રક્ષાબંધન પર્વ ખાસ બનાવશે ડિઝાઇનર રાખડીઓ

ભાઈ- બહેનનાં સ્નેહને વાચા આપતું પર્વ રક્ષાબંધન સાવ નજીક છે ત્યારે બજાર અવનવી ડિઝાઇનર રાખડીઓથી છલકાઈ ઊઠ્યું છે. આમ તો રેશમની આ દોરીને બહેન સાદી નાડાછડી કે નાના ગોટા તરીકે  બાંધી દે તો પણ ભાઈ સ્વીકારવાનો જ છે, પરંતુ સ્નેહ છલકાવતી બહેન પણ હવે ભાઈને અવનવી ડિઝાઇનની રાખડી બાંધવાનું જ પસંદ કરે છે.બહેનો રાખડીઓની ડિઝાઇનમાં પણ વેરાઇટી માંગતી હોવાથી  બજારમાં જુદી જુદી ડિઝાઇનની રાખડીઓનું રીતસર પ્રદર્શન લાગેલું હોય તેવું લાગે છે. એક રાખડી જુઓને બીજી ભૂલો એટલી બધા રંગો, ડિઝાઇન્સ અને મિટિરિયલમાં બજારમાં રાખડી મળે છે.

દર વર્ષે રક્ષાબંધનના પર્વે બજારમાં નવી નવી રાખડીઓ આવતી હોય છે. ચાલો જોઈએ આ વખતે રક્ષાબંધનમાં કેવી રાખડીઓ છવાશે. આ વર્ષે મોતીકામની ડિઝાઇન રાખડીઓમાં વધુ જોવા મળી રહી છે. સાથે સાથે કોટન કે સૂતરનાં તાંતણાને બદલે હેવી રંગબેરંગી દોરાનો ઉપયોગ કરીને બનાવેલી રાખડીઓ પણ બજારમાં મળે છે.

રાખડીઓની ડિઝાઇનમાં એક ખાસિયત એ જોવા પણ મળશે કે દર વર્ષની જેમ ડાર્ક રંગને બદલે લાઇટ અન પેસ્ટલ કલરની રાખડીઓ પણ બજારમાં આવી છે જે બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે.રક્ષાબંધન માંગલિક અને શુભ તહેવાર હોવાથી રાખડીઓમાં સાથિયા, લક્ષ્મીજી તથા ગણપતિ કે ઓમ હોય તેવી ડિઝાઇનની રાખડી મળે છે. આ ઉપરાંત ચંદન, કકું અને અક્ષત લગાવેલા હોય તેવી રાખડીઓ પણ મળે છે. આ ઉપરાંત જરીકામ કે જરદોસીવાળી રાખડીઓની સાથે સાથે મોતી, ડાયમંડ અને જડતરવાળી ડિઝાઇનની રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે.

રક્ષાબંધનમાં રાખડીની સાથે સાથે તમે ઇચ્છતા હો કે સજાવટ કરેલી પૂજનની થાળી પણ જોઈએ છે તો એ  પણ મળી રહે છે તેમાં ગણપતિ, દીવી, સજાવેલું નાળિયેર અને કંકાવટી સેટ કરેલાં જ હોય છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ તથા લવિંગ, ઇલાયચી જેવા તેજાનાથી બનાવેલી સુગંધિત રાખડીઓની વેરાઇટી પણ જોવા મળશે. બધી જ રાખડીઓ ત્રણ ,પાંચ કે દસ રૂપિયાની કિંમતથી માંડીને 150 રૂપિયા સુધીની કિંમતની મળે છે. બાળકોનો ઝોક કાર્ટૂન પાત્રો તરફ હોવાથી બજારમાં વિવિધ કાર્ટૂનવાળી રાખડી ઠલવાઈ છે. તેમાં આ વખતે જો બાળકોને સૌથી વધુ ગમતી રાખડી હોય તો તે છે ‘છોટા ભીમ’.

સોફ્ટ ટોયઝ પ્રકારની નાની ઢીંગલી, ટેડીબેરની સાથે સાથે આ વખતે ‘બેન્ટેન’, ‘પોપાઈ’, ‘પાવર પફ ગર્લ્સ’, ‘બેટમેન’,’બોબ ધ બિલ્ડર’ ઉપરાંત એનિમેટેડ,’હનુમાન’,’ગણેશા’ ‘ક્રિશ્ના’ અને અન્ય ફની કેરેક્ટરની રાખડીઓ પણ વેચાઈ રહી છે. તો મોદી રાખડી પણ  બાળકોમાં ફેવરિટ બની રહેશે.
કાર્ટૂન કેરેક્ટર તથા સોફ્ટ ટોયઝ પ્રકારની રાખડીની કિંમત પાંચ રૂપિયાથી માંડીને પાંસઠ રૂપિયા સુધીની જોવા મળે છે. જેમાં સાદી સાર્ટીનની લેસ પર બાળકોને ગમતાં કાર્ટૂન લગાવેલાં હોય છે. કાર્ટૂન કેરેક્ટરની સાથે સાથે રાખડીની અંદર લાઇટ થતી હોય તેવી રાખડીઓ પણ નાનાભાઈઓને  ખૂબ પસંદ પડતી હોવાથી બહેનો હોંશે હોંશે તે ખરીદી રહી છે.ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી લુમ્બા રાખડીઓ પણ જોવા મળી રહી છે. આમ તો લુમ્બા રાખડી રાજસ્થાનમાં ભાભીને બાંધવામાં આવે છે. ભાઈને જેવી રાખડી બાંધો તેવી જ ડિઝાઇનનું લટકણ એટલે લુમ્બા રાખડી. જે જરી,ટીકી, મોતી, બિડ્સ, ડાયમંડ વગેરેથી એકદમ સરસ રીતે બનાવવામાં આવે છે. લુમ્બાની બનાવટ અને ફિનિશિંગ એકદમ આકર્ષક હોવાથી ગુજરાતી મહિલાઓ પણ તે ખરીદીને ભાભીને બાંધતાં હોવાથી આ વખતે  લુમ્બા રાખડીઓનું વેચાણ પણ વધ્યું છે તેના ભાવ 30 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીના હોય છે.