ચીનમાં સરમુખ્યતારીનું પગરણ, ભારતે ચેતવાનું છે…

ચીનના પ્રમુખ તરીકે શી જિનપિંગની બીજી મુદત 2013માં પૂરી થવાની છે. પણ તેમણે ફરીથી ચૂંટાવાની તૈયારીઓ અત્યારથી કરી લીધી છે. ફરીથી ચૂંટાવાની નહીં, આજીવન પ્રમુખ બની રહેવાની તૈયારી થઈ ગઈ છે. એક દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. ચીનમાં એક જ પાર્ટીનું રાજ છે. કમ્પ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (સીસીપી)નું વાર્ષિક અધિવેશન મળશે તેમાં એક ઠરાવ પસાર કરી દેવાશે કે પ્રમુખને ફક્ત બે મુદત જ મળે છે તે મર્યાદા દૂર કરવી.આ ફેરફાર સ્વાભાવિક છે કે માત્ર શી જિનપિંગ માટે કરવામાં આવી રહ્યો છે. શી જિનપિંગ પહેલાં ત્રણ પ્રમુખો આવી ગયા તેઓ દસ દસ વર્ષ જ પ્રમુખ રહ્યાં હતાં. છેલ્લા મજબૂત નેતા ડેન્ગ શીયાઓપિંગ હતા. તેમણે જ આ સુધારો 1980માં દાખલ કર્યો હતો કે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે એક વ્યક્તિ વધુમાં વધુ બે મુદત સુધી રહી શકે. અમેરિકામાં આ પ્રથા અસરકારક રીતે ચાલી રહી છે. પ્રમુખ ચૂંટાયા પછી ફરીથી ચૂંટણી જીતવા વિચારતો નથી, પણ પોતાના શાસનને કેવી રીતે યાદ કરાશે તેની જ ચિંતા કરતો હોય છે.

ચીનના સર્વેસર્વા બની ગયેલા માઓ ઝેડોન્ગ આજીવન પ્રમુખ રહ્યાં હતાં. તેમના શાસનની ક્રૂરતાને આજેય ચીનાઓ ભૂલ્યાં નથી. તેથી જ શીયાઓપિંગે આ સુધારો દાખલ કરતી વખતે કહ્યું હતું કે સત્તાનું કેન્દ્રીકરણ યોગ્ય નથી. તેનાથી સમાજવાદી લોકતંત્ર ચલાવવામાં, પક્ષના કેન્દ્રમાં લોકતાંત્રિક પ્રણાલી રાખવામાં, સામાજિક પુનઃરચનામાં અને સામૂહિક ડહાપણનો પૂર્ણ લાભ લેવામાં બાધા આવે છે.

ડેન્ગ બાદ આવેલા બે પ્રમુખો જિયાંગ ઝેમિન અને હૂ જિન્તાઓ દસ દસ વર્ષ પ્રમુખ રહ્યાં હતાં. તે પછી શી જિનપિંગ પ્રમુખ બન્યાં. પણ તેઓ હવે દસ વર્ષથી વધારે શાસન કરવા માગે છે, કેમ કે તેમનું સપનું છે કે ચીનને ફરીથી પ્રાચીન સમયમાં હતું તેવું મહાન બનાવવું. ચીનને મહાસત્તા બનાવવાની મહત્ત્વાકાંક્ષા હવે અજાણી રહી નથી. ચીનના ચિંતન પર બૌદ્ધ અસર થઈ હતી, પણ તે પહેલાં તેનાથીય પ્રાચીન ચીનનું મૂળ ચિંતન એટલું જ પ્રબળ હતું. ચીનના એ મૂળ ચિંતન અને વિચાર અને કલ્પના પ્રમાણે ચીન જ સૃષ્ટિનું કેન્દ્ર છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે બેસી રહેવાનું નથી અને સંપત્તિ અને સુખનું સર્જન જાતે કરવાનું છે અને ત્યાં ઉપર નહીં, અહીં નીચે જ સ્વર્ગનું સર્જન કરવાની જવાબદારી ચીનની છે.

ચીન જે ઝડપથી ભૌતિક સંપદા ઊભું કરવામાં લાગ્યો છે તેની પાછળ આ પ્રાચીન વિચારસરણી છે. ભારતનું ચિંતન સાદાઇ તરફ કેન્દ્રીત થયું હતું. લઘુત્તમથી ચલાવી લેવાનું. આશ્રમ વિશાળ હોય, પણ તેમાં એક ઝૂંપડી બનાવો એટલે હાઉં. ચીન મહેલ ખડો કરવામાં માને છે.

શી જિનપિંગ એવું કરી શકશે એવું તેના ટેકેદારો માને છે. માનવું પડે તેમ છે, કેમ કે માઓ પછી ડેન્ગના શાસનથી સ્થિરતા આવી. તે પછીના બે પ્રમુખોએ તેને આગળ વધારી અને મહેલનો પાયો નાખવાની શરૂઆત કરી. જિનપિંગે તેના પર ઇમારત ખડી કરી દીધી છે. બહુ ઝડપી આર્થિક પ્રગતિ જિનપિંગ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી, પણ તેમાં એફિશિયન્સી દાખલ કરીને તેની ગતિને એકદમ તેજ કરી દેવાઈ છે. જિનપિંગે સત્તા સંભાળી ત્યારે તેમણે પોતાની પ્રાયોરિટી ભ્રષ્ટાચારની નાબૂદી રાખી હતી. ચીન ઓલરેડી પ્રગતિ કરવા લાગ્યું હતું. સામ્યવાદના બંધનો તોડીને મૂડીવાદને દાખલ કરી દેવાયો હતો, પણ સાથોસાથ અનહદ ભ્રષ્ટાચાર પેસી ગયો હતો. ચીની વસ્તુઓ જેટલી બદનામ હતી, તેટલો જ ચીનનો ભ્રષ્ટાચાર પણ મશહૂર થયો હતો. હતો નહીં છે એમ કહેવું પડે, કેમ કે ચીનમાં ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો તેવું માનવા કોઈ તૈયાર નથી. પણ ભ્રષ્ટાચારને કારણે પ્રગતિની ગતિ ધીમી પડી રહી હતી તે ગતિ જિનપિંગે તેજ કરી દીધી છે.

જિનપિંગે ઝડપથી ચીનને મજબૂત કર્યું છે. આર્થિક અને લશ્કરી બંને રીતે. ડિપ્લોમસીમાં ચીને જાદૂ કર્યો છે. આફ્રિકામાં સૌથી વધુ અસર ચીનની છે. હમણાં એવા ખબર છે કે બલૂચો સાથે ચીનના અધિકારીઓએ ગોઠવણ કરી લીધી છે. તેના કારણે પાકિસ્તાનમાં તેણે તૈયાર કરેલા બંદરથી તીબેટ સુધીનો હાઇવે સરળતાથી બાંધી શકાય. ચીનની આ ફ્લેક્સિબિલીટી તેને પરિણામો આપી રહી છે. સામ્યવાદને વચ્ચે ક્યાંય લાવ્યા વિના માત્ર લક્ષ્યસિદ્ધિ જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. જોકે આ સામ્યવાદ જિનપિંગને ઉપયોગી પણ છે. આ સામ્યવાદને કારણે જ તેઓ ધારે તે રીતે કામ કરી શકે છે. ભ્રષ્ટાચાર સામે તેણે અભિયાન ચલાવ્યું પણ હતું. તેમાં પેધા પડી ગયેલા અનેક લોકોને તેણે હટાવ્યાં. પક્ષમાં અને સરકારી તંત્રમાં બંનેમાં સાફસફાઇ કરી હતી. તેનો બેવડો ફાયદો થયો છે. તંત્રમાં સફાઈને કારણે ચીનમાં કામ કરવું સહેલું બન્યું છે. વિદેશી કંપનીઓ પોતાના ઉત્પાદન કેન્દ્રો ત્યાં ખસેડી રહી છે બીજી બાજુ આ સફાઈમાં જિનપિંગે પોતાના હરીફોને પણ સાફ કરી નાખ્યાં હતાં. સાફસફાઇમાં એ પણ ખ્યાલ રખાયો હતો કે નવેસરથી સજાવટ થાય ત્યારે પોતાને અનુકૂળ ગોઠવણ જ કરવામાં આવે.

તેથી અત્યારના ચીનમાં સત્તાનું સુશોભન જિનપિંગને રૂડાં દેખાડે તેવું ગોઠવાઈ ગયું છે. સામ્યવાદી પાર્ટીમાં તેમનું સંપૂર્ણ વર્ચસ છે. પક્ષના અધ્યક્ષ તરીકે તેઓ ચીનની શક્તિશાળી સેનાના પણ વડા છે. સેનામાં પણ જિનપિંગનો જ રૂક્કો ચાલે છે. પ્રમુખ તરીકે કોઈને નિમવામાં આવે ત્યારે પણ સામ્યવાદી પક્ષના વડા જ સર્વસત્તાધીશ હોય છે. પરંતુ જિનપિંગ બંને હોદ્દા પોતાની પાસે રાખવા માગે છે.જોકે એક શક્યતા એવી પણ છે કે જિનપિંગને પક્ષના ચેરમેન તરીકે આજીવન રાખવામાં આવે અને પ્રમુખપદે તેમની કોઈ કઠપૂતળી આગળ જતાં બેસાડાય પણ ખરી. પરંતુ એમ ના થાય અને જિનપિંગ પોતે જ પ્રમુખપદે પણ બેસી રહેવા માગતો હોય તો માટે આ જરૂરી બંધારણીય વિધિ કરવે પડે. તેની તૈયારીઓ પણ કરી લેવાય છે.

ભારતે તેના કારણે સંભાળવું પડશે. ભારતે હવે વિચારી લેવાનું છે કે પોતાની સામે આકરા થયેલા જિનપિંગનો સામનો જ ભવિષ્યમાં કરવાનો છે. દુનિયામાં મહાસત્તા બનવું હોય તો ભારતને કાબૂમાં રાખવું પડે. ભારતનું નીચાજોણું કરાવે તો જ જિનપિંગ અને ચીન સર્વસત્તાધીશ બની શકે. બીજી બાજુ એશિયામાં ભારત જ એક એવો દેશ છે, જે ચીનનો સામનો કરી શકે તેમ છે. ઉત્તર દિશામાં રહેલું રશિયા ક્રમશઃ નબળું પડી રહ્યું છે. તે જૂની મહાસત્તા છે, તે ખખડી રહી છે. રશિયામાં પણ વ્લાદિમીર પુટીનની સરમુખ્યતારી જ ચાલે છે. તેમણે પણ બંધારણ પ્રમાણે સળંગ પ્રમુખપદે ન રહી શકાય તે માટેના રસ્તાઓ કાઢ્યાં છે. થોડા વર્ષો વડાપ્રધાન અને થોડા વર્ષો પ્રમુખ એવી રીતે હોદ્દાઓ બદલતા રહ્યાં છે. પણ પુટીન પછી રશિયા વધારે નબળું પડવાનું છે ત્યારે ભારત એકમાત્ર ચીન સામે ઊભું હશે.

તેમાં ભારતને ફાયદો અને ગેરફાયદો બંને છે. દુનિયાની લડાઇ લડવામાં ભારત વચ્ચે ભીંસાઈ ના જાય તેની વિશેષ કાળજી રાખવી પડશે. ચીન સામે લડવા માટે ભારતે આર્થિક અને લશ્કરી રીતે બહુ મજબૂત બનવું પડે તેમ છે. ચીનનો ભય વધે તેમ આ બાબતમાં દુનિયા ભારતને મદદ કરવા તૈયાર થઈ શકે છે. તે મદદનો ભારતે પોતાના હિતમાં મહત્તમ ઉપયોગ કરવો રહ્યો.