેમ.કચ્છના સફેદ રણનું બહુ માર્કેટિંગ કરાયું છે, પણ તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. પરંતુ માનો કે કચ્છમાં ધાડા ને ધાડા ઉતરી પડે પર્યટકોના તો શું થાય? એકાદ બે ગોરી મઢમું ટૂંકી ચડ્ડી પહેરીને આવી ચડે ત્યારે કૂતુહલ સાથે તેને સ્થાનિક લોકો જોયાં કરે, પરંતુ ગોવામાં વિદેશીઓના અર્ધ નહીં, પણ પાનગ્ન ટોળાં ઉતરી પડે તેવું થાય તો શું થાય.
અહીં માત્ર અંગપ્રદર્શનની વાત નથી. પર્યટન સાથે આવે છે પરદેશી પંખીડાઓની ખાણીપીણી, સંગીત, નાચગાન અને બીજી ઘણી બધી રીતો. ગોવાના દરિયા કિનારે ચિક્કાર પીને પડેલા ટોળાં વચ્ચે આપણે ગુજરાતી જઈને પણ છાકટો થાય છે. તેનો સંકોચ જતો રહે છે અને પીવાનું ઠીક છે, પણ પીપૂડાં પણ જોરશોરથી વગાડે અને નાચગાન પણ કરે. ગોવા જેવા સ્થળે વિદેશીઓ પાછળ દેશી ધાડાં ઉમટી પડે ત્યારે સ્વચ્છતાના સવાલો પણ ઊભા થાય છે. બીચ ચોખ્ખાંચણાંક રહેવાના બદલે કચરાથી ઊભરાઈ જાય છે.
ગોવાના એક પ્રધાન હમણાં આના કારણે જ પ્રવાસીઓ પર ભડક્યાં હતાં. એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં ટુરિસ્ટ બસમાંથી, ચાલુ ટુરિસ્ટ બસમાંથી પેશાબ કરી રહેલી એક વ્યક્તિ દેખાતી હતી. જાહેરમાં ખુલ્લેઆમ થઈ રહેલી આ ગંદકી માટે પ્રધાને ટુરિસ્ટોને અને ટુરિઝમને કારણે બગડી રહેલા માહોલને ફટકાર આપી હતી.
ગંદકી નાનકડી સમસ્યા છે. મોટી સમસ્યા ડ્રગ્ઝ, વેશ્યાવૃત્તિ, બાળવેશ્યાગીરીની છે. ગોવામાં આ સમસ્યા વિકરાળ બની છે. પંજાબમાં ડ્રગ્ઝની સમસ્યા સ્થાનિક કારણોસર છે, જ્યારે ગોવામાં માત્ર બહારથી આવેલા પ્રવાસીઓને કારણે ડ્રગ્ઝની સમસ્યા વકરી છે. થાઇલેન્ડ અને બેન્ગકોક પણ તેની વેશ્યાગીરીને કારણે બદનામ થઈ ચૂક્યાં છે.આ બદનામીને સહી લેવામાં આવે છે કે કેમ કે ટુરિઝમ એક ઇન્ડસ્ટ્રી છે. સ્થાનિક લોકો માટે આવકનો મોટો સ્ત્રોત પ્રવાસીઓ બને છે ત્યારે તેમને સહન કરી લેવાની વૃત્તિ સહજ બને છે. બીજું પ્રવાસનમાં ફરવા કરતાં મોજમજા કરવી એ વધારે પ્રાધાન્ય પામી રહ્યું છે.
વિચારકો કહે છે કે યાત્રાએ નીકળેલી વ્યક્તિ જુએ છે, જાણે છે, પારખે છે અને પોતાની અંદરની યાત્રા પણ કરે છે. આ એક ખોજ હોય છે. આધુનિક ટુરિઝમ તેની સામે માત્ર એક મોજ હોય છે. માનસશાસ્ત્રીઓ પણ વિચારતા રહે છે કે જે વ્યક્તિ પોતાના ગામમાં ભડક રંગનો શર્ટ પણ ના પહેરે, તે બિભત્સ સૂત્રો સાથેનું ટીશર્ટ પહેરીને કૂદકા મારવા લાગે છે. સવાલ એ થાય કે જો આમાં જ મોજ આવવાની હોય તો તે માટે છેક ગોવા જવાની ક્યાં જરૂર છે. ઇનહિબિશન ખંખેરીને, સંકોચ ખંખેરીને મોકળા થવાની વાત છે. છાકટા થવાની વાત નથી. મોકળા જ થવું હોય તો આપણા ગામનો સીમાડો પણ ક્યાં નથી? ગામના પાદરે જઈને યાહૂનો પોકાર કરીને અંદર જમા થયેલો સંકોચ ખંખેરી શકાય છે. આ થોડું ફિલોસોફિકલ છે, પણ ટુરિઝમથી નક્કર નુકસાન પણ થાય છે. દાખલા તરીકે ગોવામાં ખનીજની ચોરી અને આડેધડ બાંધકામ ટુરિઝમ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન લોબીનું જોર વધી રહ્યું છે. દેશભરના ધનવાન લોકો ગોવામાં વિલા ખરીદવા માગે છે. એક વિલા ત્યાં રાખવાનો અને ત્યાં ગેસ્ટ લઈને વર્ષે એક કે બે વાર જવાનું. આ નવી ફેશનને કારણે ઠેરઠેર બાંધકામો ખડકાતા જાય છે. આ ફાયદો એક વારનો છે. બિલ્ડરને એક વાર નફો થઈ જાય પછી અહીં રહેવા આવનારા ઘણી વાર પોતાની બ્રાન્ડની ખાણીપીણી પણ સાથે લઈને આવે છે. સર્વિસ માટે પોતાના ડ્રાઇવર અને રસોયા પણ લાવે છે. સ્થાનિક લોકોને ટુરિઝમનો જે ફાયદો થવાનો હોય તે બંધ થાય છે. તેની સામે હરિયાળી ખતમ થઈ અને કોન્ક્રિટનું જંગલ ઊભું થઈ ગયું તે કાયમી નુકસાન.બીચ પર કે પિકનિક પોઈન્ટ પર બાજુબાજુમાં રહેતા પડોશીઓ હવે પડોશી ન રહેતા કમ્પિટિટીવ ટ્રેડર્સ બની જાય છે. વેપાર કરવા માટે પડોશીઓ વચ્ચે સ્પર્ધા થાય છે. ઇર્ષાભાવ અને રોષ જન્મે છે. બંને પડોશીની નવી પેઢી માટે ટુરિઝમ એ જ જાણે જીવન અને એ જ જાણે બિઝનેસ. ખેડૂતનો દીકરો ખેડૂત થાય અને કુદરતના ખોળે ખેલીને પોતાની યાત્રા પૂરી કરે તેમાં સાફલ્ય હોઇ શકે. ટુરિઝમમાં સતત ભીડ અને સ્પર્ધા અને તાણ વચ્ચે જીવનારા લોકો માટે જીવનનું એ સાફલ્ય ખરું?
ગોવાના લોકોમાં પણ આવો ગણગણાટ થાય છે. પ્રધાને પેલા પ્રવાસીએ જાહેર રસ્તા પર ગંદકી કરી તેની ટીકા કરી. તે બહાને લોકોને પણ પોતાની ભડાસ કાઢવાનો મોકો મળ્યો છે. પ્રવાસીઓ વિશે અને તેની બૂરી અસરો વિશે ગોવામાં ફરી વ્યાપક ચર્ચાઓ ઉપડી છે. જોકે થોડા દિવસોમાં આ શમી જશે, કેમ કે કમાણી અને કલદાર કલા અને કલ્ચર કરતાં વધારે મહત્ત્વના સાબિત થતા હોય છે. ટીકા કરનારા પેલા પ્રધાને પણ ટુરિઝમ લોબીના દબાણના કારણે જ કદાચ, ખુલાસો કર્યો છે કે તેઓ બધા પ્રવાસીઓને ધિક્કારતા નથી. માત્ર ગંદકી કરનાર પેલા પ્રવાસી પૂરતી જ ટીકા હતી એમ કરીને વાત તેમણે વાળી લીધી છે. આવી ચર્ચા પણ કદાચ ધીમેકથી ગોવાના સ્થાનિક કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કશુંક રચનાત્મક કરવું જોઈએ એવી વાત તરફ વળી જશે.