ગોવામાં કોંગ્રેસનું ઘર ફૂટ્યે ઘર ગયું

કોંગ્રેસમાં વંશપરંપરા બહુ સજ્જડ છે, પણ મજાની વાત એ છે કે સર્વોચ્ચ ગાંધી-નહેરુ પરિવાર સિવાય અન્ય કોઈ જગ્યાએ વંશપરંપરાને મજબૂત થવા દેવામાં આવતી નથી. પરિવારનું વર્ચસ્વ એટલે જ આટલા દાયકા ટકી રહ્યું છે. ફક્ત એક જ પરિવાર મજબૂત થાય, પણ સામંત પરિવારોમાંથી કોઈ મજબૂત થવું જોઈએ નહિ. ઇન્દિરા ગાંધીના જમાનાથી અન્ય કોઈ નેતાને પણ અમુક હદથી વધારે મજબૂત થવા ના દેવાની નીતિ રહેતી હતી. ચીમનભાઈ પટેલે ગુજરાતમાં ઇન્દિરા ગાંધી સામે બળવો કરીને મુખ્ય પ્રધાનની ગાદી મેળવી હતી.ગોવામાં પણ કોંગ્રેસના બહુ જૂના પરિવારના વારસદાર હવે ગાદી મેળવવાની તૈયારીમાં છે. ફરક એટલો કે તેમણે ભાજપમાં જોડાઈને સત્તા મેળવવી પડશે. ચીમનભાઈએ પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો. આગળ જતા બે દાયકા બાદ તેઓ કોંગ્રેસમાં ભળી ગયા હતા. ગોવામાં પ્રતાપસિંહ રાણેના પુત્ર વિશ્વજિતે પણ કોંગ્રેસના મોવડીઓ સામે બળવો કર્યો હતો, પણ તેમની સાથે વધારે સભ્યો નહોતો એટલે એકલાએ રાજીનામું આપી દીધું હતું.
આ વાત છેલ્લે 2017માં થયેલી ચૂંટણીની છે. 40 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસ સૌથી વધુ 17 બેઠકો જીત્યો. ભાજપને માત્ર 13 બેઠકો મળી હતી. ગોવામાં પ્રભારી તરીકે દિગ્વિજયસિંહ હતા. દિગ્વિજયસિંહ એવા કોંગ્રેસી નેતામાંના એક છે, જેમણે પક્ષને સૌથી વધુ નુકસાન કર્યું હોય. કોંગ્રેસમાંથી કોને મુખ્યપ્રધાન બનાવવા તે નિર્ણય લેવામાં વિલંબ થતો રહ્યો. દરમિયાન ભાજપે ઝડપ કરીને અન્ય પક્ષો સાથે જોડાણ કરીને સરકાર રચી પણ નાખી. તે વખતે કોંગ્રેસમાંથી પ્રથમ રાજીનામું આપનારા હતા વિશ્વજિત રાણે. વિશ્વજિત રાણેનો દાવો મુખ્યપ્રધાન બનવાનો હતો, પણ તેમને બનવા દેવાયા નહિ.
વાંક દિગ્વિજયસિંહનો કાઢવામાં આવે છે, પણ તેની પાછળ કોંગ્રેસની પરંપરા પણ કામ કરતી હતી. ગોવામાં ચારવાર પ્રતાપસિંહ રાણે મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. હવે તેમનો પુત્ર મુખ્યપ્રધાન બનવા માટે દાવો કરી રહ્યો હતો. આ દાવો ચાલે નહિ. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસને બેઠી કરનારા અને ફરી સત્તા અપાવનારા હતા રાજશેખર રેડ્ડી. તેમનું અચાનક અવસાન થયું ત્યારે તેમના પુત્ર જગનમોહન રેડ્ડીએ મુખ્યપ્રધાન બનવા માટે દાવો કર્યો હતો. કોંગ્રેસ પરંપરામાં આવો દાવો ચાલે નહિ. થયું એવું કે આગળ જતા આંધ્ર પ્રદેશમાંથી બે રાજ્યો બન્યા અને બંને રાજ્યોમાં કોંગ્રેસનું નામોનિશાન રહ્યું નથી. ગોવામાં પણ કદાચ એવું બનશે કે કોંગ્રેસનું નામોનિશાન નહિ રહે.
દરમિયાન મનોહર પર્રિકરને કેન્દ્રમાંથી પરત બોલાવીને ભાજપે સરકાર બનાવી હતી. અહીં પણ પર્રિકરને કારણે જ ભાજપની સરકાર બની હતી. સાથી પક્ષોની શરત હતી કે પર્રિકર સીએમ બને તો ટેકો આપે. પર્રિકરને કેન્સર હોવાથી તેમને બદલવા પડે તેમ છે. તેમની જગ્યાએ કોને મૂકવા તે સમસ્યા થઈ છે. ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી પર્રિકર સિવાય ભાજપના કોઈ નેતાને સ્વીકારવા તૈયાર નથી. ભાજપમાં પણ આંતરિક જૂથવાદને કારણે જ કેટલાક સભ્યો જુદા પડીને પ્રાદેશિક પક્ષોમાં ગયા હતા. તેમની નારાજગી હજીય ઊભી જ છે. તેથી હવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે ભાજપ મુખ્યપ્રધાન બદલશે, ત્યારે પોતાના કોઈ નેતાના બદલે વિશ્વજિતને પસંદ કરશે. વિશ્વજિતે કોંગ્રેસનો ગઢ ખેરવ્યો હતો તેનું ફળ મળશે. એટલું જ નહિ, ગયા અઠવાડિયે કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોને તેઓ તોડી લાવ્યા છે. બે સભ્યોએ રાજીનામાં આપી દીધા એટલે કોંગ્રેસ પાસે હવે 14 ધારાસભ્યો જ રહ્યા છે. આ બાજુ પેટા ચૂંટણીમાં પર્રિકર જીત્યા હતા એટલે ભાજપના પણ 14 ધારાસભ્યો થઈ ગયા છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી વિશ્વજિત પણ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા અને કેબિનટ પ્રધાન પણ બન્યા હતા. હવે કદાચ તેમને મુખ્યપ્રધાન પણ બનાવાશે. વિશ્વજિત માત્ર પ્રતાપસિંહના પુત્ર હોવાના કારણે દાવો કરી રહ્યા છે એવું પણ નથી. તેમણે પોતાનું રાજકારણ પોતાની રીતે જમાવ્યું છે. માજી મુખ્યપ્રધાન પ્રતાપસિંહના પુત્ર હોવા છતાં વિશ્વજિતને 2007માં કોંગ્રેસ ટિકિટ આપી નહોતી. તેથી તેઓ અપક્ષ તરીકે જીતીને આવ્યા. ટિકિટ આપી નહોતી, પણ હવે ટેકાની જરૂર હતી એટલે વિશ્વજિતને દિગંબર કામતની કેબિનેટમાં પ્રધાન પણ બનાવાયા હતા.
વિશ્વજિત માટે મુખ્યપ્રધાન બનવાનું એટલા માટે પણ શક્ય બને કે તેમને મહારાષ્ટ્ર ગોમાંતક પક્ષ (એમજીપી)નો ટેકો મળી શકે છે. 1970ના દાયકામાં એમજીપીની સરકાર હતી ત્યારે તેમના પિતા પ્રતાપસિંહ એમજીપીમાં હતા. આમ પણ રાણે કૂળના મૂળ મહારાષ્ટ્રમાં નીકળે છે. ગોવામાં રાણે કૂળના લોકો આવીને ધાડ પાડતા એવી કથાઓ પ્રચલતિ છે. ગોવાના રાજકારણમાં મરાઠી લોબી મજબૂત રહે તે માટે એમજીપી લડતી આવી છે. આગળ જતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને થોડી થોડી મુદત માટે કુલ છ વાર મુખ્યપ્રધાન બન્યા હતા. 2007માં તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે ફરી કોંગ્રેસ જીતી હતી, પણ તેમને મુખ્યપ્રધાન બનવા દેવાયા નહોતા. તેમના પુત્રને તે વખતે ટિકિટ પણ અપાઈ નહોતી. પ્રતાપસિંહ રાણેને સ્પીકર બનાવી દેવાયા હતા.
1980માં પ્રતાપસિંહ પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા અને ચાર વર્ષ પદ પર રહ્યા. તે પછી ગોવાનું રાજકારણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દર થોડા મહિને મુખ્યપ્રધાન બદલવા પડતા હતા. કોંગ્રેસમાંથી જૂથો જુદા પડતા હતા. કોંગ્રેસ તેની સાથે જોડાણ કરીને કે ટેકો આપીને સરકાર ચલાવ્યા કરતી હતી. 15 વર્ષની અસ્થિરતામાં વચ્ચે ભાજપની સરકાર પણ બની હતી. 2005માં ફરી પ્રતાપસિંહ રાણે મુખ્યપ્રધાન બન્યા પણ 2007માં તેમને કોંગ્રેસ હટાવી દીધા.
2007થી 2012 સુધી કામતની સરકાર સ્થિર રહી. બે દાયકા પછી કોંગ્રેસમાં સ્થિરતા દેખાઈ પણ તે ઉપરછલ્લી હતી. 2012થી ભાજપ ફરી સત્તામાં આવી ગયો. ગોવામાં કોંગ્રેસનું એક પક્ષ તરીકે અસ્તિત્વ હોય તેના કરતાં તેના જુદા જુદા જૂથોનું અસ્તિત્વ હોય તેવી સ્થિતિ વધારે રહી છે. ભાજપમાં પણ મનોહર પર્રિકર સિવાય કોઈ સર્વસ્વીકાર્ય નેતા નથી. તેને કારણે હવે જો વિશ્વજિત ભાજપના મુખ્યપ્રધાન બને તેમાં ભાજપ કે કોંગ્રેસ કરતાં રાણે પરિવારનું રાજકારણ વધાર મજબૂત બન્યું એમ ગણાશે. પુત્ર કોંગ્રેસ છોડીને જતા રહ્યા પછી પણ પ્રતાપસિંહ કોંગ્રેસમાં જ છે. હાલમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પણ છે.ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા શક્તિશાળી નેતા હોવા છતાં ભાજપમાં ક્યારેય તેનો ગજ વાગવા દેવાયો નહિ. તેમણે પણ પ્રાદેશિક પક્ષ બનાવ્યો, મુખ્યપ્રધાન પણ બન્યા. પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને કેન્દ્રમાં પ્રધાન બન્યા. ફરી કોંગ્રેસ પણ છોડી, ભાજપને ફાયદો કરાવવા કોશિશ કરી. તેના બદલામાં પુત્ર મહેન્દ્રસિંહનું ભાજપમાં ગોઠવાઈ જશે એવી આશા પણ હતી. ગયા અઠવાડિયે સમાચાર આવ્યા કે મહેન્દ્રસિંહે પણ આખરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હવે પિતા-પુત્ર એનસીપીમાં જોડાશે અને લોકસભાની ચૂંટણીમાં કદાચ ભાજપને જ ફાયદો થશે તેવું કરશે. ભાજપને ફાયદો કરાવે કે ના કરાવે, પણ પિતાપુત્રનું ભાવી રાજકારણ કેવું હશે તે અત્યાર સ્પષ્ટ થતું નથી, પણ ગોવામાં પિતાપુત્રનું રાજકારણ મજબૂત બન્યું છે. એમજીપી, પછી કોંગ્રેસ અને હવે ભાજપમાં પણ રાણે પરિવારનો દબદબો આવે તો ભારતીય રાજકારણમાં વધુ એક પરિવારનો ઇતિહાસ ઉમેરાશે. પણ પ્રાદેશિક ધોરણે, કેન્દ્રમાં નહિ, કેમ કે કેન્દ્રમાં એક જ પરિવારનો દબદબો અત્યાર સુધી તો ચાલતો આવ્યો છે…