મધરાતે મહિલા કાર લઇને નીકળી અને…

ઘટના સાઉદી અરેબિયાની છે. શનિ અને રવિવારની વચ્ચેની મધરાતે એક મહિલા બરાબર બારના ટકોરે પોતાના ઘરની બહાર નીકળી. ચાર વર્ષના દીકરાને ઉંઘાડી દીધો અને કારની ચાવી લઈને બહાર આવી. રિયાધના નાર્જિસ વિસ્તારમાં તેનું ઘર આવેલું છે. સફેદ રંગનો અબાયા (બુરખો, જેમાં ચહેરો ખુલ્લો રહી શકે) તેણે ધારણ કર્યો હતો. બહાર પાર્ક કરેલી પોતાની GMC કાર પણ સફેદ રંગની. સાથે તેની બહેનપણી પણ હતી. બંને નારીઓ કારમાં સવાર થઈ.નાર્જિસની એ શેરીમાં હજી પણ કેટલાક લોકો જાગતાં હતાં. તે લોકો સમર નામની આ નારીને સારી રીતે જાણતા હતા, કેમ કે તે ટીવી એન્કર તરીકે કામ કરે છે. પણ તેને કાર ચલાવતી જોવી એ તેમના માટે પણ લહાવો હતો. એક પડોશી મોડેથી ખરીદી કરીને આવ્યાં હતાં. તેમના હાથમાં બે થેલા હતાં. તેમણે પોતાની કારમાંથી થેલા કાઢ્યાં અને પોતાની કારના હૂડ પર રાખીને સમરને જોતાં જ રહી ગયાં.
સમરે કાનમાં રિંગ અને પગમાં સેન્ડલ પહેર્યા હતા અને સલુકાઇથી પોતાની કારમાં સવાર થઇ ગઇ. બીજા પડોશીઓ પણ ત્યાં સુધીમાં તેને જોવા આવી ગયાં હતાં. સમર કહે છે કે ઘડીક તો મારા પેટમાં પણ કૂચા વળવા લાગ્યાં હતાં. આખરે હું કાર ચલાવી રહી હતી. મારી આ શેરીમાં, નાર્જિસની ગલીઓમાં, રિયાધની આ સડક પર હું આખરે કાર ચલાવીશ એ વિચાર મને અજબ લાગણી થઈ રહી હતી.
રવિવારથી સાઉદી અરેબિયામાં મહિલાઓને કાર ચલાવવાની આખરે છૂટ મળી ગઈ છે. આ વિશેની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી અને તે વખતે પણ દુનિયાભરના અખબારોએ તેની નોંધ લીધી હતી. બુરખામાં એકલા બહાર નીકળવાની પણ જ્યાં છૂટ નહોતી, ત્યાં મહિલાઓને કાર ડ્રાઇવ કરવાની છૂટ આપવી મોટો સુધારો ગણાય.

શનિવારે મધરાતે મુદત પૂરી થઈ અને રવિવારનો દિવસ શરૂ થયો તે સાથે જ સમરે મુક્તિની યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો. બહુ બધા પત્રકારો અને ફોટોગ્રાફરો પણ પછી તો તેની પાછળ પાછળ ફર્યા. રિયાધના રસ્તાઓ પર આ જોણું થયું હતું. સમર આમ પણ થોડી જાણીતી હતી. ઘણા લોકો તેને ઓળખી ગયાં હતાં. લોકો તેની કારને વારેવારે અટકાવતા હતાં અને તેનું અભિવાદન કરતા હતા. છૂટ અપાશે ત્યારે મહિલા ખરેખર કાર લઈને જાહેરમાં નીકળશે ખરી તેવી ઘણાને શંકા હતી. સમરે ખરેખર કાર લઇને ફરતાં જોઈને લોકોને હજી પણ જાણે કે વિશ્વાસ આવતો નહોતો.
આકાશમાં ચાંદ ખીલ્યો હતો. સમર પણ જાણે તે ચાંદ સામે જોઈને ખાતરી કરી રહી કે ખરેખર એ દિવસ આવ્યો ખરો કે પોતે આ રસ્તાઓ પર ડ્રાઇવ કરી રહી છે. આ રસ્તાઓ તેના માટે અજાણ્યાં નહોતાં, પણ આજે અજબ લાગી રહ્યાં હતાં, કેમ કે પોતે જાતે કાર ચલાવી રહી હતી આ રસ્તાઓ પર. શેખે છૂટ આપી દીધી, પણ લોકો તૈયાર છે ખરાં તે સવાલ હતો. પરંતુ સમરને અનેક લોકોએ ઉત્સાહથી અભિનંદન આપ્યાં હતાં. તેનો અર્થ એ કે કમ સે કમ રિયાધ જેવા શહેરમાં અને ભદ્ર વિસ્તારમાં તેને આવકાર મળ્યો છે.2013માં શેખ સાલેહ અલ-લુહાઇદાન નામના મૌલવીએ એવી વિચિત્ર વાત કરી હતી કે મહિલાઓ ડ્રાઇવિંગ કરશે તો તેના કારણે તેનું પેડુ ઉપર ચડી જશે અને સંતાનોને જન્મ નહીં આપી શકે. તેના કારણે ઘણાંને પ્રોત્સાહન મળ્યું હતું અને સોશિયલ મીડિયામાં મહિલા ડ્રાઇવિંગ સામે વિરોધની ઝૂંબેશ પણ ચાલી હતી. પણ લાગે છે કે આ પાંચેક વર્ષમાં વિરોધ ઓછો થયો છે, કેમ કે ઘણાં બધાં લોકોએ સમરને હાથ હલાવીને મોં મલકાવ્યું હતું. વચ્ચે એક જગ્યાએ નાનકડો અકસ્માત થયો હતો. ત્યાં પોલીસ સાથે જુવાનિયાઓ ભેગા થઈ ગયા હતા. છોકરાઓએ ચિચિયારી કરી એટલે પોલીસે પણ આ નવીનતા જોઈ અને ખુશ થયા હોય તેવું તેમના ચહેરા પરના સ્માઇલથી લાગતું હતું. એક કપલ જઈ રહ્યું હતું. તેમાં પુરુષે જિન્સ અને ટીશર્ટ પહેર્યા હતા, પણ મહિલા અબાયા અને નિકાબમાં ઢંકાયેલી હતી. આ કપલ પણ થોડી વાર માટે સમરને ડ્રાઇવ કરતાં જોવા ઊભું રહી ગયું હતું.

સમર પોતાના આ અનુભવ કહે છે કે હવે માત્ર સાઉદીની સરકાર નહી, પણ લોકો પણ તૈયાર છે. મહિલાઓ ડ્રાઇવ કરે તે માટે હવે કોઈ વાંધો નહીં આવે એમ સમરને લાગે છે. સમરે બાદમાં પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે પોતે પોતાના દીકરાને લઈને પિયર જવાની છે. પોતાની એસયુવી લઈને જ જશે. તેના સૌથી નાના દીકરાને થોડી બિમારી છે, પણ તેને મામાના ઘરે મજા પડે છે. સમર કહે છે કે તેની અમ્માને પણ કે પોતાની કારમાં બેસાડીને તેને જ્યાં જવું હશે ત્યાં ફરવા લઇ જશે.

જોકે તેનો અર્થ એ નથી કે મોટાપાયે સાઉદી અરેબિયામાં છૂટછાટો આવી ગઈ હોય. આ કેટલીક સિમ્બોલિક છૂટછાટ છે અને રિયાધ જેવા મોટા શહેરોમાં જ તેનો લાભ થોડી ઘણી સમર જેવી મહિલાઓ લઈ શકશે. કેમ કે હજી પણ સ્ત્રીની માલિકી પુરુષની જ ગણાય છે. આજે પણ સાઉદી અરેબિયાની નારીએ કંઈ પણ કરતાં પહેલાં પિતા, ભાઇ કે પતિની મંજૂરી લેવી પડે છે.સાઉદી અરેબિયામાં મહિલાઓની મુક્તિનું આંદોલન ચાલ્યું હોય તેવી પણ કોઈ વાત નથી. આ તો શેખને પોતાને વિચાર આવ્યો એટલે થોડી છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. તેનાથી મોટો કોઈ ફરક પડવાનો નથી, કેમ કે પંદર દિવસ પહેલાં જ એક મોટી હોટેલમાં ફેશન શો યોજાયો ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ હતી. સ્ત્રીના વસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન થયું, પણ તે વસ્ત્રોની અંદર મહિલાઓ નહોતી. વસ્ત્રોને હેંગર વડે ડ્રોન સાથે લટકાવાયા હતા અને ડ્રોન ઊડતું જાય અને ડ્રેસનું પ્રદર્શન થતું જાય તેવું જોણું થયું હતું.

સમર ટીવીમાં કામ કરતી હોવાથી જાણે છે કે આ નિર્ણય પાછળ શેખની પણ કેટલીક ગણતરીઓ છે. આ નિર્ણયને રાજકીય રીતે પણ જોવામાં આવે છે. નવા શેખ પોતાની આગવી છબી ઊભી કરવા માગે છે. પશ્ચિમમાં પણ તેમને છાપ પાડવાની ઇચ્છા છે.સમર હજીય કાળજીથી આગળ વધવા માગે છે, કેમ કે તે જાણે છે કે બે દાયકા પહેલાં શું થયું હતું. સમરને યાદ છે કે છેક 1990માં મહિલાઓએ કાર ડ્રાઇવ કરવા દેવાની છૂટ માગી હતી. ઓઇલની સમૃદ્ધિને કારણે સારા રસ્તા અને મોંઘી વિદેશી કાર ઘરેઘરે હોવા છતાં મહિલાઓ પોતે કદી એકલી કાર લઇને નીકળી શકે નહીં. છઠ્ઠી નવેમ્બર 1990ના રોજ કેટલીક મહિલાઓએ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. 47 મહિલાઓ એકઠી થઈ હતી અને વાહનો લઈને રિયાધની સડકો પર નીકળી પડી હતી. એ ઘટનાને ભારે હલચલ મચાવી હતી. પોલિસે મહિલાઓને અટકાવી અટક કરી હતી. નોકરી કરતી હતી એ મહિલાઓની નોકરી જતી રહી. કેટલીક મહિલાઓ માટે તેમના કુટુંબમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. આ ઘટના સમર સારી રીતે જાણે છે કે કેમ કે તે 47 મહિલાઓમાંથી એક ફૈઝા અલ-બક્રની સાથે જ સમર કામ કરે છે. ફૈઝા પણ પત્રકાર છે. એક અખબારમાં વર્ષોથી તે કામ કરે છે અને નિયમિત કોલમો લખે છે. સમર કહે છે કે ફૈઝા અને તેના જેવી 46 મહિલાઓએ તે વખતે માગણી કરી હતી તે હવે છેક બે દાયકા બાદ સાકાર થઈ રહી છે.

રિયાધ જેવા મોટા શહેરોમાં વધુ કેટલીક મહિલાઓ આ અઠવાડિયે સમરની જેમ કાર લઈને રસ્તા પર નીકળશે. લોકો શરૂઆતમાં તેમને કૂતુહલથી જોશે. મોટા ભાગના સમર્થન આપશે, પણ વિરોધ કરનારા પણ હશે તેમ સમરને લાગે છે. વિરોધ કરનારા વધારે હશે. માત્ર શહેરોમાં ઘરની આસપાસ અને બાળકોને શાળાએ લેવા મૂકવા સુધી જ કદાચ મહિલાઓને કુટુંબમાંથી છૂટ મળશે તેવું પણ સમરને લાગે છે. સાઉદીના શેખે છૂટ આપી દીધી, પણ મહિલાઓને તેમના ઘરમાંથી પણ છૂટ મળવી જરૂરી છે.