ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયનો સાથે મળીને ચૂંટણીમાં ગોલમાલ કરેલી?

ક પંચ બેસાડવામાં આવ્યું હતું – રોબ્રટ મ્યુલર પંચ – તેણે ચુકાદો આપ્યો છે કે ના રશિયનો સાથે ટ્રમ્પે કુલડીમાં ગોળ ભાંગ્યો નહોતો. ભારતની જેમ જ આ પણ સરકારી પંચ હતું એટલે તેની વાત કોઈના ગળે ઉતરતી નથી. બધાએ મ્યુલર પંચના તારણને હસી કાઢ્યું છે. 2020માં ફરી ચૂંટણી આવવાની છે ત્યારે ટ્રમ્પ કહેશે કે મને પંચે નિર્દોષ ગણાવ્યો છે, પણ હરિફો જુદી વાત કરતા રહેશે.
2016માં પ્રથમવાર અમેરિકાને લેડી પ્રેસિડેન્ટ મળશે તેવી શક્યતા ઊભી થઈ હતી. પતિ બીલ ક્લિન્ટનના પગલે હિલેરી ક્લિન્ટને ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું. પરંતુ સોશ્યલ મીડિયામાં હિલેરીએ વિદેશ પ્રધાન તરીકે શું શું કર્યું હતું તથા તેમના પતિ બીલ ક્લિન્ટને વ્હાઇટ હાઉસમાં લફરાં કરવા સિવાય બીજા શું કાળા-કાળા કર્યા હતા તેની વાતો ચગાવાઈ હતી. એવું માનવામાં આવે છે કે ક્લિન્ટન દંપતિને બદનામ કરી દેવા માટે અને દેશમાં અમુક ચોક્કસ પ્રકારનો માહોલ ઊભો થાય – જેમ કે ઇમિગ્રન્ટ્સ વિરોધી, રૂઢિચૂસ્ત ગ્રેટ અમેરિકા અગેઇનની વિચારસરણી માટે વગેરે – તે માટે હવા ઊભી કરવામાં આવી હતી.

યાદ કરો ભારતમાં કેમ્પેઇન અગેન્સ્ટ કરપ્શન સોશ્યલ મીડિયામાં કેવી ચાલી હતી. તે પછી ધીમેકથી તે કેમ્પેઇન અગેન્સ્ટ કરન્ટ કરપ્ટ ગર્વનમેન્ટ બની ગઈ હતી. ક્લિન્ટન દંપતિને બદબોઇ કરવાની જેમ જ ભારતમાં રાજકીય પરિવારોની, કોંગ્રેસના વંશવાદની, લાલુ અને મુલાયમ જેવા પ્રાદેશિક નેતાઓની, માયાવતી અને મમતા જેવા તેજ મિજાજ મહિલા અગ્રણીઓ માટે ધિક્કારની લાગણીને કચકચાવીને ચગાવવામાં આવી હતી.
ભારતમાં સોશ્યલ મીડિયાને કારણે ચૂંટણીમાં કેવી રીતે અસર થઈ તેની છુટીછવાઈ ચિંતાઓ વ્યક્ત થતી રહી છે, પણ અમેરિકાની જેમ કોઈ તપાસ પંચ બેસાડાયું નહોતું. બેસાડાશે પણ નહિ. બેસાડાયું હોત તો અમેરિકાની જેમ કશો ફરક પણ પડવાનો નહોતો. પંચે તારણ કાઢ્યું હોત કે બિચારું સોશ્યલ મીડિયા તો બહુ સંસ્કારી છે…
ટૂંકમાં ધિક્કારને પાત્ર બનેલા, અમેરિકાની લોકતાંત્રિક પ્રણાલીઓમાં તોડફોડ કરી નાખનારા, પત્રકારોને ગાળો આપનારા, ઇમિગ્રન્ટ્સને તગેડી દેવા માગનારા ટ્રમ્પને નિર્દોષ ઠરાવાયા છે. તેથી ફરીવાર તે ચૂંટણી લડે ત્યારે સોશ્યલ મીડિયામાં તેના તરફી પ્રચાર ચાલે તેને એટલો અળખામણો કદાચ ના પણ ગણવામાં આવે. તેને એક લેજિટીમસી મળી જશે, કદાચ.
પંચના અહેવાલનું ચાર પાનાનું તારણ એટર્ની જનરલે પ્રગટ કર્યું છે. તેમાં જણાવાયું છે કે “સ્પેશ્યલ કાઉન્સેલ કરેલી તપાસમાં એવું જણાયું નથી કે ટ્રમ્પની પ્રચાર ઝુંબેશ કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ રશિયા સાથે સંકલન સાધીને કે કાવતરું કરીને 2016ની અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી નહોતી.”
જોકે પંચની તપાસ યોગ્ય દિશામાં ના થાય તે માટે પ્રમુખે કોશિશ કરી હતી કે કેમ તે વિશે મ્યુલરની ટીમમાંથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
ટ્રમ્પના ટેકેદારો પંચના અહેવાલને જે રીતે લઈ રહ્યા છે તેની ચાલાકી હવે આવે છે. એટર્નીએ જાહેર કરેલા પત્રમાં આગળ લખ્યું છે, “સ્પેશ્યલ કાઉન્સેલ જણાવે છે કે ‘આ અહેવાલ જણાવે છે કે પ્રમુખે કોઈ ગુનો કર્યો નથી, પણ તે તેમને નિર્દોષ પણ જાહેર કરતો નથી.'” અર્થાત ટ્રમ્પ તદ્દન નિર્દોષ છે એવી કોઈ વાત પંચે કરી નથી. તેમની સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી એટલી જ વાત છે. ભારતમાં થોડા વખત પહેલાં રફાએલના કિસ્સામાં આવું જ થયું હતું. રફાએલના મામલે સુપ્રીમ કોર્ટે કશીક ટીપ્પણી કરી ત્યારે એક છાવણીએ કહ્યું કે ક્લિનચીટ આપવામાં આવી છે, જ્યારે બીજી છાવણીએ કહ્યું કે ક્લિનચીટ આપવાની કોઈ વાત જ નથી. માત્ર તપાસ કરવાનું કામ પોતાનું નથી એટલું જ જણાવ્યું હતું.  પ્રમુખે તપાસમાં રોડાં નાખ્યાં હતા કે તે બાબતે અમેરિકામાં ચર્ચા થતી રહેશે, કેમ કે એટર્ની જનરલે પોતાના પત્રમાં એવું જણાવ્યું છે કે આ બાબતમાં સ્પેશ્યલ કાઉન્સેલે કોઈ સ્પષ્ટ તારણ આપ્યું નથી. આ બાજુ કે પેલી બાજુ, પ્રમુખનું વર્તન અવરોધરૂપ ગણી શકાય કે કેમ તેની સ્પષ્ટતા થઈ નથી એટલી જ વાત છે.
ટૂંકમાં ડૉનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડવા ઉતરશે ત્યારે પણ આ મામલો ચગતો રહેવાનો છે. અમેરિકા બહુ શિક્ષિત છે એટલે સોશ્યલ મીડિયાથી ભરમાશે નહિ એવું માનવાની જરૂર નથી. ભણેલા ભૂલે એ વાત ભારતની જેમ અમેરિકામાં પણ ચિંતાનો વિષય છે. પ્રચારની ગંદકી પર ગુલાબજળ છાંટીને આપી દેવાય ત્યારે ભેદ પારખવો મુશ્કેલ બનતો હોય છે. મ્યુલર પંચે એ નક્કી કરવાનું હતું કે 2016માં રશિયનો જે ગેરમાહિતી ફેલાવી રહ્યા હતા, તેને અમેરિકામાંથી કોઈએ મદદ કરી હતી ખરી. (રશિયનોએ ગેરમાહિતી ફેલાવી હતી એટલું તો માની જ લેવાયું છે.)

ટ્રમ્પનો જમાઇ

ટ્રમ્પ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 14 લોકો સાથે રશિયન નાગરિકોનો સંપર્ક થયો હતો તેમ માનવામાં આવે છે. ટ્રમ્પના વિદેશી બાબતોના સલાહકાર જ્યોર્જ પાપાડોપોઉલોસ એપ્રિલ 2016માં લંડનમાં કોઈને મળ્યા હતા. તેમને જણાવાયું હતું કે હિલરી ક્લિન્ટનની બદનામી થાય તેવી માહિતી રશિયનો પાસે છે. હિલેરી ક્લિન્ટનના હજારો ઈ-મેઇલ હેક થઈ ગયા હતા, તે રશિયનો પાસે હતા. ટ્રમ્પનો દીકરો અને ટ્રમ્પનો જમાઇ જૂન 2016માં ન્યુ યોર્કના ટ્રમ્પ ટાવરમાં જ એક રશિયન વકીલને મળ્યા હતા. લેડી વકીલે મુલાકાત પહેલાં ઈ-મેઇલ કર્યા હતા, તેમાં એવું જણાવ્યું હતું કે તેની પાસે ક્લિન્ટનની સંડોવણી દર્શાવતી માહિતી છે. રશિયન સરકાર તે આપવા માગે છે અને બદલામાં અમુક બાબતમાં સહકાર માગે છે.
મ્યુલરના અહેવાલની રાજકીય અસર શું થાય છે તે જોવાનું રહે છે, પણ હાલમાં તેમણે કરેલી તપાસને કારણે વિવિધ કારણોસર ટ્રમ્પના ભૂતપૂર્વ છ સલાહકારો સહિત 34 સામે ક્રિમિનલ આરોપો લાગ્યા છે. રશિયા ક્રિમિયામાં કાર્યવાહી કરે ત્યારે નાટો દખલ ના કરે, તથા યુરોપમાં ઓવરઓલ નાટોને નબળું પાડવામાં આવે તેવું રશિયનો બદલામાં ઈચ્છતા હતા તેવા આક્ષેપો થતા રહ્યા છે.
દુનિયાના જુદા જુદા દેશોમાં સોશ્યલ મીડિયાનું દૂષણ સમાજ અને રાજકારણને કેટલું હાનીકારક સાબિત થઈ શકે છે તેની ચિંતા વધવા લાગી છે. હરિફો વિશે ગંદી વાતો ફેલાવવાનું કામ ભૂતકાળમાં પણ થતું હતું, પણ તે આસાન નહોતું. અખબારો અને પત્રકારો બધા જ ગપગોળા સ્વીકારી લેતા નહોતા. પોતાની રીતે તેમાં પાણી નાખીને મોળા કરીને આક્ષેપો તરીકે પ્રગટ થતા હતા. બીજું અખબારી માધ્યમથી તે વ્યાપક જનતામાં, ખાસ કરીને જાહેર જીવનના પ્રવાહોથી અજાણ્યા નાગરિકો સુધી પહોંચતા નહોતા.
સોશ્યલ મીડિયાના કારણે દુનિયાદારીથી અજાણ માણસ સુધી રોજેરોજ પ્રચારના ગુબ્બારા પહોંચે છે. તેના માટે ભેદ કરવો મુશ્કેલ છે કે કઈ માહિતી થોડી ખોટી અને કઈ માહિતી હાડોહાડ ખોટી અને કઈ માહિતી અત્યંત વિકૃત્ત કશાની છે. ભારતમાં પણ છેલ્લા એક દાયકાથી સોશ્યલ મીડિયામાં, ફૂટી નીકળેલી વેબસાઇટોમાં, વિડિયોમાં હલકી કક્ષાની મનોવૃત્તિનો ફેલાવો થઈ રહ્યો છે, જે આપણી સામાજિક, નૈતિક અને રાજકીય સમજદારી સામે મોટો ખતરો ઊભો કરી રહી છે. ભારતમાં હજી અમેરિકાની જેમ ચૂંટણીને પ્રભાવિત કરનારી સોશ્યલ મીડિયાની ગંદકીની તપાસ માટે પંચ બેસાડવી પડે તેવી સ્થિતિ આવી નથી. જોઈએ ક્યારે આવે છે અથવા કોણ લાવે છે, કેમ કે ગંદકી ફેલાવનારા સ્વંય પોતાની સામે ક્યારેય તપાસ નહિ બેસાડે. રાજકીય હરિફો પણ ગંદકીની હોળી રમવામાં જોડાઈ ગયા છે એટલે હરિફો પણ કદાચ તેને પસંદ નહિ કરે. જોઈએ હવે.