સવિતાના ભોગે લાખો નારીઓને મળશે ન્યાય

યરલેન્ડના ગાલવે શહેરમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતાં 31 વર્ષનાં સવિતા હલાપ્પનવારનું એબોર્શન ન થઈ શક્યું અને તેમનું મોત થયું હતું. આયરલેન્ડ રૂઢિચૂસ્ત કેથલિક રાષ્ટ્ર ગણાય છે. ઈંગ્લેન્ડમાં કબજામાં રહેલા આયરલેન્ડે આઝાદી માટે લાંબી લડાઇ લડી હતી, કેમ કે ઇંગ્લેન્ડ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી દેશ છે. કેથલિક પંથ વધારે રૂઢિચૂસ્ત હોવાને કારણે લગ્ન, છૂટાછેડા અને એબોર્શનના કડક કાયદા માટે ચર્ચનું દબાણ સરકારો પર રહ્યું છે.કેથલિક ચર્ચના પ્રભાવના કારણે જ આયરલેન્ડમાં એબોર્શન કરાવવું અશક્ય હતું. સ્ત્રી કહે તો પણ નહીં. તાર્કિક દલીલ એ છે કે નિર્ણય સ્ત્રીએ લેવાનો હોય, પણ કેથલિક ચર્ચ માને કે ગર્ભમાં રહેલો જીવ સ્વતંત્ર છે અને તેને જીવવાનો હક છે. તેને મારી નાખી શકાય નહિ, ભલે પછી તેના કારણે સ્ત્રીના જીવને જોખમ થતું હોય. તેના કારણે એવી સ્થિતિ આવીને ઊભી રહેતી હતી કે બળાત્કારને કારણે સ્ત્રીને ગર્ભ રહી ગયો તો પણ એબોર્શનની મંજૂરી મળે નહીં.સવિતાના કેસમાં માત્ર એટલું જ કે તેને કોમ્પ્લિકેશન્સ મોડા થયા હતા. તેના ગર્ભને 17 અઠવાડિયા થઈ ગયા હતા અને ગર્ભમાં રહેલા શીશુના હૃદયના ધબકાર જીવંત હતા. તેથી તેને જીવિત ગણીને એબોર્શન માટે મંજૂરી આપી શકાય નહિ. કુદરતી રીતે તે જન્મતી વખતે મૃત્યુ પામે તે વાત જુદી હતી. જોકે એક ડેન્ટિસ્ટ તરીકે મેડિકલ ભણેલા સવિતા જાણતા હતા કે તેના જીવ પર જોખમ છે. તેમણે ડોક્ટરોને એબોર્શન કરવા માટે કહ્યું, પણ ડોક્ટરો તે માટે તૈયાર નહોતા.આ બાબતે ભારે માથાકૂટ થઈ હતી અને તેમાં કેટલાક દિવસો જતા રહ્યા. આખરે ડોક્ટરો તૈયાર થયા હતા, એબોર્શન કરાવવા માટે પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. ડોક્ટરોએ હવે રહી રહીને એબોર્શન માટેની તૈયારી કરી, પણ ત્યાં સુધીમાં સવિતાને કસુવાવડ થઈ ગઈ. તેમને મરેલી બાળકી જન્મી હતી. શંકા હતી તે પ્રમાણે હકીકતમાં ગર્ભાશયમાં જ તેનું મોત થઈ ગયું હતું. તેના કારણે સેપ્ટિક થઈ ગયું અને મલ્ટિ ઓર્ગન ફેલ્યોરને કારણે સવિતાનું મોત થઈ ગયું. 28 ઓક્ટોબર, 2012ના રોજ સવિતાનું અવસાન થયું.સ્થાનિક પત્રકાર કિટ્ટી હોલાન્ડને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમને આઘાત લાગ્યો. તેમણે આઇરિશ ટાઇમ્સમાં આ ઘટના વિશે લખ્યું તે પછી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી. ગાલવે ઉપરાંત ડબ્લીન, લીમરિક, કોર્ક અને બેલફાસ્ટમાં વિરોધમાં પ્રદર્શનો થયા હતા. એબોર્શન વિરોધી કાયદો હટાવવાની માગણી ત્યારથી વધારે પ્રબળ બની હતી.
1983માં બંધારણમાં 8મો સુધારો કરાયો હતો અને તે પછી એબોર્શનનો હક સ્ત્રીના હાથમાંથી જતો રહ્યો હતો. બંધારણમાં આ સુધારા સાથે ગર્ભસ્થ શિશુને તેના જીવન માટેનો માતા જેટલો જ અધિકાર અપાયો. અધિકાર આપવાની વાત સારી લાગે, પણ બાળક હજી જન્મ્યુ જ ના હોય ત્યારે માતાની ચિંતા સૌથી પહેલી હોવી જોઇએ. સામાન્ય સંજોગમાં માતા કે બાળક બેમાંથી એકને બચાવવાની વાત આવે ત્યારે જીવ કઠણ કરીને માતાને જ બચાવવાની વાત સૌ કરતા હોય છે. પરંતુ વધારે પડતા જડ આઇરિશ કાયદાને કારણે રેપ કે ઇન્સેસ્ટને કારણે પણ ગર્ભ રહી ગયો ત્યારે એબોર્શન પર પ્રતિબંધ આવી જતો હતો. સવિતાના કેસ પછી સૌ હચમચી ગયા. કાયદાના કારણે એક નારીનો જીવ બચાવી શકાયો નહીં. નારી પોતાના માટે નિર્ણય લેવા પણ સ્વતંત્ર નથી તે વાતથી મહિલાઓને વધારે આઘાત લાગ્યો હતો. ત્યારેથી સતત ઝુંબેશ ચાલી કે બંધારણમાં કરાયેલો 8મો સુધારો રદ કરો.સવિતાના મોતની તપાસ કરવા માટેના આદેશ સરકારે આપવા પડ્યા હતા. આ કેસના ચુકાદા વખતે જ્યુરીએ કહ્યું હતું કે તેમનું મોત તબિબિ બેદરકારીને કારણે થયું હતું. ત્રણ સ્વતંત્ર તપાસ અહેવાલોમાં પણ જણાવાયું હતું કે સવિતાનો મામલો મેડિકલનો મામલો હતો. તેનો જીવ બચે તે રીતે સારવાર આપવાની હતી, પણ તેમાં ખામી રહી ગઈ. પહેલાં ડૉક્ટરોએ ના પાડી હતી અને બાદમાં કહ્યું હતું કે હવે એબોર્શન કરી શકાશે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. તેથી મેડિકલ બેદરકારી કારણ ગણાયું હતું. એક તપાસ પંચે ભલામણ કરી હતી કે એબોર્શનના આ કડક કાયદામાં સુધારો કરવા માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે. તેથી જ સવિતાના નામે એક ઝુંબેશ આયરલેન્ડમાં ચાલી. સવિતાની તસવીરો સાથે દેખાવો થતા રહ્યા અને આખરે આયરલેન્ડ સરકારે આદેશ આપ્યો કે આ મામલે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાશે.
જનમત લેવાના નિર્ણય પછી આયરલેન્ડમાં સામસામી ભારે ચર્ચા ચાલતી રહી હતી. હજી પણ એબોર્શનનો કાયદો રાખવા માટેનો આગ્રહ કરનારા ઘણા બધા દેશમાં હતા. તેમને દલીલ હતી કે કાયદાને કારણે સવિતાનું મોત થયું નથી. ડૉક્ટરોએ થોડું વહેલું એબોર્શન કરી નાખ્યું હોત, જે કાયદા અનુસાર થઈ શકે તેમ હતું, તો સવિતાનો જીવ બચી જાત. માટે ડૉક્ટરોને જવાબદાર ગણવા જોઈએ, એબોર્શનના કાયદાને જવાબદાર ગણવો જોઈએ નહીં.
જોકે ધીમે ધીમે સવિતાના કેસને કારણે નારી પોતાના હાથમાં એબોર્શનનો નિર્ણય લેવાનો અધિકાર આવે તે માટે જાગૃત થઈ ગઈ હતી. પ્રથમવાર સવિતાની સ્ટોરી આપનાર કિટ્ટી હોલાન્ડે બાદમાં આ વિશે પુસ્તક પણ લખ્યું હતું. પુસ્તક વાંચીને દરેકને એવી લાગણી થતી હતી કે આવી સ્થિતિ આપણી પણ થઈ શકે છે. મહિલાઓને લાગ્યું કે પોતે ગર્ભવતી હોય અને આવી સ્થિતિ આવીને ઊભી રહે તો શું થાય. ઘણા પુરુષો પણ તરફેમ કરતાં હતા, કેમ કે તેમને લાગતું હતું કે પોતાની પત્ની કે દીકરીને બચાવવાની વાત આવે ત્યારે આ કાયદો આડે આવે તો શું કરવું.
એબોર્શન માટેનો નિર્ણય લેવાનો આખરી અધિકાર નારીનો છે તે માટે ઝુંબેશ ચાલી અને તે સાથે જ 8મા બંધારણીય સુધારાને રદ કરી દેવાની માગણી થઈ. આખરે જનમત લેવાનું નક્કી થયું તે પછી હવે તેના સમર્થનમાં મત આપવા માટે લોકોને અપિલની ઝુંબેશ ચાલી હતી. સવિતાના માતાપિતા કર્ણાટકના બેલગાવીમાં રહે છે. તેમણે પણ થોડા દિવસ પહેલાં એક વિડિયો તૈયાર કરીને આયરલેન્ડ મોકલ્યો હતો, જેમાં અપિલ કરાઇ હતી કે ‘યસ’ વોટ આપજો.સવિતાના પિતા આનંદપ્પા હલાપ્પનવારે વિડિયોમાં કહ્યું હતું કે “અમે જે સહન કર્યું છે, તેવી સ્થિતિ ભવિષ્યમાં કોઈ કુટુંબે સહન કરવી ના પડે તેમ અમે ઇચ્છીએ છીએ. આજે છ વર્ષ વીતિ ગયા છે તે વાતને પણ આજેય અમારા હૃદયમાં વ્યથા અને પીડા છે.” તેમની આ લાગણીભરી અપિલ આયરલેન્ડમાં બહુ બધાએ શેર કરી હતી.
આખરે જનમત લેવાઈ ગયો અને ગત શુક્રવારે તેનું પરિણામ જાહેર થયું તેમાં 66 ટકા લોકોએ કહ્યું કે બંધારમનો 8મો સુધારો રદ કરો. આખરે આઇરિશ વડાપ્રધાન લીઓ વેરેડકેરે ડબ્લીનમાં કહ્યું કે દેશના ઇતિહાસમાં આ જનમત બહુ મહત્ત્વનો સાબિત થશે. લોકોએ બંધારણનો સુધારો રદ કરવા આદેશ આપી દીધો છે. છેલ્લા કેટલાક દશકાથી ધીમે ધીમે આયરલેન્ડમાં એક ક્રાંતિ આકાર લઈ રહી હતી તેનું પરિણામ આખરે આવી ગયું છે એમ તેમણે કહ્યું.
જનમત પહેલાં જ સરકારે કાયદામાં સુધારા માટેની તૈયારીઓ કરી લીધી હતી. હકીકતમાં જુલાઇ 2013માં જ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે એબોર્શન કરી શકાય તેવો કાયદો આયરિશ સંસદે કરી દીધો હતો. હવે બંધારણીય સુધારો રદ કરીને એબોર્શન માટેનો વધારે ઉદાર કાયદો કરી શકાશે.

પતિ સાથે સવિતા

કર્ણાટકના બેલગાવીમાં જનમતના સમાચાર મળ્યા ત્યારે આનંદપ્પા અને તેમના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માગણી કરી હતી કે નવા કાયદાને સવિતાનો કાયદો એવું નામ આપવામાં આવે. તેનું કારણ એ છે કે સવિતાની ઘટના પછી લોકોમાં આ મુદ્દો વધારે વ્યાપક બન્યો હતો અને તેના કારણે જ લોકો કાયદો બદલવા તૈયાર થયા હતા તેમ આયરલેન્ડમાં ઘણા બધા લોકો માને છે. ડબ્લીનમાં સવિતાની તસવીરો મૂકીને તેમનું કામચલાઉ સ્મારક પણ તૈયાર થઈ ગયું હતું. જનમતનું પરિણામ જાહેર થયું તે સાથે લોકો ત્યાં આવવા લાગ્યા હતા અને ત્યાં ફૂલો મૂકીને તથા મીણબત્તી પેટાવીને સવિતાને અંજલિ આપતા રહ્યા હતા. કિટ્ટી હોલાન્ડે પણ આવા એક સ્મારક ખાતે મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે અનેક લોકો અહીં સવિતાનો આભાર માનતા મેસેજ પણ મૂકી ગયા છે. કિટ્ટીનું કહેવુ હતું કે બહુ લાગણીભર્યા મેસેજ લોકો અહીં મૂકી ગયા હતા.

આ એક અનોખી ઘટના છે. કદાચ લાંબો સમય સુધી આ ઘટના યાદ રહેશે અને આયરલેન્ડના ઇતિહાસમાં લખાશે કે એક ભારતીય નારીને કારણે કાયદો કરવો પડ્યો હતો.