USમાં વૃદ્ધો સાથે આવડી મોટી છેતરપિંડી!

મેરિકા અને યુરોપમાં વૃદ્ધોની વધારે કાળજી લેવામાં આવે છે અને તેમની સંભાળ લેવાય છે તેવી વાતો સાંભળીને આપણે અફસોસ કરતાં હોઈએ છીએ. વાત ખોટી નથી, પણ અમેરિકાના વૃદ્ધો એક બીજી બાબતમાં છેતરાઈ રહ્યાં છે અને તેના કિસ્સા હાલમાં વધી રહ્યાં છે. વૃદ્ધો સાથે આર્થિક છેતરપિંડી થાય છે અને તેમની મરણમૂડી પડાવી લેવાય ત્યારે પાછલી જિંદગીમાં તેમની મુશ્કેલીઓમાં વધારો થાય છે તેવી ચિંતા ત્યાંની સંસ્થાઓ અને સરકારો કરવા લાગી છે.આવા કેસોમાં અસામાન્ય વધારો થયો છે તેથી ચિંતાનું કારણ વધ્યું છે અને તેના વિશે મીડિયામાં વધુ લખાવા પણ લાગ્યું છે. અખબારોમાં એવા કિસ્સા પ્રગટ થતા રહે છે, કે કઈ રીતે બચતની રકમ વૃદ્ધો પાસેથી પડાવી લેવાઈ હોય. આ કિસ્સાઓ જોઈએ ત્યારે ભારતમાં પણ વૃદ્ધો સાથે આવું થતું હશે તેવો વિચાર આવી જાય. જોકે ભારતમાં હજી પણ કુટુંબ વૃદ્ધોને સાચવે છે એટલે અને વૃદ્ધો સ્વતંત્રી રીતે વાપરી શકે તેટલી મૂડી પણ નથી હોતી તે બાબતોથી વાત જુદી પડે છે.

અમેરિકાના બે કિસ્સા જોઈએ એટલે વાત સ્પષ્ટ થઈ જશે.

માર્જરી જોન્સ 80 વર્ષના છે. તેમને થોડા વખત પહેલાં કોઈએ ફોન કરીને કહ્યું કે તમને લોટરી જેવી સિસ્ટમમાં મોટું ઈનામ લાગ્યું છે. જોકે ઈનામી રકમ લેવા માટે ટેક્સની રકમ અને પ્રોસેસિંગ પહેલાં ભરવા પડશે એમ તેમને જણાવવામાં આવ્યું. ભારતમાં આવા કિસ્સા રોજ બને છે, પણ તેમાં માત્ર વૃદ્ધોને નહિ, બધાને ટાર્ગેટ કરાય છે. અમેરિકામાં વૃદ્ધોને ટાર્ગેટ કરવાનું ચલણ વધી રહ્યું છે, કેમ કે બદમાશોને ખ્યાલ આવી ગયો છે કે એકાકી રહેતા વૃદ્ધોને છેતરવા વધુ સહેલા છે.

માર્જરી જોન્સના કિસ્સામાં એવું જ થયું. તેમને ઈનામમાં લાખો ડૉલર મળશે તેવી લાલચ થઈ આવી અને તેમણે લાંબું વિચાર્યા ટેક્સ અને પ્રોસેસિંગની ફીની રકમ મોકલી આપી. હવે બીજા લોકોના ફોન આવવા લાગ્યા અને જણાવાયું કે તમારું નામ લિસ્ટમાં લઈ લેવાયું છે અને તમને હવે રકમ મોકલવાની છે, પણ… ફરી પણ, એમ કહીને જાતજાતના બહાના આપવાનું શરૂ થયું. હજી કેટલીક રકમ મોકલવી પડશે. અમુક વિભાગ માટેનું ક્લિયરન્સ લેવા માટે ત્યાં એડવાન્સ નાણાં જમા કરાવવા પડશે એવું તેમને કહેવામાં આવ્યું.

નવાઈ વાત એ છે કે લાંબો સમય સુધી આ પ્રક્રીયા ચાલી અને માર્જરી પૈસા ભરતાં જ રહ્યા. તેઓ કેમ છેતરાતા રહ્યા? વારંવાર કેમ નાણાં આપતા રહ્યાં?

થોડી થોડી રકમ તેમની પાસે માગવામાં આવતી હતી. તેથી આટલા આપ્યા છે તો આટલા વધારે એમ સમજીને તે આપતા રહ્યા. બીજું માર્જરીને એવું કહેવામાં આવ્યું હતું કે બહુ મોટી રકમ છે, માટે કોઈ સગાને વાત ના કરશો. નહિતો તે લોકો વચ્ચે પડશે. આંખે ઝાંખું દેખતાં માર્જરી પોતાની નજીક રહેતી બહેનને પણ કશી વાત કરી નહિ. તેમનું બે માળનું મકાન હતું. તેમણે બચત ખૂટવા લાગી ત્યારે મકાનને રિવર્સ મોર્ગેજ કરીને બેન્કમાંથી નાણાં લીધા. તે પણ વપરાવા લાગ્યા, પણ લોટરીની રકમ હાથમાં આવી નહિ. હવે તેમણે સગાઓ પાસેથી અને જાણકારો પાસેથી ઉછીના નાણાં માગવાનું શરૂ કર્યું.

એક દિવસ એવો આવ્યો કે તેમણે આપઘાત કરી લીધો. તેમણે છેલ્લે પોતાની પૌત્રીને ફોન કર્યો હતો અને 6,000 ડોલર ઉછીના માગ્યા હતા. તે વખતે પણ તેમણે કશી વાત ના કરી. જિંદગીભર પૈસા સાચવીને રાખનારા માર્જરી છેલ્લે છેલ્લે કેમ ઉધાર માગવા લાગ્યા છે તેની થોડી નવાઈ લાગેલી, પણ પૂછપરછ છતાં તેમણે કોઈને કશું જણાવ્યું નહિ. આખરે તેમને લાગ્યું કે પોતે લાખો ડોલરમાં છેતરાઇ ગયા છે અને હવે પૌત્રીઓ તથા સગાઓ શું વિચારશે એવી શરમથી આત્મહત્યા કરી લીધી.

બાદમાં આ કેસની તપાસ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની સાથે પદ્ધતિસર છેતરપિંડી થઈ હતી. તેમના ખાતામાં માત્ર 69 ડોલર વધ્યા હતા. આપઘાતના ખબર મળતા તેમની પૌત્રી અને સગાઓ ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે કબાટમાં ત્રણ પાકિટમાં સેંકડો રિસિપ્ટ પડી હતી. અજાણ્યા ફોન નંબરો અને ખાતાઓ પરથી ખ્યાલ આવ્યો કે છેતરપિંડી થઈ હતી.

આ એક કેસ નથી, પણ અમેરિકા ચોંકાવનારી હદે, દર વર્ષે 50 લાખ વૃદ્ધો સાથે નાની મોટી છેતરપિંડી થતી રહે છે તેવો અંદાજ છે. છેતરી જનારામાં નજીકથી જાણનારા લોકોનું પ્રમાણ પણ મોટું હોય છે તેવો ખ્યાલ આવ્યો છે. બીજો એક કેસ જોઈએ એટલે તે વાત સ્પષ્ટ થઈ જશે.

આ કેસમાં જોકે પૌત્રને દાદીમા સાથે આર્થિક ફ્રોડ થતો હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પગલાં લીધા હતા. બીજા કોઈ સામે નહિ, પણ પોતાના પિતા સામે જ. બ્રૂક એસ્ટરનું નામ અમેરિકામાં સોશ્યલાઇટ તરીકે જાણીતું હતું. તેઓ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા તે પછી છેલ્લા વર્ષો તેમની ઈચ્છા પોતાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા કન્ટ્રી હોમમાં રહેવાની હતી. પૌત્ર ફિલિપ માર્શલ દાદીની ઈચ્છા જાણતા હતા અને તેમને અલ્ઝાઇમરના લક્ષણો દેખાવા લાગ્યા ત્યારે કન્ટ્રી હોમમાં આરામથી બાકીની જિંદગી પસાર કરવા મોકલવા તૈયારી કરી. પરંતુ તેમના પિતાએ અને બ્રૂકના દીકરાએ જ વિરોધ કર્યો. એન્થની માર્શલ નહોતા ઇચ્છતા કે કન્ટ્રી હોમમાં જઈને તેમની માતા રહે. ફિલિપ કહે છે કે પોતે ચોંકી ગયા, કેમ કે તેમના પિતા જ દાદીના પૈસા મેળવી લેવા માટે તેમને કન્ટ્રી હોમમાં મોકલવાના બદલે પોતાની સાથે રાખવા માગતા હતા.

ઘરનો ઝઘડો ઘરમાં જ રાખવા બદલે ફિલિપે 2009માં પિતા સામે બ્રૂક એસ્ટરના લાખો ડોલર પડાવી લેવાનો કેસ દાખલ કર્યો. આ ઉપરાંત માતાની સંભાળ ના રાખવાનો કેસ પણ કરાયો હતો. ફિલિપ કહે છે કે પોતે પૈસા માટે નહિ, પણ દાદીમાની લાગણી ખાતર કેસ લડ્યા હતા. બાદમાં ફિલિપને એટલું લાગી આવ્યું કે તેમણે પ્રોફેસર તરીકેની પોતાની જોબ છોડીને વૃદ્ધો સાથે થતી આર્થિક છેતરપિંડી સામે લડવાનું કામ ઉપાડી લીધું.

ફિલિપ આ વિષયના નિષ્ણાત બન્યા છે અને હવે સરકારી અધિકારીઓની બેઠકોમાં સ્પીચ આપીને તેમને સમજાવે છે કે કઈ રીતે સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી થતી હોય છે. બેન્કો, વીમા કંપનીઓમાં પણ અવેરનેસ માટે તેઓ પ્રયાસ કરે છે, કેમ કે સૌથી વધુ છેતરપિંડી અહીંથી જ થતી હોય છે. બીજું બેન્કના અધિકારીઓ જો વૃદ્ધોના ખાતામાં થતી શંકાસ્પદ લેવડદેવડ પર નજર રાખે તો છેતરપિંડી થતી અટકી શકે છે. આ માટેની પેટર્ન નક્કી કરીને તેમને તાલીમ આપવાનો કાર્યક્રમ અમેરિકાના કેટલાક રાજ્યો ચલાવે છે.

જોકે મોટા ભાગે સરકારી વિભાગોમાં જોવા મળ્યું છે તે પ્રમાણે તેનાથી બહુ ફરક પડતો નથી. અધિકારીઓ નિયમથી આગળ વધીને કામ કરવા માગતા હોતા નથી. જેમ કે બદમાશોને નિયમોનો ખ્યાલ આવી ગયો છે એટલે એક સાથે 10,000 ડોલરથી વધારેની રકમની માગણી કરતા નથી. નાની રકમ હોય ત્યારે બેન્ક અધિકારી નજર ના કરે. દસ દસ હજાર ડોલર અનેક વાર લઈને લાખોની છેતરપિંડી કરવામાં આવે છે.

એક નાણા સંસ્થાએ અંદાજ મૂક્યો છે કે નાની નાની રકમની છેતરપિંડી બહુ મોટો આકાર લઈ ચૂકી છે. તેના અંદાજ પ્રમાણે વર્ષે લગભગ 36.5 અબજ ડોલરની છેતરપિંડી વૃદ્ધો સાથે થાય છે. જોકે આ આંકડો પણ ઘણાને નાનો લાગે છે, કેમ કે ન્યૂ યોર્ક રાજ્યના ચિલ્ડ્રન એન્ડ ફેમિલી સર્વિસ વિભાગે કરેલા સર્વેમાં એવું જોવા મળ્યું હતું કે 45માંથી એક જ કેસમાં ફરિયાદ થાય છે. માત્ર ન્યૂ યોર્ક સ્ટેટમાં જ વર્ષે દોઢ અબજ ડોલર વૃદ્ધો પાસેથી પડાવી લેવાતા હોવાનો અંદાજ છે.આવી છેતરપિંડીની એક આડઅસર એ જોવા મળી છે કે મોટી ઉંમરે બચત ગુમાવી ચૂકેલા વૃદ્ધો પોતાની યોગ્ય સારવાર કરાવી શકતા નથી. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન દ્વારા 2016માં એક રિપોર્ટ તૈયાર થયો તેમાં એવું લખાયું હતું કે વૃદ્ધોની આરોગ્યની સમસ્યામાં એક પરિબળ તેમની સાથે થતી વ્યાપક આર્થિક છેતરપિંડી છે. ન્યૂ યોર્ક – પ્રેસ્બિટેરિયન હોસ્પિટલના ડોક્ટરો દ્વારા થયેલા એક સંશોધનમાં ચોંકાવનારું તારણ એ નીકળ્યું હતું કે જે વૃદ્ધો સાથે આર્થિક છેતરપિંડી થઈ હોય તેમના મૃત્યુના દરનું પ્રમાણ ત્રણ ગણું વધારે હતું.

ન્યૂ યોર્કના મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાં કામ કરતા એલિઝાબેથ લોવલીને પણ સમસ્યા કેટલી વકરી છે તેનો જાતઅનુભવ છે. આવા કેસો લડવા માટે તેમની પાસે આવે છે. તેઓ કહે છે તે પ્રમાણે દર વર્ષે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. વર્ષે હજારોની સંખ્યામાં તેમની પાસે આવા કેસ આવે છે અને તેમાં ઘણા કેસમાં વૃદ્ધનું વહેલું મોત પણ થાય છે. ડોક્ટરોની વાત સાથે સહમત થતા એલિઝાબેથ કહે છે કે ઘણા કુટુંબીજનો અમને કહેતા હોય છે કે મોટી ઉંમરે નાણાં ગુમાવવાના આઘાતના કારણે મોત થયું હતું, પણ તે સાબિત કરવું મુશ્કેલ છે.

નિષ્ણાતો હવે વ્યાપક બનેલી આ છેતરપિંડી અને તેના કારણે થતાં મોતને ‘એજ-એસોસિએટેડ ફાઇનાન્શિયલ વલ્નરેબિલિટી’ એવી રીતે ઓળખતા થયા છે. 2015થી આ નવી વ્યાખ્યા ઘડવામાં આવી છે. મોટી ઉંમરે લેવાયેલા આર્થિક નિર્ણયોને કારણે નુકસાન થાય અને તેના કારણે વૃદ્ધોનું જીવનધોરણ બગડે અને પરિણામે સમસ્યા ખડી થાય તે સ્થિતિ માટે આ વ્યાખ્યા તૈયાર કરવામાં આવી છે.

મોટી ઉંમરે યાદશક્તિ અને વિચારશક્તિ નબળી પડવી વગેરે કારણોસર જ ખોટા નિર્ણયો લેવાય તેવું પણ નથી. સામાન્ય સ્થિતિમાં પણ વૃદ્ધો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

આવા કિસ્સા વિશે ઉહાપોહ વધવા લાગ્યો તે પછી પણ સરકાર જાગી નહોતી. વૃદ્ધોના સંરક્ષણ માટે ચાલતી યોજનામાં વધુ ભંડોળ ફાળવાતું નથી. વૃદ્ધો સાથે થતી છેતરપિંડીની તપાસ કરવા માટે આખા અમેરિકામાં માત્ર 27 તપાસ અધિકારીઓ અલગથી નિમાયેલા છે. એક અધિકારીએ વર્ષે 3500થી વધુ કેસો સંભાળવા પડે તેટલી મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. બાકીના કેસ પોલીસ પાસે જાય, પણ મોટા ભાગે સગાઓ દ્વારા લિગલ રીતે પૈસા પડાવાતા હોય છે, ત્યારે પોલીસ તેમાં ખાસ કરશું કરી શકતી નથી. ખાસ નિમાયેલા અને વ્યાખ્યા સમજી શકતા અધિકારીઓ જ આવા કેસમાં દરમિયાનગીરી કરી શકે તેમ હોય છે.

આ પ્રકારના કેસો નજરે ચડવા લાગ્યા ત્યારે 2010માં એલ્ડર જસ્ટિસ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, પણ 2015 સુધી તેમાં ગંભીરતા નહોતી અને માત્ર 40 લાખ ડોલરની ફાળવણી જ થતી હતી. એક અબજ ડોલરનું ફંડિંગ કરવાની વાત હતી, પણ પ્રજાના પ્રતિનિધિઓને પોતાના સિનિયર સિટિઝનની તકલીફો સમજાઈ હોય તેમ લાગતું નથી.
જોકે હાલના વર્ષોમાં તપાસ એજન્સીઓ થોડી વધારે સક્રીય થઈ છે. અમેરિકાના જસ્ટિસ વિભાગે એક સાથે 250 રીઢા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ચાલાક બદમાશોએ જાતજાતની રીતો અજમાવીને લગભગ 10 લાખ અમેરિકન વૃદ્ધો પાસેથી 50 કરોડ ડોલર પડાવી લીધા છે.

નાણા વિભાગે પણ બેન્કોને સાવચેત કરી છે કે મોટી ઉંમરના ખાતેદારના ખાતામાંથી વધુ રકમ ઉપાડવાની વાત આવે ત્યારે તેમના કોઈ વિશ્વાસુ પાસે ખરાઈ કરાવવી. જોકે આવા નિયમોથી બહુ ફાયદો થયો નથી, કેમ કે આગળ વાત કરી તેમ લુચ્ચાઓ દસ હજાર ડોલરથી નાની રકમ જ માગતા હોય છે. બીજું મોટા ભાગે નજીકના કોઈ સગા, મિત્રો અને સ્નેહીઓ જ પૈસા ધીમે ધીમે પડાવતા હોય છે. તેથી અમેરિકાના વૃદ્ધોને છેતરવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.