અંગ્રેજોનો એક ઇરાદો જે પાર નહોતો પડ્યો…

ભારતને આઝાદી મળી ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન તરીકે ક્લેમન્ટ એટલી હતા. 1945માં પ્રથમવાર તેમણે લેબર પાર્ટીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર અપાવી હતી. યુદ્ધ પછીની સ્થિતિમાં ઘણા સુધારા તેમણે કરવાના આવ્યા હતા. તેમાં ભારત જેવી કોલોનીને આઝાદ કરી દેવાનો પણ સમાવેશ થતો હતો. વિન્સન્ટન ચર્ચિલ વડા પ્રધાન હતા ત્યારે એટલી ડેપ્યુટી સીએમ બન્યા હતા અને બાદમાં 1951માં તેઓ ફરી હારી ગયા અને ચર્ચિલ વડા પ્રધાન બન્યા હતા. ચર્ચિલનો ભારતદ્વેષ જાણીતો હતો. એટલીને કારણે ભારતને સરળતાથી આઝાદી મળી તેમ ઘણા માને છે.

વિન્સન્ટન ચર્ચિલ

એટલીએ ભારતમાંથી હટી જવાનું નક્કી કર્યું ત્યારે પાછળ શું કરવું તેના ઘણા વિકલ્પો હતા. અંગ્રેજોએ જતાં જતાં કુટિલતા દાખવી હતી અને દેશના ભાગલાં કરાવીને નવા જન્મેલા બંને રાષ્ટ્રો નબળા રહે અને લડતા રહે તેવી બદમાશી કરી હતી. માત્ર હિન્દુ મુસ્લિમના જ ભાગલા નહિ, શક્ય હોય તો ભારતીય ઉપખંડના એકથી વધુ ટુકડા કરી નાખવાની ખોરી દાનત પણ અંગ્રેજોની હતી.

ક્લેમન્ટ એટલી

તેમાં એટલી પણ બાકાત નહોતા અને એટલીને લાગતું હતું કે બંગાળને એક અલગ દેશ તરીકે સ્વતંત્ર કરી દેવો જોઈએ. બંગાળના ભાગલા બહુ વિવાદાસ્પદ બન્યા હતા, પણ હવે દેશ આઝાદ થવાનો હતો ત્યારે હિન્દુ મુસ્લિમ વસતિ પ્રમાણે પણ ભાગલા કરવા જરૂરી બન્યા હતા. પંજાબ પ્રાંતમાં પણ હિન્દુ મુસ્લિમ વસતિ પ્રમાણે ભાગલા કરવા પડે તેમ હતા. પરંતુ બંગાળના ભાગલા ના પડે અને તે અલગ દેશ તરીકે રહે તેવી હલચલ તે વખતે થઈ હતી.

તે વાત સાવ અજાણી નથી, પણ એટલીને પોતાને પણ તેમાં રસ હતો, તેવું હાલમાં જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજોમાં બહાર આવ્યું છે. હાલમાં ડિક્લાસીફાઈ થયેલા દસ્તાવેજો અનુસાર બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ બીજી જૂન 1947ના રોજ અમેરિકાના રાજદૂતને એવું કહ્યું હતું કે ભારતના ભાગલા પડે અને પાકિસ્તાન અલગ થાય ત્યારે બંગાળ તે બંનેથી કદાચ અલગ રાષ્ટ્ર બનવાનું પણ પસંદ કરી શકે છે. હિન્દુ અને મુસ્લિમ બંને બંગાળીઓ અલગ દેશની રચના કરવા માટે વિચારશે તેવી શક્યતા ક્લેમન્ટ એટલી વિચારી રહ્યા હતા. પંજાબના ભાગલા કરવા જ પડશે, પણ એવું લાગે છે કે બંગાળ કદાચ ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે – એવા મતલબની વાત એટલીએ અમેરિકન રાજદૂતને જણાવી હતી.

1946માં કેબિનેટ મિશન પ્લાન તૈયાર થયો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે દેશના ભાગલા કરવા પડશે. અંગ્રેજો હવે ભારતમાં રહેવા માગતા નહોતા, પણ જતાં જતાં આગ ચાંપીને જવા માગતા હતા. કેબિનેટ મિશન પ્લાન પ્રમાણે ભારતમાં નબળી કેન્દ્ર સરકાર બનતી હતી. તેના કારણે જુદા જુદા રજવાડા સ્વતંત્ર થઈ જાય તેવો ભય હતો, તેથી કોંગ્રેસ વધારે મજબૂત કેન્દ્ર સરકાર ઈચ્છતું હતું. ભાગલા ભલે થઈ જાય, પણ મજબૂત કેન્દ્ર સરકાર સાથે બાકીના દેશને એક કરવાની ગણતરી કોંગ્રેસની હતી.

પંજાબમાં જેમ હિન્દુ અને મુસ્લિમ બંનેને લાગ્યું કે પોતાના હિતો જોખમાશે, તેમ બંગાળમાં પણ હિન્દુઓ અને મુસ્લિમો વિચારવામાં પડ્યા હતા. હાલમાં જે બાંગલાદેશ છે, તે આસામ અને ઈશાન ભારતની પહાડી તરફનો ભાગ મુસ્લિમ બહુમતી ધરાવતો હતો. બિહાર અને ઓડિશાને અડીને આવેલો પશ્ચિમનો ભાગ હિન્દુ વસતિ વધારે ધરાવતો હતો. સમગ્ર રીતે બંગાળની ગણતરી થાય તો હિન્દુઓ લઘુમતીમાં આવી જતા હતા. 1937માં પ્રાંત સરકારની રચના થઈ ત્યારે જ હિન્દુઓને ખ્યાલ આવી ગયો કે ચૂંટણીમાં તેમનો ગજ વાગશે નહિ. સુહરાવર્દીની સરકાર બની ગઈ હતી અને ભાગલા વખતે મુસ્લિમોની ગુંડાગીરીને સુહરાવર્દીની સરકારે ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. બંગાળ સંયુક્ત રાખવામાં આવે તો કાયમ માટે હિન્દુઓએ મુસ્લિમ શાસકોની નીચે રહેવું પડે અને મુસ્લિમ ગુંડાઓનો ભય સતત ઝળુંબતો રહે.

સુહરાવર્દી

પણ નવાઈની વાત એ છે કે તે વખતે કેટલાક બંગાળી હિન્દુ જૂથો પણ સંયુક્ત બંગાળ માટે તરફેણ કરતા હતા. તેમાં એક જાણીતું નામ છે સરત ચંદ્ર બોઝનું. સુહરાવર્દીને કોલકાતા અને તેનો ઉદ્યોગો અને તેની તગડી કમાણી ગુમાવવી નહોતી. એટલે તેમની દાનત અલગ બંગાળ દેશ બનાવવાની હતી. અંગ્રેજોએ પણ તક જોઈને તેમાં તેલ પૂર્યું હતું. જોકે કોલકાતા સહિતના મહત્ત્વના શહેરોમાં ઉદ્યોગો અને વેપાર પર કબજો ધરાવતા મારવાડી શેઠીયાઓ મુસ્લિમ શાસન અને ગુંડાઓનો ભય પારખી ગયા હતા. તેથી તેમણે કોંગ્રેસ પર દબાણ રાખ્યું હતું કે પંજાબની જેમ બંગાળના પણ ભાગલા જ કરાવવા. હિન્દુ બહુમતીવાળો વિસ્તાર ભારતમાં રાખવો જોઈએ તેવું મારવાડી ઉદ્યોગપતિઓ માનતા હતા.

આમ છતાં સુહરાવર્દીની દાનત હજીય અંગ્રેજોનો સાથ લઈને અલગ બંગાળ બનાવવાની હતી. તેમણે દિલ્હીમાં એપ્રિલ 1947માં પત્રકાર પરિષદમાં એવું નિવેદન આપ્યું હતું કે બંગાળ એક રહી શકે છે અને એક સ્વતંત્ર રાષ્ટ્ર બની શકે છે. તેમણે એવું ચિત્ર દોર્યું હતું કે આવું અલગ બંગાળી રાષ્ટ્ર ખૂબ સમૃદ્ધ હશે, કેમ કે તેની પાસે કોલકાતા જેવું ઔદ્યોગિક શહેર હશે. ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓને કારણે કૃષિમાં પણ તે આગળ રહેશે અને એક શક્તિશાળી અને સમૃદ્ધ દેશ બનશે એમ તેમનું કહેવું હતું.

તે વખતના ડાબેરી તત્ત્વો અને મુસ્લિમ લીગમાં રહેલા ડાબેરી નેતાઓ પણ એવું માનતા હતા કે સ્વતંત્ર બંગાળ બનશે તો બહારના લોકોનું શોષણ બંધ થશે. ટૂંકી બુદ્ધિના કેટલાક ડાબેરીઓ એમ માનતા હતા કે અંગ્રેજો નહિ, પણ શોષણ તો બંગાળમાં બહારથી આવેલા બિનબંગાળી મૂડીવાદીઓ કરે છે. સ્વતંત્ર બંગાળમાં અંગ્રેજોના આ પીઠ્ઠુઓને કાબૂમાં રાખી શકાશે. કોલકાતામાં અંગ્રેજોની કંપનીઓના આર્થિક હિતો પણ હતા. એટલે અંગ્રેજોની દાનત પણ હતી કે બંગાળ સ્વતંત્ર રહે તો કોલકાતામાં તેમનો દબદબો રહેશે. ભારતના ટુકડા કરીને બરબાદ કરી દેવાની કપટી યોજના લઈને આવેલા માઉન્ટબેટને મે 1947માં સુહરાવર્દીના નિવેદનનો આધાર લઈને બ્રિટિશ સરકારને જણાવ્યું હતું કે બંગાળને અલગ રાખવાનો વિચાર કરી શકાય છે. બીજા બધા પ્રાંતોએ ભારત અને પાકિસ્તાનમાં પોતાની મરજી પ્રમાણે ભળી જવાનું, પણ બંગાળને વિકલ્પ આપવો કે તે સ્વતંત્ર થાય. એટલીએ આ વિકલ્પની ચર્ચા 23 મેના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં પણ કરી હતી તેમ જાહેર થયેલા દસ્તાવેજો જણાવે છે

દરમિયાન સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ સરતચંદ્ર બોઝ પણ સ્વતંત્ર બંગાળની વાતને સમર્થન આપવા લાગ્યા હતા. સુહરાવર્દી સાથે બોઝની બેઠક મળી હતી અને બંનેએ 20 મે, 1947ના રોજ સ્વતંત્ર બંગાળ માટેના મુસદ્દા પર વિચારણા કરી હતી. આ મુસદ્દા પ્રમાણે હિન્દુ અને મુસ્લિમ બધાને મતાધિકાર આપવાનો હતો. સરકારમાં હિન્દુ અને મુસ્લિમોને સરખા પ્રમાણમાં પ્રધાનપદાં મળે તેવું પણ નક્કી થયું હતું. જોકે મુખ્ય પ્રધાન મુસ્લિમ રહે અને ગૃહ પ્રધાન હિન્દુ રહે તેવું નક્કી થયું હતું. આ ઉપરાંત સેનામાં અને પોલીસમાં હિન્દુ અને મુસ્લિમોની સંખ્યા એકસમાન રાખવાનું સુહરાવર્દી અને બોઝે નક્કી કર્યું હતું. ભારતના ભાગલાની યોજના જાહેર થવાની હતી, તેના 10 દિવસ પહેલાં બંને નેતાઓએ આ યોજનાને જાહેર કરી હતી.

સરતચંદ્ર બોઝ

કોંગ્રેસ માટે કોલકાતા અને હિન્દુ વસતિવાળું બંગાળ જતું કરવું મુશ્કેલ હતું, પણ મોહમ્મદ અલી ઝીણાને બહુ પરવા નહોતી. બંગાળનો ટુકડો બહુ દૂર રહેવાનો હતો અને તેમાં કોલકાતા સિવાયના પછાત અને ગ્રામીણ વિસ્તારો જ વધારે રહેવાના હતા. આ પ્રદેશમાં પણ બંગાળી બોલનારા મુસ્લિમો વધારે હતા. ઉર્દૂ બોલનારા મુસ્લિમો તેમનાથી જુદી રીતે વિચારતા હતા. તેમને ઇસ્લામી રાજ્ય પાકિસ્તાનમાં વધારે રસ હતો. ઉર્દૂ બોલનારા મુસ્લિમો બંગાળ અખંડ રહે, પણ અલગ નહિ પાકિસ્તાન સાથે જોડાઇ જાય તેમ ઇચ્છતા હતા. બંગાળની મુસ્લિમ લીગમાં આ વિશે વિચાર થયો હતો, ત્યારે છમાંથી ચાર સભ્યોએ બંગાળ પાકિસ્તાનથી અલગ થઈ જાય તે વાતને નકારી હતી.

બંગાળી બોલતા મુસ્લિમોને જોરે પોતાનું અલગ જ રાષ્ટ્ર હોય તેમાં રસ પડ્યો હતો. ખાસ કરીને કોલકાતામાં રહેતા અને પશ્ચિમ તરફના વિસ્તારોમાં હિન્દુઓ વચ્ચે રહેતા મુસ્લિમોને સ્વતંત્ર બંગાળમાં રસ હતો. સ્વતંત્ર બંગાળમાં મુસ્લિમ શાસન રહેવાનું હતું તેની લાલચ હતી. પૂર્વ તરફ રહેતા અને ઉર્દૂ બોલતા મુસ્લિમોને હિન્દુ લઘુમતીઓની બહુ પરવા નહોતી. તેમને સ્વતંત્ર રહેવા કરતાં ઇસ્લામી રાજ્ય પાકિસ્તાનનો હિસ્સો બનવાનું ઝનૂન વધારે હતું.

ગાંધીજીએ બંગાળના ભાગલા ના થાય તેવી વાત કરી હતી, પણ કોંગ્રેસ કારોબારીએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. સરતચંદ્ર બોઝની વાતને ટેકો કેમ આપો છો એવી ટીકા કોંગ્રેસના નેતાઓએ કરી હતી. નહેરુ અને સરદાર બંને પણ બંગાળ અલગ થઈ જાય તે સ્વીકારી શકે તેમ નહોતા. તેથી ગાંધીજીએ આ વાતમાં માથું મારવાનું ટાળ્યું હતું. 27 મેના રોજ નહેરુએ સ્પષ્ટતા કરી દીધી હતી કે બંગાળના ભાગલા ના થાય અને અખંડ રહે તે સ્વીકાર્ય છે, પણ તેને સ્વતંત્રતા આપી શકાય નહિ. અખંડ બંગાળે ભારતનો હિસ્સો બનવું પડે એમ નહેરુએ કહ્યું હતું.

હવે માઉન્ટબેટનને લાગ્યું કે દાવ ઊંઘો પડશે. બંગાળના ભાગલા નહિ થાય અને ભારતમાં જ રહેશે તો ભારતની બંને બાજુ મુસ્લિમ દેશ ઊભા કરીને ગરબડ કરવાની મૂળ ચાલ નક્કામી જશે. તેથી તેમણે વાત પડતી મૂકી અને બંગાળના ભાગલા થાય અને મુસ્લિમ બહુમતીનો હિસ્સો પાકિસ્તાનમાં જાય તેમાં જ અંગ્રેજોને ફાવતું મળતું હતું.

27 મે 1947ના જ રોજ સરતચંદ્ર બોઝે સરદારને પત્ર પણ લખ્યો. તેમણે ફરી દલીલ કરી કે બંગાળને એક રાખવું જરૂરી છે. બોઝનું કહેવું હતું કે ભાગલા પાડવાની માત્ર મધ્યમ વર્ગના કેટલાક લોકો જ કરી રહ્યા છે. મોટા ભાગના હિન્દુઓ પણ અખંડ બંગાળ ઇચ્છે છે. ખાસ કરીને પૂર્વનો હિસ્સો અલગ થશે તો ત્યાં મુસ્લિમો વચ્ચે હિન્દુ લઘુમતીઓની હાલત કફોડી થશે તેવી દલીલ બોઝે કરી હતી. કુલ હિન્દુ બંગાળીમાંથી અડધોઅડધ પૂર્વ વિસ્તારમાં છે તેઓ લટકી પડશે એમ તેમણે લખ્યું હતું. જોકે સરતચંદ્ર બોઝને ટેકો આપનારા બહુ ઓછા હિન્દુ નેતાઓ હતા. હિન્દુ મહાસભાના નેતા એસ. પી. મુખરજીએ સરદારને કહ્યું હતું કે સરતચંદ્ર બોઝને કોઈ નેતા ગણતું નથી. તેઓ એક સભા પણ કરી શકે તેમ નથી એમ તેમણે એક પત્રમાં લખ્યું હતું.

સરદાર અને નહેરુની મક્કમતા પછી માઉન્ટબેટન અને એટલીની દાનત પાર પડી નહોતી. 3 જૂન, 1947ના રોજ ભારતના ભાગલાની યોજનાની જાહેરાત માઉન્ટબેટને કરી હતી. પંજાબની જેમ જ બંગાળના પણ ભાગલા થયા અને એક હિસ્સો પાકિસ્તાન સાથે ગયો. જોકે પાકિસ્તાનથી ભૌગોલિક રીતે દૂર હોવા ઉપરાંત ભાષાથી માંડીને અલગ રીતે બાંગલાદેશની પ્રજા અલગ હતી. ખાસ કરીને ઝીણાએ આઝાદી પછી તરત જ ઢાકામાં સભા કરીને કહ્યું હતું કે સૌએ ફટાફટ ઉર્દૂ શીખી લેવાનું રહેશે. આ પ્રકારની ઉર્દૂની દાદાગીરી, પંજાબી પાકિસ્તાનીઓની દાદાગીરી અને જમાતે ઇસ્લામી જેવી કટ્ટર ઇસ્લામી સંસ્થાઓની રૂઢિચૂસ્તતા સામે બંગાળી ભાષી મુસ્લિમોમાં પ્રથમથી જ રોષ જાગવા લાગ્યો હતો. આગળ જતા 24 વર્ષ બાદ આ વિસ્તારમાં અલગ બંગાળી ભાષી રાષ્ટ્ર બન્યું ખરું, પણ હવે ભાગલા પડવનારા વિદેશી અંગ્રેજો નહોતા, પોતાના જ ધર્મબંધુઓ હતા.