પાકિસ્તાની સેના કારગિલમાં કેવી રીતે માર ખાઇ ગઇ હતી?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી નજીક આવી ગઈ છે અને ભારતમાં પણ હવે એક વર્ષ કરતાં ઓછો સમય રહ્યો છે લોકસભાની ચૂંટણી આડે. હાલમાં જ બે પુસ્તકો આવ્યા છે, જેની ચર્ચા બંને દેશમાં છે. તેમાં એક પુસ્તકે વધારે વિવાદ જગાવ્યો છે, કેમ કે તે ભારત અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા રહી ચૂકેલા બે જણે સંયુક્ત રીતે પુસ્તક લખ્યું છે. ભારતની જાસૂસી સંસ્થા રૉના ભૂતપૂર્વ વડા એ. એસ. દૂલાત અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના વડા અસદ દુર્રાનીના આ પુસ્તકનું નામ છે The Spy Chronicles: RAW, ISI and the Illusion of Peace. જોકે વધારે વિવાદ પાકિસ્તાનમાં થયો છે, કેમ કે પાકિસ્તાની સહલેખક લેફ્ટ. જનરલ અસદ દુર્રાની સામે સેનામાં જ રોષ જાગ્યો છે. સેના સાથે અને આઇએસઆઇ સાથે વર્ષો સુધી કામ કર્યા પછી તેમને જ આરોપીના પીંજરામાં મૂકી દીધા તેથી દુર્રાની સામે ભારે રોષ છે.પાકિસ્તાની સેના સામે આંગળી ચીંધતું બીજું એક પુસ્તક પણ તેની પાછળ જ આવ્યું. ભારતમાં જેમ પાકિસ્તાન અને મિયાં મુશર્રફ ચાલે છે, તેમ પાકિસ્તાનમાં પણ ભારત અને કાશ્મીરનો મુદ્દો ચાલે છે. નવાઝ શરીફ માટે ફરી વડાપ્રધાન બનવું મુશ્કેલ છે, કેમ કે સુપ્રીમ કોર્ટે તેમની સામે આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ તેમનો પક્ષ અને તેમના પરિવારમાંથી, સંભવત તેમની દીકરી સત્તા પર આવી શકે છે. સેના તેમને ઇચ્છતી નથી. મિયાં મુશર્રફ પણ હવે સેના માટે અનિચ્છનિય વ્યક્તિ બની છે. તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષા કોઈ રીતે આગળ વધવી જોઈએ નહિ. બેનઝીરનો પક્ષ અને બેનઝીરનો પુત્ર પણ મજબૂત ના થવો જોઈએ. ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને લાંબા સમયથી રાજકારણમાં પગ જમાવવા મથી રહેલા ઇમરાન ખાન માટે સેનાને લાગણી છે, પણ તેઓ એકલા હાથે ચૂંટણી જીતી શકે કે કેમ તે શંકા છે. તેથી પાકિસ્તાની સેના કોને ઇચ્છે છે તે સમજાતું નથી ત્યારે આ પુસ્તકોના કારણે પાકિસ્તાનનું રાજકારણ અને તેમાં સેનાની ભૂમિકા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

આ બીજું પુસ્તક પાકિસ્તાનમાં વધારે ચર્ચા જગાવી રહ્યું છે, કેમ કે તેમાં કારગિલના મુદ્દે કેટલીક સ્પષ્ટતાઓ કરાઈ છે. પાકિસ્તાનના જાણીતા લેડી પત્રકાર નસીમ ઝેહરાના પુસ્તકનું નામ છે From Kargil to The Coup: Events That Shook Pakistan. નામ પ્રમાણે જ કારગિલને કારણે પાકિસ્તાને કેવા આઘાતો સહન કરવા પડ્યા તેની વાત પુસ્તકમાં કરવામાં આવી છે અને દોષનો ટોપલો પાકિસ્તાની સેનાના બેવકૂફ જનરલો પર ઢોળવામાં આવ્યો છે. આ તોફાની બારકસ જેવા મિથ્યા લશ્કરી અફસરોએ ભારત સામે નપુંસક બહાદુરી બતાવવા જતા, પાકિસ્તાનની સ્થિતિ જ પતલી કરી નાખી છે તેવું જણાવાયું છે.

કારગિલ યુદ્ધમાં નવાઝ શરીફને ખ્યાલ આવી ગયો કે સેનાએ પોતાને ફસાવી દીધા છે, ત્યારે તેમણે ભારત સાથે પરદા પાછળની ડિપ્લોમસી દ્વારા સમાધાન માટેની તૈયારી કરી લીધી હતી. પરંતુ ભારતમાંથી યોગ્ય પ્રતિસાદ ના મળ્યો અને નવાઝ શરીફનું નીચાજોણું થયું. હકીકતમાં પાકિસ્તાની સેનાનું નીચાજોણું થવું જોઇ હતું, કેમ કે સમગ્ર યોજના સેનાની હતી અને એકવાર ફસાઇ ગયા પછી તેમાંથી પરત નીકળવા માટે ભારત સાથે સમાધાન કરવું જરૂરી હતું. ભારતે સમાધાન ના કર્યું અને પાકિસ્તાની સેનાને કારગિલમાંથી બૂરી રીતે ખદેડી દીધી હતી.

આ વાત પાકિસ્તાની સેનાને ભારે અકળાવે છે. ભારત કહેતું આવ્યું હતું કે કારગિલમાં પાકિસ્તાનીઓની ખો ભૂલાવી દેવાઇ હતી, પણ એક પાકિસ્તાની પત્રકાર જ કહે કે પાકિસ્તાની સેનાને કારગિલનું ઉંબાડિયું ભારે પડી ગયું હતું તે વધારે ખૂંચે તેવું છે. જૂન 1999માં જ કારગિલના મામલે સમાધાન નક્કી થઈ ગયું હતું, પણ ભારતે હુમલો કરવાનું ચાલુ જ રાખ્યું હતું, કેમ કે અમેરિકાના દબાણથી પાકિસ્તાની સેનાએ પીછેહઠ કરવી પડશે એવી ભારતને ખાતરી હતી. આ રીતે અમેરિકાને પણ ક્રેડિટ આપવાની કોશિશ પાકિસ્તાની પત્રકારે કરી છે, જેથી સમગ્ર ક્રેડિટ ભારતને ના આપવી પડે. સાચી વાત એ છે કે ભારતીય સેનાએ બહુ સંયમ સાથે, પણ મક્કમતાથી પાકિસ્તાની સેનાને કારગિલમાંથી ખદેડી દીધી હતી. ભારતે આંતતરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને સંયમ રાખ્યો, તેથી થોડી નુકસાની વહોરવી પડી, પણ આખરે પાકિસ્તાનને ત્યાંથી ભગાવ્યું હતું.

પુસ્તકમાં અપાયેલી વિગતો તદ્દન નવી નથી. નસીમ ઝેહરાએ તે વખતે પણ વિશેષ અહેવાલ આપીને આ વાત લખી હતી, જેને હવે પુસ્તકમાં સમાવી લેવાઇ છે. તેમાં કેટલીક નવી વાતો પણ તેમણે ઉમેરી છે અને સમગ્ર કાર્યવાહીમાં પાકિસ્તાને સેના કેવી ભૂંડી લાગી તેનું વર્ણન તેમણે કર્યું છે. નવાજ તરફી મનાતા આ પત્રકારે તેમની પણ ટીકા કરી છે. તેમણે નાદાની દાખવી હતી, કેમ કે સેનાની વાતમાં ભરોસો કરવા ગયા. સેનાના અફસરોએ તેમને એવું સમજાવ્યું હતું કે તમે કાશ્મીરના મુક્તિદાતા તરીકે ઇતિહાસમાં અમર થઈ જશો. ને શરીફ માની પણ ગયા હતા!
પુસ્તકમાં જણાવ્યા અનુસારમાં સેનાએ કારગિલમાં ઘૂસણખોરી કરી તેના પાંચ મહિના સુધી શરીફને તેમની કશી ખબર નહોતી. માર્ચ 1999માં લાહોર કરાર માટે વાજપેયીએ બસયાત્રા કરી, ત્યાં સુધીમાં પાકિસ્તાને સેનાએ ખેલ પાડી પણ દીધો હતો. આખરે 17મી મેના રોજ શરીફને જાણકારી આપવામાં આવી. ત્યારે પણ મભમ વાતો જ કરવામાં આવી. કાશ્મીરની સ્વતંત્રતા યુદ્ધના લડવૈયાઓ આગળ છે અને પાછળ પાકિસ્તાની સેના છે તેવી જ વાત કરવામાં આવી હતી. સેનાએ એલઓસી ક્રોસ કરીને ઘૂસણખોરી કરી છે તે વાત કહેવાઇ નહોતી.મિયાં મુશર્રફને કલ્પના નહોતી, પણ એકવાર ભારતને ઘૂસણખોરીની જાણ થઈ તે પછી આક્રમક ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો. હવે મુશર્રફ અને તેની સેના બરાબરની ફસાઇ ગઇ હતી. ભૂંડા હાલે કારગિલમાંથી તેમને ખદેડી દેવાશે તે સ્પષ્ટ થઇ ગયું હતું. મુશર્રફે હવે ચાલાકી કરી અને સેનાની આબરૂ ના જાય તે માટે ઠીકરું નવાજના માથે ફોડવાની કોશિશ કરી હતી. આખલો મામલો વડાપ્રધાન પર નાખી દેવાયો અને નવાઝ શરીફે અમેરિકાનું શરણું લીધું.

આ તરફ મુશર્રફ અને સેનાએ ખેલ શરૂ કરી દીધો. એવી હવા ફેલાવાનું શરૂ થઈ ગયું કે સેનાએ કરેલું બહાદુરીનું કામ શરીફ ઊંધું વાળી રહ્યા છે. ચોથી જુલાઇએ વોશિંગ્ટનથી જ શરીફે જાહેરાત કરી હતી કે કારગિલમાંથી પાકિસ્તાની સેના હટાવી લેવાશે. એ જાહેરાત પછી પાકિસ્તાની સેનાને હાશકારો થયો હતો, કેમ કે ભારતીય સૈનિકોએ તેમની ખો ભૂલાવી દીધી હતી. ભારતના હાથનો માર ખાઇ રહેલી સેના ઝડપથી કારગિલમાંથી ભાગવા માગતી હતી, પણ તે માટે બહાનું શોધવાનું હતું. હવે બહાનું મળી ગયું હતું. શરીફે દાટ વાળ્યો અને અમારે કારગિલમાંથી હટવું પડ્યું તેવો પ્રચાર સેનાએ કર્યો હતો.

તે પ્રચાર અત્યાર સુધી ચાલતો આવ્યો છે, પણ બબ્બે પુસ્તકોએ પાકિસ્તાની સેનાને ઉઘાડી પાડી દીધી છે. સેનાની હાલત બૂરી થઈ હતી અને સમજ્યા વિના કારગિલમાં કરેલું ઊંબાડિયું સેનાને ભારે પડ્યું હતું તેવી ચોખ્ખી વાત કરતું આ પુસ્તક અત્યારે પાકિસ્તાનના સેના તરફી તત્ત્વોને બહુ આકરું લાગી રહ્યું છે.

દરમિયાન કારગિલે મુદ્દે સમાધાનમાં શું થયું તેની વિગતો પણ નસીમે પુસ્તકમાં આપી છે. તેમાં ભારતમાં પણ તેમણે અટકચાળું કરવાની કોશિશ કરી છે. તેમાં એવો ઇશારો કરાયો છે કે ભારત તરફથી સમાધાન છેલ્લી ઘડીએ તૂટી પડ્યું હતું, કેમ કે વાજપેયી સરકારના કેટલાક તત્ત્વોએ તેમના હાથ બાંધી દીધા હતા.જૂન 1999માં ભારતના આર. કે. મિશ્રા અને શરીફના વિશ્વાસ નિયાઝ નાઇક ખાનગીમાં એકબીજાને મળ્યા હતા. નાઇક 27 જૂને નવી દિલ્હી પહોંચ્યા હતા અને સમજૂતિ માટેનો મુસદ્દો તૈયાર કરી લેવાયો હતો. બંને દેશો 1072ના સીમલા કરાર પ્રમાણે નક્કી થયેલી એલઓસીને માન્ય રાખે છે તેવી જાહેરાત કરવાની હતી. બંને દેશોના અફસરો મુલાકાત કરીને એલઓસી પર જૈસે થે સ્થિતિ ચકાસી લેશે અને ત્યારબાદ બંને દેશના નેતાઓ લાહોર કરાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે તેવું પણ નક્કી થઈ ગયું હતું. કાશ્મીર સહિતના મુદ્દાઓના ઉકેલ માટે એક સમયમર્યાદા પણ નક્કી કરાશે તેવી વાત પર પણ બંને દેશો સહમત થયા હતા તેવો દાવો પુસ્તકમાં કરાયો છે.

27 જૂને બીજિંગની પાંચ દિવસની મુલાકાતે નવાઝ શરીફ જવાના હતા. પુસ્તકના દાવા અનુસાર ખાનગીમાં એવું નક્કી થયું હતું કે બીજિંગ જતા રસ્તામાં શરીફ ભારતના આકાશમાંથી ઊડે ત્યારે વાજપેયીને ગુડવીલનો સંદેશ મોકલશે. વાજયેપી સાનુકૂળ પ્રતિસાદ આપીને તેમને દિલ્હી રોકાઇને જવા કહેશે. તે રીતે દિલ્હીની અધવચ્ચેની મુલાકાત નક્કી થઈ હતી. નાઇકને પણ 28 તારીખે દિલ્હીમાં હાજર રહેવા અને શરીફની મુલાકાતની તૈયારી કરવા ભારતીય પક્ષે જણાવ્યું હતું તેવો દાવો પુસ્તકમાં કરાયો છે.

જોકે અચાનક દિલ્હીમાં હવામાન બદલાયું અને શરીફના પ્રવાસની આગલી રાત્રે દસ વાગ્યે મેસેજ આવ્યો કે શરીફને દિલ્હીમાં રોકાણ કરવાનું આમંત્રણ ભારતીય વડાપ્રધાન વાજપેયી આપશે નહીં. તેના બદલે સ્પષ્ટ માગણી કરાઇ હતી કે કારગિલમાંથી તમારી સેના હટાવી લો તે પછી જ દ્વિપક્ષી વાતચીત થઇ શકે.

પુસ્તકમાં દાવો કરાયો છે કે વાજપેયીએ જાતે શરીફ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે તમારે ભૂલ થતી લાગે છે, મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે તમને હું આમંત્રણ આપીશ. તમે દિલ્હી આવી શકો છો, પણ હું તમને આમંત્રણ આપતો નથી.

પાકિસ્તાની અમલદારો દોડતા થઇ ગયા અને આખી રાતે મથામણ કરતા રહ્યા. તેમણે ભારત વતી ખાનગીમાં મંત્રણા કરનારા આર. કે. મિશ્રા સાથે વાતો કરી અને કહ્યું કે તમે પાકિસ્તાન આવી જાવ. જોકે મિશ્રાએ પણ આ વખતે કહી દીધું કે પોતે પાકિસ્તાન આવી શકે તેમ નથી. પુસ્તકમાં આ બદલાયેલી સ્થિતિ માટે ત્રણ શક્યતાઓ દર્શાવી છે. શરીફના અમલદારોએ ઉતાવળ કરીને ડીલ થઇ ગયાનું ધારી લીધું હતું. બીજું, ભારતે ઇરાદાપૂર્વક પાકિસ્તાનને ગેરમાર્ગે દોર્યું હતું. ત્રીજી શક્યતા વ્યક્ત કરતાં નસીમે લખ્યું છે કે વાજપેયી પર સરકારમાં રહેલા બીજા મજબૂત જૂથનું દબાણ હતું.

જોકે વધારે તાર્કિક વાત એ જ છે કે ભારત પોતાનો હાથ મજબૂત હોય ત્યારે સમાધાન ન જ કરે. વાજપેયી પણ તે માટે તૈયાર ન થાય. કારગિલમાં ભારત પાકિસ્તાનને ભારે પડી ગયું હતું. બીજું આગળ કહ્યું તેમ સંયમ સાથે ભારતીય સેનાએ કામ લીધું હતું. ભારતે એરફોર્સને કામે લગાવ્યું હોત અને એલઓસી ક્રોસ કરીને બોમ્બમારી કરી હોત તો પાકિસ્તાનીઓનો ખુરદો વળી ગયો હોત. તેના બદલે ભારતે મક્કમતાથી સામનો કર્યો તેના કારણ અમેરિકા કે દુનિયાના બીજા દેશો કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતા.અમેરિકાનું દબાણ કે કહેણ હોત કે ના હોત, મુશર્રફના સૈનિકોએ કારગિલમાંથી ભૂંડા હાલે ભાગવાનું જ હતું. પરંતુ છેલ્લી ઘડીના બનાવોના કારણે સેનાને અને લુચ્ચા મુશર્રફને મોકો મળી ગયો હતો અને આખી વાતમાં ચૂંટાયેલી સરકારને બદનામ કરી દેવાઈ હતી. બહાદુર પાકિસ્તાની સેના કાશ્મીરને મુખ્ત કરાવવા માગે છે, પણ મૂરખ પાકિસ્તાની નેતાઓ અમેરિકાના શરણે જઈને સેનાને કામ કરવા દેતા નથી તેવો પ્રચાર આજ સુધી ચાલતો રહ્યો છે.
હવે ફરી પાકિસ્તાનમાં ચૂંટણી છે અને સેનાની મરજીની સરકાર આવે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સેનાને જ ઉઘાડા કરતા પુસ્તકો પાકિસ્તાની લેખકો જ લખી રહ્યા છે. તેના કારણે ચૂંટણીમાં પણ આ મુદ્દાઓ ચગશે તેમ પાકિસ્તાનના જાણકારો કહી રહ્યા છે.