ફરી આક્રમક થયું ઉત્તર કોરિયા! કિમે હાઈટેક હથિયારનું કર્યું પરીક્ષણ

સિયોલ-  પરમાણુ હથિયાર અને બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણના સ્થાને ઉત્તર કોરિયાએ નવા હાઈટેક હથિયારનું પરીક્ષણ કર્યું છે. પ્યોંગયાંગના સરકારી મીડિયાએ આના સંદર્ભે શુક્રવારે જાણકારી આપી હતી. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન હાઈટેક હથિયારના પરીક્ષણ વખતે રાષ્ટ્રીય રક્ષા વિજ્ઞાન એકેડમી ખાતે હાજર રહ્યા હતાં. યોનહાપ ન્યૂઝ એજન્સી મુજબ ઉત્તર કોરિયાના સરકારી પ્રસારકને ટાંકીને યોનહાપે કહ્યુ છે કે પરીક્ષણ સફળ રહ્યું હતું.

આ કેવા પ્રકારના હથિયાર હતાં. તેના સંદર્ભે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પ્યોંગયાંગના સરકારી મીડિયાએ કહ્યું છે કે હાઈટેક વ્યૂહાત્મક હથિયારને લાંબા સમયથી વિકસિત કરવાની કામગીરી ચાલી રહી હતી. ઉત્તર કોરિયા પોતાની સુરક્ષાને અભેદ્ય બનાવીને તેમની સેનાને મજબૂત બનાવી રહી છે.

પ્યોંગયાંગ દ્વારા પરમાણુ હથિયાર અને બેલેસ્ટિક મિસાઈલોના પરીક્ષણને રોકવાનો મામલો 2018માં વૈશ્વિક ઘટનાક્રમોમાં મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર પ્રશંસા કરી છે.