ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત, જો યોજાય તો, જોણું થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે, પણ તેમને ચાહનારા કરતાં ધિક્કારનારાની સંખ્યા વધારે હોય તેવી છાપ ઊભી થાય. અમેરિકામાં નહિ, પણ યુરોપમાં અને વિશ્વમાં ઘણા દેશોમાં તેની સામે નફરતનું પ્રમાણ ઊડીને આંખે વળગે તેવું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન ઢીલા પડ્યા અને અમેરિકા સાથે વાટાઘાટ માટે તૈયાર થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પણ ખરા, પરંતુ તેમના માટે સારી છાપ પડી હોય તેવું લાગતું નથી.ડોનાલ્ડ ટ્રમ્પ પરંપરાગત રાજકારણી નથી. મૂળ તો બિઝનેસમેન અને તેમાંથી બની ગયા પ્રેસિડેન્ટ. બોલવાનું ભાન નહિ. ટ્વીટર પર એવા એવા મેસેજ મૂકે ચોંકી જવાય. તેમના વાણી વર્તન વિચિત્ર લાગે તેવા રહ્યા છે. પરંતુ ચૂંટણી જીત્યા છે, તેનો અર્થ એ કે અમેરિકામાં તેમની નીતિને ટેકો આપનારાની સંખ્યા પણ વિશાળ છે. એન્ટી ઇમિગ્રન્ટ્સ નીતિ અને જેહાદી ત્રાસવાદની ખુલ્લેઆમ ટીકાથી જમણેરી લોકો તમને પસંદ કરે છે. તેમની રીતભાત ગમે તેવી હોય, એ ટેકેદારોને કોઈ ફરક પડતો નથી.
હાલમાં જ તેમની બ્રિટનની મુલાકાત પૂરી થઈ. તેમાં પણ ભારે જોણું થયું હતું. તેમણે બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મે માટે અપમાનજનક સ્થિતિ ઊભી કરી હતી. સામે બ્રિટનમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વણનોતર્યા મહેમાન હોય તેવી સ્થિતિ હતી. ઠેરઠેર તેમનો વિરોધ થયો હતો. તેમના વિશે ભાતભાતની ટીપ્પણીઓ થતી રહી હતી. થેરેસા સરકારને કદાચ ખ્યાલ હતો કે મોંફટ ટ્રમ્પ મુશ્કેલી કરશે. તેથી તેમની મુલાકાતને સત્તાવાર દરજ્જો પણ આપવામાં આવ્યો નહોતો. કોઈ દ્વિપક્ષી કરારો કે સમજૂતિઓ કે સંયુક્ત નિવેદનો જાહેર થયા નહિ.
ડોનાલ્ડ ટ્રમ્પની આ વિદેશ યાત્રાએ ભારે ચર્ચા જગાવી છે. તે પછીની તેમની વિદેશ યાત્રા ભારે ચર્ચા જગાવી શકે તેમ હોય તો તે છે ભારતની સંભવિત મુલાકાત. પ્રજાસત્તાક દિવસની પરેડમાં જુદા જુદા દેશોના વડાઓને વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. નરેન્દ્ર મોદીની સરકાર માટે આ વખતે છેલ્લી પરેડ છે. પ્રથમ પરેડ વખતે અમેરિકાના તે વખતના પ્રમુખ બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓબામાનું વ્યક્તિત્વ ટ્રમ્પથી તદ્દન વિરોધાભાસી. તેમની મુલાકાત સારી રહી હતી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી પણ તરત જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકામાં નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ભવ્ય રહ્યો હતો. તે પછી વધારે મુલાકાતો અમેરિકાની તેમણે લીધી છે, પણ ટ્રમ્પ સરકારની નીતિઓ ભારતને અનુકૂળ થાય તેવી નથી. ઇમિગ્રેશનના મામલે સૌથી વધુ મુશ્કેલીઓ ભારતીયોને થાય છે. એચ-1બી વીઝા પર પ્રતિબંધોથી સૌથી વધુ નુકસાન ભારતને થયું છે. તેમણે ટ્રેડ વૉર શરૂ કરી છે, તેનો સામનો ચીન પોતાની રીતે કરી રહ્યું છે, પણ ભારત મેન્યુફેક્ચરિંગમાં એટલું સ્ટ્રોન્ગ નથી કે અમેરિકા સામે તેમાં લડી શકે.
આમ છતાં છેલ્લી પ્રજાસત્તાક પરેડમાં મોદી સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવે તેવી શક્યતા છે. ટ્રમ્પ જે રીતે અણધાર્યા નિવેદનો અને વર્તન કરવા માટે જાણીતા છે, તેના કારણે ભારત મુલાકાત વખતે શું થશે તેની કલ્પના અત્યારથી જ થવા લાગી છે. તેમનું કોઈ નિવેદન ભારતના આંતરિક રાજકારણમાં હલચલ મચાવી દે તેવું પણ બને. એ જરૂરી નથી કે તેઓ માત્ર નિવેદન કરીને જમણેરીને રાજી કરી દેશે. કેમ કે તેઓ શું બોલશે અને તેના કેવા પડઘા પડશે તેનો વિચાર કરીને બોલનારા તેઓ નેતા નથી. તેમનું નિવેદન આડું ફાટે તો સરકાર માટે પણ વિમાસણ થઈ શકે છે.
દાખલા તરીકે તેમણે યુકેમાં બ્રેક્ઝિટની વાત કરીને થેરેસા મે માટે મુશ્કેલી ઊભી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે બ્રેક્ઝિટ (એટલે કે યુરોપિયન યુનિયનમાંથી છુટ્ટા પડવાની કાર્યવાહી) કેવી રીતે સંભાળવી જોઈએ તેના માટે પોતે થેરેસા મેને સલાહ આપી હતી. ‘પણ મારી વાત તો તેમણે સાંભળી જ નહિ,’ એવું પણ તેમણે કહી દીધું. વિદેશી મહેમાન આવીને કેવી રીતે સરકાર ચલાવવી જોઈએ તેની સલાહ આપે તે કેવું લાગે?
વાત આટલાથી પૂરી થઈ નહિ. બ્રેક્ઝિટના મામલે બ્રિટનમાં ભારે ઉહાપોહ છે અને થેરેસા મેના વિરોધમાં હાલમાં જ બોરિસ જ્હોન્સને રાજીનામું આપ્યું છે. થેરેસા મે બ્રેક્ઝિટ મામલાને યોગ્ય રીતે સંભાળી રહ્યા નથી એવો વિરોધ કરીને તેમણે રાજીનામું આપ્યું હતું. થેરેસા મેની સરકાર સામે તેના કારણે કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. એ વાત સાચી કે જનમત લેવાયો ત્યારે બ્રેક્ઝિટની તરફેણ થઈ હતી. પણ બહુ પાતળી બહુમતીથી. બંને બાજુનો અભિપ્રાય ધરાવનારા લગભગ સરખાસરખા પ્રમાણમાં લોકો છે. માત્ર થોડા મતોના તફાવતના કારણે બ્રેક્ઝિટનો નિર્ણય લેવાયો છે ત્યારે થેરેસા મેની કામગીરી બરાબર નથી તેવી ટીકા તેમની સરકારને ભારે પડી રહી છે. આવા સંજોગોમાં તેમના વિરોધમાં રાજીનામું આપનારા જ્હોન્સનના વળી ટ્રમ્પે વખાણ કર્યા. ટ્રમ્પે કહ્યું, “મને બોરિસ માટે માન છે. મને લાગે છે તે મને પસંદ કરે છે અને મારા વિશે સારી સારી વાતો કરે છે. હું એમ કહી રહ્યો છું કે મને લાગે છે કે તે ખૂબ સારા વડાપ્રધાન બની શકે તેમ છે. તેમનામાં એવી ક્ષમતા છે.”
બ્રિટનની મુલાકાતે બ્રિટનના વડાપ્રધાનના હરિફના જ વખાણ કરવાથી શું થાય તે સમજી શકાય છે. કલ્પના કરો કે ભારતમાં નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય કોઈ નેતાના વખાણ પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરી નાખે તો શું થાય. અથવા તો ભારત સાથેના વેપારી સંબંધો માટે ચોખ્ખી ના પાડી દે તો શું થાય. એવું થઈ શકે છે, કેમ કે તેમણ યુકે જતા પહેલાં તેમની સાથે વેપાર કરાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. યુકેની એવી આશા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન દ્વિપક્ષી વેપાર મુદ્દે સમજૂતિ થઈ શકે તો બ્રેક્ઝિટનું નુકસાન ટાળી શકાય. ટ્રમ્પે ઉલ્ટું નુકસાન થાય તેવી વાત કરી. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું, “કોઈ ડિલ કરવી હશે તો યુકે સાથે નહિ, અમે યુરોપિયન યુનિયન સાથે કરવાનું પસંદ કરીશું. તો પછી યુકે સાથેની ડિલની વાત પતી ગઈ, બરાબરને.”
આ સરકારી અને સત્તાવાર મુદ્દાઓ છે. બીજા ઘણા મુદ્દા એવા છે કે તેમાં બ્રિટનની પ્રજાને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વાંધો છે. તેમના વિચારો ઉદારવાદી બ્રિટિશરોને આઘાતજનક લાગે છે. ગયા વર્ષે એક જનમતમાં લગભગ 17 લાખ લોકોએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને યુકે આવવાનું આમંત્રણ આપવું નહિ. સત્તાવાર નહિ, પણ અનૌપચારિક ચાર દિવસની તેમની મુલાકાત યોજાઈ તે પણ ઘણાને ગમ્યું નથી. કેટલી નારાજી છે તે એક વાત પરથી સમજી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુકેની મુલાકાત શરૂ કરતાં પહેલાં એવું ટ્વીટ કર્યું હતું કે, “મને લાગે છે કે યુકેમાં મને ઘણા બધા લોકો પસંદ કરે છે.” તેના જવાબમાં અસંખ્ય લોકોએ જણાવ્યું કે, ‘ના, જરાય નહિ.”
મુલાકાત પહેલાં જ નારાજી હતી, તે મુલાકાતના અંતે વધી હતી. એક તો તેમણે થેરેસા મેનું જાહેરમાં અપમાન થાય તેવી વાત કરી. સામે ટ્રમ્પનું પણ અપમાન થવા દેવાયું. તેમની સામે ઠેરઠેર દેખાવો અને પ્રદર્શનો થતા રહ્યા. તેમને જોઈએ તેવું માન પણ અપાયું નહોતું. જોકે આખરે બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મુલાકાત યોજાઈ ત્યારે ફરી તેમણે એવું વર્તન કર્યું કે રાજાશાહીના ચાહકોમાં તેમના માટે ધિક્કાર વધ્યો.
વિદેશી મહેમાનો આવે ત્યારે તેમને રાણીના મહેલમાં ચા પીવા માટે બોલાવામાં આવે છે. તેમનું રેડ કાર્પેટ સ્વાગત થાય, પરંપરાગત રીતે રોયલ ગાર્ડ્સ દ્વારા પરેડ થાય અને પરેડનું નિરીક્ષણ કરવામાં આવે. સૌ પહેલાં તો ડોનાલ્ડ ટ્રમ્પ 12 મિનિટ મોડા પહોંચ્યા. સમયપાલનના આગ્રહી રાણી એલિઝાબેથ માટે આ ભારે અકળાવનારું હતું. તેમણે બેવાર પોતાની ઘડિયાળ જોઈ હતી તે તસવીરો વાઇરલ થઈ. ટીવી અને ટેબ્લોઇડમાં તેના વિશે લાંબી લાંબી ચર્ચાઓ થઈ કે અમેરિકાના પ્રમુખ એવા તે કેવા કે અમારી રાણીને 12 મિનિટ રાહ જોવરાવી.
આ બ્રિટિશરોની મિથ્યા માનસિકતા હશે, પણ તેમના માટે મહત્ત્વની છે. બીજું પ્રોટોકોલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ રાણીને મળ્યા ત્યારે સહેજ નમ્યા પણ નહિ. લોકશાહી દેશના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સ્વાભાવિક છે કે રાણી-રાજા માટે તેમને એવું માન ના હોય. માત્ર નામના રાણીને નમન કરવાનું ના પસંદ કરવાનો તેમને અધિકાર છે. જોકે મોટા ભાગના નેતાઓ પ્રોટોકોલ ખાતર અને યજમાનનું માન જાળવવાની પરંપરા પ્રમાણે તેનું પાલન કરતા હોય છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ અનોખા છે તેનું કારણ જ આ છે.
અહીં સુધી બધુ બરાબર હતું. પણ તે પછી બનેલી ઘટનાએ બ્રિટિશરોને વધારે ચોંકાવ્યા હતા. પરેડના નિરીક્ષણ માટે મેદાનમાં ચાલવાનું હતું ત્યારે 92 વર્ષના રાણી કરતાં વધુ ઝડપથી ડોનાલ્ડ ટ્રમ્પ ચાલવા લાગ્યા. રાણીથી આગળ થઈ ગયા અને રાણીની આડે આવી ગયા. વળી પાછા ઊભા રહી ગયા એટલે રાણી એલિઝાબેથ પાછળ અટવાયા. રાણીએ તેમને ફરીને ફરી તેમની જમણી બાજુ આવવું પડ્યું અને ફરી હાથ લંબાવીને ઈશારો કરવો પડ્યો કે આ તરફ તમે આગળ વધો.
આ આખી ઘટનાની નાનકડી ક્લિપ તરત જ વાઇરલ થઈ ગઈ હતી. રાણીએ બે વાર ઘડિયાળમાં જોવું પડ્યું તેના કરતાંય રાણી બરાબર દેખાય નહિ તે રીતે તેમની આડે આવી જવું અને તેમની આગળ ચાલવા લાગવું અને વિચિત્ર રીતે ચાલવું એ બધી બાબતો બહુમતી બ્રિટિશરો માટે હાહાકાર સમી છે. આ ક્લિપ તમે ઓનલાઇન જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી વિચિત્ર સ્થિતિ રાણીની ઊભી થઈ હતી.
નરેન્દ્ર મોદી પણ આવી બાબતમાં બહુ સાવધાન હોય છે. પોતાની તસવીર બરાબર આવે, ટીવીમાં પોતે બરાબર દેખાય તેનું કાળજીપૂર્વક આયોજન કરતાં હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પનું અણધાર્યું વર્તન તેમના માટે આવી કોઈ મુશ્કેલી પણ ઊભી કરી શકે ખરું? જોકે નરેન્દ્ર મોદી વધારે સાવધ હોય છે અને સ્થિતિ સંભાળી લેતા હોય છે, પણ ટ્રમ્પ જેવા વ્યક્તિત્ત્વનો ભરોસો નહિ. તેના કારણે જ અત્યારથી કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા છે કે પ્રથમ મુદતના છેલ્લા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ખરા અને આવશે તો કોઈ જોણું ઊભું કરશે ખરા?