ઉનાળામાં કપડાંની પસંદગી કેવી કરશો?

નાળો આવી ગયો. અને ઉનાળા સાથે કેટકેટલીય તકલીફો પણ. પરસેવો, ગરમી અને તાપમાં ભલભલાની હાલત બગડી જાય છે. હવે વિચારો, જો તમે કોઇ ભારે ભરખમ ઘરેણાં અને હેવી ક્લોથ સાથે કોઇ ફંક્શનમાં હાજરી આપવા ગયા. એસી હોવા છતાં મેકઅપ રેલાવો, ગરમી લાગવી, કપડા પર પરસેવાના ડાઘ પડવા જેવી કેટલીય સમસ્યા થઇ જાય છે અને થાય કેમ નહીં જ્યારે તાપમાનનો પારો 40 -45 સુધી પહોંચી જતો હોય તો એ તો થવાનું જ ને. આ તો પાર્ટી કે ફંક્શનની વાત થઇ. પણ રોજબરોજના પહેરવેશમાં પણ આવી તકલીફો થતી જ હોય છે. તો શું કરવું કે જેથી ઉનાળામાં તમે ચીપકુ ચીપકુ અને ડીહાઇડ્રેટેડ લાગવાને સ્થાને ફુલગુલાબી અને કુલ બ્રીઝ જેવા લાગો. ખુબ સરળ છે. કપડાનાં મટિરીયલ, પેટર્ન, તેના કલર અને પ્રિન્ટની ચોક્કસ પસંદગીથી તમે ઉનાળામાં તાપમાં પણ લાગશો મોર્નિંગ સનશાઇન જેવા.સૌથી પહેલા કપડાનું મટિરીયલ. ઉનાળામાં પરસેવો બધાને થાય તો એવા સમયે તમારે એવુ મટિરીયલ પસંદ કરવું કે જે પરસેવો  શોષી લે, આવા મટિરીયલમાં તમે કોટન, લેનિન, ખાદી પસંદ કરી શકો. જે તમને યોગ્ય લાગે. અને એવુ નથી કે ખાદીના કૂર્તા જ હોય ખાદી અને કોટનમાં તમને ફેન્સી ટોપ તેમજ પુરુષો માટે શર્ટ પણ મળી જ રહે છે. એટલે એ ચિંતાનો વિષય બિલકુલ નથી. ઉનાળામાં યુવતીઓ પણ કોટનના કુર્તા વધુ પસંદ કરે છે કારણ કે કુર્તી અને લેગિંગ્સ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે.

મટિરિયલ બાદ રંગ પણ એક એવુ પરિબળ છે જે તમને ઉનાળાની ગરમીમાં કુલ ફીલ કરાવી શકે. આપણે બાળપણમાં પ્રાયમરી અને સેકંડરી કલર વિશે શીખ્યા હતા. પણ કલરનું બીજા ગુણધર્મના આધારે પણ વર્ગીકરણ થાય છે. અને એ છે ગરમ કે ઠંડા. દાખલા તરીકે લાલ કલર ગરમ છે તો સફેદ ઠંડો.  પીળો, આછો ગુલાબી, આછો પિસ્તા ગ્રીન આવા રંગ તમને ઉનાળામાં પણ કુલ ફીલ કરાવી શકે છે. એટલે તમે ઉનાળામાં સફેદ, લાઇટ યલો, ગુલાબી જેવા આછા કલરનો ઉપયોગ કરી શકો છો. મહિલાઓ માટે આવા આછા રંગના કોટનના કુર્તા મળવા આસાન છે. પણ જો પુરુષો હોય તો તેઓ ગુલાબી રંગ નહીં પસંદ કરે એ સ્વાભાવિક છે. પણ તેઓ કોટન મટિરીયલમાં બ્લ્યુ કલરના લાઇટ શેડ યુઝ કરી શકે. વ્હાઇટ તો ઓલ ટાઇમ ફેવરિટ છે. જો શોર્ટ કુર્તા સારા લાગતા હોય તો કોટનના શોર્ટ લેન્થ કુર્તા પણ યુવાનો માટે સારો ઓપ્શન બની શકે.

હવે તો ખાદીના શર્ટ પણ મળે છેે માર્કેટમાં. આ શર્ટમાં તમે લાઇનીંગ અથવા ચેક્સ પ્રિન્ટ લઇ શકો. લાઈટ કલર પેહરવાનું એક લોજીક એ પણ છે કે લાઈટ કલર મોટા ભાગના  સૂર્ય પ્રકાશના કિરણોને  વાતાવરણમાં રિફ્લેક્ટ કરી દે છે. અને તેનાથી વિપરીત ડાર્ક કલર સૂર્ય ના કિરણો ને એબ્સોર્બ કરી ને ગરમી ને ટ્રેપ કરી લે છે જેથી તમને ગરમી વધારે લાગે. તો સમજી ગયા હશો કે ગરમીમાં લાઈટ એટલે કે આછા રંગ પસંદ કરવા શા માટે યોગ્ય છે.  હવે આ ઉપરાંત એક એ પણ ધ્યાન રાખવું કે ગરમી ની સીઝનમાં કપડાં ઢીલા પસંદ કરવા.

સ્કિન ટાઈટ કપડાંથી હવાનું સર્ક્યુલેશન બરાબર નથી થતું. ઢીલા કપડાં હોય તો શરીરની ગરમી સ્કિન થ્રુ બહાર નીકળી શકે. અને હવા શરીર સુધી પહોંચી શકે. મહિલાઓ એ ગરમીમાં સ્લીવલેસ  કપડાં પહેરવાનું ટાળવું. ગરમીની સીઝનમાં સામાન્ય રીતે શોર્ટ એન્ડ સ્લીવલેસ કપડાં પહેરવાનું ચલણ હોય છે પણ એનાથી તમે સૂર્ય ના યુવી રેસ એટલે કે અલ્ટ્રા વાયોલેટ કિરણો થી બચી નહિ શકો. અને તકલીફ વધે.  આમ તો આ ખુબ નાની નાની વાતો છે. પણ આ ફેશન સેન્સ તમને ઉનાળાની ગરમીમાં કૂલ રહેવામાં ખુબ ઉપયોગી નીવડશે.