ભૈયુજી મહારાજ મોતમાં પણ રહસ્યમય રહ્યાં

ણ્ણા હજારેનું આંદોલન બરાબર જામ્યું હતું. સમગ્ર દેશમાંથી પ્રતિસાદ મળી રહ્યો હતો, કેમ કે કેટલીક સંસ્થાઓ મચી પડી હતી અને ઠેર ઠેર મીણબત્તીઓ લઈને રેલીઓ કાઢી રહી હતી. (આંદોલનની સફળતા અણ્ણા હજારેની નહોતી, કેમ કે બે મહિના પહેલાં તેઓ દિલ્હીમાં જઈને ઉપવાસ પર બેઠાં ત્યારે એકેય મીણબત્તીવાળી એકેય રેલી ક્યાંય નીકળી નહોતી.) આમ આદમી પાર્ટીનો જન્મ આખરે તેમાંથી થયો અને ખ્યાલ આવ્યો કે અણ્ણાનું આંદોલન તો રાજકીય હતું. અણ્ણા પોતે તે માટે જવાબદાર નથી. અણ્ણા ઉમદાદિલ ઇન્સાન છે. પણ તેમનો ઉપયોગ થઈ ગયો. તેમનો ઉપયોગ કરી લેનારામાં એક હતાં ભૈયુજી મહારાજ. આંદોલન પ્રબળ બન્યું અને સરકારે સંસદની વિશેષ બેઠક બોલાવીને લોકપાલ બિલ લાવવાની ખાતરી આપવી પડી. તે પછી અણ્ણા હજારને પારણાં કરાવવા માટેની ઘડી આવી તે ઘડીથી ભૈયુજી મહારાજ પ્રખ્યાત થઈ ગયાં. અણ્ણા સાથે વાટાઘાટો કરવામાં તેમની ભૂમિકા અગત્યની રહી હતી તેવો પ્રચાર જોરશોરથી થતો રહ્યો. ત્યારબાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ ચાલતા હતાં ત્યારે પણ ભૈયુજી મહારાજ હાજરી આપી ગયાં અને પોતાના ભાગની પબ્લિસિટી ખાઇ ગયાં.

ત્યાં સુધી ભૈયુજી મહારાજ વિશે બહારના લોકોને બહુ ખબર નહોતી. પરંતુ મહારાષ્ટ્રના અને મરાઠી રાજકારણીઓ સાથે તેઓ ઘણાં વર્ષોથી ઘરોબો ધરાવતાં હતાં. શા માટે તે સવાલનો જવાબ હવે કદી મળવાનો નથી. ભૈયુજી મહારાજ લોકોને સમજાય તેવી ભાષામાં વાત કરીએ તો મધ્યસ્થીનું કામ કરતાં. બે નેતાઓ વચ્ચે સંવાદ સાધી આપવાનું કામ. તેના માટે વધારે ખરાબ શબ્દ પણ છે, પણ તે અહીં વાપરવો નથી. એવું તો શું હતું ભૈયુજીમાં કે નેતાઓ તેમને મળતાં રહેતાં હતાં તે રહસ્ય જ રહ્યું છે. તેઓ સંત કહેવાતા હતાં, પણ સંતપણાની કોઈ બાહ્ય નિશાનીઓ દેખાતી નથી. સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ફરતા રહેતાં હતાં. વ્યાખ્યાની દ્રષ્ટિએ ગૃહસ્થ સંત હતાં. ગૃહસ્થ સંતની પરંપરા ભારતમાં જૂની છે અને તે વધારે સારી પણ છે. પરંતુ એ જ પરંપરા ક્યારેય નડે, કેમ કે સંપત્તિનો વારસો લેવાની વાત આવે ત્યારે માત્ર અનુયાયીઓ, શિષ્યો નહીં, પણ સગાંઓ પણ લડતાં હોય છે.

ભૈયુજી મહારાજાના કિસ્સામાં ઉપર ઉપરથી એ જ કારણ દેખાઇ રહ્યું છે. સંપત્તિના મામલે તથા સંબંધોના મામલે તેમની પુત્રી અને બીજી પત્ની વચ્ચે અણબનાવ હતો તેવા અહેવાલો આપણે વાંચતા રહ્યા છીએ. તેઓ જીવતાં હતાં ત્યારે રહસ્ય એ હતું કે એવું શું છે કે રાજકારણીઓ તેમની પાસે દોડી જાય છે. બિનગૃહસ્થ સંત, સાધુ, મહારાજા અને તાંત્રિકોના ફાયદા આપણે જાણીએ છીએ. દોરાધાગાથી માંડીને સફળતા માટેના યજ્ઞો સુધીની વિધિઓ નેતાઓ કરાવતાં હોય છે. દરેક સફળ નેતાઓનો એક અંગત જ્યોતિષી, એક અંગત તાંત્રિક, એક અંગત ગુરુ અને એક અંગત ફિલોસોફર હોય છે. આમાંની એક પણ વ્યાખ્યામાં ભૈયુજી મહારાજ ફિટ બેસતાં નહોતાં. જ્યોતિષી, તાંત્રિક અને ગુરુ તે હતા નહીં અને ફિલોસોફર હોય તેવા લાગતાં નહોતાં. તેમના ભાષણો અને વિચારો નોર્મલ પ્રકારના ગુડ્ડી ગુડ્ડી જ હતાં. એનાથી વધારે ડહાપણ તો રાજકારણીમાં પોતાનામાં હોય. બહુ જાડી ચામડીના માણસ હોય તે જ રાજકારણી થઈ શકે. સુખદુઃખ મનમાં ન આણીએ તેનો વાસ્તવિક જીવનમાં લગભગ રોજ નેતાઓ અમલ કરતા હોય છે. તેઓ લોકોની માનસિકતાના વધારે સારા અભ્યાસી હોય છે અને મન અને દિલ અને વાણીને કાબૂમાં તેઓ રાખી શકે તેટલો કાબૂ ધ્યાની અને સત્સંગીનો પણ નથી હોતો. તેથી એ રહસ્ય હંમેશા રહેવાનું કે એવું તો શું હતું કે નેતાઓ ભૈયુજી મહારાજના શરણે જતાં હતાં. માત્ર ભાજપના નહીં, બીજા પક્ષના નેતાઓ સાથે પણ તેમને ઘરોબો હતો. ભાજપ સાથે વધારે હતો. મહારાષ્ટ્ર ભાજપના ફડણવીસ સહિતના નેતાઓની તેઓ નજીક હતાં. મધ્યપ્રદેશમાં ભાજપ સરકારે તેમને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપ્યો હતો. ભૈયુજી સહિત ચાર પાંચ ભગવાધારીઓને ભાજપ સરકારે મંત્રીઓ બનાવી દીધાં, જેથી તેઓ નર્મદા મૈયાનું કામ કરી શકે. જોકે ભૈયુજી મહારાજે મંત્રીનો દરજ્જો સ્વીકારવાની ના પાડી હતી.

દરમિયાન થોડા મહિના પહેલાં તેમણે બીજા લગ્ન કર્યા હતા. તેમના આશ્રમમાં અવારનવાર આવતાં અને બાદમાં લાંબો સમય ત્યાં જ રહેનારા આયુષી સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. તેમની સુંદરતાની પણ એટલી જ ચર્ચા મીડિયાએ કરી હતી, જે આમ તો અસ્થાને હતી. જે દિવસે તેમના આયુષી સાથે લગ્ન હતાં તે જ દિવસે મલ્લિકા રાજપૂત નામની એક સ્ટ્રગલ કરતી હીરોઇને સોશિઅલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. મલ્લિકાએ ભૈયુજી મહારાજને ધોખેબાજ ગણાવ્યાં હતાં. સંબંધો વિશેની કોઈ વાત તેમણે નહોતી લખી. તેમણે એવું લખેલું કે ભૈયુજી વિશે તેમણે એક પુસ્તક તૈયાર કરીને આપ્યું છે. મહેનત કરીને તૈયાર કરેલું પુસ્તક ભૈયુજીને આપેલું છે, પણ તેઓ તેને હવે પ્રગટ કરતાં નથી. પુસ્તક પાછળ કરેલી મહેનત માટે તેમણે વળતર માગ્યું હતું. પણ કોઇને પુસ્તક શું છે અને કેટલું વળતર માગ્યું છે તેમાં રસ નહોતો પડ્યો. સૌને રસ પડ્યો હતો પોસ્ટ સાથે મૂકાયેલી તસવીરોમાં. ભૈયુજી મહારાજ સાથેની કેટલીક તસવીરો મલ્લિકાએ મૂકી હતી. આ તસવીરો બહુ બોલકી હતી.  બીજી એક મહિલાની ચર્ચા પણ ભૈયુજી મહારજાની આત્મહત્યા પછી ચાલી રહી છે. આત્મહત્યાની ઘટના બની તેના થોડાં દિવસ પહેલાં કોઈ રેસ્ટોરાંમાં કોઈ મહિલા સાથે તેમની મુલાકાત થઈ હતી. પોલીસે કહ્યું છે કે પોતે તે મહિલા વિશે તપાસ કરી રહી છે. આ બધાને કારણે તેમનું કમોત પણ રહસ્યમય બની રહ્યું છે.
આત્મહત્યા કરી તે પછી તરત જ એવા અહેવાલ આવ્યાં હતાં કે તેમની બીજી પત્ની અને પ્રથમ પત્નીથી થયેલી દીકરી કૂહૂ વચ્ચે અણબનાવ છે. કૂહૂને પિતાના બીજા લગ્ન પસંદ પડ્યાં નહોતાં અને તે જ્યારે પણ આશ્રમ પર આવતી હતી ત્યારે ઝઘડા થતાં હતાં. તેને ભણવા માટે પૂણે મોકલવામાં આવી હતી, પણ મામલાનો ઉકેલ આવ્યો નહોતો. કૂહૂ માટે અલગ રખાયેલા કમરામાં જ ભૈયુજીએ આત્મહત્યા કરી હતી.

કૂહૂ પૂણેથી આશ્રમ પર આવવાની હતી, પણ તેના કમરાને સાફસૂફ કરીને તૈયાર કરાયો નહોતો. તે મુદ્દે ભૈયુજી મહારાજે ગુસ્સે થઈને સ્ટાફને ખખડાવ્યો પણ હતો. તે પછી એ જ કમરામાં તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી ખાઈ લીધી. કૂહૂએ પિતાના મોતના સમાચાર જાણીને આવીને ભારે ધમાલ મચાવી હતી. આયુષીની તસવીરોને ઉખાડીને ફેંકી દીધી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી કે આત્મહત્યા માટે જવાબદાર આયુષી જ છે.

દરમિયાન પોલીસે વધુ એક ચીઠ્ઠી જાહેર કરી અને ભૈયુજી મહારાજનું મોત વધારે રહસ્યમય બન્યું. તેમની પાસે રહેલા નોટપેડમાં ભૈયુજી મહારાજે આત્મહત્યા કરતાં પહેલાં લખ્યું કે મારી બધી જ આર્થિક બાબતો, સંપત્તિ, બેન્ક એકાઉન્ટ અને સાઇનિંગ ઓથોરિટી હું વિનાયકને આપું છું, કેમ કે મને વિનાયક પર ભરોસો છે. હું કોઇ દબાણ વિના આ લખી રહ્યો છું એવી સ્પષ્ટતા પણ તેમણે છેલ્લે કરી હતી. આ ચિઠ્ઠી મળી અને બધી જ સંપત્તિનો હવાલો પોતાના સહાયક તરીકે છેલ્લાં 15 વર્ષથી કામ કરતાં વિનાયકને સોંપી દેવાયો તેના કારણે તેમની આત્મહત્યા વધારે રહસ્યમય બની છે. દત્ત આશ્રમના સંચાલન માટે બનાવાયેલા ટ્રસ્ટમાં 11 ટ્રસ્ટીઓ છે. ટ્રસ્ટીઓને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે સૌ આઘાતમાં છીએ અને અત્યારે કશું કહેવાની સ્થિતિમાં નથી. ગુરુજીના મોતના આઘાતના કારણે ટ્રસ્ટ હવે કોણ સંભાળશે તેનો નિર્ણય કરવાની સ્થિતિમાં અમે નથી અમે ટ્રસ્ટીઓ કહી રહ્યાં છીએ.

બીજી બાજુ પોલીસ જાણે છે કે આ હાઇપ્રોફાઇલ કેસ છે. તેથી પોલીસે વિનાયકનું પણ નિવેદન નોંધ્યું છે. જરૂર પડ્યે પોલીસ વિનાયકને ફરી પૂછપરછ માટે બોલાવશે એમ પણ જણાવાયું છે. કુટુંબના સભ્યોના અને ટ્રસ્ટીઓ સહિતના સંબંધિત લોકોના નિવેદનો પણ પોલીસ હાલ નોંધી રહી છે. પોલીસ કશું બોલવા માગતી નથી, પણ એટલું ચોક્કસ કહી રહી છે કે ઘટના રહસ્યમય છે.

મધ્યપ્રદેશમાં રહેતાં ભૈયુજી મહારાજનું મહારાષ્ટ્ર સાથે ગાઢ કનેક્શન રહ્યું હતું. તેમણે જે રિવોલ્વરથી આત્મહત્યા કરી તેનું લાયસન્સ તેમણે 2002માં મહારાષ્ટ્રના વાશિમમાંથી લીધું હતું. બાદમાં 2012માં લાયસન્સ બુલઢાણામાં ટ્રાન્સફર કરાયું હતું. મધ્યપ્રદેશમાં જમીનદારી કરનારું તેમનું દેશમુખ કુટુંબ મૂળ વાશીમ અને આકોલા વચ્ચે આવેલા એક ગામનું હતું. આ ગામમાં પણ તેઓ આવનજાવન કરતા રહેતાં હતાં. માલતીબાઇ સરનાયક આ વિસ્તારમાંથી કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યાં છે. 2011માં ગુજરી ગયેલાં માલતીબાઇ તેમના કુટુંબી ફુઇ થતાં હતાં અને તેમના પરિવારને મળવા માટે ભૈયુજી આવતાં હતાં. પોલીસે ડૉ. આયુષીનો ઇતિહાસ પણ તપાસ્યો તો ખ્યાલ આવ્યો છે કે તેઓ ભંવરકુઆંમાં પરમહંસ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણ્યાં હતાં. અહીં રહીને તેમણે પીએચડી કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયુષી અને વિવેક નામના કોઈ યુવક સાથે સારી દોસ્તી હતી તેવી વાત ભંવરકુઆંમાં પૂછપરછમાં ખૂલી હતી. છેલ્લાં 9 વર્ષથી તેઓ એકબીજાને ઓળખે છે. આ ઘટના બની ત્યારે વિવેક ઇન્દોરમાં હોવાની માહિતી મળી પછી પોલીસ તપાસ કરી રહી છે એવું સૂત્રો જણાવી રહ્યાં છે. આયુષીએ 2014માં એમબીએ પૂરું કર્યું હતું. કમ્પિટિટિવ એક્ઝામ આપીને તેઓ સારી કરિયર માટે તલાશ કરી રહ્યાં હતાં. દરમિયાન તેમને આશ્રમમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી હતી. ત્યારબાદ તેમની લાઇફ સ્ટાઇલમાં પરિવર્તન આવી ગયું હતું. વિવેક સાથે શિવપુરીમાં આયુષીની મુલાકાત અને દોસ્તી શરૂ થઈ હતી. બાદમાં વિવેક પણ ઇન્દોર આવી ગયો હતો, પણ ધીમે ધીમે તેમની દોસ્તી ઓછી થતી ગઈ. આખરે આયુષીએ 9 વર્ષના સંબંધો છોડીને ભૈયુજી સાથે લગ્ન કરી લીધાં. ભૈયુજી મહારાજના પ્રથમ પત્નીનું લગભગ અઢી વર્ષ પહેલાં અવસાન થયું હતું.
આયુષી ઇન્દોરમાં જ રહેતા અતુલ શર્માની દીકરી છે. તેમની માતાનું નામ રાની શર્મા છે. રાની શર્મા કહે છે કે તેઓ દીકરી ભૈયુજી સાથે લગ્ન કરે તે માટે રાજી નહોતાં. ઇન્દોરની સ્પ્રિંગવેલીમાં જ શર્મા પરિવાર રહે છે. સંપત્તિના મામલે વિવાદ થાય તેવું પણ લાગે છે, કેમ કે એક હજાર કરોડથી વધારેની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. ઇન્દોરમાં સુખલિયામાં સૂર્યોદય આશ્રમ, ઇન્દોરમાં શિવનેરી નામનો વિશાળ બંગલો, સ્પ્રિંગ વેલીમાં આલિશાન બંગલો અને ઇન્દોરમાં બીજા પણ કેટલાક પ્લોટ્સ તેમના નામે છે.મહારાષ્ટ્રના ખામગાંવમાં મહાસિદ્ધ પીઠ સંકુલ, આકોલામાં વિશ્વનાથ શાંતિપ્રસાર કેન્દ્ર, સોલાપુરમાં સાંગોલા આશ્રમશાળા, ઉસ્માનાબાદમાં મુર્ટા આશ્રમશાલા, પૂણેમાં સૂર્યસાધના કેન્દ્ર અને સૂર્યોદય ધરતીપુત્ર પ્રબોધિની વિદ્યાલય એમ અનેક સંસ્થાઓ તેઓ ચલાવતાં હતાં. આ બધા માટે હવે ખેંચતાણ ચાલતી રહેશે, ત્યારે ભૈયુજી મહારાજના જીવતેજીવતના રહસ્યો કે તેમના મોત અંગેનું રહસ્ય બહાર આવશે કે કેમ તે સમય જ કહેશે.