માલદીવની કટોકટીમાં ભારતની થશે કસોટી

ભારતના પડોશી દેશ માલદીવમાં કટોકટી ઊભી થઈ છે. આ અસલી કટોકટી છે. બંધારણને 15 દિવસ માટે અટકાવીને 15 દિવસ માટેની આંતરિક કટોકટીની જાહેરાત પ્રમુક અબ્દુલ્લા યામીને કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા વિપક્ષના ઘણા બધા પ્રમુખોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં અબ્દુલ ગયુમનો પણ સમાવેશ થાય છે. ગયૂમે 2008 સુધી સતત 30 વર્ષ એકહથ્થુ શાસન ચલાવ્યું હતું. હવે તેનો સાવકો ભાઇ અબ્દુલ્લા યામીન 2013માં બીજી ચૂંટણીમાં જીતીને પ્રમુખ બન્યો હતો. તેણે સાવકા ભાઈ ગયૂમની પણ ધરપકડ કરી લીધી છે.

બધા જ વિરોધ પક્ષોએ ભેગા થઈને અબ્દુલ્લા યામીન સામે છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ ચલાવી હતી. પ્રમુખને પદ પરથી દૂર કરવા જોઈએ એવી અરજી પણ વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. સુપ્રીમ કોર્ટ પ્રમુખને હટાવવાનો હુકમ આપે તે પહેલાં આવું કંઈક થશે તેવો અંદાજ હતો જ પ્રમુખના ટેકેદારો એવું કહી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટને આવો કોઈ અધિકાર નથી. પરંતુ ગયા અઠવાડિયે મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ્લા સઈદે ચુકાદો આપ્યો કે વિપક્ષના એક ડઝન જેટલા નેતાઓ જેલમાં છે તેમને છોડી મૂકવા. આ ચુકાદા પછી પ્રમુખ યામીન સાવધ થઈ ગયા હતા. તેમણે સુપ્રીમના આદેશનો અમલ કર્યો નથી. તેના કારણે આંતરરાષ્ટ્રીય દબાણ વધવા લાગ્યું હતું. તેથી તેમણે આખરે વિપક્ષી નેતાઓને જેલમાંથી છોડવાના બદલે બાકી રહી ગયેલા નેતાઓને પણ પકડીને જેલમાં પૂરી દીધા છે. મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ્લા સઈદને પણ પકડી લેવાયા છે.

80 વર્ષના સાવકા ભાઈ અબ્દુલ ગયૂમ પણ વિપક્ષ સાથે મળીને ભાઈ સામે પડ્યા હતા. જોકે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નહોતો, છતાં તેઓ સૌથી વધુ મજબૂત છે, કેમ કે 30 વર્ષ શાશન કર્યું હતું. તેથી તેમને પણ પકડી લેવાયા.
પ્રમુખના ટેકેદારો હવે કહી રહ્યા છે કે દેશમાં સુધારાઓની જરૂર છે. દેશના કાયદા અને બંધારણમાં સુધારા કરવા પડશે જેથી રાજકીય અસ્થિરતા દૂર કરી શકાય તેવું બહાનું આગળ ધરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે થોડા મહિના પહેલાં જ પ્રમુખ અબ્દુલ્લા યામીનની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. 2013ની ચૂંટણીમાં જીત મળી, પણ પછી તેમના પક્ષમાં આતંરિક અસંતોષ હતો. થોડા મહિના પહેલાં તેમના પક્ષના 12 સભ્યોએ બળવો કર્યો. તેના કારણે સરકાર લઘુમતમાં આવી ગઈ છે. આ 12 સભ્યો સાથે વિપક્ષ બહુમતીમાં આવી ગયો છે. સંસદમાં જો અવિશ્વાસની દરખાસ્ત લાવવા દેવામાં આવે તો સત્તા જતી રહે.

આ 12 સભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવે તો વાંધો ના આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારે ચુકાદો આપ્યો કે આ 12 સાંસદોને ગેરલાયક ઠરાવી શકાય નહિ. તેમને ફરીથી સાંસદ બનાવવાનો ચુકાદો આવ્યો તે સાથે જ સરકારને બહાનું મળી ગયું કે કોર્ટ પણ બંધારણનું ખોટું અર્થઘટન કરે છે. પ્રમુખના ટેકેદારો કહે છે કે સુપ્રીમ કોર્ટ પણ કંઈ બંધારણ અને કાયદાથી ઉપર નથી. બંધારણની ભાવનાની વિરુદ્ધ બળવાખોરોને સુપ્રીમ કોર્ટે રક્ષણ આપ્યું છે તે ચલાવી લેવાય નહિ એમ સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. તે પછી કોર્ટ આગળ થયેલાં ટોળાંને હટાવવા પોલીસને મોકલાઈ અને મુખ્ય ન્યાયધીશની પણ ધરપકડ કરી લેવાઈ છે.

ભારત સરકારે નિવેદન જાહેર કર્યું છે કે લોકતાંત્રિક અને કાયદાની પ્રણાલી અનુસાર માલદીવ સરકારે અને તેના વિભાગોએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવું જોઈએ. સાથોસાથ ભારતે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું છે કે માલદીવમાં રહીને કામ કરતા ભારતીયો અને ફરવા આવેલા પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે સરકાર જુએ.
ભારતે માત્ર નિવેદન આપ્યું છે, પણ ભારત કોઈ પગલાં લેશે ખરું? આ સવાલ અગત્યનો થઈ ગયો છે, કેમ કે ભૂતકાળમાં અબ્દુલ ગયૂમ પ્રમુખ હતા ત્યારે તેમની સામે બળવો થયો હતો. બળવાખોરોએ રાજધાની માલે કબજે કરી લીધી હતી. 1988માં તે વખતે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને ભારતે સેના મોકલીને ગણતરીના દિવસોમાં જ બળવાને દાબી દીધો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ભારતે શ્રીલંકામાં પણ સેના મોકલી હતી. જોકે માલદીવથી વિપરિત લંકાની લડાઈ લાંબી ચાલી હતી અને ભારતે ભોગવવાનું આવ્યું હતું.

તે પછી ભારતે નેપાળ સહિતના પડોશી દેશોમાં સીધી દખલગીરી કરી નથી. પણ હવે પડોશી દેશ માલદીવમાં ફરી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કેવું વલણ લેવું તેમાં ભારતની કસોટી થશે.

અબ્દુલ ગયૂમ સામે નવેમ્બર 1988માં બળવો થયો હતો અને તેમને સત્તા પરથી હટાવી દેવાયા હતા. શ્રીલંકામાં લડત ચલાવી રહેલા એક તમિલ જૂથે આ હુમલો કર્યો હતો. પિપલ્સ લિબરેશન ઓર્ગેનાઇઝેશન ઓફ તમિલ ઇલમના કેટલાક ગેરીલા બોટમાં આવ્યા અને માલે એરપોર્ટને કબજે કરી, બાદમાં રેડિયો સ્ટેશન સહિતની સરકારી ઇમારતોને કબજે કરી લીધી હતી. બહુ નાનું જૂથ હતું, પણ માલદિવની પોલીસ કે સેના પણ તેનો સામનો કરી શકી નહોતી.
આજે એવી સ્થિતિ નથી, કેમ કે સેના પર અબ્દુલ યામીનની મજબૂત પકડ છે. બીજું, માલદિવની સુપ્રીમ કોર્ટ સરકારને હટાવી શકે નહિ. સરકારને હટાવવાનું કામ સંસદે કરવાનું હોય એવું વલણ પ્રમુખના ટેકેદારોએ લીધું હતું. મજલિસ તરીકે ઓળખાતી સંસદમાં શાસક પક્ષ લઘુમતીમાં આવી ગયો છે, કેમ કે 12 સભ્યોએ બળવો કર્યો છે.
બીજું સાત મહિના પછી ચૂંટણી થવાની છે એટલે સંસદમાં લડવાના બદલે અદાલતમાં અને બાદમાં લોકોની અદાલતમાં જ વિપક્ષે લડવું રહ્યું એવો પણ એક મત છે.

વિપક્ષે આરોપ મૂક્યો છે કે યામીનના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. આક્ષેપોની તપાસ માટે એક કમિટિ બેસાડવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે પ્રમુખને કામચલાઉ સત્તા પરથી દૂર કરવા જોઈએ. બળવાખોરોએ પક્ષ છોડ્યો તે પછી મજલિસમાં કોઈ કાર્યવાહી જ ના થાય તેવી નીતિ યામીને અપનાવી છે. પોતાની સંપૂર્ણ બહુમતી ના હોવાથી વિપક્ષે એક થવાની કોશિશ કરી ત્યારે પ્રમુખે સેનાને સંસદમાં બોલાવીને વિપક્ષી સભ્યોને બહાર કાઢ્યા હતા. તે પછી મજલિસમાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી.

સાત મહિના પછી ચૂંટણી થશે કે કેમ તેની પણ હવે શંકા વિપક્ષને છે. કેટલાક કાયદાઓ પસાર કરીને નાગરિકોના અધિકારો મર્યાદિત કરાયા છે. બંધારણ બદલી નાખવાની પણ પ્રમુખ યામીનની ગણતરી હોય તેમ માનવામાં આવે છે.

જો યામીન ચૂંટણી ના કરે અને ડિક્ટેટરની જેમ શાસન કરવાની કોશિશ કરે તો ભારત શું કરે તે જોવાનું રહ્યું. ભારત માટે પ્રમુખ યામીન આમ પણ અળખામણા થયેલા છે, કેમ કે તેમણે પણ ભારતનું નાક દબાવવા ચીન સાથે સંબંધો વધારવાની કોશિશ કરી છે. બીજું ભારત સામે દખલગીરીના આરોપો પણ મૂકાતા રહ્યા છે. નેપાળમાં જે રીતે એક વર્ગ ભારતની દખલગીરી છે એમ કહીને ભારતવિરોધી સ્વર કાઢતો હોય છે તેવું માલદીવમાં પણ થઈ રહ્યું છે.
ભારત પોતાને અનુકૂળ હોય તેવી સરકાર માલદીવમાં લાવવા માગે છે તેવો ગણગણાટ શાસક પક્ષના ટેકેદારોમાં છે. ભારતના વિદેશ મંત્રાલયે જરૂર પડી ત્યારે આવી વાતોને મક્કમતાથી નકારી છે, પણ દક્ષિણ એશિયામાં સૌથી મોટા દેશ તરીકે ભારતે આવા આક્ષેપો સાંભળવા પડે છે. એક રીતે તેની જવાબદારી બને છે કે ભારતીય ઉપખંડમાં સ્થિરતા જળવાઈ રહે અને ભારતના હિતોને નુકસાન થાય તેવું કશું ના થાય. બીજી બાજુ નાના દેશોમાં દખલગીરીના આરોપોથી પણ સાવધાન રહેવું પડે.

આવા સંજોગોમાં ભારતે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે.