એવરેસ્ટ પર ટ્રાફિક જામની તસવીરે વિશ્વને ચોંકાવ્યું

નિર્મલ પૂર્જા તેમનું નામ છે. મૂળ નેપાળના ગુરખા સૈનિક અને હવે પર્વતારોહી તરીકે જાણીતા થયા છે. બ્રિટનના નાગરિક બન્યા છે અને તેમણે પ્રોજેક્ટ પોસિબલ 14/7 આદર્યો છે, જેમાં 14 શીખરો ફક્ત સાત મહિનામાં સર કરવાના છે. દુનિયામાં 8000 મીટરથી ઊંચા ચૌદ શીખર છે, તેને સાત મહિનામાં જ સર કરી લેવાનો વિક્રમ કરવા માટે તેઓ બીજા સાથી સાથે નીકળ્યા છે.  આ પ્રોજેક્ટના ભાગરૂપે જ તેઓ એવરેસ્ટ પર પહોંચ્યા હતા, પણ તેમણે જોયું કે અહીં તો મોટી લાઈન લાગી હતી. તેમણે તસવીર લીધી અને પોસ્ટ કરી. શીખર સુધી સળંગ લાઈન જોઈને દુનિયા ચોંકી ગઈ. જોકે પર્વતારોહકો માટે આ બહુ નવાઈની વાત નથી. મે મહિના અંત ભાગમાં સૌથી વધુ ગરમી હોય ત્યારે એવરેસ્ટ સર કરવું સૌથી સહેલું હોય છે. વાતાવરણ સ્વચ્છ હોય, તડકો વધારે હોય, વાદળો અને તોફાન આવવાની શક્યતા થોડી ઓછી હોય. તેથી જ 200થી પર્વતારોહકોની ભીડ થઈ ગઈ. થયું એવું કે પાછા વળવા માટે તમારે રાહ જોવી પડે. એક પછી એક લાઈનમાં જ નીચે ઉતરવું પડે. તેના કારણે કેટલાકના ઓક્સિજન ખૂટવા લાગ્યા, કેટલાક ઉતાવળ કરવા ગયા તેમાં લપસ્યા, કેટલાક વધુ લાંબો સમય આકરા હવામાનમાં રહેવાથી બીમાર પડ્યા. દસથી વધુના મોત થયા. ત્રણ ભારતીય પર્વતારોહકો પણ માર્યા ગયા તેથી ભારતમાં પણ આ સમાચાર ચમક્યા હતા.

તેમણે 24 મેના રોજ નેપાળમાં જ આવેલું મકાઉ શીખર પણ સર કર્યું. તેના 12 કલાક પહેલાં જ તેઓ લહોત્સે શીખર પર હતા. તે વખતે તેમની એવરેસ્ટની તસવીર દુનિયાભરમાં ફરી વળી હતી. એ તસવીર તેમણે લહોત્સે શીખર પર પહોંચ્યાના 48 કલાક પહેલાં લીધી હતી. 48 કલાક પહેલાં તેઓ એવરેસ્ટ પર જઈને પરત આવ્યા હતા. ત્રણ દિવસમાં તેમણે ત્રણ ઊંચા શીખરો કરી લીધા હતા. એ સાથે એક જ મહિનામાં છ શીખરો સર કરવાનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો. અન્નપૂર્ણાથી શરૂઆત કરી, ધૌલાગીરી અને કાંચનજંઘા શીખરો અગાઉ જ સર કર્યા હતા.  એક મહિનામાં 6 શીખરો થયા, હવે બાકીના છ મહિનામાં તેમણે 8 શીખરો પર પહોંચવાનું છે. જૂન મહિનામાં બાકીના શીખરો પણ પૂરા કરી લે તેવી શક્યતા છે. આ કામ સહેલું નથી. આટલી ઝડપથી એક પછી એક શીખરો પર પહોંચવું તેનાથીય અઘરું છે. તમે કલ્પના કરો ચાર દિવસમાં એવરેસ્ટ ચડ્યા ઉતર્યા, લહોત્સે ચડ્યા અને ઉતર્યા અને મકાઉ ચડ્યા અને ઉતર્યા. 8000થી વધુની ઊંચાઈના આઠેઆઠ હિમાલયના શીખરો અત્યાર સુધીમાં માત્ર 40 લોકોએ જ સર કર્યા છે. તે પણ વારાફરતી, અલગ અલગ વર્ષો દરમિયાન. માત્ર સાત જ મહિનામાં તેને સર કરવાનો વિક્રમ થશે, પણ તેની ચર્ચા ઓછી થશે. ચર્ચા થશે એવરેસ્ટની ભીડની.

એવરેસ્ટ પર ભીડની ચર્ચા થવા લાગી છે. એવરેસ્ટ નેપાળ માટે કમાણીનું અને પર્યટનનું આકર્ષક સ્થાન છે. મંજૂરી લઈને તેનું આરોહણ કરવાનું હોય છે. પહાડ પર ચડનારા પર્વતારોહકોની વાહવાહ થાય છે, પણ સાચી વાત એ છે કે દરેકની સાથે ત્રણ ત્રણ શેરપાઓ હોય છે. સામાન ઊંચકવા અને રસ્તો દેખાડવા માટે સ્થાનિક શેરપાઓને લઈ જવા પડે. તેના કારણે સારી એવી રોજગારી મળી રહે છે. વિક્રમો હકીકતમાં શેરપાના નામે નોંધાવા જોઈએ, કેમ કે તેઓ દર વર્ષે એકથી વધુ વાર એવરેસ્ટ પર જઈ આવે છે. નિર્મલ પૂર્જા આ હિમાલયના પર્વતોમાં જ જન્મ્યા અને મોટા થયા છે. તેમના માટે આ બહુ નવું નથી. આમ છતાં આ વખતે આટલી લાઈન જોઈને તેમને પણ નવાઈ લાગી હતી. તેમણે ન્યૂ યોર્ક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પર્વતારોહણ વખતે ભીડ થઈ જાય છે તે સાવ નવું નથી, પણ છેક ટોચ પાસે આટલી મોટી લાઈન મેં ક્યારેય જોઈ નથી એમ તેમણે કહ્યું. વાતાવરણ થોડું બગડ્યું હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ હોત અને મોટી સંખ્યામાં પર્વતારોહકો માર્યા ગયા હોત એમ તેમણે કહ્યું.

 

ભીડ થાય છે પણ આટલી ભીડ નહિ. તે વખતે લગભગ 250 વ્યક્તિઓ એવરેસ્ટની ટોચની નજીક લાઈનમાં ઊભા હતા. સારું વાતાવરણ હોય ત્યારે મે મહિનામાં વધારે દિવસો મળે છે, તેથી થોડી ઓછી ભીડ હોય છે. પણ ભીડ થાય છે ખરી. બીજું જાણકારો કહે છે કે માત્ર ભીડને કારણે મોત થયા એવું પણ નથી. ભીડ ના હોય ત્યારે પણ વિવિધ કારણોસર સાહસિકોના જીવ જતા હોય છે. આધુનિક સાધનો હોવા છતાં આજેય એવરેસ્ટ પર જવું એ મોતનો સામનો કરવા સમાન છે. તેના કારણે તેનો રોમાંચ પણ છે. સંદેશ વ્યવહારના સાધનો અને ત્વરિત મદદ મળવાની શક્યતા છતાં તમે જીવતા પાછા ફરશો તેની ખાતરી નથી હોતી. બીજું એક સાથે અઢીસો લોકો ટોચ પર ભેગા થઈ ગયા તેમાં આયોજનનો અભાવ પણ ઘણાને દેખાયો છે. બેઝ કેમ્પથી જ આયોજન પ્રમાણે વારાફરતી સૌએ નીકળવું જોઈએ. આ વખતે વધારે સંખ્યામાં સાહસિકો આવ્યા હોવાથી કેટલાક બિનઅનુભવી શેરપાઓ તેમની સાથે જોડાયા હશે તેવી શક્યતા પણ છે.

અગાઉ 2012માં પણ એવરેસ્ટ પર ભીડની તસવીર જોઈને ઘણા લોકો ચોંક્યા હતા. તે વખતે પણ 10 લોકોના મોત થયા હતા. 2014માં 16 અને 2015માં 18ના મોત થયા હતા, પણ તે વખતે વાતાવરણ ખરાબ થયું હતું તે પણ એક કારણ હતું. સાત વખતે એવરેસ્ટ પર જઈ આવેલા લામ બાબુ શેરપા પણ આ વખતી લાંબી લાઈન જોઈને ચિંતામાં પડી ગયા હતા. ઘણી વાર સમયસર પરત આવી શકાશે તેવી ગણતરીને કારણે અને વજન ઓછું કરવા વધારાના ઓક્સિજન સિલિન્ડર લઈ જવાતા નથી. એવા સંજોગોમાં લાઈન લાગી ગઈ હોય અને તમારે બે કલાક રાહ જોવી પડે અને ઓક્સિજન ખૂટવા લાગે તો જોખમ થઈ જાય તેવું લામ બાબુ કહે છે. તેમણે પત્રકારોને કહ્યું કે “એ લાઈનમાં 200 લોકો હતા. તમે ઓવરટેક કરી શકો નહી. આગળના પર્વતારોહીમાંથી કેટલાક થાકવા લાગ્યા હતા અને ધીમા પડ્યા હતા. તેના કારણે પાછળવાળાએ પણ ધીમા પડવું પડે. પોતે જોખમમાં મૂકાય અને બીજાને પણ મૂકે.”

 

આ વર્ષે નેપાળે 381 પ્રવાસીઓને પરવાના આપ્યા હતા. આ પણ એક રેકર્ડ હતો અને તેના કારણે જ લાઈન લાગી ગઈ હતી. દરેક પર્વતારોહક પાસેથી 11000 ડૉલરની ફી લેવામાં આવે છે. એપ્રિલનું છેલ્લું અઠવાડિયું અને આખો મે મહિનો એમ છ અઠવાડિયા જ એવરેસ્ટ માટે અનુકૂળ ગણાય છે.381 પરવાના પછી તેની સાથે એક ગાઇડ અવશ્ય હોય છે, જે છેક સુધી સાથે જાય. એટલે આ વખતે માત્ર નેપાળમાંથી જ 600થી વધુ લોકો એવરેસ્ટ સુધી પહોંચ્યા હતા. તીબેટ તરફથી પણ 140 લોકોને મંજૂરી મળી હતી. તેમની સાથે પણ ગાઇડ ગણો એટલે ત્રણસો એ થયા. આ રીતે આ વખતે 900 લોકો ટોચ નજીક પહોંચ્યા હોય તેવી શક્યતા છે. ગયા વર્ષે ટોચ પર 807 લોકો પહોંચ્યા હતા તે એક વિક્રમ હતો. તે વિક્રમ આ વખતે તૂટી જશે તેવી શક્યતા છે.

11000 ડૉલરની પરમીટ પછી બીજા ખર્ચા જુદા. એક ગાઇડ અને બે મદદનીશ શેરપા લગભગ લેવા પડે. મદદનીશ શેરપા બેઝકેમ્પ સુધી આવે કે થોડે વધુ આગળ સુધી સામાન ઉંચકવા આવી શકે. ગાઈડ લગભગ છેક સુધી સાથે રહેતા હોય છે. દરેક પર્વતારોહકે ત્રણ શેરપાઓને સારી રકમ આપવી પડે. સાધનો અને રહેવાજમવાનો ખર્ચ અલગ. તેના કારણે કેટલાક લોકો ચિંતા કરવા લાગ્યા છે કે માત્ર સાહસિકો નહિ, પણ લાખોપતિઓ શોખ ખાતર એવરેસ્ટ પર ભીડ કરવા લાગ્યા છે. લાખોપતિ પ્રવાસીઓ વધુ પૈસા ખર્ચીને, સાધનોની મદદથી ટોચ પર પહોંચે છે. અસલ સાહસિકો પાસે એટલું બજેટ હોતું નથી, તેથી તેમણે મર્યાદિત સાધનો સાથે અને જોખમ સાથે સાહસ કરવું પડે છે. પેલા લાખોપતિ શોખીનો તેમને નડતરરૂપ થઈ શકે છે. ઓછા ખર્ચે તમારે બિનઅનુભવી શેરપાઓને સાથે લઈ જવા પડે. તે પણ જોખમનું એક કારણ છે.  પૈસા ખર્ચી શકે તેમ હોય તે લોકો સલામતીના નામે વધારે શેરપાઓને લઈ જાય છે તે પણ ભીડનું કારણ છે. આ વખતે થયેલી નોંધણીમાં આનું એક ઉદાહરણ મળ્યું હતું.

15 પર્વતારોહકોની એક ટુકડીએ 27 શેરપાઓને આ વખતે સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું. એવરેસ્ટ પર કચરો એકઠો થાય છે તેના અહેવાલો પણ આપણે અગાઉ જોયા હતા. જોકે તે બાબતમાં હવે વધારે કાળજી લેવામાં આવે છે. પર્વતારોહકોને પણ સ્વચ્છતાની જવાબદારી સોંપવામાં આવે છે. સફાઈ કરતાં સલામતીનો મુદ્દો વધારે અગત્યનો બન્યો છે. એવરેસ્ટનું આરોહણ સાહસ કરતાં શોખનું માધ્યમ બની રહ્યું છે તે ચિંતાનું કારણ છે. લાખોપતિ પ્રવાસી પોતાની સાથે બબ્બે શેરપા લઈ જાય, જેથી વધારે ઓક્સિજન સિલિન્ડર સાથે લઈ જઈ શકાય. આવા શોખીનો અર્ધદગ્ધ હોય છે અને કુશળ આરોહકોની જેમ ઝડપ કરી શકતા નથી. તેમના કારણે ભીડ વધતી જાય અને પાછલ આવતા કુશળ આરોહકો માટે મુશ્કેલી ખડી કરે છે. પૈસાપાત્ર હોવાના કારણે પોતે સલામતી માટે બે શેરપા લઈ જાય, પણ એકલે હાથે સાહસ કરવા નીકળેલા અને ઓછા પૈસા ધરાવતા અસલી સાહસિકોના માથે જોખમ વધી જાય છે. આ બાબત ચિંતાનું કારણ બની રહી છે, પણ તેની ચર્ચા નહોતી નથી. આ વખતે નિર્મલ પૂર્જાની તસવીર અને સાતથી વધુ પર્વતારોહકના મોતથી થોડી ચર્ચા થઈ છે. જોઈએ, આગળ શું નિષ્કર્ષ નીકળે છે.