તુર્કીની સેનાએ કુર્દ લોકો પર આક્રમણ કેમ કર્યું?

સિરિયામાં આઇએસઆઇએસ દ્વારા વિશાળ વિસ્તાર પર કબજો જમાવાયો છે. ઇરાકમાં પણ આઇએસઆઇએસ ઘૂસી ગયું હતું અને ખિલાફતની સ્થાપનાના ખ્વાબ જોવા લાગ્યું હતું. છેલ્લા શક્તિશાળી ખલીફા તુર્કીમાં હતા. તુર્કીની સરકાર અત્યાર સુધી અમેરિકાની સાથે રહી હતી અને આઇએસઆઇએસ સામે લડતી હતી, પણ હમણાં એક નવો વળાંક આવ્યો છે. આઇએસઆઇએસનો સામનો કરી રહેલા અને ઇરાકમાંથી આઇએસઆઇએસના ત્રાસવાદીઓને ખદેડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કુર્દ લોકો સામે તુર્કીએ મોરચો માંડ્યો છે. જો તુર્કીના આક્રમણના કારણે કુર્દ જૂથો થોડા પણ નબળા પડે તો આઇએસઆઇએસના જેહાદી આતંકવાદીઓનું જોર વધે અને દુનિયા સામે ત્રાસવાદનો ખતરો પણ વધે.તેથી જ તુર્કીનું વલણ નવાઈ લાગે તેવું છે, કેમ કે આઇએસઆઇએસ દ્વારા મુસ્લિમ દેશોમાં જ ખતરો ઊભો થયો છે. મુસ્લિમ દેશોની વર્તમાન સરકારોને ઉથલાવીને તેની જગ્યાએ ખિલાફત ઊભી કરવાનું આઇએસઆઇએસના જેહાદી આતંકવાદીઓનું ખ્વાબ છે. તુર્કી ઉદારવાદી દેશ મનાય છે અને તેની દૃષ્ટિ અરબ વિશ્વ કરતાં યુરોપભણી વધારે હોય છે. તે સ્થિતિમાં જોકે છેલ્લે છેલ્લે પરિવર્તન આવ્યું છે. વર્તમાન સરકારે પશ્ચિમના દેશો સાથે સંબંધો રાખ્યા છે અને નાટોનું પણ તે સભ્ય છે. પરંતુ રૂઢિવાદીઓનું જોર તુર્કીમાં પણ વધ્યું છે.

આવી સ્થિતિમાં સિરિયામાં અડ્ડો જમાવીને આસપાસના વિસ્તારને યુદ્ધમાં હોમી દેનારા આઇએસઆઇએસને માફક એવી લડાઇ તુર્કીએ કેમ શરૂ કરી છે? કુર્દ લોકો આઇએસઆઇએસના જેહાદી ત્રાસવાદીઓનો જાનના જોખમે સામનો કરી રહ્યા છે. ઇરાકમાં જે વિસ્તારો પર આઇએસઆઇએસનો કબજો થયો હતો તે મુખ્યત્વે કુર્દ વસતિ ધરાવતો હતો. કુર્દ લોકોને રૂઢિવાદી મુસ્લિમો મુસ્લિમ માનતા નથી. તેથી કુર્દ લોકો પર અમાનવીય અત્યાચાર થયો હતો. કુર્દ પુરુષોને ખતમ કરીને કુર્દ મહિલાઓને સેક્સ સ્લેવ તરીકે જેહાદી આતંકવાદીઓ ઉપાડી જતા હતા. અમેરિકાએ આવા જેહાદીઓ સામે લડવા માટે કુર્દને શસ્ત્રો આપીને તેના જૂથો તૈયાર કર્યા હતા. લાંબી લડાઇ પછી કુર્દ લોકોએ જેહાદીઓને પાછા ખસેડ્યા. ઇરાકમાંથી તેમને હટાવીને ખુદ સિરિયામાં જઈને આઇએસઆઇએસે ખતમ કરવા માટે કુર્દ જૂથો લડી રહ્યા છે.આ લડાઈમાં તુર્કીની સરહદ પણ સળગી ત્યારે તુર્ક સેનાએ જૂદું વલણ લીધું. તુર્કીએ કુર્દ જૂથ સામે હુમલા શરૂ કરી દીધા છે. તેનું એક કારણ એ છે કે કુર્દ લોકો ત્રણેય દેશોમાં વહેંચાયેલા છે. તુર્કસ્તાન, સિરિયા અને ઇરાકની સરહદો મળે છે ત્યાં ત્રણે તરફ કુર્દ લોકોની વસતિ છે. ત્રણેય દેશોમાં કુર્દ અત્યાચારનો ભોગ બનેલા છે. કુર્દ પોતાને અલગ કબીલાના ગણે છે. ભટકતી જાતિ તરીકે જીવતા કુર્દ લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો છે, પણ પોતાની પ્રાચીન પરંપરાના ઘણા અંશો જાળવી રાખ્યા છે. સૂર્ય અને અગ્નિ જેવા કુદરતી તત્ત્વોને કુદરતી શક્તિ ગણવા અને તેની પૂજા કરવા જેવી વાત ઇસ્લામમાં અયોગ્ય મનાય છે. વગડામાં કુદરતના ભરોસે રહેતી કુર્દ જેવી પ્રજા માટે તે સહજ છે.

ઇરાકમાં પણ સદ્દામનું શાસન હતું ત્યારે કુર્દ લોકોનું શોષણ થતું હતું. કુર્દ લોકો અલગ રાષ્ટ્ર માટે સંઘર્ષ કરી શકે તેટલા સંગઠિત નથી. જો સંગઠિત થાય તો સિરિયા, તુર્કી, ઇરાક અને કેટલાક અંશે ઇરાનને પણ અસર થઈ શકે છે. સુન્ની અને શિયા બંને લડતા રહે છે, પણ કુર્દની વાત આવે ત્યારે કુર્દ રાષ્ટ્રવાદ ઊભો ના થાય તેની કાળજી શિયા-સુન્ની બંને લે છે.
આ સંજોગોમાં ઇસ્લામિક સ્ટેટના જેહાદી આતંકવાદનો ખતરો વિશ્વ સામે ઊભો થયો ત્યારે અમેરિકાએ અહીં દળો મોકલીને યુદ્ધ છેડ્યું છે. આ ઉપરાંત કુર્દ લોકોને શસ્ત્રો આપી અમેરિકાએ ફ્રી સિરિયન આર્મી તૈયાર કરી છે. ઇસ્લામિક સ્ટેટનો વડો બગદાદી માર્યો ગયો છે તેવા સમાચાર વારંવાર આવતા રહે છે. તે માર્યો ગયો હોય કે નહીં, આઇએસની તાકાત તૂટવા લાગી છે. સિરિયામાં પણ તેના કબજાનો વિસ્તાર ઘટવા લાગ્યો છે. ઉત્તર સિરિયામાં અમેરિકા સમર્થિત કુર્દ જૂઓએ કબજો જમાવી દીધો છે. આ વિસ્તારને અડોઅડ આવેલા તુર્કીના વિસ્તારોમાં પણ કુર્દ લોકોનો કબજો થાય તેવું જોખમ તુર્કીને લાગ્યું છે. સરહદ પરનો અમુક વિસ્તાર કુર્દ લોકોના કબજામાં આવી જાય તો સિરિયાના કુર્દ તથા તુર્કીના કુર્દ વિસ્તારોનો સળંગ પટ્ટો કુર્દ લોકોના હાથમાં આવી જાય. તેનાથી પૂર્વ દિશામાં જ ઇરાકનો ભાગ આવે છે. ત્યાં પણ કુર્દ લોકો વસે છે. આ રીતે આખો નવો કુર્દસ્તાન તૈયાર થઈ જાય તો કહેવાય નહીં.
તુર્ક આ સ્થિતિ ઇચ્છતું નથી. તુર્ક નાટોનો સભ્ય દેશ હોવા છતાં 2003થી સત્તા પર રહેલા રિસિપ તઇપ એર્ડોગન અમેરિકાથી સ્વતંત્ર રહીને પોતાના હિતો જોવા માગે છે. સિરિયામાં સાત વર્ષથી ચાલતા ગૃહ યુદ્ધ વચ્ચે પણ બશર અલ-અસદ સત્તામાં ટકી ગયા છે. રશિયા અને ઇરાન બંને સિરિયામાં બશરને મદદ કરી રહ્યા છે. અમેરિકા આઇએસને ખતમ કરવા માગે છે, પણ સાથોસાથ અશરને પણ સત્તામાંથી હટાવીને પોતાની કઠપૂતળી સરકાર સ્થાપવા માગે છે. હવે ઇસ્લામિક સ્ટેટ નબળું પડી રહ્યું છે ત્યારે બશરને હટાવવા મુશ્કેલ લાગે છે. દરમિયાન કુર્દ લોકો પણ મજબૂત બને તો તુર્કી માટે બેવડી મુસિબત ઊભી થાય. ગૃહ યુદ્ધ વખતે અમેરિકા અને તુર્કીની દોસ્તી બશરને ના પસંદ હોય તે સ્વભાવિક છે.
એક બાજુ આઇએસઆઇએસ ખતમ થઈ જાય તે પછી મુસ્લિમ વિશ્વમાં વર્ચસ્વ માટે નવેસરથી ઘર્ષણો થવાના. તુર્કી આવા સંજોગોમાં પોતાના જ વિસ્તારમાં કુર્દ પણ મજબૂત થયા હોય અને કદાચ અમેરિકા એક નવો દેશ રચવાની કોશિશ કરે તો શું થાય તે તુર્કીએ વિચારવું પડે. તુર્કી ઇચ્છે છે કે આઇએસની સાથે બશરની સત્તા પર ખતમ થવી જોઈએ અને કુર્દસ્તાનને જોડતા વિસ્તારો પોતાના હાથમાંથી જવા જોઈએ નહી. તેના કારણે કુર્દ સામે તુર્કી સેનાએ ઘોંસ વધારી છે તેના કારણે આઇએસઆઇએસના જેહાદી આતંકવાદીઓનું આયુષ્ય વધી જાય તે જોખમ ઊભું થયું છે. અમેરિકા કઇ હદે તુર્કીને કુર્દ જૂથો સામે કાર્યવાહી કરતાં અટકાવી શકે છે તે હવે જોવાનું રહ્યું.