ઈરાનની સેનાને જ અમેરિકાએ આતંકવાદી જાહેર કરી દીધી

રાનની રેવૉલ્યૂશરી ગાર્ડ કોર (ક્રાંતિકારી રક્ષક દળ)ને અમેરિકાએ સત્તાવાર રીતે આતંકવાદી સંસ્થા જાહેર કર્યું છે. ઈરાનમાં સેના પણ છે, પણ અસલી સેના આ ક્રાંતિકારી દળ છે. ઈરાનમાં 1979માં ઈસ્લામી ક્રાંતિ થઈ તે પછી આ દળની સ્થાપના કરવામાં આવી હતી. ઈરાનની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટેની મહત્ત્વની જવાબદારી હવે આ દળ પાસે જ છે અને તેથી તેને જ ઈરાનની અસલી સેના માનવામાં આવે છે. ઈરાનની સેનામાં સ્વાભાવિક છે કે ઈરાનના શાહના વફાદારો જ વધારે હોય. તેથી શાહને ઉથલાવી નાખ્યા પછી સેનાને સમાંતર શક્તિશાળી દળ ઊભું કરવું જરૂરી હતું. તેથી આયાતોલ્લા ખૌમેનીએ ક્રાંતિકારી દળની સ્થાપના કરી હતી અને આજે પણ તે જ સૌથી શક્તિશાળી સંગઠન ઈરાનમાં છે. એ રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક દેશની આખી સેનાને જ આતંકવાદી જાહેર કરી દીધી છે. તેના કેવા પડઘા પડશે તેની ચર્ચા થવા લાગી છે. અમેરિકા જેને આતંકવાદી જાહેર કરવા જોઈએ તેને કરતી નથી. પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની જરૂર છે. પાકિસ્તાની સેના ત્રાસવાદીઓના અડ્ડા ચલાવે છે, પણ પાકિસ્તાન અમેરિકાનો પીઠ્ઠુ દેશ હોવાથી તેને આતંકવાદી જાહેર કરાતી નથી. ઈરાન સામે અમેરિકા વાંકું પાડે છે, કેમ કે સાઉદી અરેબિયા સાથે અમેરિકા દોસ્તી રાખવા માગે છે.

સેનાની જેમ જ કામ કરતા ક્રાંતિકારી દળે બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ હાલમાં જ કર્યું છે. ક્રાંતિકારી દળને વારંવાર ચેતવણી છતાં બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવાનું કામ ચાલું છે. તેથી એ બહાને અમેરિકાએ તેના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જોકે ઈરાન પર આમ પણ આર્થિક પ્રતિબંધો અમેરિકાએ લગાડેલા જ છે. તેની એક સંસ્થા પર પ્રતિબંધોથી ઈરાનને વધુ ફરક પડવાનો નથી, પરંતુ અમેરિકાના કેટલાક જાણકારો કહે છે કે ટ્રમ્પ નાહકની જફા ઊભી કરી રહ્યા છે. અમેરિકન સૈનિકો મધ્ય પૂર્વના જુદા જુદા દેશોમાં લશ્કરી કામગીરી કરી રહ્યા છે. સિરિયામાં હવે લડાઈ પૂરી થવામાં છે, પણ હજી પૂરી થઈ નથી. ઘણા વિસ્તારોમાં ઈરાનના શિયા સૈનિકો સાથે અમેરિકાના સૈનિકોએ કામ પાર પાડવાનું આવે છે. તે સંજોગોમાં નાહકની દુશ્મની કરવાની જરૂર નહોતી એવું અમેરિકન જાણકારો કહે છે. આર્થિક પ્રતિબંધો જુદી વાત છે, જ્યારે ક્રાંતિકારી દળ પર પ્રતિબંધ મૂકીને શિયા સૈનિકોને અને શિયા જૂથોને પણ નારાજ કરાયા છે એવું ઘણાને લાગે છે.

ઈરાનની સેના પોતાની રીતે કામ કરે છે, પણ વધારે મહત્ત્વની જવાબદારી ક્રાતિકારી દળની હોય છે. તે સીધી રીતે ઈરાનના ધાર્મિક વડાને રિપોર્ટ કરે છે. ઈરાનના વડા આયાતોલ્લા અલ ખમૈનીના નિયંત્રણમાં જ ક્રાંતિકારી દળ કામ કરે છે. તેના કારણે જ અસલી સત્તા અલ ખમૈની પાસે જ છે. ક્રાંતિકારી દળમાં સવા લાખ જેટલા સૈનિકો કામ કરે છે. ઈસ્લામી ક્રાંતિ પછી ખૌમૈનીના રક્ષણ માટેની અને ઈરાનની સેનામાં શાહના વફાદારોને કાબૂમાં રાખવાની કામગીરી આ દળની હતી. જોકે ક્રાંતિના પછીના વર્ષે 1980માં જ સદ્દામ હુસૈને મોકો જોઈને હુમલો કર્યો તે પછી આ દળનો ઉપયોગ લડાઈમાં પણ થયો. ધીમે ધીમે તેની તાકાત વધતી ગઈ.

આજે તે સૌથી મજબૂત લશ્કરી સંગઠન બની ગયું છે. શરૂઆતમાં માત્ર નેતાઓની સુરક્ષા અને આંતરિક સુરક્ષાના કામ માટે કમાન્ડો દળ જેવી તેની કામગીરી હતી, પણ ઇરાક સાથેની લડાઈ પછી તેને સેના તરીકે વિકસાવાનું નક્કી થયું હતું. ક્રાંતિકારી દળ હેઠળ હવે સેનામાં હોય તે રીતે ત્રણ પાંખ છે. ભૂમિ દળ, નૌકા દળ અને હવાઈ દળ એવા ત્રણ વિભાગો સાથે ક્રાંતિકારી દળ એક સેના જ છે.

સેના કરતાંય આ દળનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે તેના વેપારી હિતો પણ છે. દેશમાં ઉદ્યોગો અને વેપારમાં તેનો સીધો હિસ્સો હોય છે. એક અનુમાન અનુસાર 20 ટકા જેટલો વેપાર આ દળની દેખરેખ હેઠળ થાય છે. આયાત નિકાસનું કામ કરનારી કંપનીઓ પર આ દળનું નિયંત્રણ છે. આ કંપનીઓ સાથે અમેરિકાના ઘણા ઉદ્યોગોના હિતો સંકળાયેલા છે. અમેરિકન બિઝનેસ પણ તેના કારણે ચિંતિત છે કે પ્રતિબંધ હેઠલ ક્રાંતિકારી દળ કે તેની નીચે કામ કરતી કંપનીઓ સાથે વેપાર કરી શકાસે નહિ. તેના કારણે મોટું વેપારી નુકસાન ઉલટાનું અમેરિકાની કંપનીઓને થાય તેમ છે.

ક્રાંતિકારી દળ પોતે એક કમાન્ડો યુનીટ જેવું જ હતું, પણ તે સેના બની ગઈ તે પછી પોતાનું અલગ ખૂફિયા દળ પણ વિકસાવ્યું છે. જાસૂસી કરતું અને ખાનગી ઓપરેશનો કરતું તેનું કમાન્ડો યુનીટ લેબેનોનમાં હિઝબુલ્લા સાથે અને ગાઝા પટ્ટીમાં હમાસ સાથે કામ કરે છે. યમનમાં તેના કમાન્ડો કામ કરે છે. સાઉદી અરેબિયા સામે લડી રહેલા હૂતિ બળવાખોરોને ઈરાની કમાન્ડો મદદ કરી રહ્યા છે. ક્રાંતિકારી દળને જોકે પહેલેથી જ અમેરિકા આતંકવાદી દળ માનતું આવ્યું છે. 2001માં તે વખતના અમેરિકન પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બૂશે તેને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ ગ્રુપની યાદીમાં મૂકાવ્યું હતું. રેવૉલ્યૂશનરી ગાર્ડની નીચે કામ કરતા કુદ્સ નામના કમાન્ડો યુનીટને પણ અલગથી 2007માં આ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એ જ વાતને આમ તો આગળ વધારી છે. તેમણે સમગ્ર દળને આતંકવાદી જાહેર કર્યું છે, જેથી તેની સામે આર્થિક અને લશ્કરી બધી કામગીરી થઈ શકે.

બીજું વાસ્તવિકતામાં મોટા ફાયદો થાય કે ના થાય, ઈરાન પર દબાણ વધારવા માટે આ જાહેરાત કરાઈ છે. આર્થિક પ્રતિબંધો ગયા નવેમ્બર મહિનાથી ફરીથી લગાડ્યા પછીય ઈરાન અણુશસ્ત્રો અને મિસાઈલ્સ કાર્યક્રમોની બાબતમાં વાટાઘાટો કરવા માટે તૈયાર થયું નતી. ઈરાન નોર્થ કોરિયાની જેમ ઢીલું પડે અને શસ્ત્ર નિયંત્રણ માટે અમેરિકા સાથે વાતચીત કરે તેવી ઈચ્છા અમેરિકાની છે. ઈરાન પર દબાણ વધારવા માટે ક્રાંતિકારી દળના વેપારી હિતો હશે તેના પર પ્રતિબંધોનો અમલ થાય તેવી કોશિશ થશે. તેની કંપનીઓ સાથે અન્ય દેશોની કંપનીઓ કામ કરતી હશે, તેને અટકાવવાની કોશિશ થશે જેથી ઈરાનને વધારે આર્થિક નુકસાન થાય. અમેરિકાની બેન્કો તથા ઉદ્યોગો ઉપરાંત અન્ય દેશોની બેન્કો, કંપનીઓ ઈરાન સાથે કરાર કરવામાં વધારે સાવચેત રહેશે તેમ જાણકારો માને છે.

કોઈ કંપની ઈરાનની કંપનીઓ સાથે કામ કરે તો તેની સામે પણ અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે. એ કંપનીઓ અમેરિકામાં કામકાજ કરતી હોય તો ત્યાં પણ પ્રતિબંધ આવી શકે છે. ઈરાન સાથે વેપાર કરનાર ઉદ્યોગપતિઓને અમેરિકા વીઝા પણ નહિ આપે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બૂશે લગાવેલા પ્રતિબંધોને વધુ કડક કરીને આર્થિક ભીંસ વધારી છે. આર્થિક રીતે ક્રાંતિકારી દળને ફટકો પડે તો આયાતોલ્લા અલ ખમૈનીની સત્તા નબળી પડી શકે છે. જોકે અગાઉના આર્થિક પગલાં છતાં ઈરાન ટકી ગયું છે. ભારત તથા જાપાન જેવા દેશો સાથે વેપાર ચાલતો રહ્યો છે. અગાઉ કરતાં તેમાં ઘટાડો થયો છે, પણ સંપૂર્ણપણે તે અટકી પડ્યો નથી. ભારત અને જાપાન પર અમેરિકા એક હદથી વધારે દબાણ કરી શકે તેમ નથી. તેથી ઈરાન સાથે થોડો ઘણો વેપાર ચાલતો જ રહે છે.

તેથી જ અમેરિકાના વેપારી હિતો ઉલટાના વધારે ચિંતિત બન્યા છે. આ નવેસરના પ્રતિબંધોથી અમેરિકાને મોટો ફાયદો મળવાનો નથી, પણ વેપારની બાબતમાં ઉલટાનું અમેરિકન કંપનીઓને નુકસાન થઈ જશે એવી ચિંતા પણ કેટલાક સેક્ટરમાંથી વ્યક્ત થઈ રહી છે. તેના કારણે જ સવાલ એ પૂછાઈ રહ્યો છે કે ઈરાન પર બીજા આર્થિક પ્રતિબંધો ચાલી જ રહ્યા હતા ત્યારે શા માટે ડોનાલ્ડ ટ્રમ્પે રેવૉલ્યૂશનરી ગાર્ડ પર પ્રતિબંધો મૂક્યા.

ક્રાંતિકારી દળે છેલ્લા થોડા સમયમાં બેલેસ્ટિક મિસાઇલના પરિક્ષણો કર્યા ત્યારે જ લાગતું હતું કે અમેરિકા તરફથી કોઈ પગલાં લેવાશે. જોકે અમેરિકામાં પ્રગટ થયેલા અહેવાલો અનુસાર આવા પ્રતિબંધોમાં ઉતાવળ ના કરવાની સલાહ પ્રમુખ ટ્રમ્પને અપાઈ હતી. પેન્ટાગોનના લશ્કરી અધિકારીઓ તથા સીઆઈએના ગુપ્તચરોએ પણ સલાહ આપી હતી કે પ્રતિબંધો મૂકવાથી કોઈ ફાયદો થવાનો નથી. ઉલટાનું નુકસાન થઈ શકે છે તેથી પ્રતિબંધના સૂચનનો વિરોધ થયો હતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની આદત મુજબ કોઈની સલાહ માન્યા વિના પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. એક દેશની આખી સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરી દેવાની વાતને કારણે આ નિર્ણય ચર્ચાસ્પદ પણ બન્યો છે. જોકે અમેરિકાનું દબાણ ઈરાન પર ખરેખર ઊભું થશે ખરું તે જોવાનું રહે છે. દબાણ વધે નહિ તો બહુ વાંધો નહિ આવે, પણ અમેરિકન સુરક્ષા નિષ્ણાતોએ વ્યક્ત કરેલી ચિંતા પ્રમાણે અમેરિકન દળોને વધારે ઘર્ષણમાં ઉતરવું પડે કે નુકસાન ભોગવવું પડે તો ટ્રમ્પે વધુ એક વિવાદનો સામનો કરવો પડશે એમ લાગે છે.