દસ મોટાં માથાં દિલ્હીમાં -મહેમાનગતિનું માહાત્મ્ય

સ માથાળા રાવણની તાકાત તોડવા માટે દક્ષિયાણન થવું પડ્યું હતું. પણ આ જમાનો મોટાં માથાં ફોડવાનો નહીં, જોડવાનો છે. એથી જ ભારતે આ વખતે 26 જાન્યુઆરીએ એક સાથે દસ દેશોના વડાઓને નોતરું આપ્યું હતું. દર વર્ષે કોઈ એકદેશના વડાને પ્રજાસત્તાક દિને નિમંત્રણ આપવાની પરંપરા રહી છે. આ વખતે પૂર્વ એશિયાના દસ દેશોના મહાનુભાવોની મહેમાનગતિ એક સાથે કરવામાં આવી. પૂર્વ એશિયાના દેશોનું સંગઠન આસિયાન તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 1966માં બેન્ગકોકમાં થઈ હતી, પણ ભારત સાથે તેનું જોડાણ થયું તેને 25 વર્ષ થયા છે. તેથી રજતજયંતિના બહાને કરાયેલી મહેમાનગતિનું માહાત્મ્ય ઘણું છે.
એક મોટું માથું ફોડવાની રણનીતિ પણ છે ખરી. એશિયામાં ચીનનું પ્રભુત્વ વધતું અટકાવવા માટે ભારતે સક્રીય થવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતે તે દિશામાં પ્રયાસો પણ કર્યા છે. દક્ષિણ ચીન તરીકે ઓળખાતા સમુદ્રમાં ટાપુઓ કબજે કરીને ચીન વિશાળ સમુદ્ર પર દાવો કરે છે. તે સમુદ્રના કિનારે કિનારે આવેલા દેશો માટે ચીનનો સામનો કેમ કરવો તે સવાલ છે. અમેરિકાને પણ રસ છે કે ચીનને કાબૂમાં રાખવું અને ભારતને પણ રસ છે કે ચીનને કાબૂમાં રાખવું.
પરંતુ ભારતે એશિયાના દેશો સાથે સંબંધો માત્ર ચીનની દૃષ્ટિએ નહિ, અન્ય રીતે પણ વિચારવાના છે. આસિયાન સંમેલનમાં આ વાત વધારે સારી રીતે મૂકવામાં આવશે. ભારતે મુખ્યત્વે વેપારની અને સહકારની વાતો કરી છે. તે પણ જરૂરી છે, કેમ કે લગભગ 17 ટકા જેટલો ભારતનો વિશ્વવેપાર આસિયાન દેશો સાથે છે. આ વેપારમાં વધારો પરસ્પરને ફાયદાકારક છે.
આસિયાન સંગઠનમાં હંમેશા પૂર્વ એશિયા સાથેના ભારતના નાતાને યાદ કરવામાં આવે છે. ભારતમાંથી ફેલાયેલો બૌદ્ધ ધર્મ પૂર્વ એશિયામાં ગયો હતો અને ત્યાંથી ચીન અને જાપાન. દક્ષિણ ભારતના સામ્રાજ્યોએ પૂર્વ એશિયામાં થાણા સ્થાપ્યા હતા. જાવા-સુમાત્રા-બાલી આપણા માટે જાણીતા નામો છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં સંસ્કૃત નામો અને રામાયણના પાત્રોની વાતો આપણે સાંભળીએ છીએ.
હવે એ જૂની વાતોથી આગળ વધીને નવેસરના સંબંધો બાંધવા ભારત માટે જરૂરી છે. પ્રાચીન સંબંધોને યાદ કરવાની મનાઇ નથી, પણ તેનું મહત્ત્વ યાદગીરીથી વિશેષ નથી. પૂર્વ એશિયાના સિંગાપોર જેવા નાના દેશો બહુ આગળ નીકળી ગયા છે. વેપારમાં અને વિચારસરણી બંનેમાં આગળ નીકળી ગયા છે.
હકીકતમાં આસિયાનની રચના થઈ ત્યારે ભારતને બહુ મહત્ત્વ અપાયું નહોતું. લગભગ 50 વર્ષ પહેલાંના એ સમયે ભારતને પછાત ગણાયું હતું. ભારતને પણ લાગતું હતું કે અમેરિકાનો પ્રભાવ આ સંગઠન પર છે. તે વખતે પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધના કારણે સંજોગોવશાત ભારતની વિદેશ નીતિ સોવિયેટ તરફી થઈ હતી. એ સંજોગોના કારણે લાંબો સમય ભારતની વિદેશ નીતિ અમેરિકા અને સોવિયેટ વચ્ચે ખેંચતાણમાં ખેંચાતી રહી હતી. પૂર્વ એશિયા સાથે સ્વતંત્ર રીતે સંબંધો અંગે વિચારવાની ભૂમિકા ઊભી થઈ નહોતી.
હજી પણ એવી ભૂમિકા ઊભી નથી થઈ કે પૂર્વ એશિયા અને એશિયા સાથેના સંબંધો અંગે ભારતે તદ્દન નવીન રીતે વિચારવું પડે. તેનો અર્થ એ નથી કે પ્રયાસો ના કરવા. ભારત માટે એક મુશ્કેલી એ પણ રહી છે કે પડોશી દેશો સાથેના સંબંધોમાં ઉતારચડાવ આવતો રહ્યો છે. ભાગલાને કારણે પાકિસ્તાન બન્યું અને બાદમાં ભારતે યુદ્ધની સ્થિતિમાં બાંગલાદેશનું સર્જન કર્યું. તેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રીતે પડોશી દેશો વચ્ચે હોય તેના કરતા અનેક આયામો સાથેના સંકુલ સંબંધો રહ્યા છે. નેપાળ અને શ્રીલંકામાં આંતરિક પરિવર્તનોના કારણે ભારત તરફની નીતિમાં ફેરફારો થતા રહ્યા છે. ભારત તે સારી રીતે સંભાળી શક્યું નથી તે હકીકત છે.
પડોશી દેશો અને દક્ષિણ એશિયાના દેશો સાથેના સંબંધોમાં ઉતારચડાવ વચ્ચે ભારત માટે બહુ દૂર પૂર્વમાં એશિયાના દેશો સાથેના સંબંધો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું આસાન નથી રહ્યું. પશ્ચિમ એશિયામાં મુસ્લિમ અને અરબ દેશો સાથેના સંબંધોમાં પણ એ જ સંકુલતા રહેલી છે. ખનીજ તેલ માટે ગલ્ફના દેશો પર આધાર અને ત્રાસવાદનો મુદ્દો દરેક વ્યૂહમાં મુખ્ય મુદ્દા તરીકે આવે જ.
તેની સામે પૂર્વ એશિયાના દેશો સાથે ભારત વધારે સહજ રીતે સંબંધો વિકસાવી શકે તેમ છે. પ્રાચીન સંબંધોનો રેફરન્સ પણ ખરો, પણ મહદ્ અંશે સાનુકૂળ. એ વાત ખરી કે જે બે દેશોમાં ભારતીય સંસ્કૃત્તિની અસર સૌથી વધારે હતી તે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ ઇસ્લામ ફરી વળ્યો છે. બર્મા સાથે બ્રિટીશકાળના ગાઢ સંબંધો હતા, પણ બર્મામાંથી મ્યાનમાર થયા પછી તે દેશ પોતે સંકોરાઇને બેસી ગયો હતો. તેણે પોતે જ દરવાજા બંધ કરી દીધા હતા.
દરમિયાન સિંગાપોર (અને હોન્ગકોન્ગ)માં અનોખો પ્રયોગ થયો હતો. ભૂતકાળ સાથેના તંતુઓ તોડીને આર્થિક પ્રગતિના એક માત્ર લક્ષ્ય સાથે પરંપરા અને સંસ્કૃત્તિ જેવા શબ્દોને લગભગ કોરાણે મૂકી દેવાયા હતા. ભારતે આજે સામાન્ય લાગે તેવા આર્થિક સુધારાના પગલાં લેવા માટે પણ છેક 1991 સુધી રાહ જોવી પડી હતી. અર્થતંત્રમાં મોકળાશના નિર્ણયો લેવાયા તે પણ મજબૂરીમાં લેવાયા હતા, મજબૂત મનોબળ અને વ્યૂહ સાથે નહિ. તેના કારણે પૂર્વ એશિયાના દેશો સાથે ભારત તાલ મિલાવી શકે કે કેમ તે શંકા રહેતી હતી. જાપાન, કોરિયા અને તાઇવાન પણ ખરા, જેમની પ્રગતિ દુનિયાને યાદ અપાવતી રહી કે આ પૃથ્વી પર પશ્ચિમ છે, તેમ પૂર્વ પણ છે. તે સંજોગોમાં એશિયા, પૂર્વ એશિયા અને અગ્નિ એશિયાના દેશો માટે ભારત કરતાંય આ ત્રણેય દેશો તરફ દૃષ્ટિ કરવાની વૃત્તિ વધારે હતી.
અને ચીન તો ખરું જ. ચીનની અવગણના હવે દુનિયામાં ક્યાંય થઈ શકે તેમ નથી. પૂર્વ એશિયા અને સમગ્ર એશિયામાં ચીનના પ્રભાવનો વિચાર સૌ પ્રથમ કરવો પડે. ભારતે આ સ્થિતિને યાદ કરીને જ પૂર્વાભિમુખ થવાની નીતિ અપનાવી છે. એ નીતિ ઉપયોગી પણ છે અને અસરકારક પણ છે. અસરકારક એ રીતે કે એક સાથે દસ નેતાઓને ભારતે નોતર્યા છે તેની નોંધ ચીને વિશેષ રીતે લેવી પડી છે. ઘરે પ્રસંગ હોય, ભારે ધામધૂમ હોય ત્યારે ઇર્ષાળુ પડોશી ગણગણાટ કરે તેવા નિવેદનો ચીનમાંથી આવ્યા છે. ચીનનો ચચરાટ અછાનો નથી રહ્યો. પણ ભારતના રાજદ્વારીઓએ અત્યારે તો યોગ્ય રીતે જ આસિયાન સંગઠનના મુદ્દે પરસ્પર સહકારના મુદ્દાને જ માહાત્મ્ય આપ્યું છે. ભારતે શરૂઆત સારી કરી છે, પણ માત્ર પ્રસંગોપાત મહેમાનગતિથી આગળ વધવું પડશે. ચીન જે રીતે વર્તે છે તે રીતે ભારતે વર્તવું પડે.
દાખલા તરીકે બર્માથી રેલ અને રોડ માર્ગે પૂર્વ એશિયા સાથેની કડી સ્થાપિત કરવી પડે. તેમાં બાંગલાદેશને પણ જોડી શકાય તો ખોટું નથી. જાણકારો કહે છે કે અગરતાલાથી બાંગલાદેશના અખૌરા વચ્ચે માત્ર 15 કિમી રેલ લાઇન નાખવાની જરૂર છે. તેના કારણે સીધા જ ઈશાન ભારતમાં અને ત્યાંથી બર્મા સાથે કનેક્ટિવીટી થઈ શકે. મ્યાનમારના સાથે 127 કિમીની રેલ લિન્ક થઈ શકે છ. તામુ-કલાય લિન્ક તરીકે ઓળખાતી આ યોજનાનો સર્વે ભારતીય રેલવે દ્વારા થયો પણ છે, પણ વાત આગળ વધી નથી. મ્યાનમારના અરાકાન દરિયાકાંઠે નવું પોર્ટ વિકસાવી શકે છે. ભારત-મ્યાનમાર-થાઇલેન્ડને જોડતો હાઇવે બનાવવો જોઈએ તેવું કાગળ પર તૈયાર થયું છે, પણ પ્રોજક્ટ બહુ ધીમી ગતિએ ચાલે છે. ભારતના ઇમ્ફાલથી બેંગકોક સુધીનો 1980 કિલોમિટરનો હાઇવે તૈયાર થાય તો કનેક્ટિવીટી વધે. આ માર્ગ પર મ્યાનમારમાં કલેવાથી યાર્ગી સુધીનો રસ્તો ભારત તૈયાર કરી આપવાનું છે. તેનો 120 કિમીનો કોન્ટ્રેક્ટ હાલમાં અપાયો છે. મ્યાનમાર કરતાં ભારતે આ પ્રોજેક્ટમાં વધારે રસ લેવો પડે તો જ ઝડપ આવે તેમ જાણકારો કહે છે.
સંમેલનો, સાંસ્કૃત્તિક આદાન-પ્રદાન અને સંબંધોની ઉજવણી કરતાંય આ પ્રકારના નક્કર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવે તેની અસર વધારે થતી હોય છે. ચીને પાકિસ્તાનમાં પોર્ટ તૈયાર કર્યું છે અને તેને જોડતો હાઇવે પણ બનાવ્યો છે. તે પણ ઝડપથી. ભારત આ બાબતમાં ચીન સાથે તાલ મિલાવી શકશે કે કેમ તે જોવું રહ્યું.