પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ US પ્રમુખપદની રેસમાં?

તુલસી ગબાર્ડ અમેરિકાની સંસદના સભ્ય બનેલા પ્રથમ હિન્દુ છે એટલી ઓળખને કારણે તેમના વિશેના સમાચારો ભારતમાં ચમક્યા છે. સમાચાર એવા છે કે તુલસી કદાચ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. તુલસી એવું નામ સાંભળીને તે મૂળ ભારતીય હશે એવું ઘણાને લાગે, પરંતુ તેના કે તેની કુટુંબના મૂળિયા ભારતમાં નથી. ફક્ત તેનું નામ તુલસી છે અને તેનું કુટુંબ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે એટલું જ ભારતીય કનેક્શન છે. તેમના પિતા માઇક ગબાર્ડ કેથોલિક છે, પણ માતા કેરોલ ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયથી આકર્ષાયા હતા. તેથી તેમણે પોતાના પાંચેય સંતાનોના નામ ભારતીય પરંપરા યાદ અપાવે તેવી રીતે રાખ્યા હતા – તુલસીની એક બહેન વૉશિંગ્ટનમાં રહે છે તેનું નામ ભક્તિ છે. તેનો સૌથી નાનો ભાઈ વૃંદાવન તેની જેમ લશ્કરમાં જોડાયેલો છે. બીજા બે ભાઈઓના નામ પણ જય અને નારાયણ હતા.તુલસીએ બહુ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો તેના કારણે પણ તેનું નામ જાણીતું થયું હતું. તે માત્ર 21 વર્ષની હતી ત્યારે હવાઇ ટાપુની વિધાનસભામાં જીતી હતી. તે અને તેના પિતા બંને સાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. બાદમાં કુટુંબની બીજી પરંપરા પ્રમાણે તે સેનામાં જોડાઈ ગઈ હતી. 2004માં તુલસી સેનામાં જોડાઈ અને કુવૈત લડવા ગયેલી અમેરિકન સેનામાં સામેલ થઈ હતી. તેને યાદ છે કે તેના પિતાએ તેને સેનામાં મોકલી ત્યારે રડ્યા નહોતા, પણ તે કુવૈતથી સલામત પાછી આવી ત્યારે રડ્યા હતા. કુવૈતનો તેનો અનુભવ અને અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોની કામગીરીને કારણે તેને ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો સારો અભ્યાસ છે. તે માને છે કે અમેરિકા સામે રિયલ ખતરો ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો છે. પણ તુલસી માને છે કે અમેરિકાએ તેનો સામનો કરવા માટે યુદ્ધ કરવાની જરૂર નથી. અમેરિકા ઠેર ઠેર સેના મોકલીને દખલગીરી કરે છે તેના કારણે ઇસ્લામી જેહાદીઓ ઉશ્કેરાતા હોવાનું માને છે. તેથી તેને દલીલ છે કે અમેરિકાએ એક તો સેના મોકલીએ દખલ ન કરવી જોઈએ. બીજું સિરિયામાં પ્રમુખ અસદ સોવિયેટ તરફી છે એટલે અમેરિકા તેની સામે પડ્યું છે. અસદની વિરુદ્ધ અમેરિકાની કામગીરીને કારણે અસદ વિરુદ્ધ લડતા આઇએસઆઇ અને અલ કાયદા જેવા ત્રાસવાદી જૂથોને ફાવતું મળ્યું છે. આવા જેહાદી જૂથોને ખતમ કરવા અમેરિકાએ ધ્યાન આપવું જોઈએ એમ તુલસી માને છે.

તુલસીના આવા વિચારોના કારણે પણ તુલસી અમેરિકામાં વસેલા મૂળ ભારતીયો અને એનઆરઆઇ લોકોને પસંદ છે. હકીકતમાં લોસ એન્જલસમાં એક કાર્યક્રમો યોજાયો હતો તેમાં એનઆરઆઇ મોટી સંખ્યામાં હતા. તે કાર્યક્રમમાં ડૉ. સંપત શિવાંગીએ જ જાહેરાત કરી હતી કે આપણા તુલસીબહેન કદાચ આગામી ચૂંટણી લડશે. મિસિસિપ્પી રાજ્યના મેડિકલ બોર્ડમાં ડૉ. સંપત સભ્ય છે અને મૂળે રિપબ્લિક પાર્ટીના છે, છતાં ડેમોક્રેટ તુલસીને તેમણે ટેકો આપ્યો. અમેરિકામાં ઓબામા પ્રમુખ બન્યા તે ઐતિહાસિક હતું, કેમ કે અમેરિકન માતા અને આફ્રિકન પિતાનું તેઓ સંતાન હતા. માત્ર ગોરા પુરુષો જ અમેરિકાના પ્રમુખ બને તે પરંપરા તેમણે તોડી. આધુનિક ગણાતું અમેરિકા સ્ત્રીઓને રાજકારણમાં સ્થાન આપવાની બાબતમાં ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોથી ઘણું પાછળ છે. હિલેરી ક્લિન્ટનને મજબૂત ટેકો હોવા છતાં તેઓ જીતી શક્યાં નહીં.

હિલેરી અને બિલ ક્લિન્ટનને પણ ભારતીય સમુદાય સાથે સારું બનતું હતું. તુલસીને પણ સારું બને છે. સાથે જ બીજા પર ભારતીય નામો અમેરિકાના રાજકારણમાં ગાજવા લાગ્યા છે. નિકી હેલીએ હાલમાં જ અમેરિકાના યુએન ખાતેના પ્રતિનિધિ તરીકેના પદેથી રાજીનામું આપ્યું છે. તે વખતે મનાતું હતું કે નિકી હેલી પણ 2020માં ટ્રમ્પની સામે ખડા થશે. નિકી ટ્રમ્પના જ પક્ષમાં છે. નિકીએ જોકે સ્પષ્ટતા કરી છે તે 2020માં ટ્રમ્પને ટેકો આપશે, પરંતુ તે 2024માં તે પ્રમુખપદની રેસમાં હોઈ શકે છે. મજાની વાત એ છે કે નિકી મૂળ ભારતીય છે. તે પંજાબી પરિવારની પુત્રી છે, પણ તેણે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. તેની સામે ભગવદ ગીતાનું ચિંતન અને શાકાહારી જીવનશૈલીથી આકર્ષાઇને ગબાર્ડ પરિવાર હિન્દુ બન્યો છે. એક મૂળ ભારતીય બોબી જિન્દાલનું નામ પણ ભવિષ્યના મોટા નેતા તરીકે ચગે છે. તેણે પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પોતાને મૂળ ભારતીય પરિવારના નહીં, પણ અસલ અમેરિકન માને છે.તુલસી, નિકી કે બોબી જે પણ અમેરિકના રાજકારણમાં આગળ વધશે, એક વાત નક્કી છે કે બિઝનેસ, પ્રોફેશન પછી અમેરિકાના રાજકારણમાં ભારતીયો, ભારતીયપણાનો દબદબો રહેવાનો છે. કેનેડામાં ચાર શીખો પ્રધાન બન્યા છે. બ્રિટનમાં પણ ભારતીય સમુદાય નાનો હોવા છતાં રાજકારણમાં મહત્ત્વની હાજરી ધરાવતો રહ્યો છે.

તુલસીને ફાયદો એ છે કે બહુ નાની ઉંમરે તે રાજકારણ શરૂ કરી શકી. તેણે સેનામાં કામ કર્યું છે, જેને અમેરિકામાં બહાદુરી અને દેશપ્રેમની નિશાની માનવામાં આવે છે. અમેરિકા દરેક ધર્મના લોકોને અને વસાહતીઓને એક સમાન ગણવામાં માને છે. તુલસીનું ઉદાહરણ તેમાં પણ બંધ બેસે તેમ છે. તે હિન્દુ છે, પણ રેસની રીતે યુરોપિયન કોકેશિયન છે. હવાઇ ટાપુમાં ચારે બાજુ દરિયો એટલે તે સર્ફિંગની શોખીન છે. તે રીતે સારી સ્પોર્ટ્સ પરસન પણ છે. વિદેશી બાબતોમાં તેને રસ પડે છે. થોડા વખત પહેલાં તે સિરિયાની મુલાકાતે ગઈ હતી અને પ્રમુખ અસદને મળી આવી હતી. તે પછી જ તેણે નિવેદનો કર્યા હતા કે પ્રમુખ અસદ ઇસ્લામી જેહાદી ત્રાસવાદી જૂથોનો સામનો કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ ઉલટાની તેને મદદ કરવી જોઈએ. જોકે સિરિયાની તેની આ મુલાકાતથી વિવાદો પણ થયા હતા, પરંતુ તેનાથી એ સાબિત થયું કે નાની ઉંમરે પણ તુલસી અમેરિકન નીતિઓ અને અમેરિકાની વિદેશ નીતિનો અભ્યાસ કરતી થઈ છે.

ડૉ. સંપતે જ જાહેરાત કરી કે આપણી વચ્ચે ઉપસ્થિત તુલસી કદાચ 2020માં ચૂંટણી લડશે ત્યારે સૌએ તેને તાળીથી વધાવી લીધી હતી. જોકે તુલસીએ બાદમાં હા પણ કહ્યું નથી અને ના પણ કહ્યું નથી. અમેરિકન પદ્ધતિ પ્રમાણે સત્તાવાર જાહેરાત પહેલાં તે જુદા જુદા જૂથોને મળશે. કેમ્પેઇન માટે ફંડ ઊભું કરશે અને પછી સત્તાવાર જાહેરાત કરશે. બીજી બાજુ ટ્રમ્પ માટે પણ ભારતીય સમુદાયનો ટેકો છે. હકીકતમાં ગત ચૂંટણી વખતે ભારતીય સમુદાયનો વધારે ટેકો ટ્રમ્પને મળ્યો હતો, કેમ કે તેઓ પણ ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો ખુલ્લો વિરોધ કરતા હતા.

હવે તુલસી પણ ધારણા પ્રમાણે રેસમાં ઝુકાવશે ત્યારે ફરી એકવાર ભારતીય અમેરિકન સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હશે. ટ્રમ્પને ટેકો આપનારા પણ હશે અને તુલસીને ટેકો આપનારા હશે. મૂળ ગોરી પ્રજા સિવાયની પ્રજામાં સૌથી વધુ ધનિક વર્ગમાં ભારતીયોનો સમાવેશ થાય છે. યહુદીઓ પછી ભારતીયો પાસે સૌથી વધુ પૈસો છે. સરેરાશ અમેરિકનની માથાદીઠ કરતાં સરેરાશ ભારતીય અમેરિકનની માથાદીઠ આવક વધારે છે. એટલે અમેરિકામાં કોઈ પણ ઉમેદવારની કેમ્પેઇનમાં ભારતીયોની અવગણના થાય નહી. ભારતીયો ચૂંટણી ભંડોળમાં મોટું દાન આપતા હોય છે, તેથી તુલસી પણ હવે ભારતીય સમુદાયના જોરે ભંડોળ એકઠું કરીને કેમ્પેઇન લોન્ચ કરશે તેમ મનાય છે.

તુલસીના પ્રથમ લગ્ન પછી 2005માં છૂટાછેડા થઈ ગયાં હતાં. તે પછી તેણે 2016માં ફરી ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા. ચાર વખતથી તે હવાઈમાંથી સાંસદ તરીકે જીતતી આવી છે. તેણે અમેરિકન સંસદમાં ગીતા પર હાથ રાખીને સભ્યપદના સોગંદ લીધા હતા. તેમના વતી પ્રાસંગિક જાહેરાત કરનારા ડૉ. સંપત આગળ કહ્યું તે પ્રમાણ રિપબ્લિકન પાર્ટીના છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતીય સમુદાયનું સમર્થન એકઠું કરવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી. ડૉ. સંપત ભારતીય સમુદાયની રાજકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું નામ છે. તેઓ ભૂતપૂર્વ પ્રમુખ બુશની પણ નજીક હતા. બુશના શાસન વખતે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી પ્રથમવાર થઈ ત્યારે તેની પાછળ ડૉ. સંપતના પ્રયાસો હતા. હવે તેમણે રિપબ્લિકન હોવા છતાં ડેમોક્રેટ તુલસીને સમર્થન આપ્યું છે, તે દેખાડે છે કે તુલસી ભારતીય અમેરિકનોમાં બહુ લોકપ્રિય છે.

મજાની વાત એ છે કે ડેમોક્રેટિક પાર્ટીમાં તુલસીની સામે બીજું એક નામ સ્પર્ધામાં કદાચ હશે તે પણ ભારતીય છે. તેમનું નામ છે કમલા હેરિસ. કેલિફોર્નિયાના સેનેટર અને મૂળ ભારતીય કમલા હેરિસ પણ કદાચ 2020ની રેસમાં જોડાશે. 37 વર્ષની તુલસીએ નાની વયે વધારે અનુભવ મેળવ્યો છે, જ્યારે 49 વર્ષના કમલા પણ એટલા જ અનુભવી છે. તેમણે બરાક ઓબામા માટે પ્રચાર કરવા માટે ઘરેઘરે ફરીને કામ કર્યું હતું. તેમણે ધ્યાન ખેંચવા માટે પીઝા ડિલવરીનું કામ કર્યું હતું અને અમેરિકન પ્રેસમાં તે ઘટના ચમકી પણ હતી.

કમલાના માતા શ્યામલા ગોપાલન મૂળ તામિલનાડુના હતા અને અમેરિકામાં કેન્સર રિસર્ચર હતા. તેમણે મૂળ જમૈકાના ડોનાલ્ડ હેરિસ સાથે લગ્ન કર્યા હતા. એ રીતે કમલા હેરિસ ભારતીય મૂળના લોકો ઉપરાંત અન્ય વસાહતી જૂથ સાથે પણ જોડાણ સાધી શકે છે. આ બેની સાથે નિકી હેલીનું નામ પણ કદાચ જોડાશે. જોકે યુએનમાંથી અમેરિકન પ્રતિનિધિ તરીકે રાજીનામું આપીને નિકી પ્રમુખ ટ્રમ્પને મળ્યા ત્યારે ખાસ કહ્યું હતું કે પોતે ટ્રમ્પની સામે રેસમાં ઉતરવાના નથી.આપણે ભારતીય રાજકારણથી ટેવાયેલા છીએ એટલે એવું માનીએ કે કંઈ પણ થઈ શકે. બોલ્યું ફરી શકાય છે. અમેરિકામાં પણ બોલ્યું ફરી શકાય છે, પણ એટલું નહીં જેટલું ભારતમાં. એવું માનવામાં આવે છે કે નિકી વધારે સિરિયસ કેન્ડિડેટ છે અને 2024ની તૈયારી માટે અત્યારે રાજીનામું આપ્યું છે. ટ્રમ્પનો વિરોધ કરીને તેઓ 2020માં પોતાની તક ગુમાવી દેવા માગતા નથી.

2016માં હિલેરી ક્લિન્ટન બહુ નજીક આવીને હારી ગયા હતા. તેમની મહત્ત્વાકાંક્ષા અમેરિકાના પ્રમુખ મહિલા પ્રમુખ બનવાની હતી. જોકે અમેરિકનો બિનગોરા પ્રમુખ પસંદ કરીને એક ઇતિહાસ રચી શક્યા હતા, એટલે તરત જ બીજો ઇતિહાસ રચવા તૈયાર નહોતા. અમેરિકા ફર્સ્ટ અને અમેરિકા ફોર અમેરિકન એવી રૂઢિચૂસ્ત માનસિકતા વધી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ તેમાં ફાવ્યા હતા. 21મી સદીમાં પણ અમેરિકા ઉદારતાની ચર્ચા વચ્ચે મૂળભૂત રીતે ગોરા લોકોનો, પુરુષોનો, ખ્રિસ્તીઓનો દેશ રહ્યો છે. આ બેમાંથી બે શરતો ઓબામામાં પણ હતી. ઓબામાના નામમાં બરાક હુસેન ઓબામા એમ મુસ્લિમ નામ હોવા છતાં તેઓ ખ્રિસ્તી હતા અને પુરુષ હતા. ફક્ત શુદ્ધ ગોરા નહોતા. હવે અમેરિકન સ્ત્રીઓ રાજકારણમાં પુરુષોના વર્ચસ્વને પડકારી રહી છે તેમાં આ ત્રણમાંથી એકાદ શરત જ પૂરી થાય તેવી શક્યતા છે. તુલસી ગોરી પ્રજામાંથી છે, પણ પુરુષ અને ખ્રિસ્તી નથી. નિકી હેલી ખ્રિસ્તી બની છે, પણ પુરુષ અને ગોરી નથી. કમલાના પિતા પણ બેપ્ટિસ્ટ હતા એટલે તે પણ ખ્રિસ્તી છે, પણ પુરુષ અને ગોરી નથી. અમેરિકન લોકો માત્ર એક જ શરત પળાતી હોય તેવી વ્યક્તિને પ્રમુખ તરીકે પસંદ કરશે ખરાં તે જોવાનું રહેશે. ભારતીય પ્રજા માટે એ રસનો વિષય હશે કે ગમે તે શરત સાથે અમેરિકાની પ્રથમ મહિલા પ્રમુખ બને, જો બને તો, તો તેમાં કશુંક ભારતીયપણું હશે.