અમેરિકન રાજકારણના લફરાં – મોનિકા લેવિન્સ્કિ પછી પોર્નસ્ટાર સ્ટેફની

ભારતના રાજકારણમાં કોઈ નેતાનું લફરું અને આજના યુગમાં ‘સીડી’ (અને હવે ક્લિપ) બહાર આવે ત્યારે ચર્ચા અને ગોસીપની ભારે ધમાચકડી મચતી હોય છે. જોકે તેનાથી રાજકારણનો પ્રવાહ બદલાઈ જાય કે સરકાર પડી ભાંગે તેવું બન્યું નથી. કેટલાક નેતાઓની કરિયર તેના કારણે ખતમ થઈ ગઈ હોય તેવું બન્યું છે. કેટલાક નેતાના લફરાં એટલા મોડા બહાર આવેલા કે તેમની રાજકીય કરિયર જ પૂરી થઈ ગઈ હતી. એન. ડી. તિવારી રાજ્યપાલ હતા ત્યારે રાજભવનમાં કરેલા રંગરેલિયા બહાર આવ્યા હતા. સાથે જ તેમના સંબંધોના કારણે જન્મેલા બાળકે યુવાન થયા પછી કોર્ટમાં કેસ કરેલો અને જતી જિંદગીએ તિવારીએ સ્વીકારેલું કે તે તેમના પિતા છે.અમેરિકન રાજકારણમાં હાલના સમયમાં આવા બે લફરાં ચર્ચાસ્પદ બન્યા છે. બિલ ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારે વ્હાઇટ હાઉસમાં ઇન્ટરન્ટ તરીકે મોનિકા લેવિન્સ્કિ કામ કરતી હતી. બંને એક બીજાને અમસ્થા અમસ્થા ગમી ગયા હતા. મોનિકા સાથેની મજાનો મામલો બહાર આવ્યો તે પછી ક્લિન્ટન પરિવાર માટે મૂઝવણ થઈ હતી, પણ પરિવાર અકબંધ રહ્યો. દરમિયાન બે મુદત પૂરી થયા પછી બિલે ચૂંટણી લડવાની રહેતી નહોતી. તેમના પત્ની હિલેરી ક્લિન્ટનની મહત્ત્વકાંક્ષાઓ હતી. તેમણે કૌટુંબિક અને રાજકીય બંને કારણોસર પતિનું લફરું ચલાવી લીધું હતું. જોકે હિલેરી જીતી ના શક્યા અને અમેરિકાના પ્રથમ પ્રમુખ ના બની શક્યા.તેઓ હારી ગયા ડૉનાલ્ડ ટ્રમ્પ સામે. એક એવી વ્યક્તિ સામે જે આપણા ધોરણો પ્રમાણે વ્યભિચારી અને બેફામ કહેવાય. અબજપતિ ટ્રમ્પના અનેક લફરાંઓ ચર્ચાતા રહ્યા છે. હિરોઇનો વિશે ગંદી વાતો અને સ્ત્રીઓ વિશેના તેમના નિમ્નસ્તરના નિવેદનોને કારણે તેમની આબરૂ પાંચ પૈસાની પણ ના ગણાય, પણ તેઓ પ્રમુખ તરીકે જીતી ગયા તે પણ રાજકારણનું અચરજ છે. હિલેરી ક્લિન્ટને પતંગિયા જેવા પતિને માફ કરીને કૌટુંબિક ગૌરવને જાળવ્યું, પણ તેઓ જીતી શક્યા નહીં. આબરૂની ઐસીતૈસી કરનારા ટ્રમ્પ જીતી ગયાં.

ટ્રમ્પના મામલામાં તેમણે લફરાં કર્યા તેની બહુ ચર્ચા નથી કે અમેરિકનોને તેની બહુ ચિંતા પણ નથી. પરંતુ તેમણે પોતાનું લફરું છુપાવવા માટે એક પોર્નસ્ટારને (તેમણે નહી પણ તેમના વકીલે) પૈસા ચૂકવ્યા હતા તેના કારણે વધારે મોટો વિવાદ થયો છે. આ પણ રાજકારણની એક અચરજ નહીં, અનોખું પાસું ગણાવું જોઈએ. ચૂંટણી દરમિયાન ચૂંટણી ભંડોળનો અને નાણાંનો કેવો ઉપયોગ થાય છે તેની ચિંતા અમેરિકન લોકતંત્રમાં વધારે થાય છે.
ભારતમાં ચૂંટણી ભંડોળ અને ચૂંટણી પાછળ થતો અઢળખ ખર્ચો બહુ મોટી ચિંતાની બાબત છે, ત્યારે અમેરિકામાં ચૂંટણી ભંડોળ, ચૂંટણી દરમિયાન વપરાયેલા પૈસાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પની હજી પણ ટીકા થઈ રહી છે. આવી ચિંતા થતી જોઈન આપને લાગે કે અમેરિકાનું તંત્ર બહુ જાગૃત લાગે છે. જાગૃત ખરું, પણ તંત્રની મર્યાદા અમેરિકામાં પણ છે. ટ્રમ્પ હમણાં બીજી મુદત માટે ચૂંટણી લડવા તૈયાર થઈ જશે, ત્યારે પ્રથમ ચૂંટણીના ખર્ચના મામલે હજી પણ કંઈ ઉકેલ આવ્યો નહિ હોય. અમેરિકાનું ચૂંટણી તંત્ર પણ બહુ ધીમું અને ઢિલું છે એવી ફરિયાદ અમેરિકામાં પણ છે.

વાત એમ છે કે ટ્રમ્પે બીજા લગ્ન કર્યા તેના એક વર્ષ પછી પોર્નસ્ટાર સ્ટેફની ક્લિફોર્ડ સાથે મુલાકાત થઈ હતી. સ્ટેફની સ્ટોર્મી ડેનિયલ્સ તરીકે વધારે જાણીતી હતી. 2006માં ડોનાલ્ડ ટ્રમ્પ રંગીન મીજાજી કરોડપતિ તરીકે હિરોઈનોની પાછળ ફરતા રહેતા હતા. તે વખતે સ્ટેફની સાથે તેમના સંબંધો બંધાયા હતા. ઠીક છે હવે – એવું બધાનું રિએક્શન છે, પણ ચૂંટણી લડવાની વાત આવી ત્યારે સ્ટેફની પત્રકારને મુલાકાતો ના આપે અને મૌન રહે તે માટે સારા એવા નાણાં તેને ચૂકવાયા હતા. સૌને વાંધો એ પડ્યો છે કે ટ્રમ્પના વકીલે ચૂંટણી દરમિયાન નાણાંનો ગેરવહીવટ કર્યો. ચૂંટણી લડવા માટે ફંડ એકઠું કરવામાં આવે તેમાં પક્ષના કાર્યકરો અને ટેકેદારો સહિત અનેકે ફાળો આપ્યો હોય. તેના એકેએક ડૉલરનો હિસાબ આપવો જરૂરી છે. ટ્રમ્પના મિત્ર અને વકીલ માઇકલ કોહેને કબૂલવું પડ્યું છે કે તેમણે સ્ટેફનની 1,30,000 ડૉલર આપ્યા હતા. તેમનો બચાવ એ છે કે પૈસા ચૂંટણી ભંડોળમાંથી નથી આપ્યા. પૈસા ટ્રમ્પે પણ નથી આપ્યા, પણ ટ્રમ્પના હિતેચ્છુ તરીકે તેમણે પોતે ખર્ચ્યા છે.

આમ છતાં વિરોધીઓ વાતનો તંત મૂકવા માગતા નથી. મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, કેમ કે ચૂંટણી દરમિયાન પ્રમુખ દ્વારા કે તેમના ટેકેદારો નાણાંનો જે પણ વહીવટ થાય તેનાથી જો ચૂંટણીની પ્રક્રિયા પર અસર થતી હોય તો તે ગેરકાયદે છે. 2015માં આ ભાંડો ફૂટી ગયો હતો. અખબારોમાં અહેવાલો છપાયા કે કઈ રીતે માઇકલ કોહેને અમેરિકન મિડિયા ઇન્કોર્પોરેટડ (એએમઆઇ)ના માધ્યમથી પેઇડ ન્યૂઝ જેવું કામ કર્યું હતું. માઇકલ કોહેને એએમઆઇને મધ્યસ્થી તરીકે રાખીને અનેક અખબારો, પત્રકારો, મીડિયાને ભંડોળ પહોંચાડ્યું હતું, જેથી ટ્રમ્પનો ભૂતકાળ બહુ ઉખેળવામાં ના આવે. ટ્રમ્પ વિશેની નેગેટિવ સ્ટોરીઓ આવે તેને સંભાળી લેવાનું કામ એએમઆઇને સોંપાયું હતું. કોહેન તેનો નાણાકીય વહીવટ કરતા હતા, કેમ કે ટ્રમ્પના ફિક્સર તરીકે તેઓ આમ પણ બદનામ થયેલા હતા. ખણખોદ કરીને પત્રકારોએ જ શોધી કાઢ્યું છે કે એક નહિ બે યુવતીઓને પૈસા ચૂકવાયા હતા. પ્લેબૉય મેગેઝીનની મોડેલ કેરન મેકડોગલ અને સ્ટેફની બંને મુલાકાતો ના આપે તે માટે તેમને પૈસા ચૂકવાયા હતા. કેરનને પણ સવા લાખ ડૉલર આપ્યા હતાં.

આખો કિસ્સો હવે કોર્ટેમાં પહોંચ્યો છે. વિવાદ વધ્યા પછી ટ્રમ્પે પણ સ્વીકારવું પડ્યું હતું કે કોહેને તેમના વતી પૈસા ચૂકવ્યા હતા. જોકે તેમના સાથી, ન્યૂ યોર્કના મેયર અને ટ્રમ્પ માટે અંગત વકીલ તરીકે કામ કરનારા રુડી ગિલિયાનીએ પણ બચાવ કરવાની કોશિશ કરી હતી કે કોહેને કેવી રીતે સ્ટેફનીને ચૂપ કરી તેની વિગતો ટ્રમ્પ પાસે નહોતી. કોહેનને પોતાની રીતે સ્ટેફનની મનાવી એટલી જ તેમને ખબર હતી.આવા ખુલાસ છતાંય વિવાદ શમ્યો નથી અને આ વિશે કોર્ટમાં ફરિયાદ થઈ છે. ગયા અઠવાડિયે જ માઇકલ કોહેને તેમની સામે મૂકાયેલા આરોપોમાંથી આઠમાં કબૂલાત કરી લેવી પડી છે. કોહેને કબૂલેલા આરોપોમાં ચૂંટણી ફંડના દુરુપયોગનો પણ આરોપ છે. કોહેને કબૂલ કર્યું કે એક મિડિયા કંપનીની મદદ લઈને તેમણે ઉમેદવાર વતી કામ કર્યું હતું. તેમની કોશિશ હતી કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કશું ના બોલી જાય કે ઉમેદવારને નુકસાન થાય. કોહેને એવું પણ કબૂલ્યું કે ઉમેદવારની જાણ સાથે તેમણે બીજી એક વ્યક્તિ (કેરન)ને પણ પેમેન્ટ કર્યું હતું. તેની પાસે રહેલી નુકસાન કરે તેવી વિગતો તે જાહેર ના કરે તે માટે પેમેન્ટ થયાની કોહેનની કબૂલાત ટ્રમ્પને કાયદાકીય રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે.

કાયદાકીય રીતે ભીંસમાં આવ્યા પછી કોહેન હવે ટ્રમ્પ પર દબાણ આવે તેવી કોશિશ કરી રહ્યા છે. કોહેનના વકીલ લેની ડેવિસે એવું પોસ્ટ કર્યું છે કે માઇકલ કોહેન જો ગુનેગાર ગણાય તો ડોનાલ્ડ ટ્રમ્પ પણ કેમ નહિ? કોહેને કોર્ટમાં સોગંદનામા સાથે કબૂલ્યું છે કે બે મહિલાઓને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નાણાં ચૂકવ્યા છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણીની પ્રક્રિયાને અસર કરવાનો છે. જો કોહેન આ માટે ગુનેગાર હોય તો ડોલાન્ડ ટ્રમ્પ કેમ નહિ?
કોહેનના આ વકીલનો પ્રશ્ન બીજા લોકો પણ અમેરિકામાં પૂછતા થયા છે. જોકે ટ્રમ્પ પ્રમુખપદે છે ત્યાં સુધી તેમની સામે કાયદાકીય કાર્યવાહી નહિ થાય, પણ આ મુદ્દાને કારણે તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી થાય તેવી શક્યતા છે. ટ્રમ્પ પ્રમુખ તરીકે જીતીને આવ્યા પછી અમેરિકામાં બહુ નારાજગી દેખાઈ રહી છે. અનેક લોકો કહી રહ્યા છે કે આવા તે કેવા પ્રમુખ જીતીને આવી ગયા. હવે કહે છે કે હટાવો તેમને. જોકે અમેરિકામાં પ્રમુખને હટાવવા સહેલા નથી. પ્રમુખ સામે ઇમ્પિચમેન્ટ એટલે કે તેમને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે, પણ તે અઘરી હોય છે. બીજું વિપક્ષ પાસે બહુમતી પણ નથી કે કાર્યવાહી કરી શકે. ઇમ્પિચમેન્ટ થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પણ પોતાની અદા મુજબ ટ્રમ્પે કહી દીધું કે મારી સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી થશે તો અમેરિકાનું શેરબજાર તૂટી પડશે.

પ્રમુખ બનવા સાથે જ ઇમિગ્રેશનમાં ફેરફારો, અમેરિકન ઉદ્યોગોને ગમતા વીઝા પર પ્રતિબંધો, ચીન સામે વેપાર પર પ્રતિબંધો સહિતના પગલાં લઈને ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ઉદ્યોગપતિઓને પરેશાન કરી જ રહ્યા છે. હવે તેમણે શેરબજાર તૂટી પડશે અને મંદી આવશે તેવી વાત કરીને ફરી સૌને ચોંકાવ્યા છે. મોટા ભાગના જાણકારો માને છે કે ટ્રમ્પના કારણે બજાર તૂટી પડે નહિ, પણ તેમની શેખી મારવાની આ સ્ટાઇલ ચર્ચામાં છે. ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી જ વિવાદો શરૂ થયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યભિચાર અને ગંદી કોમેન્ટો જેવી રંગીન ગોસીપથી માંડીને રશિયાની દખલગીરી જેવા ગંભીર વિવાદો પણ થતા રહ્યા. હવે પોર્નસ્ટાર સાથે સંબંધો અને તેમને પેમેન્ટથી માંડીને શેરબજાર તૂટી પડવાની ચર્ચા ટ્રમ્પે જગાવી છે. અમેરિકન રાજકારણમાં આજકાલ જબરો ડ્રામા ચાલી રહ્યો છે, પણ તેમાં પોર્નસ્ટારની ભૂમિકા આપણી કલ્પના પ્રમાણેની નથી. પોર્નસ્ટારના લફરાં કરતાં, તેમને પેમેન્ટ આપીને ચૂંટણીમાં નાણાંનો ગેરવહીવટ કેમ થયો તેની ચિંતા સૌને વધારે છે. ભારતમાં ચૂંટણી ભંડોળની આવી કોઈ ચર્ચા થાય તો શું થાય?