કર્ણાટક ચૂંટણી પછીની પેટાચૂંટણીઃ ગણતરી ચાલુ જ છે

ર્ણાટકમાં ભાજપના બધા જ ધુરંધરો હાજર થઈ ગયાં હતાં. ગમે તે ભોગે કર્ણાટકને જીતવાનું હતું. જીતની બહુ નજીક આવીને ભાજપ અટકી ગયો. તે વખતે ચૂંટણી પ્રચારમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પણ સારી એવી ડીમાન્ડ હતી. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં, કર્ણાટકના કાંઠાળ પ્રદેશમાં, જ્યાં મુસ્લિમોની વસતિ વધારે છે. વધારે મુસ્લિમ મતો ધરાવતા યોગીને ફેરવવાથી બહુમતી મતોનું ધ્રુવીકરણ વધારે સરળ બને. એવું થયું પણ હતું, અને આ વિસ્તારમાં ભાજપને 52 ટકા જેટલો મતો અને સારી એવી બેઠકો પણ મળી છે.ચૂંટણી પ્રચારમાંથી અધવચ્ચેથી જ યોગીએ ઉત્તરપ્રદેશ દોડી જવું પડ્યું હતું. પોતાના રાજ્યમાં ઓવરબ્રીજ તૂટી પડ્યો તે ઘટના બહુ મોટી થઈ ગઈ, કેમ કે એક ડઝનથી વધુ લોકોના મોત થયા હતા. આ બહુ સિમ્બોલિક ઘટના હતી. મુખ્યપ્રધાને ભાજપને બીજે મદદ કરવાના બદલે પોતાના રાજ્યમાં પોતાની જ શાખ બચાવવા માટે દોડવું પડ્યું. આવી દોડભાગ છેલ્લા કેટલાક મહિનાથી તેમના માટે સતત ચાલી રહી છે અને હજીય અંત આવ્યો નથી. હવે કૈરાના બેઠકની પેટાચૂંટણી છે અને યોગી આદિત્યનાથની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કર્ણાટકની ચૂંટણી સાથે આ પેટાચૂંટણીને સીધો નહીં, પણ આડકતરો સંબંધ એ છે કે કર્ણાટક ચૂંટણીમાં વિપક્ષોનો જમાવડો જોવા મળ્યો તેની અસર મતો પર કેવી થાય તેનો ટેસ્ટ ગ્રાઉન્ડ પર કૈરાનામાં થવાનો છે. એ વાત સાચી કે ઉત્તરપ્રદેશમાં એક ટેસ્ટ ઓલરેડી થઈ ચૂક્યો છે અને તેમાં પણ યોગી આદિત્યનાથને 440 વૉલ્ટનો ઝડકો લાગ્યો હતો. તેમનો પોતાનો મતવિસ્તાર, ગોરખપુર, તેમનો પોતાનો ગઢ, ત્યાંથી ભાજપનો ઉમેદવાર હારી ગયો. કારણ સરળ હતું, એસપીના ઉમેદવારની જીત થાય તે માટે બીએસપીએ કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. ગોરખપુરમાં તેમનો મઠ આવેલો છે. મઠાધિપતિ તરીકે આ વિસ્તારમાં તેમનો દબદબો હતો. તેમના ગુરુ —આદિત્યનાથ પણ આ વિસ્તારમાંથી સાંસદ તરીકે જીતતા આવ્યા હતા. તેઓ પોતે પાંચ વાર અહીંથી સાંસદ બન્યા હતા. છઠ્ઠીવાર તેમણે હવે પોતાના બદલે ભાજપના ઉમેદવારને જીતાડવાના હતા. તે શક્ય બન્યું નહીં.ઘા પર મીઠું જેવો અનુભવ ફુલપુરમાં પણ થયો હતો. ફુલપુરની પેટાચૂંટણી પણ સાથે જ યોજાઈ હતી. ફુલપુર એટલે વધુ એક ભાજપની મજબૂત બેઠક. લોકસભાની આ બેઠક પરથી કેશવ પ્રસાદ મૌર્ય 2014માં જીત્યા હતા. તેમને વિધાનસભામાં લડાવાયા અને અમુક સંજોગોમાં તેઓ યુપીના મુખ્યપ્રધાન બને તેવી પણ શક્યતા હતી. જોકે અચાનક યોગીને મુખ્યપ્રધાન બનાવી દેવાયા, તેથી મૌર્યને ઉપમુખ્યપ્રધાન બનાવાયા હતા. તેમના માટે પણ આ બેઠક પેટાચૂંટણીમાં જીતાડવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. ફરી એકવાર એસપી અને બીએસપીનું જોર ભેગું થયું હતું, તે ભાજપને ભારે પડ્યું હતું.
એ જ તાકાતનો સામનો હવે યોજાઇ રહેલી કૈરાના બેઠકમાં કરવાનો છે. મુંબઈ નજીક પાલઘરની એક બેઠક વિશે ચિત્રલેખાએ અગાઉના લેખમાં જણાવ્યું હતું. પાલઘરની બેઠક પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની છે, કેમ કે અહીં શિવસેનાએ રોન કાઢી છે. શિવસેનાએ ભાજપના જ નેતાને પોતાનામાં લઈ લીધા અને ભાજપને હરાવવા તેમને ટિકિટ આપી દીધી છે.
તેની વાત પછી, પણ યુપીમાં ભાજપને વધારે ચિંતા છે, કેમ કે શિવસેનાને હજી પણ મનાવી લેવા માટે એક વર્ષનો સમય છે. યુપીમાં એસપી અને બીએસપીને કેવી રીતે છુટ્ટા પાડવા તે હાલના સંજોગોમાં દેખાતું નથી. એસપી અને બીએસપી બંને માટે અસ્તિત્ત્વનો સવાલ થઈ ગયો છે. ભાજપ સામે તેમનું અસ્તિત્ત્વ કાયમ માટે ભૂંસાઈ જાય, ઠીકઠાક વિપક્ષ તરીકે પણ ઊભા રહેવાની જગ્યા નહિ બચે તે ખ્યાલ આ બંને પક્ષોને આવી ગયો છે. તેથી તેઓ ભેગા મળે ત્યારે ભાજપે બીજા જ કોઈક રસ્તા અપનાવવા પડશે.કૈરાના બેઠક ભાજપના પીઢ નેતા હુકુમ સિંહના અવસાનને કારણે ખાલી પડી છે. ઠાકુરની બેઠક જીતવાનો પડકાર પણ ઠાકુર અજયસિંહ બિષ્ટમાંથી આદિત્યનાથ બનેલા સીએમ માટે છે. લોકસભાની આ પેટાચૂંટણી સાથે વિધાનસભાની એક બેઠકની પણ પેટાચૂંટણી છે – નૂરપુર. નૂરપુરના ધારાસભ્ય પણ ભાજપના હતા અને ઠાકુર હતા લોકેન્દ્ર સિંહ ચૌહાણ.
હુકુમ સિંહના પુત્રી મૃગાંકા સિંહને ટિકિટ અપાઇ છે. મુંબઈ નજીક પાલઘરની બેઠક પણ ભાજપના સાંસદ ચિંતામણ વનગાના અવસાનથી ખાલી પડી હતી. તેમના પુત્ર શ્રીનિવાસ વનગાને ટિકિટ આપવાના બદલે કોંગ્રેસમાંથી આવેતુને ટિકિટ અપાઇ. આ વાતનો અંદાજ તેમને આવી ગયો હતો એટલે શ્રીનિવાસને શિવસેના ખેંચી ગયું અને તેમને ટિકિટ આપી છે. શિવસેના અહીં સહાનુભૂતિનો લાભ લેવાની ગણતરી રાખે છે. તે જ રીતે યુપીમાં હુકુમ સિંહના અવસાનની સહાનુભૂતિની આશા ભાજપને છે. પરંતુ તકલીફ બેવડી થઈ છે. મૃગાંકા સિંહને 2017માં વિધાનસભા વખતે પણ ટિકિટ આપવામાં આવી હતી. તે વખતે કૈરાના વિધાનસભા બેઠક પર તેઓ લડ્યા, પણ એસપીના ઉમેદવાર સામે હારી ગયા હતા. ભાજપની લહેર હતી, છતાં તેઓ 21,000 મતોથી હાર્યા હતા ત્યારે અત્યારે યોગીને આકરી કસોટીમાં ભાજપે મૂકી દીધા છે.
ત્રીજી એક તકલીફ યોગી માટે એ છે કે તેઓ અહીં મતોના ધ્રુવીકરણનું રાજકારણ કરી રહ્યા છે તે અસરકારક સાબિત થતું નથી. હુકુમ સિંહ ભાજપના બહુ પીઢ નેતા હતા અને તેઓ મતોમાં ભાગલા પાડવાની નીતિમાં માનતા નથી તેવી છાપ હતી. પરંતુ આ વખતે મામલો જુદો બન્યો છે, કેમ કે વિપક્ષે અહીં સંયુક્ત રીતે ઉમેદવાર ઊભો રાખ્યો છે તે મુસ્લિમ છે. તબ્બસુમ હસન વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે મૃગાંકા સિંહ સામે છે. બે મહિલાઓની આ લડાઇમાં ત્રીજું પાસું એ છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વના મનાતા રાષ્ટ્રીય લોક દલે (આરએલડી) પણ ભાજપ વિરોધી વલણ લીધું છે. આરએલડીના નેતા અને ચરણસિંહના પુત્ર અજિત સિંહ વિપક્ષના નેતાઓની સાથે કર્ણાટકમાં પણ હાજર રહ્યા હતા.
યુપીમાં માયાવતીનો સાથ લેવાનું અખિલેષે નક્કી કર્યું ત્યારથી પાસું પલટાયું છે. હજી સુધી અજિત સિંહે ફોડ પાડ્યો નથી, પણ કર્ણાટકમાં તેમની હાજરી અને કૈરાનામાં ભાજપનો તેમના દ્વારા વિરોધ અગત્યની ઘટના મનાય છે. ગોરખપુર અને ફુલપુરપ પેટાચૂંટણી વખતે વખતે કોંગ્રેસનો ખુલ્લો સાથ નહોતો. આ વખતે કોંગ્રેસે પણ તબસ્સુમ હસનને ટેકો આપી દીધો છે.
આરએલડીએ આ બેઠક જીતીને પશ્ચિમ યુપીમાં પોતાનું સ્થાન ફરી મજબૂત કરવાનું છે. મુઝફ્ફરપુરના રમખાણો પછી હિન્દુ મતો મજબૂત થયા હતા અને ભાજપને ફાયદો થયો હતો. પણ આ વખતે જ્ઞાતિ ગણિત એટલું મજબૂત બની ગયું છે કે મુઝફ્ફરપુર કે કૈરાનામાંથી હિન્દુઓની હિજરત જેવો મુદ્દો પણ યોગી સરકારને કામ આવી રહ્યો નથી. વિપક્ષ એ યાદ કરાવી રહ્યો છે કે શરૂઆતમાં હુકુમ સિંહે કૈરાનામાંથી હિન્દુઓની હિજરતના મુદ્દાને ચગાવ્યો હતો, પણ બાદમાં તેમણે જ આ મુદ્દો છોડી દીધો હતો. તેમણે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે હિન્દુઓની હિજરત જેવી કોઈ વાત નથી, બધા લોકો ધંધા રોજગાર માટે બહાર જઈ રહ્યા છે.
આ સ્થિતિમાં ભાજપ કરતાંય યોગી આદિત્યનાથ માટે સ્થિતિ કપરી થઈ ગઈ છે. કર્ણાટકમાં હિન્દુ મતોનું કોન્સોલિડેશન કરાવીને યોગી આદિત્યનાથે ફાયદો કરાવ્યો એવું તેમના ટેકેદારો કહી રહ્યા છે. આવા વખાણ યોગી આદિત્યનાથ માટે મોટો પડકાર બની રહ્યા છે. તેમણે વખાણ પ્રમાણે એ વાત હવે કૈરાનામાં, પોતાના રાજ્યમાં જ સાબિત કરવી આપવાની છે. તેમણે સાબિત કરી આપવું પડશે કે જ્ઞાતિની ઓળખ ભૂલાવીને તેઓ સબ કા સાથ, સબ કા વિકાસ અને હિન્દુ ગૌરવની વાત કરીને વિજય અપાવી શકે છે. થોડા મહિના પહેલાની પેટાચૂંટણીમાં તે શક્ય થયું નહોતું, આ વખતે કેવી રીતે શક્ય બનશે તે યોગી માટે અને ત્યારબાદ ભાજપ માટે પણ સવાલ છે.
જોકે કર્ણાટકના પરિણામો પછી ત્યાં વિપક્ષે એકતાનો કરેલો દેખાવ ભાજપે જોઈ લીધો છે. ભાજપ પાસે પૂરતો સમય છે, તેનો સામનો કરવાની સ્ટ્રેટેજી નક્કી કરવાનો. આ પેટાચૂંટણી તેનું નાનકડું ટ્રેઇલર જ છે, ફિલ્મ અભી બાકી હૈ. વિપક્ષના ગઠબંધનને તોડફોડવાળાઓનું ગઠબંધન એવું નામ આપવાનું ભાજપે શરૂ પણ કરી દીધું છે. આ શંભુમેળો ભેગો થઈને દેશને નુકસાન કરશે એ થીમ પર જ ભાજપ આગળ વધશે તેમ લાગે છે.