મહાત્મા ગાંધીએ ઇસુ ખ્રિસ્ત વિશે હિંમતભેર કહ્યું હતું કે…

હાત્મા ગાંધીએ ધર્મ વિશે હિંમત સાથે વાત કરી હતી. હિન્દુ ધર્મમાં પોતાની આસ્થાને અડગ રાખીને તેઓ બીજા ધર્મો વિશે વાત કરતા રહ્યાં હતાં. આમ જોકે પરંપરાગત રીતે સર્વધર્મ સમભાવની તેમની વાત હતી, જેમાં કોઈને નારાજ ન કરવાનું આવે નહીં. સૌ ધર્મ સમાન છે, સૌ પંથ સર્વોચ્ચ સુધી પહોંચવાનો અલગ અલગ માર્ગ છે એવું કહેવાથી કોઈને નારાજ થવાનું આવતું નથી, જોકે ગાંધીજીએ એક પત્રમાં ઇસુ ખ્રિસ્તને ઉદ્ધારક નહીં, પણ માનવજાતના શ્રેષ્ઠ માર્ગદર્શક માનવા પોતે તૈયાર છે એવું સ્પષ્ટ જણાવ્યું હતું.

ગયા અઠવાડિયે તેમના આ પત્રની હરાજી થઈ. એક વ્યક્તિએ તે 50 હજાર ડોલરમાં ખરીદ્યો. લીલામ કરનારી કંપનીએ ખરીદનારનું નામ જાહેર કર્યું નથી. તેથી પત્ર ખરીદીને માત્ર ખાનગી સંગ્રહમાં રાખવામાં આવશે કે પછી કોઈ જગ્યાએ પ્રદશિત થશે તે અત્યારે સ્પષ્ટ નથી. આ પત્રમાં ઇસુ ખ્રિસ્ત વિશે પોતે શું માને છે તેનો સ્પષ્ટ જવાબ ગાંધીજીએ આપ્યો હતો. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં તેઓ હતાં ત્યારે તેમણે આ પત્ર લખ્યો હતો. પત્ર ટાઇપ રાઇટર પર ટાઇપ કરેલો છે, પણ તેના પર ગાંધીજીના હસ્તાક્ષર છે.

1926માં અમેરિકાના ખ્રિસ્તી ધાર્મિક અગ્રણી મિલ્ટન ન્યૂબેરી ફ્રાન્ઝે એક પત્ર ગાંધીજીને લખ્યો હતો. તેમણે ખ્રિસ્તી ધર્મ વિશે લેખ લખ્યો હતો અને તે લેખ ગાંધીજી વાંચે એવી તેમની ઇચ્છા હતી. તેમને ગાંધીજીએ આ પત્ર લખીને જવાબ આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી વકીલાત કરતાં હતાં ત્યારે ખ્રિસ્તી મિશનરીઓનો પણ તેમને પરિચય થયો હતો. ભારતમાં તેમણે મુસ્લિમોને નજીકથી જોયાં હતાં અને વકીલ તરીકે તેઓ ત્યાં કામ કરતાં હતાં તેમાં વોરા-ખોજા વેપારીઓ મુખ્ય હતા. આ રીતે પ્રારંભથી જ તેઓ બધા ધર્મના લોકોની સાથે નિકટથી સંકળાઈને કામ કરતાં હતાં. આગળ જતાં તેમણે બધા ધર્મોનો અભ્યાસ કરવાની પણ કોશિશ કરી હતી. સંશોધક જેવો તે અભ્યાસ નહોતો, પણ માનવતાવાદી વ્યક્તિ કરે તેવો અભ્યાસ હતો. તેમણે સાંભળેલી વાતોના બદલે દરેક ધર્મગ્રંથને જાતે વાંચ્યાં હતાં. સાથોસાથ તેઓ ગીતાને સતત વાંચતાં હતાં. બીજા ધર્મો વિશે સારી વાત કરવાની સાથે તેઓ ગીતાની વાત કરે એટલે હિન્દુ રૂઢિવાદીઓ તેમની સામે આંગળી ચીંધી શકે નહીં.

1926ના એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખ પત્રમાં નાખેલી છે. ગાંધીજીએ લખ્યું કે પોતે ઇસુ ખ્રિસ્તને માનવજાતને પ્રાપ્ત થયેલા મહાન માર્ગદર્શકો, ગ્રેટ ટીચર્સમાંના એક ગણે છે. જોકે તેમણે સ્પષ્ટ કહ્યું કે મિત્ર તમે મને જે ક્રીડ (ધર્મસંદેશ) મોકલ્યો છે તે હું સ્વીકારી શકું નહીં. હું તેને સ્વીકારું તો એ પણ સ્વીકારવું પડે કે અદૃશ્ય શક્તિનો શ્રેષ્ઠ અવતાર એટલે જિઝસ ક્રિસ્ટ. માનવજાત માટે જિઝસ સૌથી મહાન ગુરુઓમાંના એક હતા તેનાથી વધુ હું માની શકું નહીં. ગાંધીજીએ એવું પણ જણાવ્યું કે દરેક વ્યક્તિની શ્રદ્ધાને સન્માન આપવું રહ્યું, કેમ કે બધા જ ધર્મોમાં પ્રેમ અને એકબીજા માટે આદરની જ વાત છે.

જુદી જુદી મતિ હોય ત્યાં સુધી જુદી જુદી માન્યતા રહેવાની. ગાંધીજીએ તેમને એવી સલાહ પણ આપી કે એક જ માન્યતાને યંત્રવત વળગી રહેવાથી ધાર્મિક એકતા નહીં આવે. દરેકની માન્યતાને માન આપીશું તો જ તે શક્ય બનશે.
આ રીતે ગાંધીજીએ પત્રમાં હિંમત સાથે જવાબ આપ્યો હતો કે ઇસુ ખ્રિસ્તને એકમાત્ર કે સર્વોચ્ચ અવતાર માની શકાય નહીં. ધાર્મિક ઝનૂન વધ્યું હોય તેવા માહોલમાં આવો સ્પષ્ટ જવાબ આપવો મુશ્કેલ હોય છે. પણ ગાંધીજી માટે કે કોઈ પણ હિન્દુ માટે આવો જવાબ આપવો એટલા માટે શક્ય છે કે પંથોનું વૈવિધ્ય હિન્દુઓ માટે સહજ છે. શૈવ અને વૈષ્ણવ, જૈન અને બુદ્ધ અને શીખ અને તે સિવાય પણ અનેક ગુરુઓની પોતપોતાની પરંપરા. દરેક કુળના પોતાના દેવ અને દેવી અલગ. પણ દરેક પંથમાં શ્રીગણેશ પહેલાં થાય અને હનુમાનને ભૂલવામાં ન આવે. શક્તિ સંપ્રદાય અને ભક્તિ સંપ્રદાય પણ જ્ઞાનનો માર્ગે ચાલતા દેખાય. જે ગુરુ ઇચ્છે તે પોતાને અવતાર જાહેર કરી શકે.

આ બધા પંથો એક સાથે ભારતમાં ચાલતા રહ્યાં છે એટલે ગાંધીજી માટે આવો જવાબ આપવો સહેલો હતો, પણ માત્ર વાડામાં બંધાઈ ગયેલા લોકો માટે આવું સમજવું પણ મુશ્કેલ છે. સર્વધર્મ સમભાવની વાત કરવાની સાથે દરેક ધર્મ શું વાત કરી રહ્યો છે તે વાત પણ સમજવી પડે. ખ્રિસ્તી ધર્મ એમ કહેતો હોય કે ઇસુ ઇશ્વરનો પુત્ર છે અને ઇસ્લામ કહેતો હોય કે મોહમ્મદ છેલ્લાં પયંગબર હતાં, તો તે પંથની માન્યતાને ગાંધીજીની જેમ સન્માન આપી શકાય. પણ તે કબૂલ કરીને પોતાની માન્યતાઓનો નકાર કરવો જરૂરી નથી એવો સાર આ પત્રમાં છે. અમારા પંથની પણ પોતાની માન્યતા છે, તો ચાલો બધા પંથોમાં મનુષ્યત્વ માટે પ્રેમ અને કરુણાનો કોમન સંદેશ છે તે લઈ લઈએ એવું ગાંધીજીએ આ પત્ર દ્વારા કહ્યું હતું.