થાઈલેન્ડની ટ્રી-આનંદ ઝૂંબેશ આંગળી ચીંધી રહી છે…

વૃક્ષોના સંસાર એટલે જંગલ. હર્યાભર્યા જંગલોમાં અનેક જાત અને ભાતના વૃક્ષો એકબીજાના સહારે ફૂલેફાલે છે. મનુષ્ય જંગલોને સાફ કરીને વસાહત કરે છે અને સંસાર વસાવે છે, પણ પછી સંસારથી કંટાળે ત્યારે એ જ વનમાં જઈને વાસ કરીને સંન્યાસ ધારણ કરે છે. પણ વૃક્ષો પોતાનો સંસાર ઉઝડતો જુએ તો ક્યાં જાય? વૃક્ષોના પગ અનિવાર્યપણે પોતાની ધરતીમાં ખોડાયેલા છે. પોતાનો સંસાર છોડીને વૃક્ષો જઈ શકે નહીં. પોતાના સંસાર બચાવવા માટે વૃક્ષે ખુદને બચાવવા પડે. પણ મનુષ્ય નામના પ્રાણીનો સામનો કરવો બહુ મુશ્કેલ સાબિત થયો છે. પૃથ્વી પરથી અનહદ પ્રમાણમાં વનવિસ્તાર સાફ થઈ ગયો છે.
મનુષ્યને છેલ્લાં ઘણા વખતથી સમજાઈ ગયું છે કે કુદરતમાં સહઅસ્તિત્વ જરૂરી છે. ખેતી માટે ખુલ્લાં મેદાનો પણ જોઈશે અને વર્ષા તથા વહેતી નદીઓ માટે જંગલો પણ જોઈએ. સૂર્યનો તાપ જોઈએ અને વૃક્ષોનો છાંયડો પણ જોઈશે.
થાઇલેન્ડના બૌદ્ધ સાધુઓએ આ દિશામાં એક પહેલ કરી છે અને તેમણે વૃક્ષોને જ સંન્યાસ અપાવ્યો છે! બૌદ્ધ સાધુઓ પ્રત્યે લોકોની શ્રદ્ધા હોય છે, એવી જ શ્રદ્ધા વૃક્ષો તરફ જાગે તે માટે અનોખો પ્રયોગ વીસેક વર્ષ પહેલાં શરૂ થયો હતો. વૃક્ષને જ સાધુ ગણાવી દેવાનો અને નામ આપવાનું ટ્રી-આનંદ.
ભારતમાં ચીપકો આંદોલન ઉત્તરાખંડમાં શરૂ થયું હતું. હિમાલયની ટેકરીઓને નંદવી નાખનારા વૃક્ષો કાપવાના કોન્ટ્રેક્ટને અટકાવવા માટે ગ્રામજનો વૃક્ષોને વળગી જતાં. પહેલાં અમને કાપો, પછી જ વૃક્ષો કાપી શકાશે – એવી જાનની બાજી લગાવી દેવાઈ હતી. ભારતમાં આ વાત નથી. રાજસ્થાનનો બિશનોઇ સંપ્રદાય વૃક્ષોને સ્વજન ગણે. ખીજડાના વૃક્ષો કાપવા માટે રાજાના માણસો આવ્યાં ત્યારે 363 બિશનોઇ સ્ત્રી-પુરુષોએ વૃક્ષોને વળગીને પોતાના જીવ દઈ દીધાં હતાં. આ કથા ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
વૃક્ષોને વિશ્વની કેટલીક સંસ્કૃત્તિમાં દેવ ગણવામાં આવ્યા છે અને છતાં વનોનો વિનાશ થતો રહ્યો છે. માનવ વસતિ વધતી ગઈ તેના કારણે ખેતી કરવા અને કાગળ તથા રાચરચીલું બનાવવા માટે વૃક્ષોનું નિકંદન નીકળતું રહ્યું છે. આજકાલ ટીવી પર જોશો તો આફ્રિકાના એક દેશ ગેબોનની જાહેરખબર દેખાશે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં આવો અને તમારાથી કપાય એટલા વૃક્ષો કાપો. અમાપ ટિમ્બર ટ્રેઇલ અમારે ત્યાં છે માટે આવો અને નિકંદન કાઢો.
પછાત રહી ગયેલા દેશોમાં હવે વન વિસ્તાર ઘટી રહ્યો છે, જ્યારે વિકાસશીલ બની ગયેલા દેશોમાં છેલ્લી અડધી સદીથી જંગલો કપાવાની ગતિ વધી છે. થાઈલેન્ડ અને કમ્બોડિયામાં 1970 દાયકાથી ગેબોનની જેમ જ ઉદ્યોગની રીતે જંગલો કપાવા લાગ્યા અને ત્રીસ વર્ષમાં જમીનો ઉજ્જડ થવા લાગી. ત્યારે વનમાં વિહાર કરનારા બૌદ્ધ સાધુઓએ વૃક્ષોને જ સંન્યાસ આપી, તેમને જ સાધુ સ્વરૂપ આપવાનો વિચાર અપનાવ્યો હતો.
ફ્રક્રૂ પિટાક નાન્થકથૂન (Phrakru Pitak Nanthakthun) નામના સાધુને લાગ્યું કે હવે ધર્મ જ વૃક્ષોને બચાવી શકશે. ધર્મભીરુ સમાજમાં વૃક્ષોને પવિત્ર ગણાવી તેને કાપતાં અટકાવાનો ઉપાય તેમણે અજમાવ્યો. તેઓ પોતાના વિસ્તારના બહુ જૂના અને ઘટાદાર વૃક્ષોને વિધિવત સંન્યાસ આપવા લાગ્યા. તેઓ ભક્તોને એકઠા કરે અને વૃક્ષ પાસે જાય. પૂજાવિધિ થાય અને વૃક્ષને ફરતે કેસરી રંગનું કપડું વીંટીને તેમને સાધુ જાહેર કરવામાં આવે અને તેનું નામ રખાય ટ્રીઆનંદ. સાધુસ્વરૂપ આ વૃક્ષને હવે ધર્મભીરુ કઠિયારો કાપવાની હિંમત કરે નહીં.
બુદ્ધને બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે કથા જાણીતી છે. તેથી પૂર્વ એશિયાના જે દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયો ત્યાં પણ બૌદ્ધ સાધુઓ વૃક્ષોને પવિત્ર ગણે છે. થાઈલેન્ડમાં થેરાવાદ તરીકે ઓળખાતો બૌદ્ધ સંપ્રદાય વધારે પ્રચલિત છે. તેના સાધુઓ પણ વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરવામાં માને છે. જૈન સાધુઓના ચાતુર્માસને મળતો રિવાજ અહીં પણ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન વન વિસ્તારમાં જઈને કોઈ મોટા વૃક્ષની નીચે ઝૂંપડી બાંધીને ધ્યાન કરવામાં આવે છે. આવી રીતે ઝૂંપડી બનાવેલી હોય ત્યાં આસપાસના વિસ્તારમાં જંગલોને યથાવત રહેવા દેવામાં આવતા હતા. આસપાસની ભૂમિને તપોભૂમિ ગણીને જાળવવામાં આવતી હતી.
જોકે 1960ના દાયકા પછી ચિત્ર બદલાવા લાગ્યું હતું. અત્યારે આફ્રિકાનો દેશ જે રીતે દુનિયાભરમાં પ્રચાર કરે છે કે અમારે ત્યાં ટિમ્બર કાપવા માટે આવો, તે રીતે થાઈલેન્ડ અને કંબોડિયામાં જંગલો સાફ કરીને લાકડાની મોટા પાયે નિકાસ કરવાનો ઉદ્યોગ ધમધમવા લાગ્યો હતો. 1998 સુધીમાં એક અંદાજ અનુસાર થાઈલેન્ડના 66 ટકા જેટલા જંગલોનો વિનાશ થઈ ગયો.
જંગલોનો મોટા પાયે વિનાશ કરીએ તો શું પરિણામ આવે તેનું પરિણામ પણ પ્રજાને દેખાવા લાગ્યું. 1988માં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી હતી. વૃક્ષો કાપીને નાગા કરી દેવાયેલા પર્વતો ભારે વરસાદમાં ટકી શકે તેમ નહોતાં. મોટા પાયે ભેખડો ધસી પડવા લાગી અને ત્રણસોથી વધુ લોકોનાં મોત થયાં હતાં. વનોનો વિનાશ અટકાવવા માટે ધર્મનો જ આશરો લેવો પડશે એવું કેટલાક બૌદ્ધ સાધુઓને લાગ્યું હતું. બધા ધર્મમાં અને બૌદ્ધ ધર્મમાં ખાસ ઉપદેશ અપાયો છે કે જીવન પરસ્પર અવલંબિત છે. આ બ્રહ્માંડમાં સૌનું સહઅસ્તિત્ત્વ જરૂરી છે. કુદરતના એક હિસ્સાને હાનિ કરવામાં આવે તો તેનું નુકસાન આપણે પણ ભોગવવું પડે છે. પણ માત્ર આવા ઉપદેશથી કામ ચાલે તેમ નહોતું. લોકો સાંભળે ખરા, પણ વૃક્ષો કાપવાનું છોડે નહીં. તેથી આખરે વૃક્ષને જ સાધુ બનાવીને તેને બચાવવા માટેનું અભિયાન ચાલુ કરાયું હતું. પ્રારંભમાં તેનો પણ વિરોધ થયો હતો. કેટલાક સાધુઓની હત્યા પણ થઈ હતી, કેમ કે તેઓ વૃક્ષો કાપવા દેતાં નહોતાં.
તેથી જ ફ્રક્રૂ પિટાક નાન્થક્થૂને વિચાર્યું કે વૃક્ષોને સાધુ બનાવો. આ વિચાર અસરકાર સાબિત થયો અને પડોશી દેશ કમ્બોડિયામાં પણ તેનો અમલ થવા લાગ્યો હતો. આજે હવે તે એક ઝૂંબેશ તરીકે બંને દેશોમાં ચાલે છે. વૃક્ષોને સંન્યાસ આપીને તેમને બચાવવા માટેની ઝુંબેશ એક ધાર્મિક ઝૂંબેશ ઉપરાંત સામાજિક અને કેટલાક અંશે રાજકીય ઝૂંબેશ પણ બની છે. હવે નિયમિત આવી ઝૂંબેશમાં જોડાયેલા સાધુઓના સંમેલનો પણ મળે છે અને સરકારો ગભરાય પણ છે કે તેમાંથી બીજા કોઈ ફણગા ના ફૂટે.
આવા સંમેલનો મળે ત્યારે સરકાર પોલીસ મોકલીને તેને અટકાવવા પણ કોશિશ કરતી હોય છે. જોકે સ્થાનિક પોલીસ પણ શ્રદ્ધાળુ હોય છે અને તેમને ‘વૃક્ષાનંદ’ નામના સાધુ પાસે લઈ જવામાં આવે ત્યારે તેઓ પણ દેખાવ ખાતરની કાર્યવાહી કરીને સાધુઓને તેમનું કામ કરવા દેતા હોય છે.
ભારતમાં બિશનોઇ સમાજની વૃક્ષને સ્વજન ગણાવવાની રીત અને ઉતરાખંડનું ચીપકો આંદોલન તથા દક્ષિણના નીલગીરીના જંગલોમાં પણ થયેલું એવું જ આંદોલન ઉદાહરણરૂપે હાજર છે. આમ છતાં ભારતમાં પણ જંગલો ઓછા થવાની સમસ્યા ઊભી જ છે. ભારતના ધર્મગુરુઓએ થાઈલેન્ડ અને કમ્બોડિયાના બૌદ્ધ સાધુઓમાંથી શીખ મેળવીને પોતાના ધર્મોપદેશમાં હવે વૃક્ષો બચાવવાનો મુદ્દો ઉમેરવો જોઈએ. સાધુઓ ફાઇવસ્ટાર આશ્રમો બનાવે છે, જેમાં હરિયાળી હોય છે, પણ તે ગાર્ડન ટાઇપ હોય છે. જરૂર છે અડાબીડ ઊગી નીકળતા જંગલોની. ભારતમાં પણ ‘વૃક્ષમહારાજ’, ‘પીપળદેવ’, ‘લીમડાબાપુ’, ‘ખીજડાનંદ’, ‘વડસ્વામી’ની જરૂર છે ખરી. કે નહીં?