શ્રીલંકામાં શું ચાલી રહ્યું છે – ભારતને ફાયદો કે નુકસાન?

ચીન ભારતને ચારે બાજુથી ઘેરી રહ્યું છે અને ભારતના પડોશી દેશોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. નેપાળ અને પાકિસ્તાન પછી ચીને શ્રીલંકાને સાથી લીધું હતું. શ્રીલંકામાં ચીને મોટા પાયે રોકાણ કરીને કબજો જમાવી દીધો હોય તેવી સ્થિતિ હતી. એક આખું બંદર ચીનને આપી દેવાયું હતું. ચીન માત્ર બંદર વિકસાવે એવું નહિ, તેનું સંચાલન પણ ચીનાઓ જ કરે, તેવી ખતરનાક સ્થિતિ લંકામાં ઊભી થઈ હતી અને ભારત મોત્ર જોતું રહી ગયું. રાજપક્ષે વડાપ્રધાન બન્યા હતા, તેમણે ભારતનું નાક દબાવવા ચીનનો સાથ લીધો હતો.

રાણિલ વિક્રમાસિંઘે

એ જ રાજપક્ષે ફરી વડાપ્રધાન બન્યા છે, પણ આ વખતે ચૂંટાઈને નહિ, પણ ગોલમાલને કારણે ફરી સત્તા પર આવ્યા છે અને તેના કારણે શ્રીલંકામાં કટોકટી ઊભી થઈ છે. પ્રમુખે રાણિલ વિક્રમાસિંઘેને હટાવીને રાજપક્ષેને વડાપ્રધાન તરીકે મૂક્યા, પણ વિક્રમાસિંઘે હોદ્દો છોડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમણે વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન પણ ખાલી કર્યું નથી અને તેની ચારે બાજુ તેમના હજારો સમર્થકો ગોઠવાઈ ગયા છે, જેથી લશ્કરી કાર્યવાહી કરીને તેમને ત્યાંથી હટાવાય નહિ.

મૈત્રીપાલા સિરિસે

શ્રીલંકામાં આવી સ્થિતિ કેમ સર્જાઇ તે સવાલ થાય તેવો છે. ભારત શું કરી રહ્યું છે અને ભારત પોતાના હિતોની રક્ષા કેવી રીતે કરશે તે પણ વિચારવા જેવું છે. 2015માં શ્રીલંકાના પ્રમુખ તરીકે મૈત્રીપાલા સિરિસેના  જીત્યા ત્યારે તેમના હરિફ હતા મહિન્દા રાજપક્ષે. તેમણે રાજપક્ષેને હરાવ્યા. તે વખતે એવું મનાતું હતું કે રાજપક્ષે સામે મતદારોએ નારાજી વ્યક્ત કરી છે. તેમણે દસ વર્ષના શાસનમાં બહુ ક્રૂર રીતે તામિલ બળવાખોરોને ખતમ કર્યા હતા. પરંતુ સાથોસાથ ચીન સાથેની તેમની સાંઠગાંઠને કારણે પણ નારાજી હતી. ચીન પાસેથી લીધેલી જંગી લોનોનું દેવું હવે શ્રીલંકા માથે છે અને તેના કારણે ચીનના ઓશિયાળા થઈને લંકાએ રહેવું પડે તેમ છે. તેથી મતદારોએ રાજપક્ષેને હરાવ્યા અને સિરિસેનાને જીતાડ્યા, પણ હવે તેમણે જ રાજપક્ષેને વડાપ્રધાન તરીકે બેસાડી દીધા.

રાજપક્ષે પ્રમુખપદની ચૂંટણીમાં સિરિસેના સામે હારી ગયા ત્યારે તેમના જૂથે આક્ષેપો કર્યા હતા કે ભારતે ચૂંટણીમાં દખલ કરીને તેમને હરાવ્યા હતા. સ્વાભાવિક છે કે ભારતે આ આક્ષેપો નકારી કાઢ્યા હતા. પરંતુ હવે આક્ષેપો સાચા હોય કે ખોટા, સ્થિતિ એ છે કે ચીન તરફી મનાતા અને જેઓ સત્તામાંથી જાય તેવા રાજપક્ષે જ ફરી સત્તામાં આવ્યા છે ત્યારે ભારતે શ્રીલંકાના બનાવો પર ઝીણી નજર રાખવી પડશે. વિક્રમાસિંઘે, સિરિસેના અને રાજપક્ષે ત્રણે વચ્ચે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓની લડાઈ છે તે વાત સાચી, પણ તેમની લડાઈમાં ભારત અને ચીનનો મામલો વચ્ચે આવી ગયો છે. શ્રીલંકાએ કોની સાથે સારા સંબંધો રાખવા જોઈએ – ભારત સાથે કે ચીન સાથે?

રાજપક્ષે

થોડા મહિના પહેલાં માલદીવમાં પણ બળવા જેવી સ્થિતિ હતી અને ત્યાં પણ ચીનની દખલગીરી દેખાઈ હતી. ભારતના હિતો ત્યાં જોખમાઇ તેવું લાગતું હતું. જોકે સત્તા પરિવર્તન પછી કેટલાક વર્તુળો ભારતનો આભાર માની રહ્યા છે કે માલદિવમાં સ્થિતિને કાબૂમાં રાખવામાં ભારતે અગત્યની ભૂમિકા ભજવી હતી. પણ હવે લંકામાં એવી ભૂમિકા ભજવી શકાશે કે કેમ તે સવાલ છે. શ્રીલંકા વધારે મોટો દેશ છે અને ભૂતકાળમાં ભારતે શાંતિ રક્ષક દળો મોકલીને મોટું નુકસાન વેઠ્યું હતું.

રાજીવ ગાંધીના વખતમાં શ્રીલંકામાં આંતરિક લડાઈ ઉગ્ર બની હતા ત્યારે ભારતીય સેનાની ટુકડીઓ મોકલવામાં આવી હતી. આગળ જતા સ્થિતિ એવી આવી કે ભારતીય સેનાના હાથે જ તામિલ બળવાખોરો ખતમ થવા લાગ્યા. સામે ભારતની સેનાને પણ ભારે નુકસાન થયું હતું. શ્રીલંકાના નેતાઓ ભારતનો ઉપયોગ કરી ગયા તેવી છાપ પણ પડી હતી. અત્યારે શ્રીલંકામાં ફરી કટોકટી જેવી સ્થિતિ છે. એક દેશમાં બે વડાપ્રધાન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નવા વડાપ્રધાન તરીકે પોતે કામકાજ શરૂ કરી દીધું છે તેવું રાજપક્ષે કહે છે, પણ વિક્રમાસિંઘે કહે છે હજી પોતે જ વડાપ્રધાન છે. રાજધાની કોલંબોમાં તેમના નિવાસસ્થાનની ફરતે વિશાળ જનમેદની ગોઠવાઈ ગઈ છે.

આ મુદ્દે સમગ દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો હોય તેમ લાગે છે. લોકો માટે એ સમજવું મુશ્કેલ છે કે એક સમયે સામસામે લડેલા રાજપક્ષે અને સિરિસેના એક કેવી રીતે થઈ ગયા. બીજું રાજપક્ષેના જૂથ તરફથી ફરી સત્તામાં પોતે આવે ત્યારે ભારત તરફથી અડચણ ના આવે તે માટેના પ્રયાસો અગાઉથી જ શરૂ કરી દેવાયા હતા. તેના કારણે જાણકારો કહી રહ્યા છે કે ભૂતકાળમાં થયું હતું તેમ ભારતનો ફરી ઉપયોગ ના થઈ જાય. ભારતીય શાંતિ રક્ષક દળોને બોલાવીને શ્રીલંકાના શાસકોએ ભારતીયોને તામિલો સામે મૂકી દીધા હતા. આ વખતે ખેલ શું છે તે દિવસો જશે તેમ સ્પષ્ટ થશે. ચીન તરફી મનાતા રાજપક્ષે હવે ભારતની સાથે રહેવાની વાતો કરવા લાગે તેની પણ નવાઈ લાગે છે.

બંધારણીય રીતે પણ શ્રીલંકામાં કટોકટી છે. કેમ કે સંસદનું ગૃહ જ્યારે પણ મળે ત્યારે રાજપક્ષેએ બહુમતી સાબિત કરવી પડશે. વિક્રમાસિંઘે કહે છે કે પોતાની પાસે હજીય બહુમતી છે. બીજું 22 જેટલા સાંસદો તામિલ છે. તેમનો ટેકો હવે મહત્ત્વનો બન્યો છે. રાજપક્ષેના જૂથ તરફથી એવી લાલચ આપવાની શરૂ થઈ છે કે જેલમાં રહેલા તામિલ નેતાઓ અને કેદીઓને છોડી મૂકાશે. સત્તા માટે, બહુમતી મેળવવા માટે પલટી મારીને રાજપક્ષે હવે તામિલોને રાજી કરવાની કોશિશ કરી રહ્યા છે. રાજપક્ષેની આગેવાનીમાં જ બહુ ક્રૂર રીતે