રશિયાથી શસ્ત્રો, ઇરાનથી ક્રૂડઃ અમેરિકાને ભારતનો પડકાર

નાત બહાર મૂકવાથી શું થાય તે આપણા માટે અજાણ્યું નથી. નાત દૂર નથી થઈ, પણ નાતમાંથી બહાર મૂકવાવાળી વાત હવે પૂરી થઈ ગઈ છે. કોઈને નાત બહાર મૂકવાથી હવે કંઈ ફરક પડતો નથી. એ જ રીતે ભારતે પણ હવે દેખાડવાનો સમય આવી ગયો છે કે અમેરિકા તમને નાત બહાર મૂકે તેનાથી બહુ ફરક પડતો નથી. અમેરિકાનું નાત બહાર મૂકવું એટલે જાતભાતના બહાને જુદા જુદા દેશો પર પ્રતિબંધો મૂકવા. જગતનો જમાદાર વારંવાર જુદા જુદા દેશો સામે પ્રતિબંધો મૂક્યા કરે છે અને તે રીતે પોતાની લાકડી પછાડતો રહે છે. ભારતે ભૂતકાળમાં પણ અમેરિકાને સાનમાં સમજાવ્યું છે કે અમારી સાથે નાતજાતના ખેલ ન કરવા. આ વખતે વધારે અસરકારક રીતે અમેરિકાને ભાન કરાવ્યું છે કે ભારત સામે આર્થિક પ્રતિબંધો મૂકવા અર્થહિન છે.

વાત છે રશિયા સાથે થયેલી S-400 મિસાઇલોની ડિલની. અમેરિકાની ઈચ્છા નહોતા કે ભારત તગડી રકમ ચૂકવીને મિસાઇલ્સ સિસ્ટમ ખરીદે અને રશિયાને ફાયદો કરાવે. રશિયા સામેનું શીતયુદ્ધ પૂરું થયું છે, પણ રશિયા સામેની દુશ્મની અમેરિકા ભૂલ્યું નથી. હકીકતમાં તમારે એકતા અને રાષ્ટ્રવાદ ખાતર કોઈ એકને દુશ્મન બનાવીને રાખવો પડે છે. દુશ્મન વિના આપણને ચાલતું નથી તે વાત હકીકત છે. ભારતમાં પણ અત્યાર આ જ ચાલી રહ્યું છે. અમુક જૂથને દુશ્મન ગણાવીને તેની સામે એકતા અને રાષ્ટ્રવાદના મુદ્દાને દૃઢ કરવો. તેથી જ અમેરિકા નાહકનું રશિયાને દુશ્મન ગણીને છાતી કૂટ્યા કરે છે.

નાત બહાર મૂકવાની વાત બહુ અન્યાયી હતી, પણ તેને કાયદેસર અને નૈતિક ધોતી ઝભ્ભો પહેરાવવામાં આવતા હતા. નાતના વગદાર માણસોને અમુકતમુક સામે વાંધો પડે ત્યારે પંચ બોલાવીને, ચર્ચાનો દેખાડો કરીને નબળા માણસને નાત બહાર મૂકાતા હતો. અમેરિકાએ પણ આ ખુલ્લી દાદાગીરીને કાયદાનો સૂટ પહેરાવ્યો છે. અમેરિકાએ કાયદો કર્યો છે, જેનું ટૂંકું નામ કાટ્સા છે. CAATSA એટલે Countering America’s Adversaries through Sanctions Act – પ્રતિબંધો મારફત અમેરિકન વિરોધીઓને કાબૂમાં રાખવાનો કાયદો.

રશિયાને વિરોધી ગણીને રશિયા સાથે જે દેશ શસ્ત્ર સોદો કરે તેના પર પ્રતિબંધો મૂકવાનો કાયદો અમેરિકાએ કર્યો છે. ભારત જે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે, તે જ સિસ્ટમ ચીને ઓલરેડી ખરીદી લીધી છે. તેથી અમેરિકાએ ચીન સામે કાટ્સા હેઠળ પ્રતિબંધો જાહેર કર્યા છે. ચીનની વસ્તુઓ સામે ઓલરેડી અમેરિકાએ આયાત જકાત લગાવી હતી. તેથી ચીનને પ્રતિબંધોની કંઈ પરવા નહોતી. હવે ભારતે પણ રશિયા સાથે સોદો કરીને અમેરિકાને જણાવ્યું છે કે તમારા પ્રતિબંધો અમને નહિ, તમને જ વધારે નડે તેમ છે.હકીકતમાં ભારતે વધારે સારી રીતે કામ પાર પાડ્યું છે. કેન્દ્ર સરકારના સુરક્ષા સલાહકાર અજિત દોભાલ થોડા વખત પહેલાં જ અમેરિકાની મુલાકાત લઈ આવ્યા છે. તેમણે આ મુદ્દે રજૂઆતો કરી હતી. તેથી કાટ્સા હેઠળ ભારતને મુક્તિ આપી દેવાશે. આ કાયદામાં એવી જોગવાઈ પણ છે કે અમેરિકાના પ્રમુખ મિત્ર દેશોને આ કાયદાથી દૂર રાખી શકે. અમેરિકાએ ભારતને મિત્ર અને સાથી ગણીને, તેના હિતોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવી પડશે. અમેરિકન કંપનીઓને ભારતમાં વેપાર કરવો છે. ફેસબૂક અને ગૂગલ જેવી નવી અને ફોર્ડ અને જીએમ અને જીઈ જેવી જૂની કંપનીઓ સહિત અનેક કંપનીઓએ ભારત સાથે વેપાર કરવાનો છે.

પાંચ નવેમ્બરથી ઇરાન પર પણ અમેરિકાને નવેસરથી પ્રતિબંધો મૂક્યા છે. પૂર્વ મંજૂરી વિના ઇરાનનું ક્રૂડ કે કુદરતી ગેસ ખરીદનાર દેશો પર અમેરિકાએ પ્રતિબંધોની ધમકી આપેલી છે. ભારતે તેમાં પણ છૂટ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. પ્રયાસોની સાથે જ અમલ પણ શરૂ કરી દીધો છે. સમગ્ર નવેમ્બર મહિના માટેનો મોટો કોન્ટ્રેક્ટ ભારતે ચાલુ રાખવાની જાહેરાત કરી પણ દીધી છે. બીજું પ્રતિબંધોના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલરની હેરફેરને અટકાવવાની કોશિશ અમેરિકા કરે છે. ભારતે ડૉલરને પડતો મૂકીને ઇરાન સાથે રૂપિયો વિનિમયમાં રાખીને વેપાર શરૂ કરી દીધો છે. ઇરાનને રૂપિયામાં ચૂકવણી કરવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે ઇરાન તે જ રૂપિયાનો ઉપયોગ ભારતમાંથી વિવિધ જણસો ખરીદવા માટે કરશે. ભૂતકાળમાં રશિયા સાથે પણ ભારતે રૂપિયા અને રૂબલમાં વેપાર અને શસ્ત્ર સોદા કરેલા છે. આગળ જતા ફરીથી તે થઈ શકે છે.કાટ્સા હેઠળ ભારતને મુક્તિ આપી શકાશે તે પ્રકારના નિવેદનો આપવાનું અમેરિકન અધિકારીઓએ શરૂ પણ કરી દીધું છે. આ કાયદાનો ઉપયોગ અમે સાથી દેશોના હિતોને નુકસાન થાય તે માટે નથી કરવા માગતા એવા નિવદનો ટ્રમ્પના પ્રધાનોએ આપ્યા છે. બીજું ભારતે અમેરિકામાંથી પણ શસ્ત્રો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તે માટેની પ્રોસેસ પણ ચાલી રહી છે. તે સંજોગોમાં અમેરિકા પણ કાયદાની છટકબારીનો લાભ લઈને ભારતને કાટ્સામાંથી બાકાત રાખશે તેવી સંભાવના છે. ભારતે અહીં અમેરિકા સામે ભય અને લાલચ બંનેનો ઉપયોગ કર્યો છે. અમેરિકા કાયદાની ઐસીતૈસી કરીશું એવો ભય ઊભો કર્યો હતો અને સાથોસાથ અમેરિકા સાથે વધુ વેપાર, અમેરિકન વસ્તુઓ પરની ટેરિફ વિશે વિચારવાની લાલચ અને અબજો ડૉલરના શસ્ત્ર સોદાનું ગાજર પર અમેરિકા સામે લટકાવીને રાખ્યું છે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટીસ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો બંનેએ કાટ્સામાં ભારતને મુક્તિ આપવા માટેની રજૂઆતો કરી દીધી હોવાનું મનાય છે. જોકે આખરી નિર્ણય પ્રમુખ ટ્રમ્પે લેવાનો છે. ટ્રમ્પે ભારત સામે ભૂતકાળમાં નિવેદનો કરેલા છે. ભારતના આઈટીના લોકો નોકરીઓ લઈ જાય છે તેનો તેમને વાંધો છે. ભારત ટેરિફ કિંગ છે એમ કહીને આયાત જકાત ભારત લગાવે છે તેનો પણ વિરોધ કર્યો છે. ટેરિફ કિંગવાળી ટીકા તેમણે છેલ્લે કરી છે, તે ભારત સામે દબાણ ઊભું કરવા માટે છે. તેથી ભારત સાથે સોદાબાજી કરીને પછી જ કાટ્સામાં મુક્તિ માટેની દરખાસ્ત પર ટ્રમ્પ સહી કરશે તેમ મનાય છે. ટ્રમ્પની ભારત મુલાકાત પણ બાકી છે. 26 જાન્યુઆરીની પરેડમાં તેમને મહેમાન તરીકે બોલાવાની વાત પણ છે. કદાચ તે વખતે આખરે ટ્રમ્પ ગુડવીલ તરીકે ભારતને છૂટછાટ આપશે તેમ મનાય છે.
દરમિયાન ભારતે રશિયા અને ઇરાન સાથેના સોદામાં રાહ જોયા વિના નિર્ણયો કરી જ લીધા છે. તેના કારણે જો ટ્રમ્પના મનામણા ના થાય તો પ્રતિબંધોનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડશે. ભારતને તેનો પણ ભૂતકાળમાં અનુભવ થયેલો છે. ભારતે અણુ પરિક્ષણ કર્યું તે પછી અમેરિકાએ 1998માં પ્રતિબંધો મૂક્યા હતા. ભારત તેનો સામનો કરી શક્યું છે. ઉલટાનું ત્યારબાદ મનમોહન સિંહની સરકાર વખતે અમેરિકા સાથે અણુકરાર પણ કરી લેવાયો હતો. ઉર્જા માટે અણુનો ઉપયોગ કરવા માટે ભારત હવે યુરેનિયમની આયાત કરી શકે છે.

1998 કરતાંય ભારતની સ્થિતિ આજે મજબૂત છે. ભારતનું અર્થતંત્ર 2008ની મહામંદીને ખમી ગયું હતું. આઈટી જેવા નવા ક્ષેત્રમાં પણ ભારતીયો છવાઈ ગયા હતા. ખુદ અમેરિકામાં અડધો ડઝન જાયન્ટ કંપનીઓના વડા તરીકે ભારતીયો છે. ભારતીય સ્કીલની અવગણના પણ અમેરિકા કરી શકે તેમ નથી. તે જ રીતે ફ્રાન્સને પાછળ રાખીને ભારત હાલમાં જ જીડીપીની રીતે છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બન્યું છે. થોડા જ વખતમાં તે ટોપ ફાઇવમાં આવી જશે. આગળ જતા અમેરિકા, ચીન અને ભારત દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રો હશે. રશિયા પણ પાછળ જતું રહ્યું હશે. લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પણ ભારત સાથે સંબંધો જાળવી રાખવા જરૂરી બન્યા છે.
ભારત અને ચીન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા અને તાઈવાન એમ દુનિયાના એકથી વધુ દેશો હવે આર્થિક રીતે વધારે તાકાત ધરાવતા થયા છે. તેના કારણે અમેરિકા આ નાત બહાર મૂકવાનો જાસો આપ્યા કરે છે, તે બંધ કરવાનો વખત બહુ દૂર નથી. તે પછીય કદાચ થોડા વર્ષો અમેરિકા પ્રતિબંધોની જાહેરાત કર્યા કરશે, પણ તેની નોંધ લેવાની દરકાર પણ દેશો કરતા નહિ હોય. આજેય કેટલીક જગ્યાએ નાત ભેગી થાય છે અને નાત બહાર મૂકવાના ફતવા બહાર પાડે છે. પણ હવે પરિવારને સમગ્ર દેશમાં ફરવાની આઝાદી અને મોકળાશ છે. પરિવાર હવે નાતને જ કહે છે કે તમે અમને શું નાતબહાર મૂકતા હતા, અમે જ નાતને કોરાણે મૂકીને બહાર જતા રહીએ છીએ. ખૂણે ખાટલા નાખીને બેસો, ને કરો મજા.