સોશિઅલ મીડિયાએ ચૂંટણીની ઘરાકી તોડી નાખી

ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે સુસ્તીનો માહોલ છે. બીજા રાજ્યોમાં શું ચાલી રહ્યો છે તેની થોડી ચર્ચા ચાલે છે. તે સિવાય સુરતમાં વેપારીઓ હિસાબ કરી રહ્યા છે – આ વખતે ચૂંટણીને લગતા સાહિત્યનો, ટેક્સટાઇલનો, સાડી, બેનર, ટોપી, બિલ્લા, સ્કાર્ફ, ઝંડાનો કેટલો ધંધો થયો, કેટલા વેચાયા વિના પડ્યા રહ્યા તેનો હિસા થઈ રહ્યો છે. હિસાબ પણ નિરાશ કરી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરમાં હતો ત્યારે પણ ચિત્રલેખાએ અહેવાલ આપ્યો હતો કે કઈ રીતે આ વખતે સુરતના વેપારીઓ નિરાશ થયા છે. httpss://chitralekha.com/election2019/fall-in-election-campaign-materials-demand/ 

ચૂંટણીને લગતા સાહિત્ય માટે ટેક્સટાઇલની વસ્તુઓની જોઈએ તેવી ઘરાકી આ વખતે રહી નથી. ગયા વખત કરતાં તો ઓછી જ રહી એવું સૌનું કહેવું થાય છે. માત્ર સુરતના નહિ, દિલ્હીના વેપારીઓ પણ ભારે નિરાશ થયા છે. સુરતના વેપારીઓની જોકે એક વાત સૂચક છે કે આ વખતે સૌથી વધુ માલ ઓડિશા ગયો છે. આ વખતે ઓડિશામાં ભારે રસાકસી છે, કેમ કે નવીન પટનાયકને ભાજપ ટક્કર આપી રહ્યો છે.

ઓડિશા ભાજપ તરફથી જ સૌથી વધુ ઓર્ડર મળ્યા છે એમ સુરતના વેપારીઓનું કહેવું છે. પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ ભારે રસાકસી છે અને અહીં પણ ભાજપ સામે લડી રહેલા તૃષમૂલ કોંગ્રેસના મોટા ઓર્ડર આવ્યા હતા. મુંબઈ નજીક હોવાથી શિવેસનાના ઓર્ડર પણ મળેલા અને કોંગ્રેસને ત્રણેક રાજ્યોમાં સત્તા મળી છે એટલે ત્યાંથી પણ ઓર્ડર મળ્યા, પણ એટલા નહિ… દિલ્હીની સદર બજાર ચૂંટણી સાહિત્ય માટેનું સૌથી મોટું માર્કેટ છે. આમ તો વિધાનસભાઓની ચૂંટણીઓ ચાલુ જ હોય છે, પણ લોકસભાની ચૂંટણી તેમની સિઝન કહેવાય. આ વખતની સિઝન નકામી ગઈ તેવું દિલ્હીના ચૂંટણી સાહિત્યના બજારના વેપારીઓ પણ કહી રહ્યા છે કે ઓર્ડર મળ્યા છે, પણ એટલા નહિ…આ વાતથી આમ નવાઈ લાગે છે અને આમ ના લાગવી જોઈએ. નવાઈ એટલા માટે લાગે છે કે ભારતની આ વખતની ચૂંટણી, 2019ની લોકસભાની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી ગણાઈ રહી છે. 2014 કરતાં 40 ટકા વધુ ખર્ચ થશે અને કુલ આંકડો 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે એવું સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝનું કહેવું છે. અમેરિકાની ચૂંટણી પણ 46,000 કરોડ રૂપિયામાં પતી ગઈ હતી. સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝના પ્રમુખ ભાસ્કર રાવનું માનવું છે કે આ વખતે વધારે ખર્ચ સોશ્યલ મીડિયા, જાહેરખબરો અને ચૂંટણી પ્રવાસોમાં થઈ રહ્યો છે.

જાહેરખબર એજન્સીઓના જાણકારોનું માનવું છે કે આ વખતે 3000 કરોડ રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચાશે. તેમાંથી 500 કરોડ રૂપિયા જેટલો ખર્ચ માત્ર સોશિઅલ મીડિયા પાછળ થવાનું અનુમાન છે. અહીં જ મુશ્કેલી રહી છે. આ વખતની ચૂંટણીમાં ખર્ચો વધારે થઈ રહ્યો હોવા છતાં અને પાર્ટીઓના જંગી બજેટ છતાં દર વખતની જેમ ઝંડા, પોસ્ટર, ટોપી, સાડીઓ, ખેસ વગેરે બનાવનારાના ધંધામાં મંદી આવી ગઈ છે. ધંધો બધો જતો રહ્યો છે સોશ્યલ મીડિયામાં. 500 કરોડ રૂપિયા ત્યાં ખેંચાઈ જવાથી બીજા ધંધા પર અસર થઈ છે. દિલ્હીના વેપારીઓ કહે છે કે પહેલાં લોકો પોતાના ઘરે પક્ષની ઝંડી લગાડતા હતા. હવે સોશિઅલ મીડિયાના એકાઉન્ટમાં જ જૂઠના ઝંડા ફેલાવે છે અને સવારે ઉઠતા વેંત માંડે છે ખોટા, નુકસાનકારક પ્રચારને ફોરવર્ડ કરવા. સુરત અને દિલ્હીની સદર બજારના વેપારીઓનું એવું પણ કહેવું છે કે પ્લાસ્ટિક પર છપાતી ઘણી બધી સામગ્રી ચીનથી આઉટસોર્સ કરી લેવામાં આવે છે. તેના કારણે પણ સ્થાનિક કારિગરોનો ધંધા પડી ભાંગ્યા છે.

અનીશ બારડોલિયા

પક્ષોની રીતે આ પણ આ વખતે ખર્ચમાં ફરક પડી ગયો છે. સૌથી વધુ ખર્ચો ભાજપે કર્યો છે. બીજા પક્ષો પાસે એટલા તોતિંગ બજેટ નથી. કોંગ્રેસને પંજાબ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા મળી તેથી બીજા નંબરે તેનો ખર્ચ છે. પરંતુ સુરતના અનીશ બારડોલિયા અને દિલ્હીના સદર બજારના કેટલાક વેપારીઓ કહે છે તે પ્રમાણે સીપીઆઈ (એમ), ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), સમાજવાદી પાર્ટી (એસપી) અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) જેવા અનેક પ્રાદેશિક પક્ષો તરફથી આ વખતે ઓછી ખરીદી થઈ છે. છેલ્લા 25 વર્ષથી રાજકીય પક્ષો માટે પ્રચાર સાહિત્ય બનાવતા અને આખા

દેશમાં વિતરણ કરતા સુરતના વેપારી મનોજ ગોયલ કહે છે કે આ 2019ની ચૂંટણી સૌથી નિરાશાજનક રહી. આટલી ઓછી ઘરાકી બીજી કોઈ ચૂંટણીમાં જોઈ નથી એમ તેમણે ચિત્રલેખાને કહ્યું હતું. દિલ્હીની સદર બજારમાં બેસતા હરપ્રીત સિંહ પણ છેલ્લા 23 વર્ષોથી ચૂંટણીનું પ્રચાર સાહિત્ય બનાવડાવીને જથ્થાબંધ વેચે છે. હરપ્રીતનું નામ જાણીતું છે એટલે પત્રકારો તેમને મળતા રહે છે. લગભગ બધાને આ વખતે તેમણે જવાબ આપ્યો કે ઘરાકી છે જ નહિ. તેઓ કહે છે, ‘2014માં અમને એક પળનીય ફૂરસદ મળતી નહોતી. તે અનુભવ યાદ રાખીને આ વખતે વધારે માલ તૈયાર કરાવ્યો તે માથે પડ્યો છે. 2014ની સામે આ વખતે મારો બિઝનેસ માંડ પાંચ ટકા થયો છે.’ સદર બજારમાં હરપ્રીત જેવા ડઝન જેટલા વેપારીઓ છે, તેમનુંય કહેવું છે કે માંડ 25 ટકા ધંધો થયો છે. હવે ત્રણ નાના તબક્કા રહી ગયા છે ત્યારે છેલ્લી ઘડીએ વેપાર થાય તેવું લાગતું નથી.

આ વખતે ચાર તબક્કામાં નરેન્દ્ર મોદીની 100 સભાઓ થઈ. રાહુલ ગાંધીની તેનાથી ઓછી, પ્રિયંકા ગાંધી વધારે પ્રચાર ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં જ કરે છે. ભાજપમાં અમિત શાહ અને યોગી જેવા બીજી હરોળના નેતાઓની સભાઓ યોજાતી રહી છે, પણ બીજા પક્ષમાં બીજી હરોળના એટલા નેતાઓ નથી. મમતા, માયાવતી, અખિલેષ, તેજસ્વી વગેરે પોતપોતાના રાજ્યોમાં જ ફરતા રહ્યા છે. આ નેતાઓની સભાઓ પણ ગયા વખતથી કરતા ઓછી છે તેમ લાગે છે. ગયા વખતે 2012માં ગુજરાતમાં જીત્યા પછી તરત જ નરેન્દ્ર મોદીએ દેશમાં ઠેર ઠેર સભાઓ અને પ્રચાર કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. 2014માં તેમની 400થી વધારે સભાઓ અને પ્રવાસો થયા હતા. આ વખતે કદાચ આંકડો તેનાથી અડધા કરતાંય ઓછો રહેશે. પ્રચાર કરનારા નેતાઓ અને ચૂંટણીનું કવરેજ કરતાં પત્રકારો કહે છે કે આ વખતની ચૂંટણી નિરસ અને મુદ્દાહિન લાગે છે. હકીકતમાં એવું છે નહિ. મને લાગે છે કે આ વખતે મુદ્દાઓ ઉલટાનું બહુ પ્રબળ છે અને પ્રચારનો મારો અગાઉ કરતા વધારે છે. ધોધમાર પ્રચાર થઈ રહ્યો છે, પણ બધો જ પ્રચાર જાહેરમાં ધમાલ ઊભી કરે તેવી રીતે નથી થઈ રહ્યો. લોકોના દિમાગમાં ભ્રમ ઊભો કરી રહે તેવી રીતે પ્રચાર થઈ રહ્યો છે.

મને લાગે છે કે આ વખતે વધારે પડતો પ્રચાર થઈ રહ્યો છે. વધારે પડતા મુદ્દાઓ અને વધારે પડતા જોર સાથે મુદ્દાઓનો મારો ચાલી રહ્યો છે. અને તે બધો જ મારો કમનસીબે હાનીકારક માર્ગે વળી ગયો છે. આ નુકસાનકારક માર્ગ છે. સોશ્યલ મીડિયાનો માર્ગ. સોશ્યલ મીડિયા શાંતિથી વિચારવાની રીતને મારી રહ્યો છે. મતદારોના બદલે ઘેટાંનું ટોળું સર્જી રહ્યો છે. મતદારોને પોતાના મુદ્દા જણાવીને મનામણા કરવાના બદલે ગેરમુદ્દા રજૂ કરીને મતદારોને ભરમાવાનું કામ થઈ રહ્યું છે. પ્રચાર કે ચૂંટણી ફિક્કિ નથી, ફિક્કિ લાગી રહી છે અને તેનું કારણ આ સોશ્યલ મીડિયાનું દૂષણ છે. દેશમાં સ્માર્ટફોનની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે. દેશની અડધોઅડધ વસતિ પાસે સીધો જ પ્રચાર પહોંચી રહ્યો છે. કોઈ ગાળણી વિના, ચકાસણી વિના ભેળસેળીયો પ્રચાર સીધો જ મતદારોના દિમાગમાં ઢૂસવામાં આવ્યો છે. ભરોસો રાખીએ કે અગાઉ પણ ભારતીય મતદારે સમજદારી દાખવીને નિર્ણયો કર્યા છે. તે વખતે પણ ચર્ચા કરીને જ નિર્ણયો લેવાતા હતા, પણ ચર્ચા સમુહમાં થતી હતી. લોકો ભેગા થતા અને વાતો કરતા અને તેમાંથી કંઈક સાર નીકળતો. પોતાના મનમાં ના હોય તેવી વાત બીજા પાસેથી સાંભળવા પણ મળતી હતી. સોશ્યલ મીડિયામાં માણસ એકલો એકલો પ્રચાર સાંભળે છે, એકલો એકલો વિચારે છે અને એકલોએકલો સાર કાઢે છે. જોકે સોશ્યલ મીડિયામાં પણ મારો એટલો વધી ગયો છે કે એક વિચારનો વિપરિત વિચાર પણ તરત જ પાછલ આવે છે. એક નેતાને મહાન ગણાવતી પ્રશસ્તિ આવે, તેની પાછળ જ તેની મજાક ઉડાવતી ક્લિપ પણ આવે છે. એક જૂઠ્ઠાણું આવે છે અને તેની પાછળ આ જૂઠ્ઠાણું છે તેની માહિતી પણ તરત મોકલવામાં આવે છે.

એટલે ટૂંકમાં આ વખતે ચૂંટણી સાહિત્યનો વેપાર ના થયો અને અનેક નાના નાના કારિગરો, દરજીઓ, રંગારા, ચિત્રકારો, સુથારો, ફેરિયાઓને રોજગારી મળી નથી. તેનું કારણ એ કે તેમની રોજી વિદેશી કંપનીઓના સોશ્યલ મીડિયા ગળી ગયો છે. એટલે આ થયું સોશ્યલ મીડિયાનું વધુ એક નુકસાન. જોકે ટીવી મીડિયા અને સોશ્યલ મીડિયા પર થતા પ્રચારનો એક ફાયદો આગળ જતા થઈ શકે છે. પણ જો તમે અને હું અને નેતાઓ સકારાત્મક રહેવા માગતા હોઈએ તો. ચૂંટણીનો વધારે પડતો ખર્ચ હાનીકારક છે. દૂષણ ત્યાંથી શરૂ થાય છે. ઉદ્યોગપતિઓના પૈસે ચૂંટણી લડવામાં આવે છે અને પછી સરકાર આવે ત્યારે તે ઉદ્યોગપતિને કમાણી થાય તેવી નીતિઓ ઘડવામાં આવે છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી ચૂંટણી ખર્ચ છે. તે ઘટાડવા માટે ટીવી અને સોશ્યલ મીડિયા (સોશ્યલ મીડિયા પૂરતા નિયંત્રણો સાથે), પ્રચારના મુખ્ય માધ્યમો બની જાય તો સભાઓ, રોડશૉ, બાઇક શૉ વગેરે પાછળ થતા ખર્ચા ઘટી શકે. ત્રણ પ્રકારે પ્રચાર થાય. પ્રથમ દરેક પક્ષોને એક સમાન સમય આપવામાં આવે. તે સમયે પક્ષ પોતાનો પ્રચાર કરે. એટલા જ સમયમાં જુદા જુદા પક્ષોની, સામસામે લડી રહેલા ઉમેદવારોની ડિબેટ થાય, અને ત્રીજા એટલા જ સમયમાં પત્રકારો અને વિશ્લેષકો તેની છણાવટ કરે. માહિતીનું અને વિચારનું વૈવિધ્ય જનતાને મળી રહેશે અને તે પણ બહુ ઓછા ખર્ચે. માધ્યમો પણ બહુ ઓછા ખર્ચે પોતાનું ચૂંટણી કવરેજ કરી શકશે. એવું કશુંક થાય ત્યારે ખરું, ત્યાં સુધી તો સોશિઅલ મીડિયાએ નાના વેપારીઓ અને કારિગરોને પણ ફટકો માર્યો છે તે યાદ રાખજો…