ઈરાન સાથે અમેરિકાના યુદ્ધથી ભારતને નુકસાન

માચાર આવ્યાં કે ઈરાન પર હુમલો કરવા માટેના આદેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધાં છે. ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબું યુદ્ધ થશે કે શું તેની ચિંતા ભારત સહિત ઘણા દેશોને થવા લાગી હતી. હાલમાં જ અમેરિકાનું જાસૂસી ડ્રોન ઈરાને તોડી પાડ્યું તેથી તંગદિલી હતી જ. ગયા અઠવાડિયે ઓમનની સામુદ્રધૂનીમાં ઓઈલ ટેન્કર પર હુમલો થયો હતો. બે મહિનામાં આ બીજો હુમલો હતો અને હવે ડ્રોન તોડી પડાયું. તેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ થશે તેવું લાગવા લાગ્યું હતું.

જોકે થોડી વાર પછી સ્પષ્ટતા આવી કે ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો કેન્સલ કરવા માટે જણાવ્યું છે. ઈરાને અમારું ડ્રોન તોડી પાડીને ભૂલ કરી છે એવી ધમકી તેમણે આપી જ હતી. સામે પક્ષે ઈરાને કહ્યું હતું કે તેમણે અમેરિકાને વારંવાર ચેતવણી આપી હતી કે તમારા ડ્રોન અમારી હદમાં ન મોકલો. ડ્રોન અમારી હદમાં આવ્યું હતું એટલે અમે તોડી પાડ્યું એમ ઈરાને જણાવ્યું હતું. અમેરિકાના પ્રમુખે ડ્રોન તોડી પાડનારી છાવણીને કદાચ ઊડાવી મૂકવાનું જણાવ્યું હશે. કેમ કે હુમલો રદ કરવાના સમાચાર આવ્યાં ત્યારે એવું જણાવાયું હતું કે 150થી વધુના મોત થાય તેમ હતાં તેથી હુમલો રોકી દેવાયો હતો. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ ભારત પર હુમલો કર્યો તે પછી ભારતે વળતો હુમલો કર્યો હતો. તે વખતે ભારતે પણ કાળજી લીધી હતી કે પાકિસ્તાની નાગરિકોને હાનિ ન થાય. બાલાકોટની ત્રાસવાદી છાવણી પર જ હુમલો કરાયો હતો.

અમેરિકા પણ કદાચ ઈચ્છતું હતું કે માત્ર ડ્રોન તોડી પાડનારી લશ્કરી ટુકડી પર હુમલો કરવો. પરંતુ આવા આક્રમણમાં જાનહાનિ નાગરિકોની પણ થઈ શકે તેમ હતી. કારણ જે પણ હોય, અમેરિકાએ હુમલો કરીને સ્થિતિને હાલ પૂરતી ઊગ્ર નથી થવા દીધી તે રાહતની વાત છે. પરંતુ અમેરિકાની ઈચ્છા ઈરાન પર હુમલો કરી દેવાની હોય તેવું લાગે છે. ઈરાક પર હુમલો કરતાં પહેલાં સદ્દામ હુસૈનને બરાબરના બદનામ કરાયાં હતાં. ઈરાક પાસે અણુશસ્ત્રો છે તેવો ભય ઊભો કરાયો હતો. કોઈ અણુશસ્ત્રો મળ્યાં નહોતાં. અમેરિકા પોતાના કારણોસર નાનકડું યુદ્ધ કરી નાખે, પણ તેના કારણે ભારત જેવા દેશો મુશ્કેલીમાં મૂકાઈ જાય. ટેન્કર પર હુમલો થયો, બે મહિનામાં બીજી વાર હુમલો થયો, તેના કારણે ઓઈલ ટેન્કરના વીમાના પ્રિમિયમ રાતોરાત વધી ગયાં છે. અખાતમાંથી બહાર નીકળતા ખનીજ તેલના જથ્થા પર અસર થઈ શકે છે. તેના કારણે ક્રૂડના ભાવ વધવા લાગ્યાં છે. છેલ્લાં એક અઠવાડિયામાં 10 ટકા ભાવ વધ્યાં છે.

ભારતને ઈરાનમાંથી ક્રૂડની આયાત કરવી સહેલી પડે છે. ભારત ઉપરાંત જાપાન, ચીન, દક્ષિણ કોરિયા વગેરે દેશોને પણ ઈરાનનું ક્રૂડ વધારે ફાવે છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે આ દેશોની આયાત થોડી ઘટાડવી પડી છે. જોકે જાપાન અને ભારત જેવા દેશોએ અમેરિકાને દબાણ કરી ક્રૂડની આયાત શક્ય એટલી ચાલુ રાખવા કોશિશ કરી છે. ભારતે અને જાપાને તથા અન્ય દેશોએ પણ અમેરિકા પર દબાણ રાખવું જરૂરી છે, કેમ કે ઈરાન સાથેના યુદ્ધથી આ દેશોના અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે. અમેરિકામાં પણ યુદ્ધવિરોધી લોબી છે. અબજો રૂપિયાના ખર્ચે હજારો માઈલ દૂરના દેશોમાં લશ્કરી કાર્યવાહી કરવાનો વિરોધ થાય છે, પણ મહાસત્તા તરીકે ધાક રાખવા માટે અમેરિકા પોતાનું યુદ્ધ મશીન સતત ચાલતું રાખે છે. ઈરાન સાથે તેનો ઝઘડો દાયકાઓ જૂનો છે. ઈરાનમાં સત્તા શાહના હાથમાં હતી ત્યારે અમેરિકાનું ઉપજતું હતું, પણ આયાતોલ્લા ખોમૈનીએ બળવો કરીને સત્તા કબજે કરી. ત્યારથી ધાર્મિક મુલ્લાઓનું રાજ ઈરાનમાં ચાલે છે અને અમેરિકાને તે માફક આવતું નથી. વહાબી પંથ ફેલાવવા માગતા સાઉદી અરેબિયાને પણ માફક આવતું નથી, તેથી તે પણ અમેરિકાને મદદ કરે છે.

ઈરાન અને ઈરાક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા પ્રદેશો છે. ઈસ્લામના આગમન પહેલાં પણ અહીં સંસ્કૃતિ પાંગરી હતી. ઈરાનનું પર્શીયન સામ્રાજ્ય યુરોપ સુધી ફેલાયું હતું. ઈરાની સમ્રાટ દેરિયસ ગ્રેટ દેરિયસ તરીકે ઓળખાતાં હતાં અને એથેન્સમાં રોમનો પર હુમલો કર્યો હતો. હિરોડોટસે આ આક્રમણના ઇતિહાસ લખ્યું છે તેમાં જણાવ્યું છે કે ઈરાની સેનામાં ઘણાં બધાં ભારતીયો પણ હતાં. તે યુગથી ઈરાન અને યુરોપ વચ્ચે દુશ્મનાવટ રહી છે. આ દુશ્મનાવટમાં ધર્મનો મામલો પણ ખરો. ઈસ્લામ અને ખ્રિસ્તી વચ્ચેની લડાઈને કારણે પણ મધ્યપૂર્વ દેશો અને અમેરિકા-યુરોપ વચ્ચે ગ્રજગાહ રહ્યો છે. આજના યુગમાં તેનું બહુ મહત્ત્વ નથી. આજના યુગમાં વેપાર પર થતી અસર અને ક્રૂડ ઓઈલ પર થનારી અસર સૌથી વધારે અગત્યની છે.

જરથોસ્તી લોકો

પ્રાચીન રોમ અને ઈરાન વચ્ચેની લડાઈ અને બાદમાં અરબોએ આ પ્રદેશ પર કબજો કર્યો અને જરથોસ્તી લોકોએ ત્યાંથી નાસી જવું પડ્યું તે બહુ જૂનો ઈતિહાસ છે. હાલની સદીઓના ઈતિહાસમાં પણ અહીં યુરોપિયન સામ્રાજ્યવાદની દખલ, ઇઝરાયલની રચના વગેરે સંદર્ભો છે, જેનાથી પૂર્વ અને પશ્ચિમની લડાઈઓ થતી રહી છે.
અમેરિકાની સીધી દખલગીરી ઈરાનમાં પાંચેક દાયકા જૂની છે. યુરોપનો સામ્રાજ્યવાદ ખતમ થવા લાગ્યો અને ઈરાનમાં પણ ચૂંટાયેલી સરકાર બની હતી. મોહમ્મદ મોસાદેગ વડાપ્રધાન બન્યાં હતાં. ખનીજ તેલની શોધ થવા લાગી હતી અને તેનું મહત્ત્વ વધવા લાગ્યું હતું. હજી પણ ખનીજ તેલના કૂવાઓ પર યુરોપિયન અને અમેરિકન કંપનીઓનો કબજો હતો. મોસાદેગે ખનીજ તેલના કૂવાઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એવું માનવામાં આવે છે કે અબજોનો કારોબાર હાથમાં રાખવા માટે તેલ કંપનીઓએ અમેરિકન સરકાર પર દબાણ કર્યું હતું. સીઆઈએના જાસૂસોએ ઈરાનમાં અસંતોષ ઊભો કરીને બળવો કરાવ્યો અને 1953માં મોસાદેગની સરકારને ઉથલાવી નખાઈ તેવો આક્ષેપ થયો હતો.


બાદમાં અમેરિકાએ સદ્દામ હુસેનને પણ ઉશ્કેર્યા હતાં અને ઈરાન પર હુમલો કરાવ્યો હતો. તે વખતે હજી સદ્દામ સાથે અમેરિકાને સારી દોસ્તી હતી.  ફરી એકવાર ઈરાનના મોહમ્મદ શાહ રેઝા પહેલવીની સત્તાને મુલ્લાઓએ ઉથલાવી નાખી. 1979ની ઈરાનની ક્રાંતિ પછી તેને ઇસ્લામી ગણરાજ્ય જાહેર કરાયું અને આયાતોલ્લા તેના સર્વોચ્ચ નેતા બન્યાં. તે વખતે અમેરિકાના પ્રમુખ તરીકે જિમ્મી કાર્ટર હતા. તહેરાન ખાતેની અમેરિકન રાજદૂત કચેરીનો કબજો લઈ લેવાયો હતો. તેના સ્ટાફને બંધી બનાવીને રખાયાં હતાં. અમેરિકા સાથેના ઈરાનના સંબંધો ત્યારથી વધારે વણસ્યાં હતાં.

ઈરાન ચીન અને ઉત્તર કોરિયાની મદદથી અણુશસ્ત્રો બનાવી રહ્યું છે તેવી શંકા લાંબો સમયથી છે. ઇઝરાયલે ઈરાનના અણુમથક પર હુમલો પણ કર્યો હતો. આ મુદ્દે જ અમેરિકા ઈરાન પર પ્રતિબંધ મૂકતું આવ્યું છે.
બરાક ઓબામા પ્રમુખ બન્યાં ત્યારે ઈરાન સાથે વાટાઘાટો થઈ હતી. તેના કારણે વચ્ચેના થોડા વર્ષો ઈરાન પરનો પ્રતિબંધ હટાવી દેવાયો હતો. ઈરાન અણુ કાર્યક્રમો બંધ કરે તે માટેના પ્રયાસો વચ્ચે ફરી એકવાર અમેરિકાએ પ્રતિબંધો મૂકી દીધા છે. દરમિયાન ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો પણ વણસ્યાં છે. ઈરાન સૌથી મોટો અને મહત્ત્વનો શીયા મુસ્લિમ દેશ છે. જાણકારો કહે છે કે જેહાદી આતંકવાદમાં ભાગ્યે જ શીયા પંથના લોકો હોય છે. ઈરાન સાથે ભારતને સારા સંબંધો રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદને કારણે ઈરાનને પણ ચિંતા થાય છે. એ જ રીતે પાકિસ્તાન સાથેની સરહદે પણ ત્રાસવાદી અડ્ડા ઈરાનને ચિંતા કરાવે છે. ભારત અને ઈરાન આ મુદ્દે સાથે છે.

જોકે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો તેના કારણ ઈઝરાયલ સામે ઈરાનને વેર છે. ઈઝરાયલ સામે લડતા પેલેસ્ટિનિયન સુન્ની અરબ પ્રજાને ઈરાન મદદ પણ કરે છે. ઈઝરાયલનું સમર્થન કરતી યહુદી લોબી અમેરિકામાં બહુ વગદાર છે. આ લોબી ઈરાન સામે અમેરિકા કાર્યવાહી કરે તેમ ઈચ્છતી હોવાનું માનવામાં આવે છે.  તેના કારણે અમેરિકા ઈરાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરશે કે કેમ તેની ચિંતા માથે ઊભી જ છે. ભારતનો દુનિયામાં દબદબો છે એવી વાતો ભલે આપણે કરીએ, પણ ભારતના કહેવાથી કંઈ અમેરિકા ઈરાન સામેની કાર્યવાહી અટકાવે નહીં. અમેરિકા પાકિસ્તાન પર સાચા અર્થમાં કદી દબાણ નથી કરતું કે ત્રાસવાદને ઉત્તેજન આપવાનું બંધ કરે. આમ છતાં ભારતે ચીન, જાપાન, કોરિયા વગેરે સાથે મળીને અને રશિયાને પણ સાથે રાખીને અમેરિકા પર દબાણ રાખવું જોઈએ.