ભાજપનું આદિવાસી રાજકારણ ઝારખંડમાં દેખાયું

ધ્યપ્રદેશમાં ચૂંટણી છે અને આદિવાસી મતોની અવગણના આ રાજ્યમાં પણ કરી શકાય તેમ નથી, પરંતુ છત્તીસગઢ અલગ થયા પછી મધ્યપ્રદેશનું આદિવાસી રાજકારણ છત્તીસગઢ પૂરતું સિમિત થઈ ગયું હતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ પટ્ટામાં શિક્ષિત આદિવાસીઓએ આંદોલન જગાવ્યું છે અને કોંગ્રેસ તથા ભાજપ બંનેને આદિવાસીઓની નોંધ લેવા માટે મજબૂર કરવા પડ્યા છે. આ જ સમયગાળામાં ઝારખંડમાં પણ હલચલ મચી છે, કેમ કે આદિવાસી વિસ્તારમાં ભાજપની સરકાર આદિવાસીવિરોધી છે તેવી છાપ માંડ દૂર થઈ છે, તે ફરી ચાલી ના જાય તે ચિંતા ભાજપને છે.
આવી છાપ દૂર કરવી સૌથી વધુ જરૂરી ઝારખંડમાં છે. ઝારખંડમાં આદિવાસીઓનું પ્રભુત્વ હોવા છતાં ભાજપે તેની રીત પ્રમાણે બિનઆદિવાસીને જ મુખ્યપ્રધાન બનાવ્યા. મહારાષ્ટ્રમાં બિનમરાઠા, હરિયાણામાં બિન જાટ, ગુજરાતમાં બિનપટેલ, ઉત્તર પ્રદેશમાં બિનયાદવ, છત્તીસગઢ અને ઝારખંડમાં બિનઆદિવાસીને મુખ્યપ્રધાનો બનાવ્યા. ઝારખંડમાં આ કામ સહેલું થઈ ગયું હતું, કેમ કે અર્જુન મુંડા વિધાનસભાની પોતાની બેઠક જાળવી શક્યા નહિ. 2014ની આ વાત છે. હવે 2019માં ફરી ચૂંટણી આવવાની છે, ત્યારે વિધાનસભા ઉપરાંત લોકસભાની પણ ચિંતા ભાજપે કરવાની છે. રાજ્ય નાનું છે, પણ 14થી 12 લોકસભા બેઠકો ભાજપ મેળવી શક્યું હતું. 2019માં અહીંથી 10 બેઠકો મળે તે પણ બહુ ઉપયોગી થવાની છે. તેથી અર્જુન મુંડા ભાજપને અચાનક યાદ આવ્યા છે.

આજકાલ ઝારખંડમાં અર્જુન મુંડા ભાજપને કેમ અચાનક યાદ આવ્યા તેની જ ચર્ચા ચાલી રહી છે. ભાજપની એક રીત શક્તિશાળી નેતાઓને ખતમ કરી દેવાની પણ રહી છે. ગુજરાતમાં કેશુભાઈ અને શંકરસિંહની જેમ ઝારખંડમાં મુંડા પણ તેનો ભોગ બન્યા હતા. સૌથી વધુ વાર મુખ્ય પ્રધાન બનેલા મુંડા મોટું માથું ગણાય, પણ પ્રથમવાર વિધાનસભા હાર્યા (અથવા હરાવવામાં આવ્યા) તે સાથે જ તેમને પક્ષમાં કોરાણે કરી દેવાયા હતા. તેના કારણે જ આજકાલ ભાજપના બધા જ કાર્યક્રમોમાં મુંડાને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે તે સૌને ઊડીને આંખે વળગી રહ્યું છે.
થોડા મહિના પહેલાં રાંચીમાં અમિત શાહની હાજરીમાં ભાજપનો એક કાર્યક્રમમાં યોજાયો તેમાં અર્જુન મુંડાનું નામ જ નહોતું. એટલું જ નહિ, તેઓ મંચ પર જવા માગતા હતા, પણ તેમને મંચ પર પગ પણ મૂકવા ના દીધો. તેથી નારાજ થઈને મુંડા અને તેના સાથીદારો ત્યાંથી નીકળી ગયા હતા. હવે ગયા અઠવાડિયે રાંચીમાં ભાજપની સભા યોજાઈ હતી. અમિત શાહ હાજર હતા અને આ વખતે માનસન્માન સાથે અર્જુન મુંડાને પણ મંચ પર બેસાડી દેવાયા. અમિતભાઈની બાજુમાં જ બેસાડાયા અને ભાષણમાં અમિત ભાઈએ અર્જુનભાઈના વખાણ પણ ક્યા. થોડા જ મહિનામાં બદલાયેલી આ સ્થિતિ સૌનું ધ્યાન ખેંચી રહી છે.
છેલ્લા એક મહિના દરમિયાન ત્રણેક સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું આયોજન ભાજપે કર્યું છે. તે બધામાં અર્જુન મુંડાનું મહિમાગાન થઈ રહ્યું છે. કાર્યક્રમો ભલે સાંસ્કૃત્તિક હોય, પણ મુંડાના મનામણા શરૂ થયા છે તેનો ખ્યાલ આવી જાય છે. મુંડાએ એક કાર્યક્રમમાં ટોણો પણ માર્યો હતો કે આ કાર્યક્રમમાં આવવા માટે કોઈ તૈયાર થયું નહિ હોય એટલે મને મુખ્ય અતિથિ તરીકે બોલાવાયો છે. આજ કાલ કોઈ ના મળે ત્યારે જ પોતાને બોલાવવામાં આવે છે તેવો ટોણો મુંડાએ માર્યો હતો.
પણ હવે ભાજપ પાસે કોઈ મહત્ત્વનો આદિવાસી નેતા નથી ત્યારે મુંડાને બોલાવવો પડે તેમ છે તે વાત સ્પષ્ટ થઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશની જેમ ઝારખંડમાં પણ સ્થાનિક પ્રજામાં અસંતોષને કારણે આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં હવે મોંઘવારીનો મુદ્દો પણ ભળ્યો છે અને તેનું આંદોલન આમાંથી ફૂટી નીકળે તો પણ ના કહેવાય. આદિવાસીઓને અન્યાયનો મામલો તો છે જ. આ સંજોગોમાં અકળાયેલા ભાજપના મુખ્ય પ્રધાન રઘુવર દાસે એવું નિવેદન પણ આપ્યું હતું કે પક્ષના અન્ય નેતાઓએ પણ રાજ્યમાં શાંતિ રહે તે માટે પ્રયાસો કરવા જોઈએ.
મુંડા જેવા આદિવાસી નેતાઓએ આદિવાસી અસંતોષને થાળે પાડવો જોઈએ એવું તેમનું કહેવું થતું હતું. તેથી જ મુંડાએ ટોણો મારેલો કે કોઈ ના મળે ત્યારે હવે મને બોલાવવામાં આવી રહ્યો છે. 2014માં મુંડા ગફલતમાં રહ્યા અને વિધાનસભામાં હાર્યા. તેના કારણે તક જોઈને રઘુવર દાસે તેમની બરાબરની બાદબાકી કરી નાખી હતી. જોકે મુંડા પણ પોતાની રીતે આદિવાસી નેતાગીરી વચ્ચે કામ કરતા રહ્યા હતા. ઝારખંડમાં હજી રાજકારણ સ્થિર થયું નથી. વ્યક્તિગત શક્તિશાળી નેતાઓ પોતાના જૂથની તાકાત પર રાજકારણ રમતા રમે છે. અહીં અપક્ષ પણ ટેકાથી મુખ્ય પ્રધાન બની ગયો હતો. નવું રાજ્ય બન્યું તેના પ્રથમ મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડી બન્યા, પણ તેને શાંતિથી બેસવા ના દેવાયા. નારાજ થઈને તેમને અલગ પક્ષ બનાવી કાઢ્યો હતો. ગુરુજી તરીકે ઓળખાતા સૌથી જૂના આદિવાસી નેતા શિબુ સોરેનનું રાજકારણ પણ બંને દિશામાં ડોલતું રહ્યું છે.
આવા સંજોગોમાં મુંડા પણ અલગ પક્ષ બનાવી શક્યા હોત, પણ તેમણે બદલાયેલી હવાને પારખીને અવગણના છતાં ભાજપમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. ભાજપમાં જ તેમણે ધીમે ધીમે પોતાનું જૂથ ઊભું કર્યું છે. રઘુવર દાસને એમ હતું કે મુંડાને કોરાણે કરી દેવાયા છે, પણ મુંડાએ ચૂપચાપ એક બાજુ બેસીને ધીમે ધીમે પોતાના ટેકેદારો પક્ષમાં તૈયાર કર્યા છે. મોકો જોઈને તેઓ ઘા મારશે તેની ગંધ મોવડીઓને આવી ગઈ તેના કારણે જ હવે અર્જુન મુંડાનું માહાત્મ્ય થવા લાગ્યું છે.