ઇમરાનની ત્રીજી શાદીની ચર્ચાથી પાકિસ્તાનમાં હલચલ કેમ?

મરાન ખાને ત્રીજી શાદી કરી લીધી છે તેવા સમાચારો પ્રગટ થયાં, પણ તેની પાછળ પ્રશ્નાર્થ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર – એવા ટેગ સાથે સમાચાર વહેતા થયાં છે એટલે ખરેખર શાદી થઈ કે કેમ અને કેમ થઈ તેની ચર્ચા ચાલી છે. ઇમરાને પોતાના અધ્યાત્મિક ગુરુ સાથે શાદી કરી તેવા સમાચાર છે. સ્પિરિચ્યુઅલ ગાઇડન્સ માટે ઇમરાન કેટલાક સમયથી એક મહિલાના સંપર્કમાં હતાં. તે મહિલા ગુરુ સાથે જ તેની શાદી થઈ ગઈ એમ કહેવાય છે.નવા વર્ષના પહેલા દિવસે લાહોરમાં ઇમરાને શાદી કરી લીધી છે તેવા સમાચારો સ્થાનિક અખબારોમાં વહેતા થયાં હતા. બીજા દિવસે ઇસ્લામાબાદમાં એક કેસમાં તેણે કોર્ટમાં હાજર થવાનું હતું. કોર્ટમાંથી તેને જામીન મળી ગયાં અને ઇમરાન રવાના થઇ ગયો કશું જણાવ્યાં વિના. ઇમરાન ખાન હવે ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે નહીં, પણ એક રાજકારણી તરીકે વધારે જાણીતો થયો છે. પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ નામનો રાજકીય પક્ષનો તે વડો છે અને ભારતમાં આમ આદમી પાર્ટીની જેમ સ્થાપિત રાજકીય પક્ષોને ચેલેન્જ આપનારો પક્ષ છે. જોકે તેને હજી જોઈએ તેવી સફળતા મળી નથી, પણ ભાવિના મહત્ત્વના પક્ષ તરીકે તેને જોવામાં આવે છે.
પીટીએ તરીકે ટૂંકમાં ઓળખાતાં તેના પક્ષની કોર કમિટીમાં મુફ્તિ સઇદ અગત્યના સભ્ય છે. મુફ્તિ સઇદે જ તેમના ત્રીજા નિકાહ કરાવ્યાં છે. મુફ્તિ સઇદે જ નવેમ્બર 2014માં ટીવી એન્કર રહેમખાં સાથે ઇમરાનના નિકાહ કરાવ્યાં હતાં. એ વખતે પણ વાત ખાનગી રાખવાની કોશિશ થઈ હતી, પણ એક જાણીતા પત્રકારે તે સ્ટોરી એક્સક્લુઝિવ આપી હતી. સ્ટોરી પ્રસિદ્ધ થઈ ત્યારે 31 ડિસેમ્બર 2014ના રોજ ઇમરાને ઇનકાર કર્યો અને કહ્યું કે પોતાની શાદીના સમાચાર અત્યંત અતિશકયોક્તિ ભર્યા છે! જોકે તેના આઠ જ દિવસ પછી 8 જાન્યુઆરી 2015ના રોજ જાહેરમાં રહેમખાં સાથે રિસેપ્શન ગોઠવીને શાદીને જાહેર કરી હતી. દસ મહિના પછી બંને છૂટાં પણ પડી ગયાં.

રહેમખાં સાથે ઇમરાનની મુલાકાત ટીવી મુલાકાત દરમિયાન થઇ હતી. બ્રિટનમાં ભણેલી અને ઉછરેલી રહેમખાં ઇમરાનનો ઇન્ટરવ્યૂ લેવા સાથે તેનું દિલ પણ લઈ બેઠી.

Husband ખાવર ફરિદ માણેકા

બીજી શાદીમાં પણ નિષ્ફળતા અને રાજકારણમાં પણ નિષ્ફળતા પછી ઇમરાન માનસિક શાંતિ શોધી રહ્યો હતો. તેને સૂફી ગુરુની મુલાકાત થઇ અને ફરી એકવાર જૂની સ્ટોરી રીપીટ થઈ. સૂફી ગુરુ રાહ દેખાડવાના બદલે તેના જીવનની રાહબર બની ગઇ! સૌ જાણે છે કે ઇમરાન ક્રિકેટર તરીકે ભારે લોકપ્રિય હતો અને હિન્દી ફિલ્મોની હિરોઇનો સાથે પણ તેનું નામ જોડાયું હતું. પણ તેણે મોડા લગ્ન કર્યાં અને કર્યાં ત્યારે પણ બહુ ચર્ચા થઈ હતી. જેમીમા નામની બ્રિટનના એક ધનાઢ્ય પરિવારની યહૂદી કન્યા સાથે તેના નિકાહ થયાં ત્યારે રૂઢિચુસ્ત પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.
ઇમરાનની પ્લેબોય તરીકેની ઇમેજ પાકિસ્તાનમાં બંધબેસતી નહોતી, પણ તેની ક્રિકેટર તરીકેની અપાર લોકપ્રિયતા તેની ઢાલ હતી. ભારત વર્લ્ડ કપ જીતે તો પાકિસ્તાન કેમ નહીં? ઇમરાને પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવ્યો અને તેના હજાર ગુના માફ!
રાજકારણમાં આવ્યાં પછી રાજકીય હરિફો મોકો છોડે નહીં. ઇમરાનની બીજા નિકાહ વખતે પણ રાજકીય વિવાદો થયાં હતા. આ વખતે પણ થશે. એકવાર યહૂદી સાથે શાદી કરી અને હવે સૂફી સાથે? એ પણ વળી તેના સ્પિરિચ્યુઅલ ગુરુ? આવો નેતા રાજકારણમાં કેવી રીતે ચાલે?
નવાઝ શરીફ વડાપ્રધાન હતાં ત્યારે પનામા પેપર્સમાં તેમનું નામ ચમક્યું. તેમણે પદ છોડવું પડ્યું અને અત્યારે કોર્ટમાં કેસીઝનો સામનો કરી રહ્યાં છે. બીજી બાજુ ઇમરાન સામે પણ કેટલાક કેસ છે અને તેમાં એક કેસ વિદેશમાં કંપની ચલાવવાનો પણ છે. નવાઝની દીકરી મરિયમ હાલમાં ઠેરઠેર સભાઓ કરી રહી છે. તે ઓફશોર કંપનીના મુદ્દે ઇમરાનને પણ ભીંસમાં લઇ રહી છે. વિપક્ષને હવે ઇમરાનની ત્રીજી શાદીનો મુદ્દો પણ મળશે.
અત્યારે તો ઇમરાન અને તેના ટેકેદારો ચૂપ છે. નિકાહ કરાવનાર મુફ્તિ સઇદનો સંપર્ક પાકિસ્તાની પત્રકારોએ કર્યો ત્યારે માફ કીજીયે, હું આ બાબતમાં કશું નહી કહી શકું એવો જવાબ આપ્યો હતો. પક્ષના બીજા સિનિયર નેતાઓ જે નિકાહમાં હાજર હોવાની શક્યતા છે તેઓ પણ ફોડ પાડીને કશું કહેતા નથી.
કોર્ટમાંથી જામીન મળ્યાં પછી ઇમરાનની પણ સભા ચકવાલમાં હતી. ઇમરાન અત્યારે પોતાના ભાષણોમાં નવાઝ શરીફ દ્વારા અબજોનું કૌભાંડ થયું છે અને વિદેશમાં અને ગલ્ફના દેશોમાં તેમની અઢળક સંપત્તિ છે તે મુદ્દાને જ ઉપાડે છે. બીજું ઇમરાન પાકિસ્તાનની સેના અને ન્યાયતંત્રની તરફદારી થાય તે રીતે ભાષણો કરે છે. નવાઝ શરીફ અત્યારે પોતાની સભામાં એવો મુદ્દો ગજવે છે કે મને શા માટે સત્તા પરથી હટાવાયો. તેનો સૂર પાકિસ્તાની સેના અને ન્યાયતંત્રની વિરુદ્ધ જાય છે. તેથી ઇમરાને મોકો જોઈને કહ્યું છે કે નવાઝ અયોગ્ય રીતે સેના અને ન્યાયતંત્રની ટીકા કરે છે.
આ બંનેની લડાઇમાં ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુશર્રફને તક દેખાઇ રહી છે. મુશર્રફને અમુક સંજોગોમાં પાકિસ્તાની સેનાનો ટેકો મળી શકે, પણ પાકિસ્તાનના ન્યાયતંત્રના કડક વલણને કારણે જ મુશર્રફે દેશ છોડીને બહાર જતાં રહેવું પડ્યું છે. એકવાર તેણે પાકિસ્તાન પરત ફરવાની કોશિશ પણ કરી, પરંતુ તેને નજરકેદ જેવી સ્થિતિમાં જ રહેવું પડ્યું હતું. આખરે સેનાના જૂના કનેક્શનના આધારે મુશર્રફ ફરી પાકિસ્તાન છોડીને દુબઇ જતા રહ્યાં છે.
ઇમરાન ખાનની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ છે અને તેના કારણે તેણે ઘણા સમાધાનો પણ કર્યાં છે. પાકિસ્તાની સેના અને ન્યાયતંત્રને વહાલાં થવાની તેની નીતિ તેનો નાનકડો હિસ્સો જ છે. જોકે અંગત લાઇફની બાબતમાં ઇમરાનમાં બહુ ફરક આવ્યો નથી. રૂઢિચૂસ્ત પાકિસ્તાનમાં તેની લાઇફ સ્ટાઇલ વિરોધાભાસ ઊભો કરે છે. ત્રણ શાદીનો વાંધો ના હોય, પણ તેના ત્રણેય નિકાહ વિવાદાસ્પદ રહ્યાં હતાં. જેમીમા જેવી ફેશનેબલ નારી પાકિસ્તાનમાં કેવી રીતે રહેશે તેની ચર્ચા સદાય ચાલી હતી. જેમીમાને દાદ દેવી જોઇએ કે તેણે પશ્ચિમમાં ઉછેર છતાં પાકિસ્તાની સમાજમાં બંધબેસતાં થવાની કોશિશ કરી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે જેમીમા પાકિસ્તાનને વધારે સાનુકૂળ છે, જ્યારે ઇમરાન પોતાની ક્રિકેટર તરીકેની લોકપ્રિયતાના જોરે બેફામ વર્તતો લાગતો હતો.
પાકિસ્તાનના ધાર્મિક માહોલમાં અધ્યાત્મનું કોઇ સ્થાન નથી. અધ્યાત્મની વાત કરવી એ એક પ્રકારનો ધાર્મિક અપરાધ છે. સૂફી પરંપરા સર્વાઇવ થઇ છે, પણ તેની સામે સૂગ એટલી જ છે અને સૂફી સ્થાનો પર આતંકી હુમલા પણ થતાં રહ્યાં છે. તે સંજોગોમાં સૂફી ગુરુ સાથે ઇમરાન નિકાહ કરે તે આંચકાજનક છે. જોકે સૂફી જ છે કે મોર્ડન સ્પિરિચ્યુઅલ ગુરુ છે તે સ્પષ્ટ નથી. ઓળખ જાહેર થઇ નથી, પણ એટલી વિગતો બહાર આવી છે કે આ નારીએ પણ તલાક લીધેલાં છે. તેના પતિએ એવું નિવેદન આપ્યું તે પણ સૂચક છે. અમે સ્પિરિચ્યુઅલ કારણસર છૂટાં પડવાનું નક્કી કર્યું હતું એમ તેણે કહ્યું છે. ઇમરાન સાથે તેના નિકાહ થયાં હશે તે વાતનો ઇનકાર પણ તેણે કર્યો છે. વિગતો વધારે સ્પષ્ટ થશે ત્યારે વિવાદ વધશે કે શમી જશે તે સ્પષ્ટ નથી, પણ અત્યારે ઇમરાનની ત્રીજી શાદીની ભારે ચર્ચા પાકિસ્તાનમાં છે.
ત્રીજી શાદીના સમાચારો બહુ ચગ્યાં પછી ઇમરાનના પક્ષે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે નિકાહ થયાં નથી. ઇમરાને માત્ર પ્રપોઝ કર્યું છે અને બુશરા માણેકા તેના સગાસંબંધીઓ અને સંતાનો સાથે ચર્ચા બાદ હા ભણશે તો શાદી થશે એવું જણાવાયું છે. આ પછી બુશરા કોણ છે તેની ચર્ચા ચાલી છે. સ્પિરિચ્યુઅલ ગાઇડ તરીકે તેની ઓળખ અપાઇ હતી તેથી સૂફી હોવાની વાતની શંકા હતી તે સાચી નથી. બુશરા મોર્ડન પ્રકારની હિલિંગ સિસ્ટમ માટે જાણીતી છે. જોકે તેના ભૂતપૂર્વ ખાવિંદે કહ્યું કે તેમના કબીલાની અધ્યાત્મિક પરંપરામાં ઇમરાન શ્રદ્ધા રાખે છે. તેથી આ કોઈ સ્થાનિક સંપ્રદાય કે પંથ હોવાની શક્યતા પણ છે.
બીજી બાજુ બુશરાની ઓળખ રાજકારણી તરીકે પણ અપાઇ રહી છે. હકીકતમાં એક પેટાચૂંટણી વખતે ઇમરાન સાથે તેની ઓળખાણ થયાંનું મનાય છે. લોધરાન નામની બેઠકની પેટાચૂંટણી 2015માં યોજાઇ હતી ત્યારે પિન્કી તરીકે સ્થાનિક લોકોમાં જાણીતી બુશરા સાથે મુલાકાત થયાંની શક્યતા છે. બુશરાના ભૂતપૂર્વ પતિ ખાવર ફરિદ માણેકાએ જાહેરમાં આવીને જણાવ્યું છે કે શાદી હજી થઈ નથી. તેમણે બુશરાના પણ પવિત્ર નારી તરીકે વખાણ કર્યાં હતાં અને ઇમરાન પણ ખૂબ સારો ઇન્સાન છે તેમ કહ્યું છે. અમે અંગત કારણોસર જુદા પડ્યાં છીએ એમ તેણે કહ્યું.
ખાવર કસ્ટમ્સ ઓફિસર છે. તેના પિતા ગુલામ માણેકા પાકિસ્તાનની કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચૂક્યાં છે. માણેકા પંજાબના છે, જ્યારે બુશરા પાકપટ્ટન શરીફની વતની મનાય છે. માણેકા વાત્તુ કબીલાની પેટા શાખા છે. પાકિસ્તાનની પઠાણ પરંપરામાં કૂળની સમકક્ષ ગણાતા કબીલાનું મહત્ત્વ હજીય ટકેલું છે. 30 વર્ષના લગ્નજીવન બાદ ત્રણેક વર્ષથી તેઓ છૂટાં પડ્યાં છે અને તેમને પાંચ સંતાનો છે. બે મોટા દીકરા વિદેશમાં ભણે છે. સંતાનોની મરજી હશે તો બુશરા શાદી માટે તૈયાર થશે એવી ચર્ચા અત્યારે છે. જોકે હજી વાત બહાર આવીને ભારે ચર્ચા જાગી છે ત્યારે રાજકારણમાં પડેલાં આ બંને કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.