ભારતમાં 25 સ્થળોના નામકરણને કેન્દ્રની મંજૂરી…

માત્ર ઉત્તર પ્રદેશમાં અલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું અયોધ્યા નામકરણ જ કરાશે એવું નથી, ભારતમાં બીજાં 25 સ્થળો એવા છે જેમનાં નામ બદલવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.

સરકારે ભારતભરમાં ઓછામાં ઓછા 25 નગરો તથા ગામોને નવા નામ આપવાના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.

સરકારે એક પ્રસ્તાવ મોકૂફ રાખ્યો છે જેમાં પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવાની માગણી કરાઈ છે.

આ યાદીમાં અલાહાબાદ અને ફૈઝાબાદ નવા ઉમેરાયેલા નામ છે.

દેશમાં રાજ્ય, શહેરોના નામ બદલવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. એમાં અનેક કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગો સંકળાયેલા હોય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 શહેર, નગરો અને ગામોનાં નામ બદલવાના પ્રસ્તાવોને છેલ્લા એક વર્ષમાં મંજૂરી આપી દીધી છે.

અલાહાબાદનું પ્રયાગરાજ કરવા અને ફૈઝાબાદનું અયોધ્યા કરવાનો પ્રસ્તાવ હજી ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મળ્યો નથી, એવું અધિકારીઓનું કહેવું છે.

નામકરણ માટે આવેલા અમુક પ્રસ્તાવો આ મુજબ છેઃ આંધ્ર પ્રદેશમાં રાજામુન્દ્રીનું નામ બદલીને રાજામહેન્દ્રવરમ કરવું છે, ઓડિશામાં આઉટર વ્હીલરને એપીજે અબ્દુલ કલામ આયલેન્ડ, કેરળમાં Arikkod નામ બદલીને Areekode કરવું છે, હરિયાણામાં પિંડારી નામ બદલીને પાંડુ-પિંડારા કરવું છે, નાગાલેન્ડમાં સમ્ફુરને સન્ફુર કરવું છે, મહારાષ્ટ્રમાં લાંડગેવાડીને નરસિંહગાંવ, હરિયાણામાં ગઢી સામ્પલાને સર છોટુ રામ નગર, રાજસ્થાનમાં ખાટુ કાલન ગામનું નામ બરી ખાટુ, મધ્ય પ્રદેશમાં મિગવાન છક્કા અને મિગવાન તિલીયા નામ બદલીને મિગવાન સરકાર અને મિગવાન ઘાટ કરવું છે, ઉત્તર પ્રદેશમાં શુક્રતાલ ખાદરને સુખતીર્થ ખાદર કરવામાં આવશે.

નામકરણની પ્રક્રિયા અનુસાર, રેલવે મંત્રાલય, ટપાલ વિભાગ તથા સર્વે ઓફ ઈન્ડિયા વિભાગ તરફથી નો-ઓબ્જેક્શન આવી જાય તે પછી ગૃહ મંત્રાલય નામમાં ફેરફાર માટે મંજૂરી આપે છે.

આ વિભાગો અને મંત્રાલયો ચેક કરી લે છે કે સૂચવાયેલા નામ જેવું જ નામ એમના રેકોર્ડ્સમાં મોજૂદ તો નથીને.

કોઈ રાજ્યના નામકરણ માટે સંસદમાં સાદી બહુમતી સાથે બંધારણમાં સુધારો કરવો પડે. જ્યારે કોઈ નગર કે ગામનું નામ બદલવા માટે એક્ઝિક્યૂટિવ ઓર્ડર (વહીવટીય આદેશ)ની જરૂર પડે.

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે એટલા માટે અટકાવી રાખ્યો છે કે આ નામ પડોશના દેશ બાંગ્લાદેશને ઘણું બધું મળતું આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બાબતમાં પ્રસ્તાવ વિદેશ મંત્રાલયને એના મંતવ્ય માટે મોકલી આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગયા ગુરુવારે જણાવ્યું હતું કે એમની સરકાર અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવા પ્રતિબદ્ધ છે અને 2019ની લોકસભા ચૂંટણી યોજાય તે પહેલાં નામકરણ કરી દેવામાં આવશે.

ગયા વર્ષે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન સ્ટેશન કરી દેવાયું છે. જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય 1968માં આ જ રેલવે સ્ટેશન નજીક રેલવેના પાટા પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે બનાવ ટ્રેનમાં ચોરીને લગતો હતો.

મુંબઈમાં, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ, આ બંને સ્થળના નામમાં ‘મહારાજ’ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે અને એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છે.

ભારતમાં કોઈ રાજ્યનું નામ બદલવામાં આવ્યું હોય એ પ્રસંગ 2011માં બન્યો હતો. ત્યારે ઓરિસ્સાનું નામ બદલીને ઓડિશા કરાયું હતું. એ પહેલાં, 2001માં કલકત્તાનું નામ બદલીને કોલકાતા કરાયું હતું, 1996માં મદ્રાસનું ચેન્નાઈ કરાયું હતું અને 1995માં બોમ્બેનું મુંબઈ કરાયું હતું.

2014માં, કેન્દ્ર સરકારે કર્ણાટકમાં 11 શહેરોના નામ બદલવાની મંજૂરી આપી હતી. એમાં બેંગલોરનું નામ બદલીને બેંગલુરુ કરાયું છે.

ભારતમાં કુલ 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 2011માં ભારતમાં કરાયેલી વસ્તી ગણતરી મુજબ, દેશમાં 497 શહેરો છે, 7,935 નગરો છે અને 6,49,481 ગામડાઓ છે.