બાલ્કનીને બનાવો એક પોતીકો ખૂણો

તારે તો ભાઈ મજા છે હો, આવી સરસ બાલ્કની અને બારીમાં બેસવાની મજા જ જુદી છે. એયને લહેરથી બામ્બુ ચેરમાં બેઠા બેઠા આરામથી ચા પીઓ કે ફિમીલી સાથે બેસો….આખા દિવસનો થાક ઉતરી જાય…

કેમ શ્રેયા આવું કહે છે તમારે પણ બાલ્કની છે જ ને?

હા પણ તમારા જેવી વિશાળ બાલ્કની ક્યાં છે? વળી, સામે જુઓ તો સ્લમ વિસ્તાર છે. આપણે ફ્રેશ થવું હોય તેના બદલે તે લોકોની સમસ્યા જોઈને મન દુખી થઈ જાય!

જો શ્રેયા શહેરમાં રહીએ છીએ એટલે આ સમસ્યા તો રહેવાની તું જો મારી બાલ્કનીની સામે એપાર્ટમેન્ટની નીચે બધું કેટલું ગીચ છે આ તો મેં સજાવટ એવી કરી છે કે અમને બધાન બાલ્કનીમાં જ બેસવું ગમે છે.

ક્રિનાએ નીચે તથા આજુબાજુ જોઈને કહ્યું કે, હા યાર તે તો કમાલ કરી દીધી છે. 

મેટ્રો સિટીમાં રહેતી સ્ત્રીઓને પણ શ્રેયા અને ક્રીના જેવી સમસ્યા સર્જાતી હોય છે. નાનાઘરમાં સજાવચ અને મોકળાશ તો જાણે ભૂલી જવી પડતી હોય છે. જોકે તમે થોડીક સર્જનાત્મકતા વાપરીને બાલ્કનીને સજાવીને એક પોતીકો અને આગવો ખૂણો વિકસાવી શકો છો.

બાલ્કનીને મોર્ડન ટચ આપવો

સામાન્ય રીતે બાલ્કની સામાનથી ભરેલી હોય છે તો પહેલા તો વધારાનો સામાન અથવા તો નકામી વસ્તુઓ ત્યાંથી હટાવીને બાલ્કની ચોખ્ખી કરી નાખવી.

ઘણી વાર એપાર્ટમેન્ટ કે હાઇરાઇઝ બિલ્ડિંગમાં નીચેની શોપમાંથી આવતો અવાજ કે રેસ્ટારાંના ધૂમાડાનો સામનો કરવો પડતો હોય છે. આમ ન થાય તે માટે બાલ્કનીમાં જગ્યા હોય તે પ્રમાણે ફૂલછોડના કૂંડા મૂકવા  સાથે સાથે તમે ટેરાકોટા કે ક્રિસ્ટલ અથવા તો કોઈ પણ વિન્ડચાર્મ લટકાવી  શકો.

મોટી બાલ્કની  હોય તો રંગીન ફૂલોની વેલ વડે તમે પડદા જેવું કરી શકે છો. જેના કારણે આંખ સામે તથા ઘરમાં ઠંડક રહેશે. ત્યાં નાની ચેર કે વાંસના મૂડા જેવું મૂકીને વ્યવસ્થિત લાઇટ અરેન્જમેન્ટ કરીને બાલ્કનીને  તમારા ઘરનું ફેવરિટ પ્લેસ બનાવી શકો છો.

સિટીઝમાં થ્રી બીએચકે અનેફોર બીએચકેમાં સજાવટ અને સુશોભનની દુનિયા સમેટાઈ જતી હોય છે. તેમ છતાં એપાર્ટમેન્ટ્સ અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં બાલ્કની એ એવો ખૂણો હોય છે. જે દરેક વ્યક્તિને પોતાનો લાગતો હોય છે.

સિંગલ સીટ હિંચકો અને ફૂલછોડના કૂંડા મૂકીને મોટા ભાગના લોકો બાલ્કની સજાવતા હોય છે. નાના ઘરમાં તમે બાલ્કનીને સજાવીને ત્યાં બેસીને એકદમ મોકળાશનો અનુભવ કરી શકો છે. વાસ્તવમાં તો એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે બાલ્કની રાહતનો શ્વાસ લઈ શકાય તેવી જગ્યા છે.

ઉપરાંત તમે બાલ્કનીને ફૂલછોડી સાથે વિશિષ્ટ રીતે સજાવીને વરસાદના સમયમાં વરસાદી માહોલનો આનંદ માણી શકો છો. તો ચાલો જાણી લો કે તમે તમારી બાલ્કનીને કેવા વિશિષ્ટ રૂપરગંમાં ઢાળી શકો છો.

ઇકો ફ્ન્ડલી સજાવટ

ચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું. આવા સંજોગોમાં તમે બ્લાકનીને પડદા, ખુરશીઓ , બામ્બુ ચેર વડે સજાવીને આગવો ટચ આપી શકો છો.

ગમે તેવી નાની બાલ્કની હશે ત્યાં તમે એક કૂંડામાં વાંસનોછોડ ઉગાડીને પાસે એક સિમ્પલ બામ્બુ ચેર મૂકી હશે તો પણ બાલ્કનીનો ગેટ અપ વધી જશે.

બાલ્કનીમાં ગાર્ડન બનાવવો

બાલ્કની ગાર્ડન બનાવવો એકદમ સરળ છે આ ગાર્ડનમાં તમે ફૂલછોડથી માંડીને હર્બલ પ્લાન્ટ વાવી શકો છો એ ઉપરાતં કીચન ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.  હવે તો તૈયાર આર્ટિફીશ્યલ નેટ પણ તૈયાર મળે છે તેણે પણ તમે સરફેશ પર પાથરીને ગ્રીન લુક મેળવી શકો છો.

હર્બલ ગાર્ડન બનાવવો હોય તો બાલ્કનીની જગ્યા પ્રમાણે તુલસી,ફુદીનો, લેમન ગ્રાસ, આદુ, હળદર, અજમો, અરડૂસી વગેરે છોડ લઈ તે પ્રમાણેના કુંડા તૈયાર કરીને વાવી શકો છો.

જો તમને કીચન ગાર્ડન બનાવવાનો શોખ હોય તો કાકડી, તૂરિયા,  ગલકા, પાપડી, દૂધી જેવા વેલા ટામેટા, મરચાં, તુવેર જેવા છોડ ઉગાડી શકો છો. આ એવા છોડ છે જે વરસાદી પાણીમાં સરસ રીતે ઉગશે અને નજીકની સિઝનમાં તેમાં ધીરે ધીરે ફળ બેસવા લાગશે.

પડદાનું ડેકોરેશન

ઘણી સ્ત્રીઓને ફૂલછોડને બદલે પડદા વધારે આકર્ષતા હોય છે. તમને આવો શોખ હોય તો ફ્લોરલ ડિઝાઇનના પડદા વડે પણ બાલ્કનીને સજાવી શકો છો.