અમેરિકા અને ઉત્તર કોરિયાનો સંઘર્ષ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે

અહેવાલ- મંગલ પંડયા

મેરિકાની અનેક ધમકીઓને ઘોળીને પી જનાર ઉત્તર કોરિયા વારંવાર પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. અને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપી રહ્યું છે. નાનકડા એવો દેશ અમેરિકાને નચાવી રહ્યો છે. આવો નાનો દેશ  ઉત્તર કોરિયા અને અમેરિકાના વણસેલા સંબંધો વિશ્વને કેવી રીતે યુદ્ધ તરફ દોરી રહ્યાં છે તે જાણતાં પહેલાં કોરિયાના ઈતિહાસ વિશે થોડી માહિતી મેળવી લઈએ. કોરિયાઈ સભ્યતા અને ભૂતકાળનું સંયુક્ત કોરિયા વર્તમાન સમયમાં બે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. બીજા વિશ્વયુદ્ધ પછી તત્કાલીન મહાસત્તા સોવિયેત સંઘની સાથે અમેરિકા પણ નવી શક્તિ બનીને ઉભરી આવ્યું. જેમાં કોરિયાના ઉત્તર ભાગ પર રશિયાએ જ્યારે દક્ષિણ ભાગ પર અમેરિકાએ પોતાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ 1948માં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યાં.

દક્ષિણ કોરિયા, રીપબ્લિક ઓફ કોરિયા(ROK) તરીકે ઓળખાય છે. આ દેશની રાજધાની સિઓલ વિશ્વનું બીજા નંબરનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે. જ્યારે ઉત્તર કોરિયા, કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ઓળખાય છે. દેશની રાજધાની અને સૌથી મોટું શહેર પ્યોંગયાંગ છે.

દક્ષિણ કોરિયા પર અમેરિકાનું પ્રભુત્વ હોવાથી અમેરિકાએ તેનો વિકાસ કર્યો અને તેને બિઝનેસ હબ તરીકે વિકસાવ્યું. તેથી સ્વાભાવિક રીતે જ દક્ષિણ કોરિયા રાજકીય અને વ્યાપારિક રીતે અમેરિકાનું સમર્થક બન્યું. જ્યારે ઉત્તર કોરિયાએ પોતાની ઓળખ આત્મનિર્ભર સમાજવાદી દેશ તરીકે બનાવી. ઉત્તર કોરિયા પર પરંપરાગત રીતે કિમ ઈલ સુંગ અને તેના પરિવારનું શાસન રહ્યું છે.

કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા છે. તે કિમ જોંગ ઈલનો (1941-2011) પુત્ર છે અને કિમ ઈલ સુંગનો (1912-1994) પ્રપૌત્ર છે. કિમ જોંગે 28 ડિસેમ્બર 2011ના રોજ પોતાને ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા બનાવ્યો અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી. ઉત્તર કોરિયા એક ગરીબ દેશ છે છતાં તેઓ હથિયારોની હોડમાં સૌથી આગળ છે અને પરમાણું હથિયારોનું સતત પરીક્ષણ કરી રહ્યું છે. જેને લઈને અમેરિકા સાથેના તેના સંબંધો એટલી હદ સુધી વણસી ગયાં છે કે, શાબ્દિક યુદ્ધની ચરમસીમા વટાવી બંને દેશ યુદ્ધનું કાઉન્ટ ડાઉન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન લાંબા અંતરની મિસાઇલ પરીક્ષણ અને પરમાણુ કાર્યક્રમને લઈને આગળ વધી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ બંધ કરે. જોકે આ મામલે કિમ જોંગે ડોનાલ્ડ ટ્રમ્પને પાગલ કહી તેમની મજાક પણ ઉડાવી છે.

બીજી તરફ ઉત્તર કોરિયાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેના વિરુદ્ઘ સૈન્ય કાર્યવાહી કરશે તો તે અમેરિકા ઉપર અત્યંત શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનો હુમલો કરતાં પણ અચકાશે નહીં. હવે સવાલ એ છે કે, દુનિયાથી અલગ અને એક ગરીબ દેશે પરમાણું હથિયાર કેવી રીતે મેળવ્યા? ઉત્તર કોરિયાએ આ વર્ષે બે મોટા સૈન્ય પ્રદર્શન, અનેક મિસાઇલ પરીક્ષણ અને છ પરમાણુ પરીક્ષણનો દાવો કરી દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ઉત્તર કોરિયાએ આ જ વર્ષે કહ્યું હતું કે તે કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે.

ઉત્તર કોરિયા પર ટ્રમ્પ ભડક્યાં

ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાને આપવામાં આવેલી પરમાણુ હુમલાની ધમકી બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયાં છે. તેમણે કહ્યું કે હવે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. તો દક્ષિણ કોરિયાએ પણ અમેરિકાનો સહયોગ કરતાં કહ્યું છે કે,  ઉત્તર કરિયા દ્વારા ઉશ્કેરણી કરવા પર તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. વ્હાઈટ હાઉસમાં અમેરિકાન પ્રેસિડેન્ટ સાથેની મુલાકાતમાં દક્ષિણ કોરિયાના વડા મૂન જાએ ઈને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયાની સમસ્યાનું કાયમી સમાધાન કરવું અનિવાર્ય છે. આ મુદ્દે જલદી અને યોગ્ય સમાધાન લાવવા તેમણે ઉત્તર કોરિયાને ચર્ચા કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમેરિકા ઉત્તર કોરિયાને સીરિયા સમજવાની ભૂલ ન કરે. ઉત્તર કોરિયા એ કહ્યું કે, જો અમેરિકા તેની ઉશ્કેરણી કરશે તો અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરતાં પણ ઉત્તર કોરિયા અચકાશે નહીં. એટલું જ નહીં, ઉત્તર કોરિયાએ કહ્યું કે તે દરેક સપ્તાહે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરવાનું પણ શરુ રાખશે. આમ કરવાથી તેને કોઈ અટકાવી પણ નહીં શકે. વધુમાં ઉત્તર કોરિયાએ કહ્યું કે, તે અમેરિકાની દરેક આક્રમકતાનો જવાબ આપવા તૈયાર છે.

નોર્થ કોરિયા અને અમેરિકા યુદ્ધની કગાર ઉપર ઉભા છે. જો યુદ્ધ થશે તો તો વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ચીન, રશિયા, જાપાન, ભારત, પાકિસ્તાન વિગેરે દેશો આ યુદ્ધ ન થાય તેમ ઈચ્છી રહ્યાં છે, પણ નોર્થ કોરિયા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને અવગણી રહ્યું છે, અને ભારે ભૂલ પણ કરી રહ્યું છે.