ગઠબંધનોઃ એક તૂટવાની ને બીજું બનવાની તૈયારીમાં

ભારતીય રાજકારણ અસંભવને સંભવ બનાવનારું સાબિત થઈ રહ્યું છે. અસંભવ લાગતું પરિવર્તન પણ કરી બતાવ્યું હતું અને મુશ્કેલ લાગતું પુનરાવર્તન પણ કરી બતાવ્યું. ગઠબંધનના અનેકવિધ પ્રકારો ભારતીય રાજકારણે આપ્યા છે. દુનિયામાં બીજે પણ ગઠબંધનો થાય છે, દુશ્મનો વચ્ચે પણ થાય છે, પણ ભારતમાં ગઠબંધનોનું વૈવિધ્ય અપાર છે એમ કહીએ તો ખોટું નથી. ગઠબંધનો એટલે ગણિતની શક્યતાઓ. ગણિતમાં શૂન્ય અને અનંતની કલ્પના ભારતીય વિદ્વાનોએ આપી હતી. ભારતીય બુદ્ધિમાન રાજકારણીઓ પણ અનંત પ્રકારના ગઠબંધનો બની શકે છે તેની શક્યતા દર્શાવી ચૂક્યા છે.

ભાજપ અને દેશદ્રોહીઓને સમર્થન આપનારા પીડીપીએ પણ કુલડીમાં ગોળ ભાંગ્યો હતો, તે પછી રહ્યોસહ્યો ગઠબંધનો વિશેનો ભ્રમ ભાંગી ગયો હતો. હવે માત્ર આશ્ચર્ય રહે છે. એવું જ આશ્ચર્ય લોકસભાની 2019ની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું હતું. તેનો એક નાનકડો નમૂનો બિહારમાં ભજવાઈ ગયો હતો, પણ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. નીતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવ ભેગા થયા હતા અને ભાજપને હરાવ્યું હતું. જોકે અખિલેષ અને માયાવતી ભેગા થઈને ભાજપને હરાવી શક્યા નથી.

 

એસપી અને બીએસપી હવે પેટાચૂંટણીઓ ભેગા નથી લડવાના તેવી જાહેરાત થઈ છે. આખરે એ ગઠબંધન તૂટી ગયું, પણ સંબંધો તૂટ્યા નથી. બીજું ન ચર્ચાયેલી વાત એ છે કે 11 જેટલી પેટાચૂંટણીઓમાં ગઠબંધનનો કોઈ ફાયદો થાય તેમ નહોતો. આ 11 પેટાચૂંટણી આવી રહી છે, તેમાંથી 8 બેઠકો ભાજપ પાસે ઓલરેડી હતી. 8માંથી માત્ર 3 બેઠકોનું ગણિત એવું કહે છે કે એસપી-બીએસપી ભેગા થઈને લડે તો ફાવે. એટલે વધુ એકવાર ગઠબંધનની નિષ્ફળતા સામે ના આવે અને કાર્યકરો હતાશ ના થાય તે માટે એસપી-બીએસપી સમજીને છુટ્ટા પડ્યા હોય તેમ લાગે છે.

બીજી બાજુ બિહારમાં ફરીથી આશ્ચર્યકારક ગઠબંધન આકાર લઈ રહ્યું હોય તેમ લાગે છે. મૂળ આ ગઠબંધન પાસે જ ભાજપને હરાવવાની ફોર્મ્યુલા હતી અને સફળ પણ થઈ હતી. નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવે ભેગા થઈને બિહારમાં ભાજપને હરાવ્યું હતું. ફરક એટલો હતો કે તેમની સાથે કોંગ્રેસ પણ હતી. યુપીમાં કોંગ્રેસ ગઠબંધનમાં નહોતું. કોંગ્રેસે ગઠબંધનને નુકસાન કર્યું છે તેની બહુ ચર્ચા નથી થઈ, કેમ કે એસપી-બીએસપીએ પણ કંઈ ઉકાળ્યું નથી. કોંગ્રેસ, સુહેલદેવ, શિવપાલ યાદવ અને નોટાના કારણે 20 બેઠકો ભાજપને મળી છે. કોંગ્રેસ પોતે એક બેઠકો ગુમાવી અને બીજાને દસમાં નુકસાન કરાવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસે વિકાસ અઘાડીને સાથે ના રાખીને સાત બેઠકો ગુમાવી છે. દિલ્હી, હરિયાણા, ઇશાન ભારત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર વગેરેમાં પણ એક એક બબ્બે બબ્બે બેઠકો ગણો તો કોંગ્રેસે બીજી 20 બેઠકોનો ફાયદો ભાજપને કરાવી દીધો છે. હવે કલ્પના કરો કે કોંગ્રેસ એક માત્ર લક્ષ્ય રાખ્યું હોત ભાજપને હરાવવાનું તો ભાજપની 40 બેઠકો ઓછી થઈ હોત. સત્તા ભાજપને જ મળી હોત, પણ ભાજપની 263 બેઠકો હોત અને એનડીએની 313 બેઠકો હોત તો ચિત્ર કેવું ઉપસ્યું હોત.

કદાચ આટલી ઝીણી નજરે પરિણામોને નીતિશકુમારે જોયા છે. નીતિશકુમારના સલાહકાર પ્રશાંત કિશોરે કદાચ આદિયો કાચ લઈને પરિણામોને જોયા છે અને આગામી પાંચ કે દસ વર્ષનો અંદાજ મૂક્યો છે. તે વખતની સ્થિતિમાં ફાયદો લેવા માટેના સોગઠા અત્યારથી ગોઠવવાના શરૂ થયા છે. તેના ભાગરૂપે જ ફરી એકવાર ભાજપનો સૂર્ય મધ્યાહ્ને છે ત્યારે જ તેને છોડીને ફરીથી જૂના ગઠબંધન તરફ જવાની વાત નીતિશ કુમારે વિચારી હોય તેમ લાગે છે.

ગરજ આરજેડીની આગેવાનીમાં રહેલા ગઠબંધનને પણ છે. તેમાંથી માત્ર કોંગ્રેસને જ એક બેઠક મળી. આરજેડી કે નાના નાના સાથી પક્ષોને એક પણ બેઠકો મળી નથી. ભાજપે 22માંથી પાંચ બેઠકો છોડી દીધી હતી, પણ 17 બેઠકો મેળવી લીધી, જ્યારે માત્ર બે બેઠકોની જગ્યાએ જેડીયુને 16 બેઠકો મળી ગઈ છે. સૌથી વધુ કોઈ ફાવ્યું તો જેડીયુ અને નીતિશકુમાર. પરંતુ નીતિશકુમાર જાણે છે કે ભાજપ પણ પોતાના કારણે ફાવ્યું છે. વિધાનસભામાં સ્થિતિ આવી નથી રહેવાની અને નરેન્દ્ર મોદીના નામે મતો માગવાના નથી. તેથી વિધાનસભામાં પોતાનું જોર બતાવવા માટે તેમણે અત્યારથી જ ભાજપને પડકારવાનું શરૂ કરી દીધું છે.

કેન્દ્ર સરકારમાં નીતિશ કુમાર જોડાયા નથી. બીજા જ અઠવાડિયે તેમણે રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું અને 8 પ્રધાનો ઉમેર્યા. તેમાં સાથી પક્ષના એક પણ નહોતા. તમે અમને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપ્યું નથી, તેથી અમે પણ તમને નહિ આપીએ તેવું સ્પષ્ટ ભાજપને કહ્યું છે. સાથે જ તેમણે બિહારનું જ્ઞાતિ ગણિત પણ આગળ કર્યું છે. તેમણે અને જેડીયુના નેતાઓએ વારંવાર એવા નિવેદનો કર્યો કે ભાજપે બિહારમાંથી પાંચને પ્રધાનો બનાવ્યા, તેમાંથી ચાર તો બિનઅનામત વર્ગના છે. ભાજપે પછાત વર્ગની ઉપેક્ષા કરી છે તે સ્પષ્ટ મેસેજ નીતિશકુમારે આપ્યો છે અને તેનો ફાયદો જ વિધાનસભાની ચૂંટણીમાં લેવાની ગણતરી છે.

એક શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે નીતિશકુમાર કોંગ્રેસને વધારે મહત્ત્વ આપીને તેની સાથે જોડાણ કરી શકે છે. બિહારમાં મુસ્લિમ મતો માત્ર આરજેડી પાસે રહ્યા નથી. મુસ્લિમ મતો વહેંચાયા છે. ઘણા કોંગ્રેસમાં ગયા છે અને ઘણા નીતિશકુમાર સાથે ગયા છે. નીતિશકુમારે ભાજપ સાથે જોડાયા પછી પણ મુસ્લિમ મતો ના ગુમાવવાની કાળજી લીધી હતી. પેલી વિડિયો ક્લિપ સૌએ જોઈ હતી, જેમાં ભાજપ અને પાસવાનના પક્ષના નેતાઓ વંદે માતરમ અને ભારત માતા કી જય જોરશોરથી બોલી રહ્યા છે, પણ નીતિશકુમાર ખુરસીમાં ચૂપચાપ બેઠા રહ્યા છે. નીતિશકુમારના સલાહકાર પ્રશાંત કિશોરે આ ક્લિપને વાઇરલ કરી હશે તેમાં શંકા નથી.

નીતિશકુમારની ગણતરી કોંગ્રેસ સાથે વધારે સારા સંબંધો સ્થાપીને મુસ્લિમ મતો એ ગઠબંધન તરફ વાળવાની છે. મુસ્લિમ મતો વાયા આરજેડી આવે, તેના બદલે સીધા આવે. સાથે જ યાદવોને સાથે રાખવા માટે આરજેડીને પણ સાથે રાખશે. અન્ય પછાત વર્ગો માટે નાના નાના પક્ષો છે, તેને પણ સાથે રાખવાના છે. નીતિશકુમારે જ માંઝીને થોડો વખત માટે મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. તેમની ઇફ્તાર પાર્ટીમાં પણ તેઓ જઈ આવ્યા છે. (ભાજપની ઇફ્તાર પાર્ટીમાં ગયા નહોતા.)

સરવાળે એવું ગણિત છે કે ભાજપ હવે મધ્યાહ્ને છે. 2014 નહિ, પણ 2019 એર સ્ટ્રાઇકને કારણે ભાજપ માટે નવું શીખર બનાવી શક્યું છે. સાચા અર્થમાં 2014થી 2019માં એવા કોઈ કામ થયા નથી. ગેસના આઠ કરોડ બાટલા આપવા કે અમુક કરોડ શૌચાલય બનાવવા તે અસલી કામ નથી. તેના માટે એકવાર વોટ મળે, વારંવાર નહિ. અગાઉના આઠ કરોડ ગેસના બાટલા કોંગ્રેસે જ આપ્યા હતા. અગાઉ ઇન્દિરા આવાસ યોજના હેઠળ કોંગ્રેસે જ ગરીબોને મકાન આપ્યા હતા. પણ બીજી વાર કોંગ્રેસને તેના મત મળ્યા નથી. બીજી વાર એરસ્ટ્રાઇક થઈ શકે છે, પણ તેના મતો મળે કે ના પણ મળે.

 

અર્થતંત્રની હાલત ખરાબ છે. સરકારે આંકડાં છુપાવીને રાખ્યા હતા. સૌથી વધુ બેકારી 2017થી આવી છે. નોટબંધીએ અર્થતંત્રની કમર તોડી નાખી હતી તે આંકડાં પણ છુપાવાની કોશિશ થઈ હતી. જીડીપીના આંકડામાં ગરબડો થઈ છે, તે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. બેન્કોના આઠ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. મુદ્રા લોનમાં એક લાખ કરોડ ગયા છે તેમાંથી કેટલા પાછા આવશે તે સવાલ છે. નિકાસ વધી રહી નથી. જેટ એરવેઝ બંધ થઈ તેથી બાકીની એરલાઇન્સ બચી છે, પણ એર ઇન્ડિયાનું વેચાણ થઈ શક્યું નથી. બીએસએનએલ ખતમ થશે ત્યાર પછી ટેલિકોમ ક્ષેત્રનું શું થશે તેની પણ ચિંતા રહેવાની છે.

આવી કઠણાઇઓ વચ્ચે 2022 અને 2024 માટે નીતિશકુમાર પોતાની તૈયાર કરી રહ્યા છે. ભાજપ સાથે બીજી વાર જોડાયા ત્યાર પછી તેમનું કદ તદ્દન નાનું થઈ ગયું છે. આવી જ સ્થિતિ રહી તો વિધાનસભામાં પણ ભાજપ મુખ્ય પક્ષ બને અને પોતાને શિવસેનાની જેમ બીજા નંબરે જતા રહેવું પડે તેમ બની શકે છે. તેથી નીતિશકુમારે સમય જોઈને સોગઠી મારી છે. બિહારમાં ફરી એકવાર પોતાના જોર પર મુખ્ય પ્રધાન બનવાનું આવે તો જ નીતિશકુમારનું અસ્તિત્ત્વ આગળ ટકી શકે તેમ છે. માયાવતીએ અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે એસપી સાથે સમાધાન કરી લીધું, તેમ નીતિશકુમાર તેજસ્વી યાદવ સાથે અને કોંગ્રેસ સાથે સમાધાન કરી લેશે તેમ અત્યારે લાગે છે.