કૃષ્ણ વિશેની RTI: જવાબ ખબર હોય તો આ સરનામે મોકલો, છત્તીસગઢ પ્રશાસન મૂંઝાયું છે!

બિલાસપુરઃ આરટીઆઈનો કાયદો આવ્યો જૂજ વર્ષો થયાં છે પરંતુ ભગવાન કૃષ્ણના સમયના લેખાગારને જાણ નહોતી કે ભવિષ્યમાં ભારતના કોઇ નાગરિક દ્વારા એવી માહિતી માગવામાં આવશે જેમાં સત્તાવાર જાણકારી પૂછવામાં આવી શકે છે. છત્તીસગઢના ગુમા નામના ગામમાંથી આવી આરટીઆઈ કરવામાં આવી છે.

આરટીઆઈની વિગત એવી છે કે છત્તીસગઢના જિલ્લા બિલાસપુરના ગુમા ગામની એક વ્યક્તિએ જાહેર સૂચના અધિનિયમ હેઠળ ભગવાન શ્રીકૃષ્ણનું જન્મ પ્રમાણપત્ર માગ્યું છે. ઉપરાંત કૃષ્ણ એ ભગવાન હોવાની અધિકૃતતા દર્શાવવા પણ કહ્યું છે.

આ આરટીઆઈથી આશ્ચર્યમૂઢ બનેલા જિલ્લા પ્રશાશનને હજુ એ નથી સમજાયું કે આરટીઆઈ અરજદારને શો પ્રત્યુત્તર પાઠવવો. તેથી હાલ આ અરજી પેન્ડિંગ પડી છે. અરજીકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલેએ મથુરા ઓફિસમાં 10 રુપિયાના પોસ્ટલ ઓર્ડર દ્વારા અરજી કરી હતી કે જણાવવામાં આવે કે 3 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની રજા જાહેર કરવામાં આવી હતી અને દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

અરજીકર્તાએ ભગવાન કૃષ્ણના જન્મના પ્રમાણપત્રની નકલ ઉપલબ્ધ કરાવવાનું જણાવ્યું છે.સાથે જનસૂચના અધિનિયમ હેઠળ કૃષ્ણના ભગવાન હોવા વિશે કોઇ પ્રમાણપત્ર હોય તો તે ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ભગવાન કૃષ્ણ કયા ગામના હતાં, તેમણે કઇ કઇ લીલાઓ કરી તેનો પણ જવાબ માગવામાં આવ્યો છે.