પીએમની માલદીવની તાજેતરની મુલાકાત જરુરી હતી નહીં તો…

ભારતે નાનકડા પડોશી દેશ માલદીવને કારણે થોડો સમય મૂંઝવણ અનુભવવી પડી હતી. માલદીવમાં શાસકો બદલાયા હતા અને તે ચીન તરફ સરક્યા હતા. શ્રીલંકાની જેમ માલદીવમાં પણ ચીનાઓ વિકાસના કાર્યો માટે લોન આપીને પગદંડો જમાવવા માગતા હતા. ભારતે નારાજી બતાવી હતી અને એરપોર્ટ સહિતના કેટલાક પ્રોજેક્ટનું કામકાજ ભારતે અટકાવ્યું હતું. જોકે હાલમાં માલદિવમાં સત્તા પરિવર્તન થયું છે અને તેના કારણે ફરી ભારત તરફી શાસકો સત્તામાં આવ્યા છે.માલદીવ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસિદ્ધ છે. 26 જેટલા મોટા અને બીજા નાના ટાપુઓનો બનેલો દેશ તેના સ્વચ્છ દરિયાકિનારા અને રળિયામણા બીચ માટે જાણીતો છે. તેની વસતિ ચાર લાખની છે, પણ દર વર્ષે તેના કરતાં ચાર ગણા લોકો તેની મુલાકાતે આવે છે. આવા દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી અને સાથોસાથ ધાર્મિક ઝનૂનીઓનું જોર વધવા લાગ્યું હતું તે ચિંતાનું કારણ હતું.

માલદીવમાં ચીન ઉપરાંત સાઉદી અરેબિયાથી નાણાં આવવા લાગ્યા હતા. વહાબી પંથને પ્રમોટ કરવા માટે આવતા નાણાંથી ઉદ્દામવાદ વધે તે ચિંતાનું કારણ હતું. એક અંદાજ અનુસાર 200થી વધુ યુવાનો આઇએસઆઇ માટે લડવા માટે સિરિયા ગયા છે. આ બહુ જોખમી નિશાનીઓ હતી. વર્ષના પ્રારંભે જ ગરબડ થઈ હતી. તે પછી ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે જેલમાં રહેલા 9 વિપક્ષી નેતાઓને છોડવાનો આદેશ આપ્યો હતો. એટલે તે વખતના પ્રમુખ અબ્દુલ્લા યામીને 15 દિવસ માટેની કટોકટીની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે પોતાની સરકારને ઉથલાવી નાખવાનું કાવતરું છે તેથી કટોકટી જાહેર કરી છે. પોલીસે ભૂતપૂર્વ પ્રમુખ મોમૂન અબ્દુલ ગયૂમની ધરપકડ કરી લીધી અને સુપ્રીમ કોર્ટની ઇમારતનો પણ કબજો કરી લીધો હતો.

પોલીસે બીજા વિરોધીઓને પકડવા માટે ટુરિસ્ટ રિસોર્ટમાં દરોડા પાડવા લાગી તેથી ટુરિઝમ પર પણ અસર થવા લાગી હતી અને લોકોમાં રોષ વધ્યો હતો. રાજધાની માલેમાં વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં દેખાવકારો ઉમટી પડ્યા હતા. માલદીવની બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારત દરમિયાનગીરી કરે તેવી માગણી સ્થાનિક ધોરણે થઈ હતી. 2013માં યામી સામે હારી ગયેલા ભૂતપૂર્વ પ્રમુખ મોહમદ નાશીદે જ કહ્યું હતું કે ભારતે પોતાના દળો મોકલવા જોઈએ. જોકે ભારતે સંયમ રાખ્યો હતો અને સેના મોકલી નહોતી. તે વખતે પણ ચીને દખલ કરી હતી અને કહ્યું હતું કે ભારતને સેના મોકલવાનો હક નથી.

ભારતે સેના મોકલવાના બદલે ડિપ્લોમેટિક માર્ગ અપનાવ્યો હતો. અબ્દુલ્લા યામીનની સરકાર પર દબાણ આવે અને ચૂંટણીઓ યોજાય તે માટેના પ્રયત્નો આંતરરાષ્ટ્રીય પરિબળોને સાથે રાખીને કર્યા હતા. આખરે સપ્ટેમ્બરમાં ચૂંટણીઓ થઈ અને નવા પ્રમુખ તરીકે ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ ચૂંટાઈને આવ્યા છે. ભારત માટે બહુ રાહતની વાત છે. ભારતના પ્રોજેક્ટ પણ ફરીથી માલદિવમાં શરૂ થઈ જશે. ચીને મદદ કરવાની વાત કરીને માલદિવને દેવામાં ઉતારી દીધો છે. તેની સામે ભારતે મદદની ખાતરી આપી છે. પ્રથમવાર માલદિવની મુલાકાત લેતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો કે માલદિવ સરકારના વિકાસના કાર્યોને મદદરૂપ થવાને અગ્રતા આપવામાં આવશે.

યામીનની ચીન તરફની નીતિઓ સામે ભારતે નારાજી બતાવી પણ હતી. કેટલાક પ્રોજેક્ટનું કામ ભારતે અટકાવી દીધું હતું. ભારત હવે તે પ્રોજેક્ટ્સ ફરી શરૂ કરશે. નવા પ્રમુખ સોલીહે પણ સ્પષ્ટ નિવેદન આપીને કહ્યું છે કે સૌથી નજીકના પડોશી સાથે સૌથી સારા સંબંધો રાખવા જરૂરી છે. સોલીહએ તેમની ટીમને આદેશ કર્યો છે કે ચીનના પ્રોજેક્ટ અને તેના કારણે ચીનનું કેટલું દેવું થઈ ગયું છે તેની તપાસ કરવી. તેને કઈ રીતે રિસ્ટ્રક્ચર કરવું તેની યોજના ઘડી કઢાશે અને તેમાં ભારત અને અમેરિકા તથા સાઉદી અરેબિયાની મદદ લેવાની આશા નવી સોલહી સરકારને છે.
તેમની નીકટ મનાતા આર્થિક બાબતોની સમિતના એક સભ્યે ગયા અઠવાડિયે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “અમને એવું કહેવાય છે કે દોઢ અબજ ડૉલરનું ચીનનું દેવું થઈ ગયું છે, પણ લાગે છે તેનાથીય મોટો બોજો ઊભો થયો છે.”

ચીને 400 કામદારો મોકલીને ફટાફટ ઇન્ટરનેશનલ એરપોર્ટને અને એક ટાપુને જોડતો બ્રીજ બનાવી આપ્યો હતો. પ્રભાવ પાડવા માટે તે બરાબર હતું, પણ ચીનનું દેવું હવે ભારે પડે તેમ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ વધુ એક રનવે સાથે વિસ્તૃતિકર હાથ ધરાયું હતું, કેમ કે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આ મામલે જ ભારત સાથે પણ વાંધો પડ્યો હતો, કેમ કે યામીનની સરકારે ભારતીય કંપની સાથે થયેલો 51.1 કરોડ ડૉલરનો કરાર રદ કરીને ચીનની કંપનીને આપી દીધો હતો.

ભારત અને અમેરિકા સાથે આર્થિક સહાય માટે ચર્ચા થયાનું કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે, પણ સાઉદી સાથે પણ ચર્ચાની વાતથી ભારતને ફરી ચિંતા થવી જોઈએ. કેમ કે સાઉદીની અસરને કારણે પણ દેશમાં આંતરિક વિખવાદ ઊભો થયો હતો. દક્ષિણ એશિયાના મુસ્લિમોમાં સુફીવાદનો પ્રભાવ રહ્યો છે, તે રીતે માલદિવમાં પણ હતો. પરંતુ તેને ભૂંસી નાખીને માલદિવમાં વહાબી ઉગ્રવાદ વધી રહ્યો હતો. જાણકારો કહે છે કે અગાઉ કરતાં વધારે મહિલાઓ બુરખા પહેરતી થઈ હતી અને રૂઢચૂસ્તતા વધવા લાગી હતી.

બીજી બાજુ ભારત સાથે થયેલા સલામતી સહકારનો કરાર પણ યામીને તોડી નાખ્યો હતો. આ વિસ્તારમાં ભારતીય સેના પેટ્રોલિંગ કરતી હતી, પણ તે સર્વેલન્સ કરે છે એમ કહીને તેનો વિરોધ કર્યો હતો. ભારતના બે હેલિકોપ્ટર અને 50ના સ્ટાફને જતા રહેવા કહેવાયું હતું, પણ ભારતે તેમ કર્યું નહોતું. આઇએસઆઇ અહીંથી યુવાનોની ભરતી કરે છે તે માટે ભારતે સાવધાની રાખવી જરૂરી છે. બીજી બાજુ ચીનને રાતોરાત ના પાડી દેવી પણ શક્ય નહિ બને. તેનું અબજોનું રોકાણ છે અને ચીનના પ્રવાસીઓ પણ મોટા પ્રમાણમાં માલદિવ આવે છે. તેથી તેની સાથેની ડીલ કઈ રીતે રિન્યૂ કરાશે તે જોવાનું રહ્યું. ચીને કદાચ સ્ટ્રેટેજિકલી ચીની પ્રવાસીઓની સંખ્યા વધારી હશે. અઢી લાખથી ત્રણ લાખ પ્રવાસીઓ માલદિવ આવે છે. તેનાથી ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.2013માં નાશીદ પ્રમુખ તરીકે યામીન સામે હારી ગયા તેનું એક કારણ તેમની વિરુદ્ધનો પ્રચાર હતો. એવો પ્રચાર થતો હતો કે નાશીદ વધારે સુધારાવાદી છે અને તેથી એન્ટી-ઇસ્લામ છે. તેમની વિરુદ્ધ પોસ્ટરો છપાયા હતા કે તેઓ માલદિવમાં ઇસ્લામને ખતમ કરવા માગે છે. માલદિવમાં 100 ટકા વસતિ મુસ્લિમ છે અને માત્ર મુસ્લિમને જ નાગરિકત્વ અપાય છે. વિપક્ષનું જોર વધતુ દેખાય ત્યારે યામીનના ટેકેદારો મારો ધર્મ, મારો દેશ એવા નારા સાથે રેલીઓ કાઢીને ધાર્મિક રૂઢિચૂસ્તતાને ભડકાવવાનું કામ કરતા હતા.સાઉદી અરેબિયાએ મોકો જોઈને યામીનની સરકારને 15 કરોડ ડૉલરની લોન પણ આપી હતી. વિદેશી દેવું ચૂકવવા માટે સહાય કરી હતી. આ સીધી સરકારને સહાય થઈ, પણ સાઉદીનું નાણું આડકતરી રીતે દેશમાં આવે છે વહાબી પંથનો પ્રચાર કરનારા ઇમામોને ઢગલાબંધ નાણાં મોકલવામાં આવે છે.

સૂફીવાદનો પ્રભાવ ઘટે, રૂઢિચૂસ્તતા વધે તે માટેના વર્ષોના પ્રયાસોના કારણે માલદિવમાં રાજકીય કટોકટી ઊભી થઈ હતી તેમ પણ જાણકારો કહે છે. અહીં બીજા ધર્મના લોકો નથી, પણ ઇસ્લામના પંથો વચ્ચે ઝઘડો ઉગ્ર બનાવાઈ રહ્યો છે. જમાતે ઇસ્લામી અને તબલિગી જમાતનું જોર વધી રહ્યું છે. હાલમાં તો ચૂંટણી પછી સરકાર બદલાઈ છે અને ફરી ભારતતરફી સરકાર આવી છે, પણ ધાર્મિક ઉન્માદ સામે નવી સરકાર કેવી રીતે કામ કરી શકે છે તે પણ મહત્ત્વનું બનવાનું છે. ચીનના દેવા વિશે તપાસ કરવાની વાત કરી છે, પણ આર્થિક મજબૂરી ચીની પ્રોજેક્ટ સામે કેટલો વિરોધ ટકવા દેશે તે પણ સવાલ છે. ભારત ચીન જેટલી જંગી મદદ કરી શકે કે કેમ તે પણ સવાલ છે.